હાર્દિકને મળવા આવેલાં મેધા પાટકર સામે વિરોધ

  • ટીમ બીબીસી ગુજરાતી
  • અમદાવાદ અને નવી દિલ્હી
મેધા પાટકર

હાર્દિક પટેલના ઉપવાસના આઠમા દિવસે તેમની મુલાકાત લેવા સામાજિક કાર્યકરો અને રાજનેતાઓ પહોંચ્યાં હતાં.

હાર્દિકની મુલાકાત લેવા 'નર્મદા બચાવો આંદોલન'ના કર્મશીલ મેધા પાટકર પણ આવ્યાં હતાં.

જોકે ત્યાં ઉપસ્થિત પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના સમર્થકોએ મેધા પાટકરનો વિરોધ કર્યો હતો અને તેમણે અનશનનું સ્થળ હાર્દિકને મળ્યા વગર જ છોડી જવું પડ્યું હતું.

મેધાનાં કહેવા પ્રમાણે, તેઓ હાર્દિક પટેલના આગ્રહથી જ અનશન સ્થળે આવ્યાં હતાં.

મેધાને હાર્દિકે બોલાવીને વિરોધ કરાવ્યો?

મેધા પાટકરે તેમના વિરોધ અંગે કહ્યું કે મને હાર્દિક પટેલે જ ફોન કરીને અહીં બોલાવી છે. મારો વિરોધ થયો એ વિશે હાર્દિકને કદાચ ખબર પણ નહીં હોય.

મેઘા પાટકરે કહ્યું, "હાર્દિકે પાણીનો ત્યાગ કર્યો છે એ જાણીને મને ચિંતા થઈ રહી હતી, એટલે જ હું તેમને મળવા આવી."

મેધાએ વધુમાં ઉમેર્યું, "હું મારી સાથે ગાંધીવાદી વિચારધારા ધરાવતા જ્યોતીન્દ્ર દેસાઈને લઈને આવી હતી, જેઓ ઉપવાસના શસ્ત્રને સારી રીતે સમજે છે."

જોકે પાસના પ્રવક્તા મનોજ પનારાએ મેધા પાટકરની વાતને નકારતાં કહ્યું હતું કે, મેધાએ અહીં કોઈની સાથે વાત કરી નથી. તેમની બહારની કોઈ વ્યક્તિ સાથે વાત થઈ હોય એવું શક્ય છે.

મેધા પાટકરને ખેડૂત વિરોધી કહીને વિરોધ કરાયો

સ્થળ પરથી બીબીસી સંવાદદાતા સાગર પટેલે જણાવ્યું હતું કે હાર્દિક પટેલને મળવા પહોંચેલા મેધા પાટકર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે સૂત્રોચ્ચારમાં મેધા પાટકરને 'ખેડૂત વિરોધી' પણ ગણાવાયાં હતાં.

આ વિશે મેધા પાટકરે કહ્યું કે જે લોકો મારા વિશે અને મારી લડત વિશે અજાણ છે, તેઓ મારો વિરોધ કરી રહ્યા છે. હું નર્મદા વિરોધી નથી.

મેધાએ કહ્યું, "જે લોકોને ખબર નથી કે નર્મદાનું પાણી કંપનીઓને કેટલું મળ્યું અને લોકોને કેટલું મળ્યું? એ લોકો મારો વિરોધ કરે છે."

"એ લોકોને એવું પણ ખબર નથી કે 35 હજાર પરિવારનાં ઘર પાણીમાં ડૂબ્યાં છે."

"જે પૈકી મોટાભાગના પાટીદાર પરિવાર છે. આ બધું જાણ્યા વગર મારો વિરોધ કરાઈ રહ્યો છે."

તમે આ વાંચ્યું કે નહીં?

મેધા પાટકરના કહેવા પ્રમાણે તેમની સાથે એ પાટીદારો ખેડૂતો પણ હાર્દિકના ઉપવાસ સ્થળે આવ્યાં હતાં.

મેધા પાટકરે મીડિયા સાથેની વાતચીત દરમિયાન માગ કરી હતી કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ અને તેમને કૃષિ ઉત્પાદનની પૂરતી કિંમત મળવી જોઈએ.

'સરકારને 2019ની ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે'

ઉપવાસના આઠમા દિવસે હાર્દિક પટેલને મળવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા તથા અન્ય કોંગ્રેસી નેતાઓ પહોંચ્યાં હતાં.

સરદાર પટેલ ગ્રૂપના લાલજી પટેલ પણ હાર્દિકને મળવા આવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, સમાજનો યુવાન લડતો હોય ત્યારે અમારે પણ ટેકો આપવો જ જોઈએ.

લાલજી પટેલે કહ્યું, "300-400 ગાડીઓમાં અમે પાટીદાર આગેવાનો અહીં આવ્યા છીએ, પણ બહાર અમને રોકવામાં આવ્યા, હજારો યુવાનો અંદર આવવા પ્રયત્ન કરી રહ્યા છે."

હાર્દિક પટેલના ઉપવાસમાં આઠમા દિવસ સુધી કોઈ સરકારી પ્રતિનિધિએ તેની સાથે મુલાકાત નથી કરી.

ત્યારે લાલજીએ કહ્યું,"સરકાર પાટીદાર સમાજની અવગણના કરશે તો સરકારે 2019ની ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે."

પાટણની બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠન(જીનિવા, સ્વિટ્ઝરલૅન્ડ)ને હાર્દિક પટેલના ઉપવાસ કાર્યક્રમ ઉપર લાદવામાં આવેલાં નિયંત્રણો અંગે રજૂઆત કરી છે.

ખોડલધામ (કાગવડ)ના પ્રતિનિધિ મંડળે પણ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી.

સંસ્થાના પ્રતિનિધિ દિનેશ કુંભાણીએ પત્રકારો સાથે વાત કરતા સરકાર અને હાર્દિક પટેલની વચ્ચે મધ્યસ્થી કરવાની તૈયારી દાખવી હતી.

સાથે જ ઉમેર્યું હતું કે 'કાયદાકીય રીતે મળવાપાત્ર' દરેક માગમાં સંસ્થા હાર્દિક પટેલની સાથે છે.

હાર્દિકે હૉસ્પિટલમાં દાખલ થવાનો ઇન્કાર કર્યો

ગાંધીનગર જીએમઈઆરએસ મેડિકલ કૉલેજની ટીમે શનિવારે હાર્દિકની તબિયત ચકાસી હતી.

જેમાં પલ્સરેટ તથા બ્લડપ્રેશર નોર્મલ જણાયાં હતાં સાથે જ તેમનું વજન એક કિલોગ્રામ વધ્યું હોવાનું જણાયું હતું.

તપાસ દરમિયાન હાર્દિકે શ્વાસ લેવામાં તકલીફ, ઊબકાં આવવાની તથા પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી.

હાર્દિકે રિપોર્ટ માટે યુરિન તો આપ્યું હતું, પરંતુ લોહીના નમુના આપવાનો ઇન્કાર કર્યો હતો.

તબીબોએ હાર્દિકને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવાની તથા હૉસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી, પરંતુ હાર્દિકે દાખલ થવાનો ઇન્કાર કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો