દૃષ્ટિકોણ : આ રસ્તે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી શકાય

દેશમાં સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ) વિશે થઈ રહેલી ચર્ચાએ એક મહત્ત્વપૂર્ણ વળાંક લઈ લીધો છે.
ભારતના કાયદા પંચે પર્સનલ લૉ અને યુનિફોર્મ સિવિલ કોડ અંગે કન્સલ્ટેશન પેપર રજૂ કરતા કેટલીક ભલામણો કરી છે.
જે અંતર્ગત એવી ભલામણ કરાઈ છે કે આ તબક્કે યુનિફોર્મ સિવિલ કોડની જરૂરિયાત નથી.
આ વિષયમાં વિગતવાર માહિતી મેળવવા માટે બીબીસી સંવાદદાતા મોહમ્મદ શાહિદે હૈદરાબાદની નાલ્સાર (નેશનલ એકૅડેમી ફૉર લિગલ સ્ટડીઝ ઍન્ડ રિસર્સ) યુનિવર્સિટી ઑફ લૉના વાઇસ ચાન્સેલર ડૉક્ટર ફૈઝાન મુસ્તફા સાથે વાતચીત કરી.
વાંચો તેમનો દૃષ્ટિકોણ
ઇમેજ સ્રોત, AFP/GETTY
હું કેટલાય વર્ષોથી જે લખતો આવ્યો છું એ જ વાતો લૉ કમિશન દ્વારા કરવામાં આવી છે.
મારું એવું માનવું છે કે ભારત જેવા વિશાળ દેશમાં જ્યાં આટલા મોટા પાયે વિવિધતાઓ જોવા મળતી હોય ત્યાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે એક સરખો કાયદો લાગુ કરવાનો ઉદ્દેશ્ય ન હોવો જોઈએ.
ઉદ્દેશ્ય એ હોવો જોઈએ કે કાયદો 'ફક્ત' ન્યાયપૂર્ણ હોવો જોઈએ
તમે આ વાંચ્યું કે નહીં?
શું આપણો કાયદો મહિલાઓ તથા અન્ય જેન્ડરના લોકો સાથે ન્યાય કરે છે? મેં અગાઉ પણ કહ્યું છે કે આપણા દેશને 'યુનિફોર્મ સિવિલ કોડ' નહીં, પરંતુ 'જસ્ટ કોડ'ની જરૂર છે.
જો એક ઝાટકે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો પ્રયાસ કરીશું, તો સમગ્ર મુદ્દાને કટ્ટરપંથીઓ દ્વારા હાઇજેક કરી લેવામાં આવશે.
દક્ષિણપંથીઓ અગાઉથી જ આ વિષયને એવી રીતે જોઈ રહ્યાં છે, જાણે કે તમે પર્સનલ લૉનું પાલન કરીને કોઈ મોટો ગુનો કરી રહ્યાં હો અને હવે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરીને તમને જોઈ લેવામાં આવશે.
સાપ મરી જશે અને લાકડી પણ નહીં તૂટે
ઇમેજ સ્રોત, Getty Images
આપણે કટકે-કટકે કાયદામાં સુધારો કરવો જોઈએ.
ક્યારેક લગ્નની ઉંમરમાં સુધારો કરી દેવો, તો ક્યારેક તલાક અંગે સુધારો કરી દેવો, તો ક્યારેક લગ્નના રજિસ્ટ્રેશન વિશે સુધારો કરી દેવો જોઈએ.
આ રસ્તો અપનાવવાથી ખાસ વિરોધ નહીં થાય એટલે કે, સાપ મરે અને લાકડી પણ નહીં તૂટે.
હું એવું માનું છું કે લૉ કમિશને ભારતની વિવિધતાને જોતા ખૂબ જ સુંદર વાત કરી છે. યુનિફોર્મ સિવિલ કોડે હજુ લાંબુ અંતર કાપવાનું છે.
લૉ કમિશને ખૂબજ વ્યાવહારિક વાત કરી છે કે જુદા-જુદા ધર્મોના પર્સનલ લૉમાં ફેરફાર થાય એ હાલની પ્રાથમિકતા હોવી જોઈએ. પછી તે મુસલમાનોનો પર્સનલ લૉ હોય કે પછી હિંદુઓ, ખ્રિસ્તીઓનો.
લૉ કમિશને આ પ્રકારની ખૂબ જ વ્યાવહારિક વાત કરી છે.
મેં લૉ કમિશનના પૂર્વ અધ્યક્ષ જસ્ટિસ ચૌહાણ સાથે કામ કર્યું છે. તેમણે ખૂબ જ સારો રિપોર્ટ આપ્યો છે.
સરકાર ખરેખર પર્સનલ લૉમાં સુધારો લાવવા માંગતી હોય તો તેમણે લૉ કમિશનના રિપોર્ટની ભલામણો સ્વીકારવી જોઈએ.
દાખલા તરીકે, હિંદુ કોડ બિલની વાત કરીએ તો એ વર્ષ 1954-55માં તૈયાર થયું હતું, પરંતુ તેના પહેલાં 1947માં 'હિંદુ લૉ રિફૉર્મ કમિટી'નો રિપોર્ટ જાહેર થયો, ત્યારે ચર્ચા થઈ હતી.
રિપોર્ટની ભલામણોને એક સાથે લાગુ કરી શકાઈ ન હતી. ડૉક્ટર આંબેડકર એ સમયે કાયદા મંત્રી હતા અને તેઓ આ ભણાલમણોને લાગુ કરી શક્યા નહોતા. તેને ત્રણ તબક્કે લાગુ કરવામાં આવી હતી.
ડૉ.આંબેડકર પર આરોપ લાગ્યો હતો કે તેઓ હિંદુ ધર્મને ખતમ કરવા માંગે છે, તેઓ બદલો લઈ રહ્યાં છે. આ ઘટના પરથી જાણવા મળે છે કે સુધારો કરવો મુશ્કેલ જરૂર છે.
ધ્રુવીકરણ કર્યા વગર પ્રયાસ થાય
ઇમેજ સ્રોત, Getty Images
લાંબા સમયથી યુનિફોર્મ સિવિલ કોડની વાત થઈ રહી છે, પરંતુ 70 વર્ષમાં કોઈ પણ સરકાર તેનો એક પણ ડ્રાફ્ટ પ્રસ્તુત કરી શકી નથી.
જો તમે ખરેખર મુસ્લિમ પર્સનલ લૉમાં સુધારો કરવા માંગતા હો તો પહેલાં એક ઍકસ્પર્ટ કમિટી બનાવો, જે રીતે હિંદુ કોડ બિલ તૈયાર કરવા માટે એક કમિટી બનાવવામાં આવી હતી.
પહેલાં એક કમિટી બનાવો, ત્યાર બાદ તેની ભલામણોની રાહ જુઓ, બાદમાં તેના પર ચર્ચા કરો, ત્યાર બાદ તે બદલાવોને લાગુ કરો.
જે સમુદાયને આ પરિવર્તનોમાંથી પસાર થવાનું છે તેમની સાથે મળીને આ પરિવર્તન કરવામાં આવશે તો તેનો સ્વીકાર્યતા વધી જશે.
ફક્ત કાયદો બદલવાથી સમાજિક પરિવર્તન આવી શકે નહીં.
જો સમાજમાં પરિવર્તન લાવવું હોય તો તેના માટે સમાજને તૈયાર કરવો જરૂરી છે.
સમાજને શિક્ષિત કરવો પડે અને આ સમાજને શિક્ષિત કરવા માટે આપણે કયા પગલાં ભર્યા છે તે પણ હજુ સુધી સ્પષ્ટ નથી.
ખરેખર જો સાચા દિલથી આપણે પર્સનલ લૉમા ધ્રુવીકરણ કર્યા વગર પરિવર્તન ઇચ્છતા હોઈએ તો પહેલા એક ઍક્સ્પર્ટ કમિટી બનાવી અને તેના પર સાર્વજનિક ચર્ચાઓ કરવી જોઈએ.
ત્યાર બાદ જ આપણે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી શકીશું.
સમગ્ર દેશમાં કોઈ પણ કાયદો એક સરખો નથી
ઇમેજ સ્રોત, Getty Images
યુનિફોર્મ સિવિલ કોડ કેન્દ્ર અને રાજ્ય સરકાર બન્નેનો વિષય છે, એટલે કે રાજ્ય અને કેન્દ્ર બન્ને આ અંગે કાયદો ઘડી શકે છે.
એનો અર્થ એવો થયો કે ભારતના 29 રાજ્યોમાં 29 અલગ અલગ કાયદાઓ બનાવી શકાય.
અમારું માનવું છે કે હિંદુ લૉ સમગ્ર દેશમાં એક સરખો હોવા છતાં પણ સમાન નથી. ક્રિમિનલ લૉ પણ સમગ્ર દેશમાં એક સરખો નથી, ભારતીય દંડ સંહિતા પણ સમગ્ર દેશમાં એક સમાન નથી.
તાજેતરમાંજ પંજાબમાં ઇશનિંદા કાયદામાં બદલાવ કરાયો છે, ત્યાં આઇપીસીમાં એક નવી સેક્શન 295 AA ઉમેરાઈ છે.
ટીવી ચેનલોના કેટલાક ઍન્કરોએ લાંબા સમય સુધી 'એક દેશ, એક કાયદા'ના સમાચારો દર્શાવ્યા, જે દેશ અને કાયદા વિશેના તેમના અજ્ઞાનને દર્શાવે છે.
હું એવું માનું છું કે 'વન નેશન વન લૉ'ની ચળવળ ચલાવનારાઓને લૉ કમિશનના આ રિપોર્ટથી ચોક્કસપણે થોડો ઘણો આંચકો લાગ્યો છે.
હું એવું માનું છું કે લગ્ન માટેની છોકરા-છોકરીની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ કરવાની લૉ કમિશનની ભલામણના કારણે મુશ્કેલી સર્જાઈ શકે છે.
ભારત જેવા દેશમાં પહેલાંથી જ વસ્તીની સમસ્યા છે.
વસ્તીનો વિસ્ફોટ થઈ રહ્યો છે તેવામાં ફક્ત છોકરીઓની લગ્ન માટેની લઘુતમ ઉંમર 18 વર્ષ છે, તેના લીધે છોકરાઓની લગ્નની લઘુતમ ઉંમર 18 વર્ષ કરી નાંખવી તર્કબદ્ધ નથી.
લગ્ન માટે છોકરીઓની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ કરી દેવાની સલાહ વધારે આવકારદાયક છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો