સિગારેટ પીવાની આદતમાંથી કેવી રીતે છૂટવું?

  • સરોજ સિંહ
  • બીબીસી સંવાદદાતા
સિગરેટ

ઇમેજ સ્રોત, Getty Images

સરકારનું કહેવું છે કે ભારતમાં દર વર્ષે 10 લાખ લોકો સિગારેટ પીવાના કારણે મૃત્યુ પામે છે.

ગ્લોબલ એડલ્ટ ટૉબેકો સર્વે (2016-17) અનુસાર ભારતમાં સિગારેટ પીનારાની સંખ્યા 10 કરોડથી વધુની છે.

આ આંકડાંને ધ્યાનમાં લઈને ભારત સરકારે પહેલી સપ્ટેમ્બરથી સિગારેટના પૅકેટ પર હેલ્પલાઇનનો નંબર આપવાનો નિર્ણય કર્યો છે. નંબર છેઃ 1800-11-2356.

ભારતના આરોગ્ય મંત્રાલયની સૂચના અનુસાર સિગારેટના પૅકેટ પર લખેલું હશે-આજે જ સિગરેટ છોડો, ફોન કરો 1800-11-2356.

નવા પૅકેટમાં ચિત્ર નવું હશે અને નવી ચેતવણી પણ હશે.

હેલ્પલાઇન નંબરની સાથે જ 'તમાકુથી કૅન્સર થઈ શકે છે' અથવા તો 'તમાકુથી આવતું મોત દર્દનાક હોય છે' એવું પણ લખવું જરૂરી ગણાશે.

સિગરેટ પીવાની આદત કેવી રીતે છોડવી?

ઇમેજ સ્રોત, Getty Images

સરકારના આદેશ પછી સૌ સવાલ પૂછવા લાગ્યા છે કે શું પૅકેટ પર હેલ્પલાઇન નંબર લખવાથી લોકો સિગારેટ પીવાનું છોડી દેશે?

જવાબ જાણવા માટે રાષ્ટ્રીય તમાકુ મુક્તિ સેવા કેન્દ્ર પર ફોન કર્યો.

આમ તો 2016થી આ સેવા કેન્દ્ર દિલ્હીમાં કામ કરતું થઈ ગયું છે.

હેલ્પલાઇન પર ફોન કરવાથી પ્રથમ હિન્દીમાં રૅકર્ડ કરેલો અવાજ આવે છે - સિગારેટ છોડવા માટેના આપના નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. અમારા કાઉન્સેલર થોડી જ વારમાં તમારી સાથે વાત કરશે.

જોકે, ઘણીવાર કાઉન્સેલર વ્યસ્ત હોવાથી લાંબો સમય રાહ જોવી પડે છે અને ફોન કટ પણ થઈ જાય છે.

આ રીતે ત્રણવાર અમારા પ્રયાસો નિષ્ફળ ગયા. તે પછી આખરે કાઉન્સેલર સાથે વાત થઈ.

જોકે, મારો મહિલાનો અવાજ સાંભળીને તેને નવાઈ લાગી હતી.

કેમ નવાઈ લાગે તેવું પૂછતા તેમણે જણાવ્યું કે દેશમાં માત્ર ત્રણ ટકા મહિલાઓ જ તમાકુનું સેવન કરે છે.

સિગારેટ છોડાવતી હેલ્પલાઇન પર મોટા ભાગે પુરુષોના જ ફોન આવે છે.

મહિલાઓ ક્યારેક ફોન કરે ખરી પણ તે પોતાના પતિ, ભાઈ કે બીજા સગાની લત છોડાવવા કરતી હોય છે.

તે પછી વાતચીત આગળ ચાલી.

કાઉન્સેલર પહેલાં તમને કેટલાક સવાલો પૂછશે - કેટલા વખતથી ધૂમ્રપાન કરો છો? ક્યારથી આ લત લાગી ગઈ? દિવસમાં કેટલી સિગારેટ પીવો છો?

કાઉન્સેલરના જણાવ્યા અનુસાર આ વિગતો જાણવી જરૂરી હોય છે, કેમ કે તેના આધારે અંદાજ આવે છે કે સિગારેટ છોડાવવી સરળ રહેશે કે મુશ્કેલ બનશે.

આવી વિગતો જાણ્યા પછી કાઉન્સેલર જ પૂછશે - ક્યાં સુધીમાં સિગારેટ છોડી દેશો?

આવું પૂછવા પાછળનો ઇરાદો એ જાણવાનો છે કે તમે વ્યસન છોડવા માટે ખરેખર કેટલા ગંભીર અને તત્પર છો.

ઇમેજ સ્રોત, Getty Images

તે પછી શરૂ થાય છે સિગારેટની લત છોડવાનો ક્લાસ.

પહેલી સલાહ, સવારે ઊઠીને હૂંફાળા બે ગ્લાસ પાણીમાં લિંબુ નીચોવીને પી જાવ. પાણીમાં મધ નાખવું હોય તો નાખી શકાય છે.

બીજી સલાહ, જ્યારે પણ સિગારેટની તલબ લાગે ત્યારે ખુદને જ સમજાવવાનું કે મારે સિગારેટ છોડી દેવાની છે. સિગરેટ છોડવા માટે સૌથી વધારે જરૂરી છે ઇચ્છાશક્તિ.

ત્રીજી સલાહ, ઇચ્છાશક્તિની સાથે સિગરેટ છોડવાની મુદત પણ નક્કી કરી નાખવાની.

ત્યારપછી જ્યારે પણ સિગારેટ પીવાનું મન થાય ત્યારે શાંતિથી એકબાજુ બેસો, ઊંડા શ્વાસ લો અને પાણી પી લો.

આવું કરવાથી તમારું ધ્યાન બીજી તરફ વળશે.

ચોથી સલાહ, આદુ અને આંબલાના ટુકડા કરીને તેને સૂકવી નાખો. તેના પર લિંબુ નીચોવીને મીઠું ભભરાવો. તેને નાનકડી ડબ્બીમાં ભરી લો. ડબ્બી તમારે સાથે જ રાખવાની.

સિગારેટ પીવાની ઇચ્છા થાય ત્યારે તેમાંથી નાનકડો ટુકડો મોંમાં મૂકી દેવાનો.

આ જ રીતે મોસંબી, સંતરા અને દ્રાક્ષ જેવા ફળોનો રસ પીવાથી પણ સિગારેટની તલબ ઓછી લાગશે.

આ રીતે સલાહ આપ્યા પછી કાઉન્સેલર તમારો નંબર લે છે. એક અઠવાડિયા પછી ફોન કરીને તમારી પ્રગતિ જાણતી રહેશે.

હાલમાં આ હેલ્પલાઇન પર રોજના 40-45 કૉલ આવે છે.

અખબારમાં જે દિવસે આ નંબર પ્રગટ થાય ત્યારે વધારે ફોન આવે છે એમ કાઉન્સેલર જણાવે છે.

સવારના આઠથી રાતના આઠ વાગ્યા સુધી ફોનલાઇન ચાલુ હોય છે. હાલમાં આ કેન્દ્રમાં 14 કાઉન્સેલર કામ કરે છે.

સિગારેટની લત છોડવાની કોશિશ કરવામાં આવે ત્યારે પ્રારંભમાં ચીડિયાપણું, ગભરાટ અને અકળામણ થાય છે.

વ્યક્તિને કેટલા લાંબા સમયથી ટેવ છે અને રોજની કેટલી સિગારેટો ફૂંકી મારે છે તેના આધારે આવા લક્ષણો દેખાતા હોય છે.

હેલ્પલાઇન નંબરથી કેટલો ફાયદો?

ઇમેજ સ્રોત, PA

મેક્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કૅન્સરના ચેરમેન ડૉ. હરિત ચતુર્વેદીના જણાવ્યા અનુસાર નવું ચિત્ર અને ચેતવણી છાપવાથી બે પ્રકારના ફાયદા થશે.

પોતાના અનુભવો વિશે બીબીસી સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું, "મેં આજ સુધી એવો માણસ નથી જોયો, જે સિગારેટ છોડવા ના માગતો હોય."

"સિગારેટના પૅકેટ પર જ નંબર લખેલો હોવાથી તેને ખ્યાલ આવશે કે લત છોડવી હોય તો ક્યાં જવું, કોની પાસે વાત કરવી."

"બીજું હજી સિગારેટ પીવાની શરૂઆત જ કરી રહ્યા હોય, તેઓ પ્રથમથી જ સાવધ થઈ જશે."

ડૉ. હરિત ચતુર્વેદીના જણાવ્યા અનુસાર તમાકુની બનાવટો પર હાલના સમયમાં ચેતવણી છપાવાના કારણે તેનો ઉપયોગ કરનારાની સંખ્યા વર્ષોવર્ષ ઘટી રહી છે.

ઓસ્ટ્રેલિયામાં સરકારે 2006માં સિગારેટ પર આવી હેલ્પલાઇન પ્રગટ કરી હતી. આ પ્રયોગ ત્યાં અસરકારક સાબિત થયો હતો.

તેનો અભ્યાસ કરીને 2009માં એક અહેવાલ તૈયાર કરાયો હતો, જેમાં જણાવ્યા અનુસાર પૅકેટ પર નંબર છપાયા બાદ હેલ્પલાઇન પર ફોન કરનારાની સંખ્યા વધી ગઈ હતી.

તેનો અર્થ એ કે પહેલાં લોકોને ખબર નહોતી કે ક્યાં મદદ માટે ફોન કરવો.

દુનિયાના 46 દેશોમાં હાલમાં તમાકુની બનાવટોના પેકેટ પર હેલ્પલાઇન નંબર લખાયેલો હોય છે.

વૉલન્ટ્રીના સીઈઓ ભાવના મુખોપાધ્યાયના જણાવ્યા અનુસાર, "ગ્લૉબલ એડલ્ટ ટૉબેકો સર્વે (2016-17)માં એવી વાત બહાર આવી હતી કે ચિત્ર દ્વારા ચેતવણી છાપવાના કારણે 62 ટકા સિગરેટ પીવાવાળાએ અને 54 ટકા બીડી પીનારાએ તમાકુ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. આ એક મોટી ઉપબલ્ધિ છે."

ડૉ. ચતુર્વેદી કહે છે, "એક મહિના સુધી સિગારેટ પીવાનું છુટી જાય તો ફરી આદત લાગવાની શક્યતા ઘટી જાય છે."

"જો છ મહિના સુધી સિગારેટને હાથ પણ ના લગાડે તો બીજી વાર સિગારેટની લત લાગવાની સંભાવના સાવ ખતમ થઈ જાય છે."

લોકોનો અભિપ્રાય

ઇમેજ સ્રોત, Getty Images

સરકારના આ નિર્ણય વિશે લોકો શું માને છે તે જાણવા માટે પણ બીબીસીએ પ્રયાસ કર્યો.

દિલ્હીમાં ભણી રહેલી સદફ ખાન કહે છે, "સિગારેટના પૅકેટ પર અત્યારે પણ ચેતવણી લખેલી જ હોય છે. છતાં પણ પીનારા પીવે છે."

"હું હજીય સિગારેટ પીવું છું. હેલ્પલાઇન નંબર છાપવાથી કોઈ ફરક પડવાનો નથી."

મુંબઈમાં રહેતા મલકિત સિંહ કહે છે, "ઘરમાંથી દબાણ ના આવે, બીમારી ના આવે ત્યાં સુધી કોઈ સિગારેટ છોડતું નથી."

"સિગારેટ પીવાનું શરૂ કરવા માટે કોઈ કારણ જોઈએ, તેમ તેને છોડવા માટે પણ કોઈ કારણ જોઈએ."

આંકડાં શું કહે છે?

ગ્લોબલ એડલ્ટ ટોબેકો રિપોર્ટ અનુસાર દેશમાં 10.7 પુખ્ત વયની વ્યક્તિઓ તમાકુનું સેવન કરે છે, જેમાં 19 ટકા પુરુષો છે અને 2 ટકા સ્ત્રીઓ.

માત્ર સિગારેટ પીનારાની વાત કરીએ તો 4 ટકા લોકો તે પીવે છે, જેમાંથી 7.3 ટકા પુરુષો છે, જ્યારે સ્ત્રીઓની સંખ્યા ફક્ત 0.6 ટકા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ અનુસાર ભારતમાં સ્ત્રીઓ સિગારેટ કરતાં બીડી વધારે પીવે છે.

દેશમાં 1.2 ટકા મહિલાઓ બીડી પીવે છે.

ભારતમાં સિગારેટ અંગેના કાનૂન

ઇમેજ સ્રોત, Getty Images

2014માં ભારતમાં નવો કાયદો બન્યો, જેના હેઠળ સિગારેટના પૅકેટ પર તસવીર સાથે ચેતવણી છાપવી અનિવાર્ય બનાવાઈ કે 'सिगरेट पीना स्वास्थ्य के लिए हानिकारक है'.

સરકારના આ નિર્ણય સામે સિગારેટ કંપનીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટે 2016માં સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

ભારતમાં તમાકુની બનાવટોની જાહેરખબર કરવાની પણ મનાઈ છે.

18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિને તમાકુના ઉત્પાદનો વેચવાની પણ મનાઈ છે.

જાહેરમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકાયો છે. આ નિયમોના ભંગ બદલ દંડ કરવાની જોગવાઇ કાયદામાં છે.

-તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો