મોદીના મુશ્કેલ સમયમાં જ કેમ સામે આવે છે શહેરી નક્સલીઓ?

  • નંદિની સુંદર
  • પ્રોફેસર, દિલ્હી યુનિવર્સિટી
સુદ્ધા ભારદ્વાજ

ઇમેજ સ્રોત, ALOK PUTUL/BBC

ઇમેજ કૅપ્શન,

સુધા ભારદ્વાજ

કેટલાંક વર્ષો પહેલાં હું દંતેવાડાની એક શાળામાં ગઈ હતી. શાળાના આચાર્યએ મને કથિત માઓવાદીનો એક પત્ર દેખાડ્યો જેમાં લખવામાં આવ્યું હતું કે શાળા બંધ કરી દો. તેમાં છેલ્લે લાલ શાહીથી લખવામાં આવ્યું હતું - 'લાલ સલામ.'

તપાસ કરતાં ખબર પડી કે રજા ન મળવાને કારણે મુખ્ય આચાર્યથી નારાજ એક શિક્ષકે આ કાગળ લખ્યો હતો. દેશમાં આ પ્રકારના ઘણા 'માઓવાદી' પત્રો ફરી રહ્યા છે.

ઘણી વખત આ માઓવાદી દ્વારા લખાયેલા હોય છે તો ઘણી વખત તે પોલીસ અને સામાન્ય જનતા દ્વારા લખાયેલા હોય છે. જેથી વ્યક્તિગત દુશ્મનીનો બદલો લઈ શકાય.

જ્યારે ગામલોકો આ પ્રકારના પત્રો લખે છે ત્યારે તેઓ લખાણને સ્વચ્છ-સુઘડ રાખવાનો પ્રયાસ કરતા હોય છે કારણ કે તેમની નજરમાં માઓવાદીનો વાંચવા-લખવા પ્રત્યેનો લગાવ દેખાય છે.

જોકે, પોલીસ જ્યારે પણ આવા માઓવાદીના પત્રો લખે છે ત્યારે તે એમને વધુ પ્રમાણમાં અભણ ચિતરવાનો પ્રયાસ કરે છે.

પુણે પોલીસે જે પત્રો જાહેર કર્યા છે તે આ પ્રકારની નકલી માઓવાદી ચિઠ્ઠીની 'શહેરી પોલીસ' આવૃતિ જ છે જે તેમની શહેરી નક્સલીઓની કલ્પનામાં બંધ બેસી શકે છે. આ પત્રોનો કોઈ જ અર્થ નથી

ઉદાહરણ તરીકે એક કાગળને કથિત રીતે 'કૉમરેડ સુધા' એ 'કૉમરેડ પ્રકાશ' ને લખ્યો છે.

તેમાં ઘણી વખત તે પોતાનું નકલી નામ લખે છે તો ઘણી વખત પોતાનું વાસ્તવિક નામ(ખાસ કરીને એ લોકોનું નામ કે પોલીસ જેમને પકડવા માંગે છે).

આ કથિત પત્રમાં તે અલગતાવાદીઓ માટે ઉગ્રવાદી લખે છે જેમના પ્રત્યે તેમની સહાનુભૂતિ બતાવવામાં આવે છે.

જ્યારે માનવ અધિકારનું ઉલ્લંઘન કરતા સુરક્ષાબળો માટે 'દુશ્મન' શબ્દ વાપરવામાં આવે છે.

સુધા ભારદ્વાજ ક્યારેય પૈસા નહીં માંગે

ઇમેજ કૅપ્શન,

સુધા ભારદ્વાજ દ્વારા લખાયેલી કથિત ચિઠ્ઠીનો એક ભાગ

સુધા ભારદ્વાજને જેઓ થોડાં ઘણાં પણ ઓળખે છે તેઓ એ વાત પર ભરોસો નહીં કરે કે તેઓ પોતાના માટે કે પોતાની પુત્રી માટે પૈસા માંગશે.

સુધા દ્વારા કરવામાં આવેલી સંપૂર્ણ કાયદાકીય ગતિવિધિઓ, જેવી કે કાયદાકીય સહાયતા પૂરી પાડવી, ઘટનાઓ પાછળનું રહસ્ય છતું કરવું તથા તેમની બેઠકોને આતંકવાદી કાવતરું ઘડવાનું નામ પણ આપવામાં આવી રહ્યું છે.

આ પત્રો સિવાય એવું તે શું બન્યું કે પોલીસનું કહેવું છે કે આટલા બધા શ્રેષ્ઠ નાગરિકો છૂપી રીતે કાવતરું ઘડવા લાગ્યા અને હત્યા કરવાનો પ્રયાસ કરવા લાગ્યા.

એ પણ ત્યારે જ્યારે તેમણે આખી જિંદગી જાહેર રાજકરાણમાં અને કટોકટીના સમયમાં પસાર કરી હોય.

ધરપકડ કરવામાં આવેલા લોકોમાં સૌથી નાની ઉંમરના મહેશ રાઉત છે. જેઓ વડા પ્રધાન ગ્રામીણ વિકાસના ફેલો રહી ચૂક્યા છે.

ડિસેમ્બર 2017 માં યલગાર પરિષદના કેટલાક દિવસો પહેલાં તેઓ ગઢચિરોલીમાં એક મોટી બેઠકના આયોજનની તૈયારી કરી રહ્યા હતા.

જેથી જંગલ અધિકાર ધારા અને પીઈએસ(પંચાયત એક્સટેન્શન ટૂ શિડ્યૂલ એરિયાઝ એક્ટ,1996) પર ચર્ચા કરી શકાય.

જોકે, પોલીસના અટપટા તુક્કાઓ અનુસાર આ લોકોનું મોકળાપણું અને એમની કામગીરી બંધારણ અનુસાર હોવી એ જ એમને 'શહેરી નક્સલી' બનાવે છે.

કહેવામાં આવે છે કે નોટબંધીએ માઓવાદીઓ અને કાશ્મીરી અલગતાવાદીઓની કમર તોડી નાંખી છે.

તો પછી તેઓ એટલા બધા મજબૂત કેવી રીતે બની ગયા કે તેઓ વડા પ્રધાનને જ ધમકી આપવા માંડ્યા?

'શહેરી નક્સલીઓ' જાહેર રાજકારણમાં હતા

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન,

ગૌતમ નવલખા

ગૃહ મંત્રી કહે છે કે ગ્રામીણ વિસ્તારોમાં માઓવાદીઓને હરાવવામાં આવી રહ્યા છે.

તેઓ શહેરી વિસ્તારોમાં ફેલાઈ રહ્યા છે. પણ જે લોકોની શહેરી નક્સલી દર્શાવીને જેમની ધરપકડ કરવામાં આવી રહી છે તેઓ હંમેશાં જાહેર રાજકારણમાં હતા.

દિલ્હી હાઈકોર્ટમાં ગૌતમ નવલખાની રિમાન્ડ પર ચર્ચા દરમિયાન એડિશનલ સૉલિસિટર જનરલ અમન લેખીએ કહ્યું કે પોલીસનો દાવો છે કે પહેલાં એમણે પાંચની ધરપકડ કરી હતી અને પછી પહેલા તબક્કાની ધરપકડને આધારે મળેલા પુરાવા પરથી પાંચ અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી.

એમનું કહેવું છે કે હજી બીજી ધરપકડો પણ થઈ શકે તેમ છે.

જો આ આખા મુદ્દે મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું તો આ કાવતરું કાર્યકર્તા નહીં પણ પુણે પોલીસ અને મહારાષ્ટ્ર તેમજ કેન્દ્રની ભાજપ સરકાર જ રચી રહી હતી.

ચાલો આ ષડયંત્ર અને ધરપકડ પાછળ કયાં કારણો રહેલાં છે તેના પરથી પડદો ઉઠાવવાનો પ્રયત્ન કરીએ.

આ ધરપકડો અત્યારે કેમ કરવામાં આવી? આ જ લોકોની કેમ ધરપકડ કરવામાં આવી અને આનાથી સરકાર શું હાંસલ કરવા માંગે છે?

આ કાર્યવાહી પાછળનું પહેલું કારણ તો સ્પષ્ટ છે સનાતન સંસ્થાની ત્રાસવાદી હિલચાલ અને ગૌરી લંકેશ, એમ.એમ. કલબર્ગી, ગોવિંદ પાનસરે અને દાભોલકરની હત્યાઓમાં કથિત ભૂમિકાઓ પરથી ધ્યાન અન્યત્ર દોરવાનું છે.

માનવાધિકાર કાર્યકર્તાઓને નિશાન બનાવવા માટે જે એફઆઈઆરને આધાર બનાવવામાં આવી, તે ભીમા કોરેગાંવની હિંસામાં આરોપી સંભાજી ભિડે અને મિલિંદ એકબોટેના શિષ્ય તુષાર દમગુડેની ફરિયાદને આધારે નોંધાવવામાં આવી હતી.

એમાં કોઈ આશ્ચર્ય નથી કે આ બન્ને વિરુદ્ધ ચાલી રહેલી તપાસ ગોકળગાયની ગતિએ આગળ વધી રહી છે.

આ સાથે જ માયા કોડનાની અને 2002નાં ગુજરાત રમખાણોમાં સામેલ બીજાઓના છૂટી જવાને પણ આ જ ક્રમમાં જોવામાં આવે.

ઇશરત જહાં અને સોહરાબુદ્દીનની હત્યાઓમાં ફસાયેલા અમિત શાહ, વણઝારા અને અન્ય પરથી આરોપ દૂર કરવાને પણ આ અનુસંધાનમાં જોઈ શકાય છે.

યોગી આદિત્યનાથ દ્વારા પોતાના ઉપર લાગેલા મુદ્દાઓ ફગાવી દેવા અને જયંત સિન્હા દ્વારા ઝારખંડમાં લિંચિંગ કરનારાઓને હાર પહેરાવવા જેવા બીજા પણ ઘણા મુદ્દા છે.

પીડિતો પર જ આરોપ

ઇમેજ સ્રોત, Getty Images

સમાજ અને દેશના આપમેળે બની બેઠેલા જે ઠેકેદારોને આ સરકારે હિંસાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે, એમને એ સ્પષ્ટ અણસાર આપી રહી છે કે તેમના પર કોઈ કાયદાકીય આફત નહીં આવવા દે.

એમને આગળ વધવાની સંપૂર્ણ મંજૂરી આપવામાં આવે છે. ભીમા કોરેગાંવ સહિત કેટલાક કિસ્સાઓમાં તો પીડિતો પર જ આરોપ લગાવવામાં આવા રહ્યા છે.

બીજું એમનું લક્ષ્ય સ્પષ્ટ છે કે ખાસ પ્રકારના જ હિંદુત્વ સમર્થક દલિત અને આદિવાસી કાર્યકર્તાઓ કામ કરતા રહે અને બીજાઓને દબાવી દેવામાં આવે.

ભાજપ, દલિત અને આદિવાસી મતો માટે વલખાં મારી રહી છે. એમણે દલિત રાષ્ટ્રપતિ બનાવી, એસસી-એસટી એક્ટને નબળા કરી દેનારા સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલીને અને રાજા સુહેલદેવ જેવા દલિત હીરોને આગળ લાવી દલિતોની નજીક આવવાનો પ્રયાસ કર્યો છે.

જો તમે સરકારી દલિત નથી તો તમારો અવાજ દબાવી દેવામાં આવશે-ઉત્તર પ્રદેશની ભીમ આર્મીના ચંદ્ર શેખર આઝાદની જેમ, ગુજરાતનાં જિગ્નેશ મેવાણી અને ઉનાનાં દલિતોની જેમ કે પછી નવ-બ્રાહ્મણવાદી પેશવાઈ સામે લડત આપવા યલગાર પરિષદમાં ભાગ લેનારા દલિતોની જેમ.

જ્યાં સુધી આદિવાસીઓની વાત છે, ભાજપ વનવાસી કલ્યાણ પરિષદ અને આરએસએસનાં અન્ય મોર્ચા પર આધારિત છે.

માત્ર આ જ એવી એનજીઓ છે જેમને આદિવાસી વિસ્તારોમાં મોકળાશથી કામ કરવાની મંજૂરી પ્રાપ્ત છે.

સરકાર આ ધરપકડોથી એ હેતુઓ સિદ્ધ કરવા માગે છે તે છે, સામાન્ય ભારતીયોને પ્રભાવિત કરવા, જેમની રાષ્ટ્રવાદ સ્વાભાવિક ભાવના છે, ભલે તેમનો રાષ્ટ્રવાદ અંધ રાષ્ટ્રવાદ કે હિંસક નથી, જેવું ભાજપ ઇચ્છે છે.

જોકે, રાષ્ટ્ર વિરોધી, ભાગલાવાદી ગેંગ અને અર્બન નક્સલ જેવા શબ્દો વાપરી સરકાર માનવ અધિકાર અને વિચારોમાં મતભેદને ગેર કાનૂની બનાવી દેવા માગે છે.

લોકોને ભરોસો હતો કે ઉમર, ક્રાંતિકારી કરતાર સિંહ સરાભાની જેમ મહાન કાર્ય કરી રહ્યા છે. એ જ રીતે જે ઝનૂની યાત્રીએ વિમાનમાં કન્હૈયા કુમારનું ગળું દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, તે ભાજપનો સમર્થક હતો.

ખોટા પ્રચારથી માઓવાદી બની રહ્યા છે અસ્પૃશ્ય

ઇમેજ સ્રોત, EPA

દસ વર્ષ પહેલાં માઓવાદી વિશે એ માન્યતા હતી કે તેઓ દિશા વિહિન આદર્શવાદી છે.

એક દાયકા સુધી પોલીસ દ્વારા કરવામાં આવેલા દુષ્પ્રચારને કારણે તેઓ અસ્પૃશ્ય બની ગયા છે.

જો આ જ પરંપરા ચાલતી રહી તો માનવ અધિકાર કાર્યકર્તાઓ સાથે પણ આવું જ બનશે.

હાલમાં કરવામાં આવેલી ધરપકડો, નક્સલવાદ સામે લડતને નામે કરવામાં આવેલા નરસંહાર પરથી લોકોનું ધ્યાન બીજે ભટકાવવાનું છે.

6 ઑગસ્ટ 2015ના રોજ સુરક્ષાબળોએ છત્તીસગઢના સુકમામાં નુલ્કાતોંગ ગામમાં 15 આદિવાસીઓ પર ગોળીબાર કર્યો હતો.

પત્રકારો,વકીલો, સંશોધનકર્તાઓ અને અન્ય લોકોને અહીંથી દૂર રાખી, સરકાર અહીંયા માઇનિંગ અને કંપનીઓ માટે ભૂમિ અધિગ્રહણ કરવાનું સરળ બનાવી રહી છે.

પાંચમું કારણ છે-નરેન્દ્ર મોદી માટે સહાનુભૂતિ એકઠી કરવી. આ યોગાનુયોગ છે કે જ્યારે એમની પરિસ્થિતિ કપરી બને છે એમની હત્યાના કાવતરા અંગેનું રહસ્ય છતું થઈ જાય છે.

આ કથિત હત્યાનું ષડયંત્ર એ દર્શાવે છે કે પોલીસ અને ગૃહ મંત્રાલય પોતાનું કામ યોગ્ય રીતે કરતી નથી અથવા તો તેમાં રસ દાખવતી નથી.

આ પોલીસનો જ કેસ છે કે એમને 17 એપ્રિલ 2018ના રોજ રોના વિલ્સનનાં ઘરમાંથી આ સંડોવણી વાળો દસ્તાવેજ પ્રાપ્ત થયો હતો.

મોદીની સુરક્ષા અંગેની રાજનાથના વડપણ હેઠળની બેઠક 11 જૂનના રોજ થઈ હતી તો પછી રોના અને અન્યની ધરપકડ 6 જૂને કેમ કરવામાં આવી હતી.

આ બધી વાતો અંગે વિચારીએ તો લાગે છે કે પોલીસ અને ભાજપ સરકારે પોતાની જાત અને દેશને મજાકનું પાત્ર બનતા અટકાવવા જોઈએ અને તમામ માનવ અધિકાર કાર્યકર્તાઓને તરત જ મુક્ત કરી દેવા જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો