મેજર ગોગોઈ પર કોર્ટ માર્શલ કાશ્મીર માટે કેમ ખાસ છે?

  • મસૂદ હુસૈન
  • બીબીસી ગુજરાતી માટે
રાષ્ટ્રીય રાઈફલ્સના મેજર નીતિન લીતુલ ગોગોઈ

ઇમેજ સ્રોત, Twitter

ઇમેજ કૅપ્શન,

રાષ્ટ્રીય રાઇફલ્સના મેજર નીતિન લીતુલ ગોગોઈ

'સ્થાનિક લોકો સાથે દોસ્તી કરવા' બદલ અને 'કાર્યક્ષેત્રમાં ફરજ પરની જગ્યા પરથી દૂર હોવાને' કારણે દોષિત ગણવામાં આવેલા મેજર રૅન્કના અધિકારી નીતિન લીતુલ ગોગોઈએ આખરે કોર્ટ માર્શલનો સામનો કરવો પડશે.

આ નિર્ણય ભારતીય સૈન્યના વડા જનરલ બિપીન રાવતની પ્રતિબદ્ધતા અનુસારનો નિર્ણય છે.

જનરલ રાવતે જાહેર કર્યું હતું કે (ગોગોઈ) 'કસૂરવાર પૂરવાર થશે' તો તેમને 'દાખલારૂપ' સજા કરવામાં આવશે.

એપ્રિલ-2017 અને મે-2018 વચ્ચેના 14 મહિનામાં નીતિન ગોગોઈ બે વખત અખબારોમાં પહેલા પાને ચમક્યા હતા અને કાશ્મીર બહાર લશ્કર સિવાયની બાબતો માટે ચર્ચાતા થયા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

બન્ને ઘટનાઓ અપ્રિય અને આઘાતજનક હતી. પહેલી ઘટનામાં તેમણે તેમની સલામતી માટે એક ગરીબ પુરુષના શરીરનો ઉપયોગ કર્યો હતો.

બીજી ઘટનામાં તેમને અંગત આનંદ માટે એક ગરીબ છોકરીના દેહ સાથે છેડછાડ કરતા અટકાવવામાં આવ્યા હતા.

શક્તિશાળી આર્મ્ડ ફોર્સીસ (સ્પેશ્યલ પાવર્સ) એક્ટ સૈનિકોને રક્ષણ આપતો હોવા છતાં આ બન્ને ઘટના કાયદા, માનવતા, નૈતિક મૂલ્યો તથા નાગરિકો સાથેના સૈનિકોના વ્યવહારની વિરોધી હોવાનું જણાવીને કાશ્મીરે તેનો જોરદાર વિરોધ કર્યો હતો.

લશ્કરી વડા દ્વારા પ્રશંસા અને તેમની ટીકા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ભારતીય સૈન્યના વડા જનરલ બિપીન રાવત

ફારુક અહમદ ડારનો ઉપયોગ માનવ કવચ તરીકે કરવા બદલ ગોગોઈને હીરો ગણવામાં આવ્યા હતા.

બહાદુરી, સમયસૂચકતા દાખવવા અને કલ્પનાશીલ પગલું લેવા બદલ ગોગોઈ મીડિયા, રાજકારણ તથા સશસ્ત્ર દળોના શક્તિશાળી વર્ગમાં તત્કાળ લોકપ્રિય બની ગયા હતા એટલું જ નહીં, બિપીન રાવતે તેમની પ્રશંસા કરતો પત્ર પણ લખ્યો હતો.

બોલીવૂડના એક નિર્માતાએ એ ઘટનાને કેન્દ્રમાં રાખીને તેમની ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું.

રસપ્રદ વાત એ છે કે તેમણે ડારની ભૂમિકા ભજવવા માટે કાશ્મીરના 'એકસ્ટ્રા' આર્ટિસ્ટ્સને લીધા હતા, જેથી ઓછા ખર્ચે ફિલ્મ બનાવી શકાય.

ગોગોઈના કૃત્યનો વિરોધ કરનારા લોકો બહુ ઓછા હતા. લેફટનન્ટ જનરલ એચ. એસ. પનાગે ટ્વિટર પર લખ્યું હતું, "પથ્થરમારો કરતી એક વ્યક્તિને માનવ કવચ તરીકે જીપની આગળ બાંધવાનું કૃત્ય ભારતીય સૈન્ય તથા દેશને આજીવન પજવતું રહેશે."

"શાસન આતંકવાદીઓ જેવું લાગવા માંડે એ અમંગળ ભાવિના એંધાણ સમાન છે."

પ્રશંસા પત્ર લખવા બદલ જનરલ બિપીન રાવતની પણ ટીકા કરવામાં આવી હતી.

'સુપરહીરો' ગોગોઈ

ઇમેજ સ્રોત, Twitter

જોકે, આઠ વર્ષ સુધી સિપાહી તરીકે ફરજ બજાવ્યા પછી નિયમાનુસારની પરીક્ષા આપીને ઓફિસર રૅન્ક મેળવનારા ગોગોઈ 'સુપરહીરો' બની ચૂક્યા હતા.

તેઓ તેમની સ્ટાન્ડર્ડ ઑપરેશન્સ પ્રોસિજરને ઊંચા સ્તરે લઈ ગયા હતા અને એક ગરીબ માણસની દીકરી સાથે રાત પસાર કરવા છેક નીચલા સ્તરે ઊતરી આવ્યા હતા. ગોગોઈએ તે છોકરીના ખંડિયેર જેવા ઘરની મુલાકાત પણ અગાઉ લીધી હતી.

પોલીસ સમયસર હોટેલના દરવાજે ન પહોંચી હોત તો ગોગોઈનું કૃત્ય બહાર ન આવવાની શક્યતા નહીંવત હતી.

ઉત્તર કાશ્મીરના અંતરિયાળ બાંદિપોર ગામમાં બન્યું હતું તેમ તેમણે પોતે માનવ કવચ બનવું પડ્યું હોત.

બાંદિપોર ગામમાં સૈનિકોના એક જૂથને સ્થાનિક લોકોએ પકડી પાડ્યું હતું અને તેમને સરઘસ કાઢીને મુખ્ય ગામમાં લાવ્યા બાદ પોલીસને હવાલે કર્યા હતા.

પથ્થરમારો કરતા લોકો સામે કામ પાર પાડવાના ગોગોઈના સાતમી એપ્રિલના 'કલ્પનાશીલ' ઉપાય બાબતે સૈન્યએ પગલાં લીધાં હોત તો તેમના 23 મેના કૃત્યને કારણે સંગઠનને શરમજનક પરિસ્થિતિમાં મુકાતું રોકી શકાયું હોત.

અગાઉ શું થયું હતું?

ઇમેજ સ્રોત, Twitter

ઇમેજ કૅપ્શન,

ફારુક અહમદ ડારને લશ્કરી જીપની સાથે બાંધવામાં આવ્યા હતા

ગોગોઈ હવે કોર્ટ માર્શલનો સામનો કરશે. તેમને થોડી સજા પણ કરવામાં આવશે પણ કાશ્મીરમાં બહુ ઓછા લોકોને ન્યાયની આશા છે.

કેમ કે બળવાખોરી વિરોધી મોટાભાગની કામગીરીમાં ન્યાયસંબંધી પારદર્શકતાનો અભાવ હોય છે.

પથ્રીબલમાં પાંચ નાગરિકોને જીવતા ભૂંજી નાખવાનો કિસ્સો ક્લાસિક છે.

એ પાંચેયને ચિટ્ટીસિંગપોરામાં 35 શીખોના હત્યારા ગણાવીને જીવતા સળગાવી દેવાયા હતા.

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન માર્ચ-2000માં એક રાતે નવી દિલ્હીમાં આવ્યા ત્યારે જ એ ઘટના બની હતી.

એ ઘટનાની તપાસ સીબીઆઈએ કરી હતી અને હત્યા માટે પાંચ સૈનિકોને જવાબદાર ઠરાવ્યા હતા.

એ કેસ બાબતે કોર્ટ માર્શલ થઈ હતી અને લશ્કરી અદાલતે જણાવ્યું હતું, રેકોર્ડ પરના પુરાવાઓથી "એકેય આરોપી સામે પ્રાથમિક દૃષ્ટિએ કેસ બનતો હોવાનું સાબિત થતું નથી."

જે પાંચ લોકોને સળગાવી દેવાયા હતા તેમના પરિવારજનોએ હવે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

માછિલની કૃત્રિમ અથડામણમાં પણ એવું જ થયું હતું. તેમાં ત્રણ યુવાનોને લલચાવીને અંકુશ રેખા નજીકના લશ્કરી વિસ્તારમાં લાવવામાં આવ્યા હતા અને વિદેશી ગણાવીને તેમની હત્યા કરવામાં આવી હતી.

2010ની અશાંતિ વખતે 100થી વધુ નાગરિકો માર્યા ગયા હતા પણ કોર્ટ માર્શલમાં ત્રણની હત્યા માટે છ લશ્કરી કર્મચારીઓને જવાબદાર ઠરાવવામાં આવ્યા હતા.

આરોપીઓને આજીવન કારાવાસની સજા કરવામાં આવ્યાનું સૈન્યએ જણાવ્યાના બે વર્ષ બાદ 2017માં એ કેસને આર્મ્ડ ફોર્સીસ ટ્રિબ્યુનલ(એએફટી)માં લઈ જવામાં આવ્યો હતો. એએફટીએ છ આરોપીઓમાંથી પાંચની સજા સસ્પેન્ડ કરી હતી.

કાશ્મીર માટે ખાસ અર્થ

ઇમેજ કૅપ્શન,

મેજર ગોગોઈએ જેમનો માનવ કવચ તરીકે ઉપયોગ કર્યો હતો તે ફારુક અહમદ ડાર

કોર્ટની કાર્યવાહીની વિગત મેળવવા માટે દિલ્હીસ્થિત કર્મશીલ વેંકટેશ નાયકે આરટીઆઈનો સહારો લીધો હતો.

તેમને જણાવવામાં આવ્યું હતું કે પથ્રીબલ કેસમાં લશ્કરે કોર્ટ માર્શલ હાથ ધરી ન હતી.

પોતાને માહિતી પૂરી પાડવાનો સ્પષ્ટ આદેશ સૈન્યને આપવા તેમણે આરટીઆઈના માળખા મુજબ અપીલ કરી ત્યારે સૈન્ય દિલ્હી હાઈકોર્ટમાં ગયું હતું અને તેણે બન્ને કેસમાં માહિતીના રક્ષણ માટે સ્ટે ઑર્ડર મેળવ્યો હતો.

સ્ટે માગવાનું કારણ જણાવતા સૈન્યએ એવી દલીલ કરી હતી કે માહિતી જાહેર કરવામાં આવશે તો લોકરોષ ફાટી નીકળશે.

ભારતની સલામતી, એકતા તથા અખંડિતતા પર તેનો દુષ્પ્રભાવ પડશે તેમજ માઠા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સૂચિતાર્થો સર્જાશે. એ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરમાં અશાંતિ પણ સર્જાઈ શકે છે.

જોકે, ગોગોઈ કેસનો કાશ્મીર માટે ખાસ અર્થ છે. તેમણે 14 મહિનામાં તેમની બે ઇમેજ સર્જી છે અને તેણે કાશ્મીરને બે મોરચે સ્પષ્ટ પુરાવા આપ્યા છે.

બળવાખોરી વિરોધી કામગીરીમાં સૈનિકો દ્વારા માનવ કવચના ઉપયોગને તેણે સ્થાપિત કર્યો છે.

સંઘર્ષરત સમાજના નિર્બળ વર્ગનું શોષણ ભરપૂર સ્રોતો, પ્રચૂર સત્તા અને બ્લૅકમેઇલનો ઉપયોગ વડે કરતી વ્યવસ્થાનું અસ્તિત્વ હોવાનું હોટેલમાંના તેમના રોકાણે પૂરવાર કર્યું છે.

કાશ્મીર લાંબા સમયથી ન્યાયની માગણી કરી રહ્યું છે. હાલ સામાજિક આગ્રહ ઇતિહાસને કલંકરહિત રાખવા પર હોય તેવું લાગે છે. કોર્ટ માર્શલ આવકારદાયક પગલું છે.

(લેખક 'કાશ્મીર લાઈફ' સાપ્તાહિકના વ્યવસ્થાપક તંત્રી છે. લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો