જ્યારે ઋતિક રોશનની બહેન તેના જ દોસ્ત સાથે ડેટ પર ગઈ

ફોટો

ઋતિક રોશનની બહેન સુનૈનાએ હાલમાં જ એક બ્લૉગ લખ્યો છે. એમાં એમણે એમનાં ભાઈ ઋતિક રોશન વિશે ઘણી એવી વાતો જણાવી છે કે જે કદાચ ઘણા ઓછા લોકોને ખબર હશે.

ઋતિકનાં પરિવારજનો એમને ડુગ્ગૂનાં હુલામણા નામથી બોલાવે છે. એમની બહેન સુનૈનાએ પોતાનાં બ્લૉગમાં ઋતિકનાં બાળપણથી માંડી અત્યાર સુધી કેટલીય રોમાંચક વાતો જણાવી છે.

વાંચો એમનો બ્લૉગ એમનાં જ શબ્દોમાં-

બાળપણમાં ડુગ્ગૂ અને તે એક બીજા કરતા બિલકુલ અલગ હતા. તે એકદમ શરમાળ હતો અને હું ખૂબ વાચાળ.

તે મારા મિત્રો સાથે વાત કરતા પણ શરમાતો હતો. અમે એટલું લડતા કે અમારી મા થાકી જતી.

આજે એ જેટલો શિસ્તપ્રિય છે ,બાળપણમાં તેટલો જ આળસુ હતો.

શાળાએ મોડો પહોંચતો, લંચમાં મોડા સુધી ખાધા કરતો અને રજા પડી ગયા પછી પણ સૌથી છેલ્લે દરવાજાની બહાર નીકળતો હતો. આ જ કારણે હું એના પર ગુસ્સો કરતી.

શું તમે આ વાંચ્યું?

પણ મારા આ નાના ભાઈએ હંમેશા એક મોટા ભાઈની જેમ મારું ધ્યાન રાખ્યું છે.

ટીનએજમાં મને મારા મિત્રો સાથે થોડાક કલાકો નાઇટ-આઉટની મંજૂરી હતી પણ શરત એટલી જ કે મારી સાથે ડુગ્ગૂ આવશે.

જ્યારે ઋતિકનાં બેસ્ટ ફ્રેન્ડ સાથે ડેટ પર ગઈ

એક દિવસ ડુગ્ગૂને ખબર પડી કે હું એના ખાસ મિત્ર સાથે ફરી રહી છું. એ દિવસ પછી તે છોકરો એનો મિત્ર ના રહ્યો.

ડુગ્ગૂ મારા માટે ખૂબ પ્રોટેક્ટિવ હતો. મારા પર ચાંપતી નજર રાખતો. જ્યારે તેને લાગતું કે હું કશું ખોટું કરું છું તો તે તરત જ જઈને મારા મમ્મી પપ્પાને જણાવી દેતો.

પણ મમ્મી પપ્પાનો ઠપકો તો તેને પણ સાંભળવો પડતો હતો. કારણ કે બાળપણમાં તે ખૂબ જીદ્દી હતો.

મને યાદ છે કે જો એને કોઈ દુકાન પર લઈ ગયા અને એને એની પસંદગીની કોઈ વસ્તુ ખરીદી આપવામાં ના આવી તો તે જમીન પર આડો થઈ જતો હતો.

જોકે, હું એ પણ કહીશ કે તે એકદમ નિર્દોષ હતો. એની નિર્દોષતા એની પારદર્શી આંખોમાં સ્પષ્ટ છલકતી હતી. મને તરત જ સમજાઈ જતું કે તે શું વિચારી રહ્યો છે.

જ્યારે એને પોતાની મનપસંદ ચીજ મળી જતી તે એને સંભાળીને તકિયાની નીચે મૂકી દેતો હતો. તે આજે પણ એક નાનકડા બાળક જેવો જ છે, નાની નાની વસ્તુઓથી ખુશ થઈ જાય છે.

ડૉક્ટરોએ કહ્યું ઍક્ટર બનવાનું ભૂલી જા

બાળપણથી જ ઋતિકમાં ડાન્સ અંગે ગજબનું ઝનૂન હતું. તે માઇકલ જેક્સનની પૂજા કરતો. પણ તે બીજા સામે ડાન્સ કરતા શરમાતો હતો.

મને ખબર હતી કે તે ઍક્ટર બનવા માંગતો હતો, પણ પપ્પાને તેણે પોસ્ટ ગ્રૅજ્યુએટ થયા બાદ જણાવ્યું.

ડુગ્ગૂએ એમને જણાવ્યું કે તે હવે કેમેરાનો સામનો કરવા તૈયાર છે. જેટલો જીદ્દી તે બાળપણમાં હતો તેટલો જ આજે પણ છે.

તેણે કશું કરવાનું વિચારી લીધું તો તેને કોઈ અટકાવી ના શકે. પોતાની ઇચ્છાશક્તિને કારણે તે પોતાની સામે આવેલા દરેક પડકારનો સામનો કરી શક્યો.

જ્યારે તે પોતાની પહેલી ફિલ્મની તૈયારી કરી રહ્યો હતો ત્યારે ડાન્સ કરતી વખતે કમરમાં મચકોડ આવી ગઈ હતી.

ડૉક્ટરે કહ્યું કે આ એક આનુવાંશિક વિકાર છે અને તે હવે ઍક્ટર બનવાનું ભૂલી જાય.

કારણ કે જો તે કૂદકો માર્યો કે ડાન્સ કર્યો કે પછી ફિલ્મોમાં કોઈ ઍક્શન સીન કર્યો તો તે પાંચ વર્ષ માટે વ્હીલચેર પર આવી જશે. ડૉક્ટરની વાત સાંભળી તે હતાશ થઈ ગયો.

તે ઘણા ડૉક્ટરોને મળ્યો. વિજ્ઞાને હાર માની લીધી હતી પણ તેણે વિજ્ઞાનને હરાવી દીધું. એણે ખૂબ રિસર્ચ કર્યું, પુષ્કળ પુસ્તકો વાંચ્યા અને પોતાની જાતને ઠીક કરી.

એનું બોલવામાં ખચકાવું એ એની મુશ્કેલી હતી

ડુગ્ગૂ સામે એક અન્ય પડકાર હતો એનું બોલવામાં ખચકાવું. એ જીવનભર એની સાથે જીવવા માગતો નહોતો. તે કહે છે કે આ એની માટે એક મોટી લડાઈ હતી.

મને યાદ છે 13 વર્ષની ઉંમરે તે કલાકોનાં કલાકો બેસી જોર જોરથી બોલતો, એકલો એકલો બાથરૂમમાં બેસી આવું કરતો.

ઘણી વખત તો રાત દિવસ બેસી આવું કરતો. 22 વર્ષો સુધી મેં તેને આમ કરતા જોયો છે. એણે આ અભ્યાસ જ્યાં સુધી તે ઠીક ના થઈ ગયો ત્યાં સુધી ચાલુ રાખ્યો.

તે પોતાનાં કામ પ્રત્યે ખૂબ ચીવટ ધરાવતો. તેની પ્રથમ ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' નું એક ગીત તેણે 103 ડિગ્રી તાવમાં શૂટ કર્યું હતું.

એના વિશે એક બીજી રોમાંચક વાત એ છે કે પોતાની દરેક ભૂમિકા માટે તે એક અલગ અત્તર લગાડે છે.

ક્રિશ ફિલ્મમાં તે જ્યારે રોહિત (દીકરો) બને છે ત્યારે એક અલગ અત્તર અને જ્યારે તે કૃષ્ણા(પિતા) હોય છે ત્યારે બીજું અત્તર લગાડે છે.

જ્યારે ઋતિકએ આખી રાત મંદિરમાં પસાર કરી

મારી અને ડુગ્ગૂ વચ્ચે જબરદસ્ત જોડાણ છે. જ્યારે મને ટીબી થયો, તો મને દવાખાનામાં દાખલ કરવામાં આવી. ડૉક્ટરોનું કહેવું હતું કે આવનારા 36 થી 48 કલાક મારા માટે ગંભીર છે. જો એ પસાર થઈ જશે તો માર પરનું જોખમ ટળી જશે.

મા એ મને પાછળથી કહ્યું કે ઋતિકે આખી રાત મંદિરમાં બેસી મારા માટે પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ જ્યારે મને કેન્સર થયું ત્યારે તે રોજ પાંચ પાંચ ડૉક્ટર્સને મળતો હતો.

ઋતિક સરળ વ્યક્તિ છે. તે કોઈ માટે ખોટું નથી કરતો કે કોઈ સાથે વધારે બોલતો પણ નથી. પોતાનું દુ:ખ પણ અંદર જ છુપાવી રાખે છે. મેં એને ક્યારેય જિંદગી સામે ફરિયાદ કરતા નથી જોયો.

જ્યારે અમને ખબર પડી કે ઋતિકનાં મગજમાં લોહી જામી ગયું છે અને એનું મગજનું ઑપરેશન કરાવવું પડશે. મને ખબર નહોતી પડતી કે એની સામે કેવી રીતે જઈશ.

એ દિવસે હું ખૂબ રડી. હું મારી જાતને રોકી ના શકી, પણ ઋતિક ઑપરેશન રૂમમાં ગયો ત્યારે તે હસતો હતો.

ડુગ્ગૂએ મને કોઈ દિવસ કહી નથી સંભળાવ્યું કે તેણે મારા માટે શું શું કર્યું છે. મને આ બધી વાતો મારી મા પાસેથી જાણવી મળી.

આટલાં વર્ષોમાં પણ અમારી વચ્ચે કશું જ બદલાયું નથી. અત્યારે અમે રોજ મળતા પણ નથી કે વાતો પણ કરતા નથી, પણ મને ખબર છે કે મારે જ્યારે જરૂર હશે મારો ભાઈ મારી સાથે હશે.

એને એ પણ ખબર છે કે હું એની સૌથી મોટી ટીકાકાર છું. તે મને કશું પૂછે તો હું ઈમાનદારીથી એને સલાહ આપું છું.

દુનિયા માટે તે સૌથી સેક્સી પુરુષ હશે પણ મારા માટે તે એક પ્રેમાળ ભાઈ, પુત્ર અને ઉમદા પિતા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો