દૃષ્ટીકોણ : મોદીના શિસ્તના આગ્રહથી લોકતંત્ર નબળું પડે કે નહીં?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, EPA

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપ-રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂના પુસ્તક 'મૂવિંગ ઓન મૂવિંગ ફૉર્વર્ડઃ અ યર ઇન ઓફિસ' નામના પુસ્તકનું લોકાર્પણ રવિવારે નવી દિલ્હીમાં કર્યું હતું.

એ વખતે આપેલા ભાષણમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજકાલ શિસ્તના આગ્રહને 'નિરંકુશતા' ગણાવવામાં આવે છે.

સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ મુજબ, પુસ્તકના લોકાર્પણ બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, "વેંકૈયાજી શિસ્તના બહુ આગ્રહી છે અને આપણા દેશમાં સ્થિતિ એવી છે કે શિસ્તને બિનલોકતાંત્રિક કહી દેવાનું આજકાલ સરળ થઈ ગયું છે."

વડા પ્રધાને ઉમેર્યું હતું, "કોઈ શિસ્તનો જરા સરખો આગ્રહ પણ કરે તો તેને નિરંકુશ ગણાવી દેવામાં આવે છે. તેને કોઈ નામ આપવા માટે લોકો શબ્દકોષ ખોલીને બેસી જાય છે."

તમે આ વાંચ્યું કે નહીં?

વડા પ્રધાને શિસ્ત બાબતે કરેલી આ વાતનો અર્થ શું છે? વળી કોઈ સરકાર શિસ્તમાં રહેવાની વાત કરતી હોય તો એ અસંમતિને દબાવી રહી છે?

બીબીસીના સંવાદદાતા સંદીપ સોનીએ આ સવાલો વરિષ્ઠ પત્રકાર એચ. કે દુઆને પૂછ્યા હતા.

એચ. કે. દુઆનો દૃષ્ટિકોણ

ઇમેજ સ્રોત, EPA

કોઈ શિક્ષક તેના ક્લાસમાં શિસ્તની વાત કરતા હોય તો એ અલગ વાત છે, પણ દેશમાં સત્તાસ્થાને બેઠેલા લોકો શિસ્તની વાત કરે ત્યારે એ બહુ ખતરનાક થઈ જતું હોય છે.

શિસ્તના નામે કોઈ ચીજનો બચાવ કરવો ન જોઈએ. સરકાર શિસ્તની વાત કરે ત્યારે તે કંઈક નિયંત્રિત કરી રહી હોય છે, જેવું ઇંદિરા ગાંધીએ કટોકટી લાદતા પહેલાં કર્યું હતું.

સરકાર શિસ્તની વાત કરશે તેનાથી લોકો પર જોખમ જરૂર હોય છે, કારણ કે લોકો સરકારે કહેલી વાતને નકારશે તો એ સરકારની દૃષ્ટિએ ગેરશિસ્ત કહેવાશે.

એટલું જ નહીં, સત્તામાં બેઠેલા લોકોએ ગેરશિસ્તના સ્થાને ક્યારેક 'દેશદ્રોહી' શબ્દનો ઉપયોગ કર્યો હતો. અસહમતી તથા લોકતંત્ર સાથે-સાથે ચાલતાં હોય છે અને જ્યાં શિસ્તની વાત આવે છે ત્યારે લોકતંત્રની શક્તિ ઘટી જાય છે.

ટીકા સાંભળવા નથી ચ્છતા

ઇમેજ સ્રોત, Getty Images

અસહમતીને નિયંત્રિત કરવામાં આવતી હોય એવું છેલ્લાં બે-ત્રણ વર્ષથી જોવા મળી રહ્યું છે.

સત્તાધારી પક્ષના લોકો દેશના હિતની વાત કરીને એવો સવાલ કરે છે કે આવું શા માટે થઈ રહ્યું છે?

ટીકા એક રીતે લોકોનો અધિકાર છે પણ સત્તાધારી મંડળીમાં તેનો ખોટો અર્થ કરવામાં આવે છે. અન્યો દ્વારા કરવામાં આવતી ટીકાને તેઓ શિસ્તભંગ ગણાવે છે.

લોકતંત્ર અને શિસ્ત વચ્ચે એક સંબંધ જરૂર હોય છે. એ સંબંધ હવે બગડી ગયો છે.

દરેક મુદ્દે શિસ્તની વાત કરવી અને લોકતંત્રને નિયંત્રિત કરવું દેશ માટે યોગ્ય નથી.

લોકતંત્રમાં અસહમતી અત્યંત જરૂરી છે અને સુપ્રીમ કોર્ટે પણ તાજેતરમાં આવું જ કહ્યું હતું.

અસહમતીને દબાવવાનું કેટલું ખતરનાક?

ઇમેજ સ્રોત, Reuters

અસહમતીને દબાવી દેવાનું જોખમ આપણે ઇંદિરા ગાંધીના કાર્યકાળમાં જોઈ ચૂક્યા છીએ.

તેમણે શિસ્તના નામે લોકતંત્રને ખતમ કરી નાખ્યું હતું અને કટોકટી લાદી હતી.

ઇંદિરા ગાંધીને પણ સંસદમાં, અખબારોમાં તેમની ટીકા થાય અને અદાલત તેમની વિરુદ્ધના ચૂકાદા આપે તે પસંદ ન હતું.

કોને-કોને શિસ્તના પાઠ ભણાવી શકાય? લોકતંત્રમાં અસહમતી હોવાની જ. જ્યાં બધી વાતોમાં સહમત થનારા લોકો હોય એવું લોકતંત્ર કેવું હશે?

હામાં હા મિલાવતા લોકો માત્ર દેશ માટે જ નહીં, સરકાર માટે પણ યોગ્ય નથી હોતા.

અસહમતીથી સરકારે એ શીખવું જોઈએ કે તેની પાછળની લોકોની ભાવના શું છે?

દેશના હિતમાં હોય તેવી વાતોની ખબર અસહમતીમાંથી જ પડતી હોય છે.

કટોકટી લાદવામાં આવી એ પહેલાં અને કટોકટી દરમ્યાન ભારત જે જોખમનો સામનો કરી ચૂક્યું છે તેનાં કાળા વાદળ ફરી ચકરાવા લઈ રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો