બ્લૉગ : યાદ કરો, અડવાણીએ પણ કહ્યું હતું કે ફરી કટોકટી લાગુ થઈ શકે છે

અડવાણી Image copyright Getty Images

લાલકૃષ્ણ અડવાણીએ ત્યારે પણ કહ્યું હતું અને કોઈ આજે પૂછે તો કદાચ ફરી કહેશે કે ત્રણ વર્ષ પહેલાં તેમણે કટોકટીની ચેતવણી (હાલમાં દેશનું નેતૃત્વ ધરાવતી કોઈ પણ વ્યક્તિ પર નિશાન સાધ્યા વગર) આપી હતી.

પણ અડવાણીની એ ચેતવણીને જો આજે 'શહેરી નક્સલવાદ'ના સંદર્ભમાં વાંચીએ તો નવા અર્થ ધ્યાને આવશે.

અડવાણીએ કટોકટીની 40મી વર્ષગાંઠ પર ચોખ્ખા શબ્દોમાં ચેતવણી આપી હતી, "હું એવું નથી કહેતો કે રાજકીય નેતૃત્વ પરિપક્વ નથી. પણ ઊણપના કારણે વિશ્વાસ થતો નથી... કે દેશમાં ફરી કટોકટી લાગુ ન થઈ શકે."

તેમણે એવું પણ કહ્યું હતું કે, "એવો કોઈ ઉપાય કરાયો નથી કે જેનાથી વિશ્વાસ થાય કે નાગરિકોની આઝાદી હવે ક્યારેય ખતમ નહીં થાય... પાયાના અધિકારોને ફરીથી ખતમ કરાય એ શક્ય છે."

ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા આ ઇન્ટરવ્યૂમાં તેમણે પ્રજાતંત્ર અને તેના અન્ય તમામ પાસા પ્રત્યે પ્રતિબદ્ધતા ન હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

શું લાલકૃષ્ણ અડવાણીને ત્યારે જે દેખાઈ રહ્યું હતું એ બીજા કોઈને ના દેખાયું?


વિપરીત વિચારો પર એક વિશ્લેષણ

Image copyright Getty Images

આ વર્ષની શરૂઆતમાં પુના પાસે ભીમા કોરેગાંવમાં યોજાયેલું વિરોધ પ્રદર્શન અને દલિત વિરોધી હિંસા પછી પોલીસે માનવઅધિકાર માટે કામ કરતા બુદ્ધિજીવીઓ, કવિ-લેખકો અને પ્રોફેસરોની ધરપકડ કરી છે.

ત્યારબાદ પ્રશાંત ભૂષણથી માંડીને અરુંધતી રૉય કહી રહ્યાં છે કે દેશમાં કટોકટી કરતાં પણ ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

અડવાણીને પણ એ જ ચિંતા હતી કે કટોકટી બાદ એવા ઉપાયો નથી કરાયા કે ફરીથી કટોકટી લાગુ થવાનો ખતરો સંપૂર્ણ રીતે ખતમ થઈ જાય.

કેટલી રસપ્રદ વાત છે કે વિચારધારાની દૃષ્ટીએ હંમેશાં વિપરીત છેડે રહેતા લોકો હાલની પરિસ્થિતિનું લગભગ એકસરખું વિશ્લેષણ કરીને એક જેવો જ સાર કાઢી રહ્યા છે.

અડવાણીએ જ્યારે કટોકટી અંગે ચેતવણી આપી હતી ત્યારે લોકોએ તેમના આ નિવેદનને નરેન્દ્ર મોદી સામે થયેલા રાજકીય પરાજયના કારણે પેદા થયેલી ખીજનું પરિણામ ગણાવ્યું હતું.

જોકે અડવાણી હંમેશાં કહેતા કે તેમણે ટિપ્પણી કોઈ ચોક્કસ વ્યક્તિના વિરોધમાં કરી નથી.


મોદીમય ભારત

Image copyright Getty Images

ત્યારે વડા પ્રઘાન નરેન્દ્ર મોદીને દેશની સત્તા સંભાળે માત્ર એક વર્ષ થયું હતું. ત્યાર સુધી ભીમા કોરેગાંવમાં દલિતોએ યલગાર પરિષદનું આયોજન નહોતું કર્યું, ત્યારે વડા પ્રધાન મોદીની હત્યાના ષડ્યંત્રની બ્લૂ પ્રિન્ટવાળા પત્ર વિશે પણ ખ્યાલ નહોતો.

એ વખતે ગૌમાંસ રાખવાની શંકાએ દાદરીના મોહમ્મદ અખલાકનું લિંચિંગ પણ નહોતું થયું. એ વખતે ગૌરક્ષકો કોઈને પણ પકડીને માર મારતા ન હતા.

કટ્ટર મોદી વિરોધીઓને થોડી વાર માટે અદેખા કરી દઈએ જેમને મોદીમાં હંમેશાં એક સરમુખત્યારની છબી દેખાય છે. પણ એ વખતે અડવાણી સિવાય કોઈને એવો કોઈને એવું કહેવાનો ખ્યાલ ન આવ્યો કે દેશમાં કટોકટીનો ખતરો છે.

ઉદ્યોગપતિ, વેપારી, ડિપ્લોમૅટ, પત્રકાર, મોટાભાગના બુદ્ધિજીવીઓ અને મોટી સંખ્યામાં મતદારો એવું માનતા હતા કે કોંગ્રેસના કુશાસનમાંથી દેશને મુક્તિ મળી ગઈ છે અમે હવે દેશ વિકાસના પથ પર ઝડપથી આગળ વધશે.

તમે આ વાંચ્યું કે નહીં?

ત્યારે તો હજુ એ રાત પણ નહોતી આવી કે જ્યારે મોદીએ ટેલિવિઝનની મદદથી એક હજાર અને પાંચસોની નોટોને રદ્દીના ટુકડાઓમાં બદલી કાઢવાની જાહેરાત કરી હતી.

ત્યારે તો એ અડધી રાત પણ નહોતી આવી કે જ્યારે મોદી અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દેશની સંસદમાં બટન દબાવીને દેશની બીજી આઝાદીના અંદાજમાં જીએસટી લાગુ કરવાની જાહેરાત કરી હતી.

વેપારીઓને ત્યારે અંદાજ ન હતો કે નોટબંધી અને જીએસટીનું શું પરિણામ આવશે.


ઉદાર વિચારો પર પ્રશ્ન

Image copyright PTI

એ અંદાજ કાઢવો મુશ્કેલ છે કે લાલકૃષ્ણ અડવાણીને તેમના આસપાસ એવું તો શું દેખાયું કે જેનાથી તેમને લાગ્યું કે ફરીથી કટોકટી લાગુ થઈ શકે છે અને નાગરિક અધિકારો પર ફરીથી ખતરો આવી શકે છે?

પણ એ પરિસ્થિતિનો અંદાજ સરળતાથી લગાવી શકાય કે જેમાં નાગરિક અધિકારોને નબળા કરી શકાય છે અને સત્તાને કોઈ પણ પ્રકારના વ્યાપક વિરોધનો ડર પણ હોતો નથી.

કટોકટી લાગુ કરીને આ પ્રકારની પરિસ્થિતિ પળવારમાં સર્જી શકાય છે.

પણ કટોકટી લાગુ કર્યા વિના આ કામ કરવા માટે વર્ષોથી જમીન તૈયાર કરવાની હોય છે. એના માટે ઉદાર વિચારો પર પ્રશ્નો થોપી દેવાય છે.

માનવઅધિકારને એક શંકાસ્પદ શબ્દ બનાવી દો અને જ્યારે માનવઅધિકારનો મુદ્દો ઉઠાવવામાં આવે ત્યારે પૂછો કે શું માત્ર આતંકવાદીઓને જ માનવઅધિકાર હોય છે.

ત્યારબાદ માનવઅધિકાર કાર્યકર્તાઓને 'શહેરી નક્સલ' અને 'દેશદ્રોહી'ની પેરવી કરનાર ગણાવીને મનફાવે એમ હુમલા કરો.

ધર્મનિરપેક્ષતા અથવા સેક્યુલરિઝમને એક ઘૃણાસ્પદ શબ્દમાં ફેરવી નાંખો અને તેને એટલી વખત વિકૃત પ્રવૃત્તિ ગણાવો કે લોકો પોતાને સેક્યુલર કહેવાથી પણ ડરે. પછી ધર્મનિરપેક્ષતા પર નિશાન સાધવું સૌથી સરળ થઈ જશે.

ટ્રેડ યુનિયનને 'નેતાગીરી'નું નામ આપીને કામદારોના લોકશાહી અધિકારને એટલું હાસ્યાસ્પદ અને નકારાત્મક બનાવી દો કે કર્મચારીઓ અને કામદારો પોતાને જ નફરત કરવા લાગે.

ધ્યાન આપવાની વાત એ છે કે ભારતીય અર્થવ્યવસ્થાના ઉદારીકરણ સાથે છેલ્લા બે ત્રણ દસકામાં આ તમામ કામ ખુલ્લેઆમ કરાયા છે. એમાં ભૂમિકા ધરાવતા લોકોમાં લાલકૃષ્ણ અડવાણી પણ સામેલ છે.

તેમણે સેક્યુલરિઝ્મને એક કાલ્પનિક અને વિકૃત વિચાર ગણાવ્યો. તેમના પ્રયત્નોનું જ પરિણામ છે કે સેક્યુલરિઝમની વાત કરતા લોકોને મુસ્લિમ તરફી ગણવામાં આવે છે અને એવા લોકોને પાકિસ્તાન જઈને રહેવાની સલાહ આપવામાં આવે છે.

પીવી નરસિમ્હા રાવની નવી આર્થિક નીતિઓ સાથે જ દેશભરમાં ટ્રેડ યુનિયન આંદોલન નબળું થઈ ગયું હતું.

ઘણી જગ્યાઓએ કામદાર યુનિયનોની કરોડરજ્જુ તૂટી ગઈ અને તેમને કામદારોના અધિકારોની રક્ષા કરનારા મંચના બદલે કામચોરોની ટોળકી ગણવા લાગ્યા.


શું અર્બન નક્સલ અપરાધી છે?

Image copyright EPA

શાસક પક્ષ ભાજપ, સંઘ પરિવારના તેમના સમર્થક અને સરકારી મશીનરી કહે છે કે ગુપ્ત માઓવાદીઓ આપણાં શહેરોની યુનિવર્સિટીઓના અધ્યાપકો, માનવઅધિકાર કાર્યકર્તાઓ, બુદ્ધિજીવીઓ અને પત્રકારના વેશમાં છુપાયેલા છે.

આ લોકો ચૂંટાયેલી સરકારને હિંસા દ્વારા ઉખાડવા માગે છે. તેમને ઓળખી કાઢીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરીને દેશને માઓવાદી ક્રાંતિના ચંગૂલમાં આવવાથી બચાવી શકાશે.

જે લોકો પર પોલીસે પ્રતિબંધિત માઓવાદી પાર્ટીથી જોડાયેલા હોવાનો આરોપ લાગ્યો છે, તેમને દોષિત સાબિત કરવાની પોલીસની જવાબદારી છે.

પણ પોલીસે યાદ રાખવું પડશે કે કોઈ પ્રતિબંધિત સંગઠનના સભ્ય હોવા માત્રથી કોઈ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ન શકાય, પછી એ પ્રતિબંધિત માઓવાદી પાર્ટીના સભ્ય જ કેમ ન હોય.

ધરપકડ કરાયેલા લોકોને 'અર્બન નક્સલ' કે શહેરી માઓવાદી હોવાના આરોપ માત્રથી ગુનેગાર માની લેનાર લોકોએ 15 એપ્રિલ 2011ના રોજ પસાર કરેલો આદેશ ફરીથી વાંચી લેવો જોઈએ.

છત્તીસગઢમાં સક્રિય સામાજિક કાર્યકર્તા ડૉક્ટર વિનાયક સેન પર દેશદ્રોહનો આરોપ લગાવીને રાજ્ય પોલીસે તેમને જેલમાં નાંખી દીધા હતા. આ અંગે નીચલી અદાલતે તેમને આજીવન કારાવાસની સજા કરી હતી.

Image copyright Getty Images

પણ સુપ્રીમ કોર્ટે ડૉક્ટર સેનને જામીન આપ્યા અને કહ્યું, "આ એક લોકશાહી દેશ છે. તેઓ (માઓવાદીઓ પ્રત્યે) સહાનુભૂતિ રાખી શકે છે. પણ આટલા માત્રથી તેમને રાષ્ટ્રદ્રોહના ગુનેગાર માની ન શકાય."

આ પહેલાં 4 ફેબ્રુઆરી 2011ના રોજ આસામના પ્રતિબંધિત સંગઠન ઉલ્ફાના એક કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું, "કોઈ પ્રતિબંધિત સંગઠનનું સભ્યપદ લેવા માત્રથી જ કોઈને અપરાધી ગણી ન શકાય. તેઓ હિંસામાં સામેલ ન હોય કે બીજાને હિંસા માટે ભડકાવતા ન હોય કે શાંતિ ભંગ કરવાના ઉદ્દેશ્યથી હિંસા ન કરે તો તેમને અપરાધી ગણી ન શકાય."

"શહેરી માઓવાદી" હોવાના આરોપમાં પાંચ માનવઅધિકાર કાર્યકર્તાઓની ઘરપકડના ચાર દિવસ પહેલાં દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કૉલેજમાં 'શહેરી નક્સલવાદ - અદૃશ્ય દુશ્મન' નામથી એક પરિસંવાદ યોજાયો હતો.

Image copyright Getty Images

એમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની વિદ્યાર્થી શાખા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સંગઠન સચિવ સુનિલ આંબેકર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

સુપ્રીમ કોર્ટનાં વકીલ મોનિકા અરોડ઼ા પણ આ કાર્યક્રમના મુખ્ય વક્તા હતાં. તેમણે કહ્યું, "આ લોકોને કાઢવા માટે એક જોર લગાવાનું છે... કેરળ, મીડિયા અને જેએનયૂમાં જ તો બાકી રહ્યા છે."

વિદ્યાર્થી પરિષદના નેતા આંબેકરે કૉમ્યુનિસ્ટ વિચારધારા ધરાવતા લોકો વિશે કંઈક એવી રીતે વાત કરી કે જાણે તેઓ પોતાની ઓળખ છુપાવીને અહીં તહીં છુપાતા કોઈ અપરાધી હોય.

તેમણે કહ્યું, "જેએનયૂમાં 2016માં જે કંઈ થયું એ યોગ્ય ન હતું પણ એનાથી એક સારી વાત એ થઈ કે આ ઘટના પછી ફિલ્મ ઉદ્યોગ, પત્રકારત્વ અને યુનિવર્સિટીઓમાં છુપાયેલા કૉમ્યુનિસ્ટ વિચારધારાના લોકોનો પર્દાફાશ થઈ ગયો. તેઓ સ્લીપિંગ સેલ તરીકે કામ કરતા હતા."

તેમણે એ ન કહ્યું કે માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી, ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી -માર્ક્સવાદી લેનિનવાદી (લિબરેશન) ભારતના બંધારણ પ્રમાણે કામ કરે છે અને તેમને સ્લીપિંગ સેલ તરીકે કામ કરવાની જરૂર નથી.


પહેલાં પણ શહેરી માઓવાદની વાત ઊઠી છે

Image copyright PTI
ફોટો લાઈન સુધા ભારદ્વાજ

એટલે કે શહેરી નક્સલવાદ યોજાયેલા પરિસંવાદમાં નક્સલવાદીઓ સાથેસાથે એવી કૉમ્યુનિસ્ટ પાર્ટીઓને પણ લપેટી લેવાઈ કે જે સંઘની કૃપાથી નહીં પણ બંધારણ અંતર્ગત ચાલી રહી છે.

કોંગ્રેસ મુક્ત ભારતના નારા આપનાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કહેવું પડશે કે તેઓ એવી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માગે છે જે કોંગ્રેસની સાથેસાથે અન્ય તમામ વિચારધારાઓવાળી પાર્ટીઓને પણ ખતમ કરવા ઇચ્છે છે.

ધ્યાન રાખો કે શહેરી માઓવાદી હાલની ભાજપ સરકારના મગજની ઉપજ નથી. 2014 પહેલાં કોંગ્રેસ સરકારમાં ગૃહમંત્રી પી ચિદમ્બરમે પણ ઘણી વખત શહેરોમાં 'માઓવાદીઓના સમર્થકો'ની ઉપસ્થિતિની વાત કરી હતી.

યૂપીએ સરકારના બીજા તબક્કા દરમિયાન માઓવાદી હિંસામાં અચાનક ઊભરો આવ્યો હતો. છત્તીસગઢનાં સોની સોરી અને ઉત્તર પ્રદેશનાં સીમા આઝાદ અને તેમના પતિ વિશ્વ વિજય જેવા કાર્યકર્તાઓની કોંગ્રેસ સરકારના આ યુગમાં જ ધરપકડ કરાઈ હતી.

પોલીસે સોની સોરીને પણ માઓવાદી ગણાવ્યાં હતાં અને તેમના પર બળજબરીપૂર્વક ખંડણી માગવાજેવા સંગીન ગુનાના આરોપ લાગાવ્યા હતા.

સીમા આઝાદ અને વિશ્વ વિજયને તો નીચેની અદાલતે માઓવાદી હોવાના આરોપમાં આજીવન કેદની સજા પણ કરી હતી. પણ ત્યારબાદ હાઈકોર્ટમાંથી તેમને રાહત મળી ગઈ.

Image copyright Getty Images

આ તમામ પરિસ્થિતિઓને સમાજ શાસ્ત્રી પ્રતાપ ભાનુ મહેતાએ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત તેમના લેખમાં આ શબ્દોને સમજાવ્યા છે : "જે આજે આપણે જોઈ રહ્યા છીએ તે એવી ખતરનાક સ્થિતિ છે જે ધીમેધીમે ઊંડી થઈ રહી છે. આ એક એવી મનોવૈજ્ઞાનિક જાળી છે કે જેમાં દરેક લોકો ગદ્દાર છે. અદાલતો અને સિવિલ સોસાયટીએ આ પ્રકારની સત્તાનો વિરોધ કરવો જોઈએ જે આપણા શરીરમાં જ નહીં પણ આત્માને પણ થકાવીને મારી નાખવા ઇચ્છે છે."

આવું લખવા માટે શું પ્રતાપ ભાનુ મહેતાને પણ શહેરી નક્સલવાદીઓના 'સ્લીપિંગ સેલ'ના સભ્ય ગણવામાં આવશે?

મહારાષ્ટ્ર પોલીસે કહ્યું છે કે ભીમા કોરેગાંવ પ્રદર્શનો પછી પાડેલા દરોડામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવાના ષડ્યંત્રનો ખુલાસો થયો છે.

જે ચિઠ્ઠીના આધારે પોલીસ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના માઓવાદી ષડ્યંત્રનો પર્દાફાશ કરવાનો દાવો કરી રહી છે એ વિશે વરિષ્ઠ પત્રકાર પ્રેમ શંકર જ્હાએ લખ્યું છે કે જો આ ચિઠ્ઠી ખોટી છે તો લોકશાહી ખતરનાક સમયમાં પસાર થઈ ચૂકી છે.

શું આવું લખવા માટે પ્રેમ શંકર જ્હાને પણ કૉમ્યુનિસ્ટોના સ્લીપિંગ સેલના સભ્ય માની લેવાશે?

આવનારા દિવસોમાં અદાલતોમાં આ તમામ પ્રશ્નો પૂછવામાં આવશે આ તમામ પ્રશ્નો અદાલતોમાં પૂછાશે અને પોલીસે સંગીન આરોપ સાબિત કરવા માટે માત્ર જવાબ નહીં નક્કર પુરાવા આપવા પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ