ગ્રાઉન્ડ રિપોર્ટ : હિમાચલમાં સોનાથી પણ મોંઘા ભાવે વેચાય છે આ નશો

  • પંકજ શર્મા
  • શિમલાથી, બીબીસી ગુજરાતી માટે

"મને નશો ખરીદવા માટે પૈસા આપો, નહીંતર હું આત્મહત્યા કરી લઈશ." આ શબ્દો દેવભૂમિ તરીકે ઓળખાતા હિમાચલ પ્રદેશમાં નશાના આદી થઈ ચૂકેલા રાજુ (નામ બદલ્યું છે)ના છે.

સફેદ દેખાતો પાઉડર જેની એક ગ્રામની કિંમત લગભગ છ હજાર રૂપિયા છે. સોનાથી પણ વધુ મોંઘા વેચાતા આ નશાને ચિટ્ટા કહેવામાં આવે છે.

હિમાચલ પ્રદેશના ડીજીપી સીતા રામ મરઢીએ બીબીસીને કહ્યું, "નશાના સોદાગરો માટે પૈસા કમાવાનો આ સૌથી સરળ રસ્તો બની ગયો છે."

આ બાબતની અસર હિમાચલ પ્રદેશનાં યુવાઓ પર પડી રહી છે, જેમ કે રાજુના શબ્દોમાંથી પ્રતિત થાય છે, 'તેની આદત પડી ગઈ છે, જો ના મળે તો નીંદર નથી આવતી.'

શિમલા મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલ અને મનોચિકિત્સક ડૉક્ટર રવિ શર્મા જણાવે છે, "દરેક નશાના અલગઅલગ નુકસાન હોય છે."

"પરંતુ ચિટ્ટા એક એવો નશો છે જેનું એક કે બે વખત સેવન કર્યા બાદ કોઈને પણ તેની આદત પડી જાય. આની લત છોડાવવા માટે દર્દીને હૉસ્પિટલમાં પણ ભરતી કરવો પડી શકે છે."

સફેદ રંગનો દેખાતો આ નશો એક પ્રકારનું સિન્થેટિક ડ્રગ છે. હેરોઇન સાથે અમુક કૅમિકલ ભેળવી તેને તૈયાર કરવામાં આવે છે.

હાલમાં જ હિમાચલ પ્રદેશના અલગઅલગ વિસ્તારોમાંથી ઝડપાયેલા નશાના સોદાગરો પાસેથી એ વાત જાણવા મળી કે કેવી રીતે તેઓ યુવાનો અને બાળકોને પોતાની જાળમાં ફસાવે છે.

રાજુએ પણ આ અંગે જણાવ્યું, "જે નશો કરી રહ્યા છે તેઓ જ આને આગળ વધારી રહ્યા છે. તેમને આટલા પૈસા ઘરેથી નથી મળતા તો તેઓ આનો ધંધો કરે છે, જેથી નશો કરવા માટે પૈસા પણ મળે."

ક્યાંથી આવ્યો આ નશાો?

હિમાચલ પ્રદેશમાં પહેલાં તો આવી કોઈ વસ્તુઓ દેખાતી નહોતી. તો પછી અચાનક આ વસ્તુ આવી કેવી રીતે?

આ અંગે હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિભાગના પ્રોફેસર મોહન ઝારટા કહે છે, "હિમાચલમાં સામાન્ય લોકોનાં જીવનસ્તરમાં મોટો સુધારો થયો છે અને તેઓ આર્થિક રીતે સદ્ધર બન્યાં છે. તેને કારણે આવું બની શકે."

"ઘણાં માતાપિતાઓ તેમનાં બાળકોને વધુ લાડ લડાવી તેમની સારી-ખરાબ આદતોને અવગણે છે જે બાદમાં તેમને ભારે પડે છે."

"આ સિવાય બેરોજગારી અને ઝડપથી બદલાતી નવી પરિસ્થિતિ પર એક મોટું પરિબળ છે."

"યુવાનો પાસે રોજગારી ન હોવાને કારણ પણ તેઓ નશાની ઝપેટમાં આવી જાય છે. આ સમાજ માટે એક ગંભીર પડકાર છે. "

તમે આ વાંચ્યું કે નહીં?

યુવાનો મોતની અણી પર

એક જમાનામાં આ પહાડી રાજ્યને બદનામ કરનાર ભાંગ, અફીણ અને ચરસ જેવા ખતરનાક નશાની જગ્યા ચિટ્ટાએ લઈ લીધી છે.

સફેદ પાઉડર જેવો દેખાતો આ નશો યુવાનોને મોતની અણી પર લાવી રહ્યો છે.

હિમાચલના સ્થાનિક સાપ્તાહિક ગ્રામ પરિવેશના સંપાદક એમપ સિંહ રાણા જણાવે છે, "ચિટ્ટાનો નશો છેલ્લા ઘણાં સમયથી વધી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં આ નશાનો પ્રવેશ લગભગ બે વર્ષ પહેલાં થયો હતો."

મુખ્ય મંત્રી જયરામ ઠાકુરે બીબીસીને જણાવ્યું, "જ્યારે પંજાબમાં ડ્રગ તસ્કરોને સકંજામાં લેવામાં આવ્યા, તો આ ધંધા સાથે જોડાયેલા લોકોએ પાડોશી રાજ્ય હિમાચલને પોતાનું નિશાન બનાવ્યું."

"જોકે, હિમાચલમાં નશાનો કારોબાર ઘણાં સમયથી ચાલતો હતો, પરંતુ અમે સરકાર સંભાળતા જ સૌપ્રથમ તેની પર સકંજો કસવાનું કાર્ય કર્યું. છેલ્લા છ મહિનામાં ઘણી ધરપકડો પણ કરવામાં આવી છે."

સરકારની સફળતાના વખાણ કરતા તેમણે જણાવ્યું, "હિમાચલ પ્રદેશ પોલીસે પાડોશી રાજ્યોની પોલીસ સાથે સંપર્ક વધારી એક સંયુક્ત નીતિ બનાવી છે જેથી નશાના સોદાગરોને ઝડપી શકાય."

શું કહે છે પોલીસ?

હિમાચલ પ્રદેશ પોલીસના ડીજીપી સિતા રામ મરઢી જણાવે છે, "ચિટ્ટા નશાના કારોબારીઓએ શરૂઆતમાં હિમાચલમા કાંગડા અને ઉના જિલ્લાના ગામડાં જે પંજાબની સીમા સાથે જોડાયેલા છે, ત્યાં પોતાનું રહેઠાણ બનાવ્યું. અહીંથી સમગ્ર રાજ્યમાં પોતાનું નેટવર્ક ફેલાવ્યું."

"પ્રાથમિક તબક્કે પોલીસ તેમને પકડવામાં એટલા માટે અસફળ રહી, કારણ કે જ્યારે પણ છાપો મારવામાં આવતો, ત્યારે આ લોકો સીમા ઓળંગીને ફરાર થઈ જતા હતા."

પરંતુ આ નશાને કારણે એક-બે મૃત્યના કેસ નોંધાયા બાદ સરકાર અને પોલીસ હરકતમાં આવી ગઈ છે.

ડીજીપીનું કહેવું છે, "ડ્રગ માફિયાઓના નેટવર્કને તોડવા માટે હિમાચલ પોલીસે, જ્યારે પંજાબ પોલીસ સાથે મળીને સંયુક્ત ઑપરેશન હાથ ધર્યું હતું, જેને કારણે ઘણાં છાપા મારવામાં આવ્યા અને તેનાં નેટવર્કને તોડવામાં સફળતા મળી."

"આ સિવાય સ્કૂલ, ઢાબાઓ અને અન્ય સાર્વજનિક જગ્યાઓ પર પોલીસ સચેત બનીને નજર રાખી રહી છે, જેથી કરીને બાળકો અને યુવાનોને શિકાર ના બનાવી શકાય."

આંકડાઓ શું સૂચવે છે?

જો છેલ્લા ત્રણ વર્ષમાં ઝડપાયેલા શંકાસ્પદો અને નશાની ખેપ મારનારાઓ પર નજર નાખીએ તો ચોંકાવનારા આંકડાઓ મળશે.

ડીજીપી મરઢી જણાવે છે, "વર્ષ 2016માં 501 શંકાસ્પદોની સાથેસાથે 432 કેસો નોંધવામાં આવ્યા હતા. આ દરમિયાન લગભગ 231 કિલો ચરસ, 234 ગ્રામ હેરોઇન, 64 ગ્રામ સ્મૈક, ચાર ગ્રામ કોકેઇન ઝડપવામાં આવ્યું હતું."

"આ જ રીતે વર્ષ 2017માં 695 આરોપીઓ વિરુદ્ધ 573 કેસ નોંધવામાં આવ્યા હતા. 134 કિલો ચરસ, અઢી કિલો હેરોઇન, 73 ગ્રામ સ્મૈક, 16 ગ્રામ કોકેઇન, ચાર કિલો બ્રાઉન શુગર પણ ઝડપાયું હતું."

"વર્ષ 2018માં અત્યારસુધીમાં પોલીસે 789 આરોપી વિરુદ્ધ 653 કેસો ફાઇલ કરવામાં આવ્યા છે."

ચોંકાવનારી વાત એ હતી પોલીસે ઝડપેલા તસ્કરોમાં છ વિદેશી નાગરિકો પણ હતા.

આ દરમિયાન પોલીસ કાર્યવાહીમાં લગભગ 257 કિલો ગ્રામ ચરસ, ચાર કિલો 600 ગ્રામ હેરોઇન, 293 ગ્રામ સ્મૈક, 68 ગ્રામ કોકેઇન અને ત્રણ કિલો બ્રાઉન શુગર ઝપડાયું હતું. જે ગત વર્ષની તુલનામાં બમણું છે.

એક તરફ પોલીસ પોતાની સફળતા જણાવે છે, તો બીજી તરફ સ્થાનિક લોકોનું માનવું છે કે, આ આંકડાઓ એવું દર્શાવે છે કે હિમાચલમાં નશાખોરી કેટલી હદે પગ પેસારો કરી રહી છે.

સખત કાનૂન બનાવાની માગ

હિમાચલ પ્રદેશ સરકારે પંજાબની જેમ રાજ્યમાં નશાની તસ્કરી રોકવા માટે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે.

પંજાબમાં ડ્રગ તસ્કરને ફાંસીની સજા આપવાની વકિલાત કરનાર પંજાબ સરકાર બાદ હિમાચલમાં પણ આવો કડક કાયદો બનાવવાની માગ ઊઠી રહી છે.

મુખ્ય મંત્રી ઠાકુર કહે છે, "અમને ડ્રગ માફિયાઓમાં આફ્રિકન અને નાઇજીરિયન તસ્કરોના સામેલ હોવાના પુરાવા મળ્યા છે. આ લોકો બીજા રાજ્યોમાં પોતાનું નેટવર્ક ચલાવી રહ્યાં છે."

"અમારા પ્રયાસો છે કે હિમાચલની સીમા પર ચોક્કસાઈ વધારવામાં આવે અને નશાના નેટવર્કને રોકવા માટે અન્ય રાજ્યોની સરકારો સાથે પણ વાત કરશે. સાથે જ કડક કાનૂન બનાવીને તેને સંપૂર્ણ ખતમ કરવાના પ્રયાસો કરીશું."

હિમાચલમાં વધી રહેલા ડ્રગ માફિયાઓના વધતા મામલાઓને ધ્યાનમાં લઈને હિમાચલ પ્રદેશ ઉચ્ચ ન્યાયાલયે પણ ચિંતા વ્યક્ત કરી છે.

કોર્ટે માદક પદાર્થોના વેપાર પર અંકુશ મેળવવા માટે રાજ્ય સરકારને અમુક સલાહ પણ આપી છે.

હિમાચલમાં તસ્કરોનું નેટવર્ક

સરકાર, પોલીસ અને કાનૂન ભલે કડક હોય, પરંતુ વાસ્તવિકતા એ પણ છે કે હિમાચલ પ્રદેશમાં કોઈ મોટું રિહેબિલિટેશન સેન્ટર ન હોવાને કારણે નશાની લતના શિકાર થયેલા યુવાનોને સાચા માર્ગ પર લાવવા પણ મોટો પડકાર છે.

જ્યારે આ સવાલ મુખ્ય મંત્રીને કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે તેમની સરકાર આ વિષય પર ઝડપથી કામ કરી રહી છે.

સરકાર અને પોલીસનો દાવો ભલે મજબૂત હોય, પરંતુ ક્યાંકને ક્યાંક તો ચિટ્ટા અને અન્ય માદક દ્રવ્યો સાથે તસ્કરોની ધરપકડ એ વાતનો પુરાવો છે કે હિમાચલમાં આ લોકોનું નેટવર્ક કેટલું મજબૂત છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો