હાર્દિક પટેલના ઉપવાસ : કોનું કોનું વજન ઘટ્યું?

અનશન પર હાર્દિક પટેલની તસવીર

ગુજરાતીમાં કહેવત છે કે ખાલી બંદૂકથી બે જણ બીએ : જેની સામે બંદૂક તકાયેલી છે તેને ખબર નથી કે બંદૂક ખાલી છે. અને જેણે તાકી છે, તે એ તો જાણે જ છે કે બંદૂક ખાલી છે.

હાર્દિક પટેલના ઉપવાસના મામલે પરિસ્થિતિ કંઈક આવી જ લાગી રહી છે.

ફરક એટલો કે અહીં બંને પક્ષોએ એકબીજાની સામે પોતપોતાની બંદૂકો તાકી છે, જે ખાલી નહીં તો પણ હવાયેલી હોવાની આશંકા જાય છે.

સાતમા દિવસમાં પ્રવેશેલા હાર્દિક પટેલના વિજય સંકલ્પ ઉપવાસ શરૂ થયા, ત્યારે તે પાટીદાર આંદોલન 2.0ની હવા ધરાવતા હતા.

ભૂતકાળમાં પાટીદાર આંદોલનના મામલે ગડથોલું ખાઈ ચૂકેલી સરકારે જાહેર સ્થળે હાર્દિક પટેલને ઉપવાસ કરવાની પરવાનગી ન આપી.

હાર્દિકે ઘરે રહીને ઉપવાસ શરૂ કર્યા ત્યારે સરકારે ઘર અને આસપાસના વિસ્તારને લશ્કરી છાવણી જેવો બનાવી દીધો.

હાર્દિકનું કશું ઉપજતું નથી ને એની સાથે કોઈ નથી, એવું સિદ્ધ કરવા માટે ગુજરાત ભાજપ અને ગુજરાત સરકાર કોઈ કસર છોડે એમ નથી.

વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ-હાર્દિક-જિજ્ઞેશની ત્રિપુટીએ ભાજપી નેતાગીરીના માથે ઠીક ઠીક છાણાં થાપ્યાં હતાં.

સામે પક્ષે ભાજપે હાર્દિક સામે કેસ કરીને, પાટીદાર આંદોલનમાં તડાં પડાવીને, હાર્દિકના કેટલાક નિકટના સાથીદારોને ખેરવીને હાર્દિકનું વજન ઘટાડવાની કોશિશ કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ત્યારે તો સફળતા ન મળી, પણ વિધાનસભાની ચૂંટણીમાં ભારે ઉચાટ વેઠ્યા પછી ભાજપની જીત થઈ. ત્યાર પછી હાર્દિકની અસર અને અસરકારકતા સામે સવાલ ઉઠવા લાગ્યા.

આ સંજોગોમાં હાર્દિકે લીધેલું આમરણ ઉપવાસનું પગલું તેની રાજકીય કારકિર્દીનું વજન વધારવામાં મદદરૂપ બની શકે એમ હતું.

એવી જ રીતે, હાર્દિકનું કશું ઉપજતું નથી, એ મતલબનું રટણ કરતા ભાજપ માટે આ તક હતી પોતાની ટાઢક બતાવવાની.

પરંતુ અત્યાર સુધીના અહેવાલો જોતાં, અગાઉ જણાવ્યું તેમ, બંનેની 'બંદૂકો' હવાયેલી માલુમ પડી છે.

હાર્દિક પટેલના ઉપવાસનાં મુખ્ય કારણમાં પાટીદાર અનામત ઉપરાંત ખેડૂતોની દેવામાફી જેવો બિનપાટીદાર મુદ્દો ઉમેરાયો છે.

તેનાથી હાર્દિકના સમર્થકોની સંખ્યા વધવાની તેમ જ પાટીદાર આંદોલનની સમુદાયગત ઓળખ મોળી પડવાની, એમ બંને સંભાવનાઓ હતી. તેમાંથી પહેલી અપેક્ષા મુજબ ફળીભૂત થઈ જણાતી નથી.

હાર્દિક પટેલે આંદોલન શરૂ કર્યું ત્યારે જ કેટલાક વિશ્લેષકોએ કહ્યું હતું કે આ સમસ્યાઓ ફક્ત પાટીદારોની નહીં, કથિત ગુજરાત મૉડેલની છે.

તેના વિરોધ માટે બધા સમદુખીયાઓને સાથે રાખવામાં આવે તો આંદોલન સમુદાયગત ઓળખથી ઉપર ઉઠીને, નાગરિકી ઓળખ હાંસલ કરી શકે.

પરંતુ એવું થાય તો પાટીદાર સમુદાયની એકતા અને તાકાતનું જે પ્રદર્શન ૨૦૧૫માં થયું હતું, તે મિશ્ર સમુદાયના આંદોલનમાં થાય કે કેમ એ સવાલ.

બીજી તરફ, સરકારે ઉપવાસના પહેલા દિવસે મોટા પાયે દેખાવો કે વિરોધ પ્રદર્શનની અપેક્ષાએ કરેલો મસમોટો બંદોબસ્ત હજુ પણ મોળો કે ઢીલો કર્યો નથી.

સોશિયલ મીડિયાથી માંડીને વાસ્તવિક જમીન પર સરકાર અને ભાજપનું હાંફળાફાંફળા થવું તેમની આક્રમક અને અપ્રમાણસરની પ્રતિક્રિયા પરથી પરખાઈ આવે છે.

હાર્દિક પટેલની ઉપવાસી છાવણી દ્વારા સમર્થકોને અટકાવવાના, તેમની હેરાનગતિ કરવાના અને જરૂરી ચીજવસ્તુઓ પણ પહોંચવા દેવાતી નથી, એવા આરોપ સરકાર પર સતત થતા રહ્યા છે.

આંદોલનસહજ આત્યંતિકતા સાથે ઉપવાસી હાર્દિક પટેલે વર્તમાન સરકારને અંગ્રેજી રાજ સાથે અને તેમના મકાનની આસપાસનો વિસ્તાર ઘેરી લેવાની ચેષ્ટાને જલિયાંવાલા બાગ સાથે સરખાવી.

આમરણ ઉપવાસ અને અંગ્રેજ સરકારના ઉલ્લેખ સાંભળીને ગાંધીજીની યાદ સહજ તાજી થાય.

ઉપવાસના શસ્ત્રનો દુરુપયોગ ગાંધીજીની હયાતીમાં શરૂ થઈ ચૂક્યો હતો અને ગાંધીજી એ વિશે ચિંતિત હતા.

તેમણે પોતે દલિતોને માટે જાહેર થયેલા અલગ મતદાર મંડળના વિરોધમાં આમરણ ઉપવાસ કર્યા ત્યારે ડૉ. આંબેડકર સહિતના કેટલાક લોકોએ એ ઉપવાસને ત્રાગું ગણાવીને તેની સામે સવાલ ઉઠાવ્યા હતા.

ગાંધીજીનો જીવ બચાવવાના પ્રચંડ દબાણ હેઠળ આંબેડકરને કડવો ઘૂંટડો ગળીને પૂના કરાર કરવા પડ્યા.

કોમી હિંસાના વિરોધમાં અને કોમી એકતા સ્થાપવા માટે ગાંધીજીએ ઉપવાસ કર્યા ત્યારે વ્યાપક નૈતિક દબાણ ઊભું થયું.

Image copyright Getty Images
ફોટો લાઈન વિપક્ષ સંસદ નથી ચાલવા દેતું એવા આરોપસર એપ્રિલ માસમાં મોદીએ ફરી ઉપવાસનું શસ્ત્ર વાપર્યું

આ ઉપવાસથી સાવ બીજા છેડે, કોમી હિંસાના મુદ્દે કશો અફસોસ વ્યક્ત કર્યા વિના, સરકારના વીસેક કરોડ રૂપિયા ખર્ચીને ૨૦૧૧-૧૨માં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ સદભાવના ઉપવાસનો સિલસિલો યોજ્યો હતો.

આ પ્રકારના ઉપવાસનો એકમાત્ર હેતુ રાજકીય વજન વધારવાનો હોય છે.

આઝાદીની લડત વખતે માંડ ક્રાંતિકારી જતીન્દ્રનાથ દાસે પચીસ વર્ષની વયે અંગ્રેજોની જેલમાં ૬૩ દિવસના ઉપવાસ કરીને જીવ આપી દીધો.

તે કિસ્સો ભવ્ય બલિદાન તરીકે ઇતિહાસમાં નોંધાયો છે, પણ અંગ્રેજ શાસકોને નૈતિક દબાણ જેવું કશું લાગ્યું ન હતું ગાંધીજીના ઉપવાસ વખતે પણ અંગ્રેજ સરકારે સમાધાનને બદલે ગાંધીજી મૃત્યુ પામે તો તેમની અંતિમ વિધિની શી વ્યવસ્થા કરવી અને તેમના વિશે અંજલિમાં શું બોલવું, એ બધું નક્કી કરી રાખ્યું હતું.

આમરણ ઉપવાસના શસ્ત્રની અસર કેવળ ઉપવાસીની ભૂખ્યા રહેવાની તાકાત કે પ્રતિપક્ષીની નબળાઈ પર આધારિત નથી હોતી.

લોકો ઉપવાસ સાથે કેવું જોડાણ અનુભવે છે તે પણ મહત્ત્વનો મુદ્દો બની રહે છે.

આઝાદી પછી ૧૯૫૨માં અલગ આંધ્ર પ્રદેશના સર્જન માટે આમરણ ઉપવાસ કરનાર પોટ્ટી શ્રીરામુલુ ઉપવાસના ૫૮મા દિવસે મૃત્યુ પામ્યા.

ત્યાર પછી પરિસ્થિતિ એવી વણસી કે બે જ દિવસમાં વડા પ્રધાન પંડિત નહેરુએ અલગ આંધ્રની રચનાની જાહેરાત કરવી પડી.

Image copyright Getty Images
ફોટો લાઈન અણ્ણાના અનશન 2.0ને વર્ષ 2011ના આંદોલન જેવી સફળતા ન મળી

આ એવી પરિસ્થિતિ હતી, જ્યારે પ્રતિપક્ષે ઉપવાસની બંદૂકને ખાલી હોવાનું માનીને તેની ગંભીરતા ઓછી આંકી હોય, પણ એ બંદૂક ફૂટે.

એવું જ ૨૦૧૧માં અન્ના હજારેના ઉપવાસ વખતે થયું હતું. ત્યારે અન્ના હઝારેની સાથે મોટા પ્રમાણમાં લોકો હતા. તેથી યુપીએ સરકાર પર આવેલા પ્રચંડ દબાણ આવ્યું.

જોકે, ગોળગોળ વાયદો કરીને અન્નાના ઉપવાસ છોડાવવામાં સરકાર સફળ થઈ.

એ વખતે અન્નાને બઢીચઢીને ટેકો આપનાર નરેન્દ્ર મોદી હવે વડા પ્રધાન છે. છતાં, લોકપાલનું હજુ ઠેકાણું નથી. એટલે અન્નાએ આ વર્ષે માર્ચમાં ફરી એક વાર અચોક્કસ મુદતના ઉપવાસ કર્યા.

તે પણ વર્તમાન સરકારના આશ્વાસન પછી છ દિવસમાં સંકેલાઈ ગયા.

અચોક્કસ મુદતના કે આમરણ ઉપવાસ એ રીતે 'હાઈ રિસ્ક, હાઈ રિટર્ન'નો મામલો છે. તેમાં જીવતાં જીવ તો વળતરને બદલે વાયદા મળે એવી સંભાવના વધારે હોય છે.

બીજી તરફ, જોખમ ફક્ત જીવનું નથી હોતું. રાજકારણ અને જાહેર જીવનમાં જીવ કરતાં પણ મોટું જોખમ પ્રભાવ અને તેજવર્તુળ ખતમ થઈ જવાનું હોય છે.

એક વાર આમરણ ઉપવાસનો કશા નક્કર પરિણામ વિના, અવિધિસર અંત આવે, ત્યાર પછી બીજી વાર લોકોના મનમાં આવા ઉપવાસની ગંભીરતા સ્થાપિત કરવાનું ઘણું અઘરું પડે છે. હાર્દિક પટેલને પણ આ બેધારી કસોટી કશી દયામાયા વિના લાગુ પડી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ