"મેં 10-10 કસૂવાવડ સહન કરી કારણ કે..."

  • દર્શન ઠક્કર અને જયદીપ વસંત
  • બીબીસી ગુજરાતી માટે
શીતલ ઠાકરની તસવીર

ઇમેજ સ્રોત, FB/Sheetal Thaker

"મેં જ્યારે પ્રથમ વખત બાળકને હાથમાં લીધું ત્યારે છ વર્ષ દરમિયાન મેં ભોગવેલી પીડા, નિરાશા તથા હતાશાને ભૂલી ગઈ. મારી આંખમાં આંસુ હતાં."

આ શબ્દો છે 36 વર્ષીય શીતલ ઠાકરના, જેમણે બાળકને જન્મ આપવા માટે દસ કસૂવાવડનું દર્દ સહન કર્યું.

લાંબી નિરાશા તથા હતાશા બાદ શીતલબહેનને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઈવીએફ)થી ગર્ભ રહ્યો હતો.

સામાન્ય રીતે બે કે ચાર IVF સાઇકલમાં ગર્ભ રહી જતો હોય છે પરંતુ શીતલબહેને 25 IVF સાઇકલ સુધી ધીરજ રાખવી પડી હતી.

કહેવાય છે કે કોઈ પુરુષની સફળતામાં 'લેડી લક'નો હાથ હોય છે પરંતુ શીતલબહેનને 'બેબી લક' મળ્યા છે અને તેઓ પબ્લિક પ્રૉસિક્યૂટર તરીકે પસંદગી પામ્યાં છે.

શીતલબહેન તેમનાં માતૃત્વનું શ્રેય પતિ પ્રણવના પ્રેમને, પરિવારના સહયોગ તથા તબીબોને આપે છે, જ્યારે તબીબો આને શીતલબહેનની 'ધીરજ' તથા 'શારીરિક અને માનસિક' દૃઢતાની સફળતા માને છે.

બાળક દત્તક લેવું તથા સરોગૅસી જેવા વિકલ્પ હોવા છતાંય શીતલબહેને 'ચોક્કસ કારણો'થી જાતે જ માતા બનવાનું પસંદ કર્યું હતું.

એ છ વર્ષની પીડા

ઇમેજ સ્રોત, Darshan Thakker

ઇમેજ કૅપ્શન,

પ્રણવ વ્યવસાયે બૅન્કર છે, જ્યારે શીતલ પબ્લિક પ્રૉસિક્યૂટર તરીકે સિલેક્ટ થયા છે

2006માં મૂળ જામનગરના પ્રણવભાઈ તથા પાસેના જ નાનકડા શહેર જામખંભાળિયાનાં શીતલબહેનનાં લગ્ન થયાં હતાં.

લગ્નનાં ત્રણ વર્ષ બાદ પણ દંપતીના ઘરે પારણું ન બંધાતા તેમણે તબીબોને સલાહ લીધી હતી.

ત્યાર બાદ લગભગ ત્રણેક વર્ષ દરમિયાન દંપતીએ હોમિયોપેથિક, આયુર્વેદિક તથા એલોપેથિક સારવાર લીધી હતી, પરંતુ તેનાથી ફાયદો થયો ન હતો.

2012માં દંપતીએ આઈવીએફનો વિકલ્પ સ્વીકાર્યો. જોકે આ રસ્તો પણ દંપતી માટે સરળ નીવડ્યો ન હતો.

શીતલબહેનના તબીબ ડૉ. હિમાંશુ બાવીશીના જણાવ્યા પ્રમાણે, "સામાન્ય રીતે કોઈ નિઃસંતાન દંપતીને બેથી ચાર આઈવીએફ સાઇકલમાં સફળતા મળતી હોય છે, પરંતુ શીતલબહેનના કિસ્સામાં એવું બન્યું ન હતું."

છ વર્ષના ગાળામાં શીતલબહેનને દસ વખત કસૂવાવડ થઈ હતી. એક વખત તો ગર્ભનો ખાસ્સો વિકાસ થયો પણ તે ફેલોપિયન ટ્યૂબમાં વિકસ્યો હતો.

માતાના આરોગ્ય માટે કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે તબીબોએ ગર્ભને હઠાવવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

ઇમેજ સ્રોત, Darshan Thakker

શીતલબહેન કહે છે, "એ સમય દરમિયાન ખૂબ જ શારીરિક અને માનસિક પીડા થતી, પરંતુ મારા પતિ અને મારો પરિવાર મારી સાથે અડીખમ રહ્યાં.”

"આઈવીએફ દરમિયાન ટ્યૂબમાં બાળકનો વિકાસ એ જ્વલ્લે જ બનતી ઘટના છે, પરંતુ મારા કિસ્સામાં એવું થયું હતું."

"મને વિચાર આવતો હતો કે મારી સાથે જ આવું કેમ થયું?"

એ દિવસોને યાદ કરતા પ્રણવભાઈ કહે છે, "કસૂવાવડ કે આઈવીએફ સાઇકલ સફળ ન થાય ત્યારે નિરાશા અને હતાશા ઘેરી વળતાં."

"એવા સમયે હું અને શીતલ એકબીજાને સધિયારો આપતાં. હું નિરાશ થઈ જાવ તો શીતલ મારામાં પૉઝિટિવિટી લાવતી અને જો તે હતાશ થઈ જાય તો હું તેને હિંમત આપતો."

ડૉ. બાવીશી કહે છે, "શીતલબહેનના તમામ ટેસ્ટ્સના રિપોર્ટ્સ પૉઝિટિવ હોવા છતાંય શા માટે કસૂવાવડ થતી હતી તે સમજવું તબીબી વિજ્ઞાનની સમજણથી પર હતું."

તેઓ ઉમેરે છે કે 20 વર્ષની તેમની કારકિર્દીમાં કોઈ દંપતીએ 22 સાઇકલ સુધી ધીરજ રાખી હોય તેવું આ પ્રથમ ઉદાહરણ છે.

લેબરરૂમમાં શીતલબહેને સૂચના આપી

ઇમેજ સ્રોત, Bavishi Fertility Institute

ઇમેજ કૅપ્શન,

15મી ઑગસ્ટના દિવસે પંક્તિનો જન્મ થયો

છ વર્ષના ગાળા દરમિયાન સહન કરેલાં સેંકડો ઇન્જેક્શન તથા પરિવારની અનેક માનતા-બાધાનું ફળ શીતલબહેનને 15મી ઑગસ્ટે સવારે સાડા બાર વાગ્યે પંક્તિ સ્વરૂપે મળ્યું.

એ દિવસને યાદ કરતા પ્રણવભાઈ કહે છે, "શીતલને લેબરરૂમમાં લઈ ગયા હતા. હું, મારા મમ્મી તથા અન્ય પરિવારજનો બહાર ઊભા રહીને રાહ જોઈ રહ્યાં હતાં."

"એ સમયે મનમાં લાગણીઓ અને વિચારોનાં ઘોડાપૂર આવ્યાં હતાં. અચાનક જ બાળકનો રડવાનો અવાજ સંભળાયો એટલે અમે ચમકી ગયા, પછી અમારાં હરખનો પાર ન રહ્યો.

"થોડી વારમાં સિસ્ટર બહાર આવ્યાં અને પંક્તિને મારા હાથમાં મૂકી."

સિસ્ટરે કહ્યું, "લેબરરૂમમાં શીતલબહેને સૂચના આપી હતી કે બાળક સૌ પહેલા તેના ડેડીના હાથમાં આપજો. તેમણે ખૂબ જ ધીરજ ધરી છે."

પ્રણવભાઈ કહે છે, "શરૂઆતના પાંચ-છ સેકંડ તો કંઈ સમજાયું જ નહીં. હું પંક્તિને જોઈ જ રહ્યો. પછી ઇશ્વરનો આભાર માન્યો, થયું કે અંતે ઇશ્વરે સામે જોયું."

37 અઠવાડિયાંના પૂર્ણકાળે સિઝેરિયનથી પંક્તિ સ્વરૂપે સ્વસ્થ બાળકનો જન્મ થયો, ત્યારે તેનું વજન બે કિલો અને 700 ગ્રામ હતું.

'... એટલે મેં 10 કસૂવાવડ સહન કરી'

ઇમેજ સ્રોત, Bavishi Fertility Institute

ઇમેજ કૅપ્શન,

11 વર્ષ ઠાકર દંપતીનાં ઘરે પારણું બંધાયું

જ્યારે શીતલબહેનને પૂછ્યું કે 'તમે અડૉપ્શન કે સરોગૅસીનો વિકલ્પ કેમ ન સ્વીકાર્યો?"

એ સવાલ તેમને ગમ્યો હોય તેમ ન લાગ્યું, છતાંય તેના જવાબમાં શીતલબહેને કહ્યું, "હું હજુ ત્રીસીમાં હતી. શારીરિક તથા માનસિક રીતે સક્ષમ હતી."

"જો મને ચાલીસ વર્ષ થઈ ગયા હોત તો કદાચ મેં અડૉપ્શનનો વિકલ્પ વિચાર્યો હોત. મારે સરોગૅસીની જરૂર છે, એવું મને તબીબોએ જણાવ્યું ન હતું."

શીતલબહેન ઉમેરે છે, "મેં નક્કી કર્યું હતું કે ગમે તે થાય મારે માતા બનવું છે. હું થાકીશ નહીં, કંટાળીશ નહીં અને આશા નહીં છોડું."

"સંતાનને જન્મ આપવાની જે ખુશી હોય તે ખુશી મારે જોઈતી હતી."

"પોતાની અંદર ઊછરતાં બાળકને અનુભવવું હતું. તેનું હલનચલન ફીલ કરવું હતું. બાળકની કીકનો અનુભવ જોઈતો હતો."

"જે કોઈ રીતે તેને સકારાત્મક વિચાર તથા પોષણ આપી શકું તે આપવાં હતાં.”

"મને ખુશી છે કે ગર્ભસ્થ બાળકને લાભકારક હોય તેવી તમામ ચીજો મેં આ ગાળા દરમિયાન ખાધી છે. ચાહે તેનો સ્વાદ મને પસંદ પડે કે ન પડે."

શીતલબહેને ઉમળકાથી કહ્યું, "જો સરોગૅસી સ્વીકારવી પડી હોત તો મને 'તૈયાર બાળક' મળ્યું હોત, હું તેને મારું દૂધ ન પીવડાવી શકી હોત. મારે બાળકને મારું ખુદનું દૂધ પિવડાવવું હતું.”

"આજે જ્યારે પંક્તિ મારી છાતીસરસી હોય, ત્યારે હું 'ટોપ ઑફ ધ વર્લ્ડ' હોઉં એવું અનુભવું છું. મને એમ લાગે છે કે જાણે મારા જીવનની દરેક ઇચ્છાઓ પૂર્ણ થઈ ગઈ છે."

પંક્તિને પ્રથમ વખત હાથમાં લેવાના અનુભવ વિશે શીતલબહેન જણાવે છે, "મેં જ્યારે તેના હાર્ટ બિટ્સ પહેલી વખત સાંભળ્યા ત્યારે અપાર ખુશી થઈ હતી."

"સોનોગ્રાફી દરમિયાન બાળકનો ચહેરો જોયો ત્યારે આવનારું બાળક કેવું દેખાશે તેની કલ્પના થતી."

"જ્યારે પંક્તિને પ્રથમ વખત હાથમાં લીધી અને જોઈ ત્યારે તેને જોઈ જ રહી, મારી આંખમાં આંસુ હતાં. આટલાં વર્ષોનાં દુઃખ, સંઘર્ષ અને કષ્ટ બધું તેને જોતાં ભુલાઈ ગયાં."

ડૉ. બાવીશી કહે છે કે જ્યારે કૃત્રિમ ગર્ભધારણમાં નિષ્ફળતા મળે ત્યારે મહિલા શારીરિક અને માનસિક પીડા ભોગવતી હોય છે, ત્યારે પરિવારનો સહકાર મળે એ જરૂરી છે.

અચાનક સાતમા મહિને

ઇમેજ સ્રોત, Darshan Thakker

ઇમેજ કૅપ્શન,

પંક્તિના દાદા કાંતિભાઈ નિવૃત્ત પ્રાધ્યાપક છે

2017ના અંત ભાગમાં શીતલબહેનના જીવનમાં નવી શરૂઆત થઈ. પંક્તિ રૂપે શીતલબહેને ગર્ભધારણ કર્યો.

સામાન્ય રીતે અઢી ત્રણ મહિનાના ગર્ભ સુધીમાં જટિલતા ઊભી થતી હતી, પરંતુ આ વખતે એવું થયું નહોતું.

બધું યોગ્ય રીતે ચાલી રહ્યું હતું. ઠાકર પરિવારમાં પ્રણવભાઈ બાદ 39 વર્ષે ફરી એક વખત બાળકનું આગમન થવાનું હતું.

શીતલબહેનનાં સસરા અને નિવૃત્ત પ્રાધ્યાપક કાંતિભાઈ સારા દિવસો દરમિયાન શીતલબહેનની જરૂરિયાત તથા ફરમાઇશની દરેક વસ્તુ હાજર કરી આપતા.

પરંતુ અચાનક જ એક દિવસ તેમને પૅરાલિસિસ (પક્ષઘાત)નો હુમલો આવ્યો. ખુશીની આશાએ બેઠેલા ઠાકર પરિવાર પર જાણે વજ્રાઘાત થયો.

એ દિવસોને યાદ કરતા પ્રણવભાઈ કહે છે, "એ દિવસોમાં શીતલે અત્યંત સ્વસ્થતા જાળવી. તેણે શારીરિક અને માનસિક દૃઢતા દાખવી."

"તે પપ્પાને કહેતી 'જલદી સાજા થઈ જાવ, તમારે બાળકને રમાડવાનું છે.' પપ્પા એટલે અમારાં ઘરના 'હાથ અને પગ'. ઘરનાં નાનાં-મોટાં કામ તેઓ જાતે જ પતાવી દે."

"75 વર્ષની ઉંમરે પણ દરરોજ પાંચ કિલોમીટર વૉકિંગની આદત ધરાવનારા પપ્પાને કેવી રીતે સંભાળવા તે સમજાતું ન હતું."

હવે, પંક્તિના જન્મ બાદ કાંતિભાઈની તબિયત સુધરી છે, તેઓ પોતાની જાતે ઊભા થઈ શકે છે અને બેસી શકે છે તથા લાકડીના ટેકે-ટેકે ચાલી શકે છે.

ફિઝિયોથૅરપિસ્ટ માને છે કે બે-ત્રણ મહિનામાં કાંતિભાઈની સ્થિતિ મહદંશે પૂર્વવત્ થઈ જશે.

માતા બનવાનો આત્મવિશ્વાસ

ઇમેજ સ્રોત, Darshan Thakker

શીતલબહેન કહે છે, "આ ગાળામાં સકારાત્મક્તા જાળવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. હું જાપ કરતી, શ્લોક તથા મ્યુઝિક સાંભળતી."

"હું મારી જાતને બે વાત સતત કહેતી. હું ચોક્કસથી મા બનીશ અને મને ચોક્કસ સફળતા મળશે."

"જો મને નિરાશા કે હતાશા થતી, ભય લાગતો કે નકારાત્મકતા ઘેરી વળતી તો હું સાઇકિયાટ્રિસ્ટની સાથે વાત કરતી હતી."

મન અન્યત્ર લાગેલું રહે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી એલએલબી (બૅચલર ઑફ લૉ) થયેલા શીતલબહેને આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી એલએલએમ. (માસ્ટર ઑફ લૉ)નો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

જોકે કેટલાક નિષ્ણાતો 'પોતાનાં સંતાન' માટે તીવ્ર ઇચ્છાને 'ઘેલછા' ગણાવે છે અને અડૉપ્શન કે અન્ય કોઈ વિકલ્પ સ્વીકારવાને યોગ્ય માને છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો