જેમના માટે મુસ્લિમમાંથી હિંદુ થયો તે પત્નીએ અંતે માબાપને પસંદ કર્યાં
- આલોક પ્રકાશ પુતુલ
- રાયપુરથી બીબીસી માટે

ઇમેજ સ્રોત, CG KHABAR
છત્તીસગઢના ખૂબ જ ચર્ચિત ઇબ્રાહિમ ઉર્ફે આર્યન આર્ય કેસમાં સુપ્રીમ કોર્ટે ઇબ્રાહિમના પત્ની અંજલી જૈનને ઇચ્છા મુજબ પોતાના માતાપિતા સાથે રહેવાની પરવાનગી આપતો ચુકાદો આપ્યો છે.
ઇબ્રાહિમ સિદ્દીકીનું કહેવું છે કે તેમણે અંજલી સાથે લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરીને પોતાનું નામ આર્યન આર્ય રાખ્યું હતું.
મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની બૅન્ચે લગ્ન અંગે અંજલિ જૈનની પૂછપરછ કરી હતી.
જે બાદ અંજલિને પોતાની ઇચ્છા મુજબ માબાપ સાથે રહેવાની પરવાનગી આપી છે.
કેરળના 'હાદિયા' કેસ જેવા આ બનાવમાં ઇબ્રાહિમ સિદ્દીકી ઉર્ફે આર્યન આર્યએ છત્તીસગઢ હાઈકોર્ટના ચુકાદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
તેમનું કહેવું હતું કે તેમની પુખ્ત પત્ની અંજલિ જૈનની ઇચ્છા હોવા છતાં પણ હાઈકોર્ટે તેમને હૉસ્ટેલમાં અથવા તો માતાપિતા સાથે રહેવાનો ચુકાદો આપ્યો હતો જે ન્યાયિક ન હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
આ કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે છત્તીસગઢ પોલીસને 27મી ઑગસ્ટે અંજલિ જૈનને અદાલતમાં હાજર કરવાનો આદેશ કર્યો હતો.
સોમવારે અદાલતની સુનાવણી બાદ ઇબ્રાહિમ સિદ્દીકી ઉર્ફે આર્યન આર્યના વકીલે કહ્યું હતું, " અદાલતે તેમના પરિવારજનોને કોર્ટની બહાર મોકલીને પૂછપરછ કરી હતી કે તેઓ પતિ સાથે રહેવા માંગે છે કે માતાપિતા સાથે રહેવા માંગે છે. જેમાં અંજલિ જૈને પોતાનાં માતાપિતા સાથે રહેવાની ઇચ્છા દર્શાવી હતી."
ઇમેજ સ્રોત, IBRAHIM
ઇબ્રાહિમ સિદ્દીકીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમને આ ચુકાદાની આશા ન હતી.
તેમણે કહ્યું, "મે પત્ની અંજલિના કહેવાથી જ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી."
"જોકે, અંજલિએ કયા કારણોસર પોતાના માતાપિતા સાથે રહેવાનો નિર્ણય લીધો છે તે સમજવું મારા માટે મુશ્કેલ છે."
ઘટના શું છે?
ઇમેજ સ્રોત, CG KHABAR
છત્તીસગઢના ધમતરીના રહેવાસી 33 વર્ષના મોહમ્મદ ઇબ્રાહિમ સિદ્દીકી અને 23 વર્ષીય અંજલિ જૈને બે વર્ષની ઓળખાણ બાદ 25 ફેબ્રુઆરી 2018ના રોજ રાયપુરના આર્ય મંદિરમાં લગ્ન કર્યાં હતાં.
ઇબ્રાહિમનો દાવો છે કે તેમણે લગ્ન પહેલાં હિંદુ ધર્મ અપનાવ્યો હતો અને ત્યારબાદ પોતાનું નામ આર્ય રાખ્યું હતું.
આર્યને કહ્યું "મારી પત્નીના પરિવારજનોને લગ્નની જાણ થઈ કે તુરંત જ તેને ઘરમાં કેદ કરી દીધી હતી."
"મે ખૂબ જ પ્રયાસો કર્યા પરંતુ અંજલિ સાથે મારી મુલાકાત થઈ શકી નહીં."
ત્યારબાદ ઇબ્રાહિમે છત્તીસગઢ હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસની ફરિયાદ દાખલ કરી પોતાની પત્નીને પરત મેળવવાની અપીલ કરી હતી.
જોકે, છત્તીસગઢ હાઇકોર્ટ દ્વારા અંજલિ જૈનને વિચારવાનો સમય આપવામાં આવ્યો હતો.
તેમને માતાપિતા અથવા તો હૉસ્ટેલમાં રહેવાનો આદેશ કરતા ઇબ્રાહિમની અપીલને રદ્દ કરી નાંખી હતી.
અંજલિ જૈને માતાપિતાને બદલે હૉસ્ટેલમાં રહેવાનું પસંદ કર્યું હતું.
ત્યારબાદ ઇબ્રાહિમે હાઈકોર્ટના ચુકાદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો