અમેરિકામાં જન્મેલાં સુધા ભારદ્વાજ મજૂરોનો અવાજ કેવી રીતે બન્યાં?

  • આલોક પ્રકાશ પુતુલ
  • રાયપુરથી બીબીસી ગુજરાતી માટે
સુધા ભારદ્વાજ

ઇમેજ સ્રોત, AJAY TG

હાલમાં જ ભીમા કોરેગાંવ હિંસાના મુદ્દાને આગળ ધપાવીને પોલીસે પાંચ સામાજિક કાર્યકરોની ધરપકડ કરી છે જેમાં સુધા ભારદ્વાજનું નામ પણ છે.

સુતરાઉ કાપડની સાડી અને ચપ્પલ પહેરનારાં સુધા ભારદ્વાજ અંગે જો તમે ન જાણતા હો, તો પહેલી નજરમાં તમે એમને કોઈ ઘરેલું મહિલા સમજી લેશો.

સુધા ભારદ્વાજ આટલી સાદગી સાથે જ જીવે છે. પરંતુ ઘણાં એવા લોકો છે જેમને તેમની આ સાદગી ખટકે છે.

થોડા સમય પહેલાંની જ વાત છે.

ઇમેજ સ્રોત, AJAY TG

છત્તીસગઢમાં એક બહુરાષ્ટ્રીય સિમેન્ટ કંપનીના મેનેજરે વાતચીત કરતા ધીમેથી કહ્યું, "નામ ના લો સુધા ભારદ્વાજનું. તેમનાં કારણે અહીં કામ કરતા મજૂરો અમારા માથે ચડીને બેઠા છે."

બસ્તરમાં કામ કરતા સામાજિક કાર્યકર્તાઓની એક ટીમે પોલીસના ઉચ્ચ અધિકારીઓને ચેતવણી આપી, "જો તમે સુધા ભારદ્વાજને ઓળખો છો, તો માની લો કે તમે અમારા ન થઈ શકો."

છત્તીસગઢના કોટા સ્થિત રામાનુજગંજ સુધી ઘણાં એવા લોકો મળશે જેઓ સુધાને દીદી કહે છે.

એટલું જ નહીં શિક્ષિકા સુધા દીદી, વકીલ સુધા દીદી, સિમેન્ટ મજૂરોવાળાં સુધા દીદી, છત્તીસગઢ મુક્તિ મોર્ચાવાળાં સુધા દીદી આ નામો પણ સુધા ભારદ્વાજની ઓળખ છે.

કોણ છે સુધા ભારદ્વાજ?

ઇમેજ સ્રોત, ALOK PUTUL

અર્થશાસ્ત્રી રંગનાથ ભારદ્વાજ અને કૃષ્ણા ભારદ્વાજનાં દીકરી સુધાનો જન્મ અમેરિકામાં વર્ષ 1961માં થયો હતો.

વર્ષ 1971માં તેઓ તેમનાં માતા સાથે ભારત પરત ફર્યા. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ના અર્થશાસ્ત્ર વિભાગનાં સંસ્થાપક કૃષ્ણા ભારદ્વાજ ઇચ્છતાં હતાં કે તેમનાં દીકરી એ કરે, જે તે ઇચ્છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સુધા કહે છે, "વયસ્ક થતા જ મેં મારી અમેરિકાની નાગરિકતા છોડી દીધી. પાંચ વર્ષ સુધી આઈઆઈટી કાનપુરમાં અભ્યાસ દરમિયાન દિલ્હીમાં તેમનાં સાથીઓ સાથે ઝૂંપડપટ્ટીનાં બાળકોને ભણાવવાં અને રાજનીતિમાં મજૂરોના સવાલો ઊઠાવવાના પ્રયાસો કર્યા."

વકીલાત કરી બન્યાં લોકોનો અવાજ

ઇમેજ સ્રોત, ALOK PUTUL

કદાચ એ જ કારણ હશે કે આઈઆઈટી ટૉપર હોવા છતાં કોઈ નોકરી લેવાની જગ્યાએ 1984-85માં તેઓ છત્તીસગઢમાં શંકર ગુહા નિયોગીના મજૂર આંદોલન સાથે જોડાઈ ગયાં.

થોડા દિવસો સુધી છત્તીસગઢ અવરજવર રહી, પરંતુ ત્યારબાદ સુધા સ્થાયી રીતે છત્તીસગઢમાં જ વસી ગયા.

તેમને ઓળખતાં કોમલ દવાંગન જણાવે છે, "સુધા અને તેમનાં સાથીઓઓએ મજૂરોનાં બાળકોને ભણાવવાથી લઈને તેમના કપડાં પણ સીવવાનું કામ કર્યું છે."

પરંતુ મજૂર નેતા શંકર ગુહા નિયોગીની વર્ષ 1991માં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

છત્તીસગઢમાં મજૂરોના હકની લડાઈમાં સુધા ઊતર્યા પછી તેમણે પાછું ફરીને જોયું નથી.

શંકર ગુહા નિયોગીના છત્તીસઢ મુક્તિ મોર્ચાને જ્યારે રાજનૈતિક દળનું સ્વરૂપ આપવામાં આવ્યું, ત્યાં સુધી સુધા ભારદ્વાજ તેનાં સચિવ બની ચૂક્યાં હતાં.

પરંતુ ત્યારબાદ સુધા ભારદ્વાજ અલગઅલગ ખેડૂત અને મજૂર સંગઠનો સાથે પણ કામ કરતાં હતાં.

તેઓ આજે પણ પોતાને એક સામાન્ય સામાજિક કાર્યકર્તા માને છે.

'સુધા દીદી અમારા પ્રેરણાસ્રોત છે'

ઇમેજ સ્રોત, ALOK PUTUL

છત્તીસગઢમાં સામાજિક સંગઠનોના સમૂહ 'છત્તીસગઢ બચાવો આંદોલન'ના સંયોજક આલોક શુક્લા કહે છે, "સુધા દીદી અમારા જેવા લોકો માટે પ્રેરણાસ્રોત છે. તેઓ ચુપચાપ તેમનું કામ કરે છે."

સમગ્ર છત્તીસગઢમાં મજૂર આંદોલન વખતે સૌથી વધુ ખર્ચ કેસ કરવામાં થતો હતો. મજૂરો માટે કેસોની તૈયારી કરવામાં પૈસા ખર્ચાતા અને મહેનત પણ.

40 વર્ષની ઉંમરમાં સુધાએ મજૂર મિત્રોની સલાહ પર વકીલાતનો અભ્યાસ કરી ડિગ્રી લીધી અને આદિવાસીઓ અને મજૂરોના કેસો લડવાનું શરૂ કર્યું.

થોડા વર્ષો બાદ સુધાએ 'જનહિત' નામે વકીલોનું એક સંગઠન બનાવ્યું અને નક્કી કર્યું કે સમાજના વંચિત વર્ગો અને ગરીબોના કેસો મફ્તમાં લડવામાં આવે.

બિલાસપુર ખાતેના પોતાનાં કાર્યાલયમાં ફાઇલો પર નજર કરી રહેલાં સુધાનું અનુમાન છે કે તેમના ટ્રસ્ટે છેલ્લાં કેટલાંક વર્ષોમાં 300થી વધુ કેસો લડ્યા છે.

બસ્તરમાં બનાવટી હિંસાની તપાસ અને તેની સાથે જોડાયેલા કેસોએ રાજ્ય સરકાર માટે ઘણી મુશ્કેલીઓ ઊભી કરી હતી.

ઇમેજ સ્રોત, ALOK PUTUL

ગેરકાનૂની કોલ બ્લૉક, પંચાયત કાનૂનનું ઉલ્લંઘન, વનાધિકાર કાનૂન, ઔદ્યોગિકરણ સામે પણ સુધાની લડાઈએ તેમને વધુ પ્રખ્યાત બનાવ્યાં.

પોતાની સંપૂર્ણ સંપત્તિ મજૂર આંદોલન પાછળ ખર્ચી નાખનારાં સુધા પાસે મિલકતના નામે દિલ્હીમાં માતાના નામ પર રહેલું એક મકાન છે. જેનું ભાડું મજૂર યુનિયનને આપવામાં આવે છે.

સુધા કહે છે, "સંગઠનમાં આર્થિક તંગી તો છે પરંતુ અમે બાળકોના અભ્યાસની વ્યવસ્થા કરી અને અમારા મજૂરોનું હૉસ્પિટલ પણ ખોલ્યું."

મજૂરોના કેસો લડનારું 'જનહિત' પણ અમુક લોકોના ફાળાથી ચાલે છે. તેમના કેસોની ઓળખ પણ એવી છે કે મુંબઈ હાઈ કોર્ટે હાલમાં જ છ લાખ રૂપિયાની મદદ 'જનહિત'ને કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો