બ્લૉગ : 'સ્ત્રી જબરદસ્તી નથી કરતી, જબરદસ્તી પુરુષ કરે છે'

  • સિન્ધુવાસિની
  • બીબીસી સંવાદદાતા
સ્ત્રી

ઇમેજ સ્રોત, THINKSTOCK

પણ સ્ત્રીએ અમારી સાથે જબરદસ્તી કરીને 'પેલું' કરી લેશે તો?

ના, સ્ત્રી કોઈની સાથે જબરદસ્તી નથી કરતી. જબરદસ્તી પુરુષો કરે છે. સ્ત્રી પહેલાં પૂછે છે - હૅલો મિસ્ટર...

આ સાંભળીને દિલ્હીના ચાણક્યપુરી પીવીઆર થિયેટરમાં લોકો જોરજોરથી હસે છે.

આ હૉરર-કૉમેડી ફિલ્મ ‘સ્ત્રી’નો ડાયલૉગ છે.

કહાણી એ સ્ત્રીની છે જે સેક્સ વર્કર (સમાજ જેને વેશ્યા કહે છે) હતી અને તેને કોઈની સાથે પ્રેમ થઈ ગયો હતો.

વાત લગ્ન સુધી પહોંચી ગઈ, પણ લગ્ન ન થયું કારણકે શહેરના લોકોથી આ સહન ના થયું.

એક સેક્સ વર્કર કોઈને પ્રેમ કરે છે, લગ્ન કરીને પોતાનું ઘર કરવા માગે છે. જો તે લગ્ન કરી લેશે તો બીજા પુરુષોની ઇચ્છા કોણ પૂરી કરશે?

સ્ત્રીની સુહાગરાત

ઇમેજ સ્રોત, MADDOCK FLIMS/YOU TUBE

પરિણામસ્વરૂપે સ્ત્રી અને તેમના પ્રેમીની હત્યા કરી દેવાઈ. હવે એ સ્ત્રી પોતાના પ્રેમીને પાછો મેળવવા માગે છે. સુહાગરાત મનાવવાની પ્રબળ ઇચ્છા ધરાવે છે. પણ સ્ત્રી તો વેશ્યા હતી ને?

એક સેક્સ વર્કરના મનમાં સુહાગરાતની આટલી તૃષ્ણા કેમ છે? તે તો રોજ કેટલાય પુરુષો સાથે સૂતી હશે.

તમે આ વાંચ્યું કે નહીં?

ફિલ્મ જોતી વખતે મન આ પ્રશ્નોમાં ગરકાવ થાય છે. સેક્સ વર્કર હતી, કોણ જાણે રોજ કેટલા પુરુષો તેની સાથે સૂતા હશે.

પુરુષો તેમની સાથે સૂતા હતા કે તે પુરુષો સાથે સૂતી હતી કે ? શું કોઈ રાત તેમના માટે સુહાગરાત જેવી રહી હશે? કે તેમની સાથે બળાત્કાર થયો હશે?

હવે સ્ત્રી પોતાના ખોવાયેલા પ્રેમીને શોધી રહી છે, પોતાની સુહાગરાતની રાહ જોઈ રહી છે.

તેની પાસે બધાનો આધાર નંબર છે!

ઇમેજ સ્રોત, MADDOCK FLILMS/YOU TUBE

હવે તે શહેરના પુરુષોને નામથી બૂમ પાડીને બોલાવે છે અને જે તેની તરફ ફરીને જોવે તે પુરુષને એ સ્ત્રી ઉપાડી જાય છે.

સ્ત્રીને બધાનું નામ અને સરનામું ખબર છે, કારણકે તેમની પાસે બધાનો આધાર નંબર છે. હા, એ જ આધાર જે 13 ફૂટ ઊંચી અને પાંચ ફૂટ પહોળી દીવાલ પાછળ સુરક્ષિત છે. પણ હૅકરોએ ટ્રાઈવાળા શર્માજીની માહિતી નહોતી છોડી તો આ તો સ્ત્રી છે! પુરુષોની માહિતી કેમ ન કાઢે?

પુરુષોને ઉપાડી જાય છે પણ તેમના કપડાં ત્યાં જ છોડી દે છે.

મર્દને દર્દ થઈ રહ્યું છે

ઇમેજ સ્રોત, Getty Images

ત્યાં રહી ગયેલાં પુરુષોનાં કપડાં શહેરમાં ભય ફેલાવે છે. મર્દોને હવે દર્દ થઈ રહ્યું છે. મર્દ ઘરોમાં બંધ છે અને સ્ત્રીઓ બહાર જઈ રહી છે.

પુરુષો સ્ત્રીઓને જલદી ઘરે પરત આવવા કહે છે કારણકે તેમને ડર છે. તેમને સ્ત્રીનો ડર છે.

હવે માતાઓ પોતાના પુત્રોને જલદી પરત આવવા અને રાત્રે બહાર ન ફરવાની સલાહ આપે છે. બહેનો પોતાના ભાઈઓ સાથે બૉડીગાર્ડ બનીને સાથે જાય છે. પાર્ટી કરતા છોકરાઓને અંધારું વધતાં જ મમ્મીની વઢનો ડર લાગે છે.

એટલે કે બધું વાસ્તવિકતાથી ઊંધુંચત્તું થઈ ગયું છે. શહેરમાં પુરુષો અને સ્ત્રીઓની ભૂમિકા બદલાઈ ગઈ છે.

પણ આવું કેટલા દિવસ ચાલશે? એક સ્ત્રીથી પુરુષ કેટલા દિવસ ડરશે? આખરે તે પુરુષોના પગના જૂતા બરાબર જ છે ને?

વધારે જીદ કરે તો તેને ખેંચીને લાફો મારી દો, કાપી નાંખો, સળગાવી દો. આ શહેરના લોકોએ પણ એ વેશ્યા સાથે આવું જ કર્યું હતું, એ સ્ત્રી સાથે આવું જ કર્યું હતું.

પણ હવે ડાકણ બની ગયેલી સ્ત્રીને કેવી રીતે લાફો મારવો, તેને કેવી રીતે કાપે અને કેવી રીતે સળગાવે? એવું તો જીવિત સ્ત્રીઓ સાથે કરાય છે!

કે પછી જીવતી મહિલાઓને પોતાની જરૂર પ્રમાણે ડાકણ કહીને મારે છે, કાપે છે અને સળગાવે છે.

જો આ બધું સાંભળવામાં વિચિત્ર લાગતું હોય તો અમેરિકન લેખક માર્ક ટ્વેનને યાદ કરો. તેમણે જ કહ્યું છે કે વાસ્તવિકતા કલ્પનાથી વધારે વિચિત્ર હોય છે.

વાસ્તવિકતા એ છે કે દર વર્ષે ઝારખંડ, ઓડિશા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં દર વર્ષે લોકો મહિલાઓને ડાકણ કહીને મારી નાંખે છે.

એનસીઆરબી (નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો)ના આંકડા પ્રમાણે વર્ષ 2016માં ઝારખંડમાં 27 અને ઓરિસ્સામાં 24 મહિલાઓની ડાકણ ગણીને હત્યા કરી દેવાઈ હતી.

પણ સ્ત્રી આખરે શું ઇચ્છે છે? વિશ્વભરના પુરુષો હંમેશાં આ પ્રશ્નનો સામનો કરતા હોય છે કે મહિલા શું ઇચ્છે છે? વૉટ વીમેન વૉન્ટ?

આ પ્રશ્નનો જવાબ તેમને સ્ત્રી આપશે અને આ પ્રકારના તમામ પ્રશ્નોનો જવાબ વિચારવા માટે ઉશ્કેરશે.

મહિલાઓની ઇચ્છા

ઇમેજ સ્રોત, Thinkstock

કૉમેડી અને હૉરરને ભેળવીને બનાવેલી આ ફિલ્મમાં ગંભીર ચર્ચાની શક્યતા ઓછી જ હોય છે, પણ 'સ્ત્રી' ફિલ્મ સંકેતોમાં ઘણું કહી જાય છે.

પછી એ 'સ્ત્રી ક્યારેય જબરદસ્તી નથી કરતી, જબરદસ્તી પુરુષ કરે છે'ના બહાને 'કંસેટ' એટલે કે સંમતિ પર વાત કરવાની હોય કે સ્ત્રીની સુહાગરાતના બહાને મહિલાઓની જાતીય ઇચ્છા તરફ નિર્દેશ કરવો કે જેને સદીઓથી દબાવી દેવાના પ્રયાસો થયા છે.

બૉલીવૂડ ફિલ્મમાં એક પિતા પોતાના પુત્રને ‘સ્વયંસેવા’ના નામે હસ્તમૈથુન કરવાની સલાહ આપે એ સુખદ આશ્ચર્ય જેવું લાગે છે. કહેવાની જરૂર નથી કે જાતીય ગુનાઓનું એક મોટું કારણ સેક્સ એજ્યુકેશનનો અભાવ પણ છે.

દસમાં ધોરણાં બાયૉલૉજી (જીવવિજ્ઞાન)નાં પુસ્તકોમાં આવતું પ્રજનનતંત્ર પરનું સંપૂર્ણ પ્રકરણ શિક્ષક છોડી દેતા હોય છે. જેમાં થોડી ઘણી પણ સેક્સ એજ્યુકેશનની શક્યતાઓ રહેલી હોય છે.

પછી સેક્સ એજ્યુકેશનનું અધૂરું જ્ઞાન પોર્નમાંથી મળે છે. એ જ પૉર્ન જે હિંસાત્મક હોય છે, વાસ્તવિકતાથી ઘણું દૂર હોય છે અને જેમાં મહિલાઓના જાતીય સુખ પર જવલ્લે જ ધ્યાન આપવામાં આવે છે.

ન્યાય અને સમાનતાની શોધ

ઇમેજ સ્રોત, Reuters

જ્યારે યાદશક્તિ ગુમાવીને કટોકટીના યુગમાં અટકી ગયેલાં પાત્રને લોકો કહે કે કટોકટી જતી રહી છે, દેશ હવે સારી સ્થિતિમાં છે ત્યારે તમે પોતાને પૂછશો કે શું આ સાચું છે.

ફિલ્મ પરફેક્ટ છે એવું તો નથી, પણ તમને પ્રશ્નોના સાચા જવાબ શોધવાનું ચોક્કસ કહેશે.

'સ્ત્રી' ન્યાય અને સમાનતાની શોધમાં ભટકતી લાખો મહિલાઓની કહાણી છે.

આ એ સ્ત્રીઓની કહાણી છે જેમની ક્યારેક હત્યા કરાઈ હતી તો ક્યારેક જેમના સ્વપ્નોની હત્યા કરાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો