નૂરજહાં: મુગલ કાળની ફૅમિનિસ્ટ અને સૌથી શક્તિશાળી મહિલા

પેઇન્ટિંગ

ઇમેજ સ્રોત, PENGUIN

ઇમેજ કૅપ્શન,

નૂરજહાં મુગલ કાળના એક માત્ર મહિલા શાસક હતાં.

નૂરજહાં. 17મી સદીના ભારતનાં સૌથી શક્તિશાળી મહિલા. નૂરજહાંએ વિશાળ મુગલ સામ્રાજ્યના શાસનમાં અભૂતપૂર્વ ભૂમિકા નિભાવી હતી.

ઇતિહાસકાર રુબી લાલ સમજાવે છે કે વર્તમાન સમયમાં નૂરજહાંના નેતૃત્વની જરૂરિયાત સમજવી કેમ અગત્યની છે.

16મી સદીની શરૂઆતમાં ભારતમાં સત્તા સ્થાપિત કરનારા મુઘલોએ ભારતીય ઉપ મહાદ્વીપના એક વિશાળ ભાગમાં 300થી વધુ વર્ષ શાસન કર્યું હતું.

જે ભારતના સૌથી તાકતવર અને મોટા શાસનમાનું એક હતું.

મુગલ કાળમાં અનેક શાસકોએ રાજ કર્યું. નૂરજહાં તેમાનાં એક હતાં. નૂરજહાં કળા, સંસ્કૃતિ, અને સ્થાપત્ય કળાનાં સંરક્ષક હતાં.

તેમણે એકથી એક ભવ્ય શહેરો, મહેલ, મસ્જિદ અને મકબરા બંધાવ્યાં હતાં.

તમે આ વાંચ્યું કે નહીં?

કદાચ આ જ કારણ છે કે નૂરજહાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોક-સાહિત્યમાં જીવિત છે.

નૂરજહાંની વાર્તાઓ ઉતર ભારતના આગરા અને ઉતર પાકિસ્તાનનાં ઘરો અને ઐતિહાસિક ઇમારતોમાં સંભળાવવામાં આવે છે.

આગરા અને લાહોર મુગલ શાસન દરમ્યાન બે પ્રમુખ શહેર હતાં. ખાસ કરીને નૂરજહાંના શાસનકાળમાં.

જ્યારે નૂરજહાંએ નરભક્ષી વાઘનો શિકાર કર્યો

ઇતિહાસના જાણકારો નૂરજહાંની અનેક કહાણીઓ કહે છે. જેમ કે નૂરજહાં અને જહાંગીરની પ્રેમ કહાણી.

ઉપરાંત નૂરજહાંએ કેવી રીતે એક નરભક્ષી વાઘનો શિકાર કરીને ગામની રક્ષા કરી હતી.

સ્થાનિક ગાઇડ તો એ વાતનું પણ વર્ણન કરે છે કે કેવી રીતે નૂરજહાંએ હાથી પર બેસીને જ વાઘને ગોળી મારી હતી.

જોકે, આપણે મોટાભાગે નૂરજહાંની પ્રેમ કહાણી કે તેમની બહાદુરી વિશે જ સાંભળ્યું છે.

તેમની રાજકીય કુશળતા અને મહત્ત્વકાંક્ષા વિશે લોકો પાસે ખાસ માહિતી નથી.

નૂરજહાં એક આકર્ષક મહિલા હતાં જેમણે તમામ અડચણોનો સામનો કરતાં મુગલ શાસનની કમાન સંભાળી હતી.

નૂરજહાં એક આકર્ષક મહિલા હતાં જેમણે તમામ અડચણોની વચ્ચે મુઘલ સામ્રાજ્યની કમાન સંભાળી હતી.

તેઓ મહાન કવિયિત્રી હતાં, શિકારમાં તેમની નિપુણતા હતી. સ્થાપ્તકળામાં અવનવા પ્રયોગો કરવાનો તેમને શોખ હતો.

નૂરજહાં એ જ આગ્રામાં તેમના માતાપિતાના મકબરાની ડિઝાઇન તૈયાર કરી હતી. તાજમહેલની ડિઝાઇન પણ તેનાથી જ પ્રેરિત હતી.

પુરુષોનો દબદબો ધરાવતી દુનિયામાં નૂરજહાં એક શસક્ત શાસક બની ઊભર્યાં હતાં.

શક્તિશાળી કેવી રીતે બન્યાં?

ઇમેજ સ્રોત, COURTESY OF RAMPUR RAZA LIBRARY

ઇમેજ કૅપ્શન,

હાથમાં બંદૂક પકડેલા નૂરજહાંનું ચિત્ર

નૂરજહાં શાહી પરિવારના ન હોવા છતાં મલિકાથી લઈને કુળશ રાજનેતા અને જહાંગીરના પ્રિય પત્ની બન્યાં હતાં.

ઉપરાંત તેમણે વિશાળ મુઘલ સામ્રાજ્ય પર રાજ કર્યું હતું.

એ સમયે સાર્વજનિક જીવનમાં મહિલાઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

આવી સ્થિતિમાં પણ નૂરજહાં આટલાં તાકતવર કેવી રીતે બન્યાં હતાં?

આનો જવાબ છે, તેમનો ઉછેર, આસપાસના લોકો, જહાંગીર સાથે તેમના નજીકના સંબંધ અને તેમની મહત્ત્વકાંક્ષા.

નૂરજહાંનો જન્મ 1577માં વર્તમાન અફધાનિસ્તાનના કંદહારમાં થયો હતો.

તેમના માતાપિતા ફારસી હતાં જેમણે સફવી શાસનમાં વધતી અસહિષ્ણુતાના કારણે ઈરાન છોડીને કંદહારમાં શરણ લીધું હતું.

એ સમયે અરબમાં વસતા લોકો ભારતને અલ-હિંદ કહેતા હતા જેની સંસ્કૃતિ સમૃદ્ધ અને સહિષ્ણુ હતી.

અલ-હિંદમાં અલગ અલગ ધર્મો, રિત-રિવાજો અને વિચારોના લોકો માટે એક સાથે શાંતિથી રહેવાની સુવિધા હતી.

નૂરજહાંનો ઉછેર અલગઅલગ રિત-રિવાજોની સંસ્કૃતિ અને ધર્મની વચ્ચે થયો હતો.

તેમનાં પ્રથમ લગ્ન વર્ષ 1594માં મુઘલ સરકારના એક પૂર્વ સરકારી અધિકારી સાથે થયાં હતાં.

ત્યારબાદ તેઓ પૂર્વ ભારતના સમૃદ્ધ રાજ્ય ગણાતા બંગાળમાં જતાં રહ્યાં હતાં.

જ્યાં તેમણે પોતાના એકમાત્ર સંતાનને જન્મ આપ્યો હતો.

જહાંગીર સાથે લગ્ન

ઇમેજ સ્રોત, SM MANSOOR

ઇમેજ કૅપ્શન,

અન્ય મહિલાઓ સાથે પોલો રમતા નૂરજહાંનું ચિત્ર

નૂરજહાંના પતિ પર જહાંગીર વિરુદ્ધ કાવતરું ઘડવાનો આરોપ લાગ્યો હતો.

એ સમયે જહાંગીરે બંગાળના ગવર્નરને નૂરજહાંને આગ્રા હાજર કરવાનો આદેશ આપ્યો હતો.

જોકે, નૂરજહાંના પતિ ગવર્નરના માણસો સામે યુદ્ધમાં મૃત્યુ પામ્યા હતા.

પતિના મૃત્યુ બાદ વિધવા નૂરજહાંને જહાંગીરના મહેલમાં શરણ આપવામાં આવ્યું હતું.

વર્ષ 1611માં નૂરજહાં અને જહાંગીરના લગ્ન થયાં હતાં.

આવી રીતે નૂરજહાં જહાંગીરના વીસમા અને અંતિમ પત્ની બન્યાં હતાં.

એ સમયના કાયદેસર રૅકર્ડમાં મહિલાઓનાં નામ ખૂબ જ ઓછાં છે પરંતુ 1614 અને ત્યારબાદના ઐતિહાસિક પુરાવામાં નૂરજહાં અને જહાંગીરના સંબંધનો ઉલ્લેખ જોવા મળે છે.

જહાંગીરે નૂરજહાંની એક તસવીર પણ બનાવી હતી.

આ તસવીરમાં તેમણે નૂરજહાંને એક સંવેદનશીલ સાથી, સંભાળ રાખનાર ઉત્તમ મહિલા, કુશળ સલાહકાર, ચતુર શિકારી, કૂટનીતિ ઘડનાર અને કળાના પ્રસંશક તરીકે દર્શાવ્યાં હતાં.

નૂરજહાંના હાથમાં સત્તાની કમાન આવી

કેટલાક ઇતિહાસકારોનું મંતવ્ય છે કે જહાંગીરને નશાની લત હતી અને આગળ જતા તેમના માટે કામકાજમાં ધ્યાન આપવું મુશ્કેલ થઈ ગયું હતું.

જેથી તેમણે પોતાના સામ્રાજ્યની કમાન નૂરજહાંના હાથમાં સોંપી દીધી હતી.

જોકે, આ સંપુર્ણ સત્ય નથી પરંતુ જહાંગીરને નશાની લત હતી અને તેઓ અફિણ લેતા હતા.

તેઓ નૂરજહાંને ખૂબ જ પ્રેમ કરતા હતા પરંતુ નૂરજહાંનું સત્તા સંભાળવાનું કારણ આ ન હતું.

નૂરજહાં અને જહાંગીર એક બીજાનો પર્યાય હતાં.

જહાંગીર પત્નીની પ્રગતિ અને વધતા જતા પ્રભાવથી કદી અસહજ થયા ન હતા.

જહાંગીર સાથે લગ્નના થોડા સમય બાદ જ નૂરજહાંએ પોતાનું પહેલું શાહી ફરમાન જાહેર કર્યું હતું.

આ ફરમાનમાં કર્મચારીઓની જમીનની સુરક્ષાની વાત કરાઈ હતી.

આ ફરમાનમાં તેમની સહી હતી નૂરજહાં બાદશાહ બેગમ. જેના દ્વારા જાણવા મળે કે નૂરજહાંની તાકાત કેવી રીતે વધી રહી હતી.

જ્યારે નૂરજહાં પુરુષો માટે આરક્ષિત ઓસરીમાં આવ્યા

ઇમેજ સ્રોત, SILVER

ઇમેજ કૅપ્શન,

નૂરજહાં અને જહાંગીરનું નામ ધરાવતા ચાંદીના સિક્કા

વર્ષ 1617માં બહાર પાડવામાં આવેલા સિક્કા પર જહાંગીરની બાજુમાં નૂરજહાંનું નામ છાપવામાં આવ્યું હતું.

અદાલતના અભિલેખકો, વિદેશી સચિવો, વેપારીઓ, અને મહેમાનોએ પણ નૂરજહાંના વિશેષ દરજ્જાને ઓળખવાની શરૂઆત કરી લીધી હતી.

અદાલતના એક દરબારીએ એક ઘટનાનું વર્ણન કર્યું છે, જ્યારે નૂરજહાં એ શાહી ઓસરીમાં આવીને સૌને ચોંકાવી દીધા હતા જે ફક્ત પુરુષો માટે આરક્ષિત હતી.

રૂઢિચુસ્ત પરંપરાઓની વિરુદ્ધ નૂરજહાંનો આ એક માત્ર વિરોધ ન હતો.

શિકાર કરવો, શાહી ફરમાન અને સિક્કા બહાર પાડવા, સાર્વજનિક ઇમારતોની ડિઝાઇન તૈયાર કરાવવી, ગરીબ મહિલાઓની મદદ માટે નિર્ણયો કરવા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોની આગેવાની કરવાથી લઈને અનેક રીતે નૂરજહાંએ પોતાના સમયમાં એક અસાધારણ મહિલા તરીકે જીવન વિતાવ્યું હતું.

ફકત એટલું જ નહીં પરંતુ જ્યારે જહાંગીરને બંદી બનાવી લેવાયા ત્યારે તેમને બચાવવા માટે સેનાનું નેતૃત્વ પણ કર્યું હતું અને આમ નૂરજહાંનું નામ લોકોની કલ્પના અને ઇતિહાસમાં હંમેશાં માટે નોંધાઈ ગયું.

(ઇતિહાસકાર અને લેખિકા રુબી લાલ અમેરિકાની એમોરી યુનિવર્સિટીમાં ભણાવે છે. તેમણે તાજેતરમાં જ એમ્પ્રિસ: ધ અસ્ટૉનિશિંગ રેન ઑફ નૂરજહાં નામનું પુસ્તક લખ્યું છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો