રાજ કપૂરનો આર કે સ્ટુડિયો હવે માત્ર કિસ્સાઓમાં જ રહી જશે

  • મધુ પાલ
  • મુંબઈથી બીબીસી માટે
સ્ટુડિયોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

આર.કે.સ્ટુડિયો

હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શો મેન કહેવાતા રાજ કપૂરે વર્ષ 1948માં આર. કે. સ્ટુડિયોની સ્થાપના કરી હતી.

આ સ્ટુડિયો મુંબઈના ચેંબુર વિસ્તારમાં 2 એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે.

રાજ કપૂરે પોતાની ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું ત્યારે આ સ્ટુડિયોનું નિર્માણ કર્યું હતું.

વર્ષ 1988માં જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારથી લઈને વર્તમાન સમય સુધી આ સ્ટુડિયોની દેખભાળ તેમનો પરિવાર કરી રહ્યો હતો.

જોકે, એવા સમાચાર છે કે તેમના ત્રણેય દીકરા રણધીર, ઋષિ અને રાજીવ કપૂરે સ્ટુડિયોને વેચવાનો નિર્ણય લીધો છે.

રાજ કપૂરે આ સ્ટુડિયોમાં પહેલું શૂટિંગ તેમની આવારા ફિલ્મના ગીતનું કર્યું હતું.

આ ગીત નવ મિનિટનું હતું. જેના બોલ હતા 'ઘર આયા મેરા પરદેશી આસ લગી મેરી અંખીયન કી.'

આ ગીતની ખૂબ જ પ્રશંસા થઈ હતી અને સાથે જ સ્ટુડિયોની સુંદર સફર શરૂ થઈ હતી. આ સ્ટુડિયો અનેક ક્લાસિક ફિલ્મોનો સાક્ષી રહ્યો છે.

જેમ કે આગ, બરસાત, જીસ દેશમે ગંગા બહતી હે, શ્રી 420, મેરા નામ જોકર, રામ તેરી ગંગા મેલી, બૉબી, હિના વગેરે.

'આર.કે.સ્ટુડિયો અમારા માટે મંદિર હતું'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

રાજ કપુર

50 વર્ષ પહેલાં મુંબઈમાં પોતાની કારકિર્દી બનાવવા આવેલા આશા રાનીને પોતાની કારકિર્દીની પહેલી તક રાજ કપૂરે આપી હતી.

રાજ કપૂર સાથે તેમની પ્રથમ મુલાકાત આર. કે. સ્ટુડિયોમાં થઈ હતી.

આશા રાની અને તેમના જેવા અનેક કલાકારોની યાદોમાં આર. કે. સ્ટુડિયો ફક્ત ફિલ્મ સ્ટુડિયો નહીં પરંતુ મંદિર છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આર.કે સ્ટુડિયોમાં વિતેલા દિવસોને યાદ કરતા આશા રાની કહે છે, "ભલે આજે આર. કે. સ્ટુડિયોમાં કોઈ ફિલ્મ કે સિરીયલનું શૂટિંગ થઈ રહ્યું નથી, પરંતુ એક સમય હતો જ્યારે લોકો આર. કે. સ્ટુડિયોમાં કામ કરવા માટે કે તેની એક ઝલક મેળવવા માટે પણ તરસતા હતા."

"મને સંગમ ફિલ્મ માટે પહેલી તક મળી હતી. રાજ કપૂર સાહેબે મને ડાન્સ આર્ટિસ્ટ તરીકે પસંદ કરી હતી."

"મને આજે પણ યાદ છે જ્યારે સંગમ ફિલ્મનું ગીત 'હર દિલ જો પ્યાર કરેગા વો ગાના ગાયેગા'નું શૂટિંગ થઈ રહ્યું હતું ત્યારે આખો સ્ટુડિયો રોશનીથી ચમકી રહ્યો હતો."

"આર. કે. સ્ટુડિયોમાં ડાન્સ હૉલ, થિયેટર, મોટી કેન્ટીન, મોટા મોટા મેકઅપ રૂમ, આર્ટિસ્ટ માટે ચેન્જિંગ રૂમ, હીરો હીરોઇન માટે વિશેષ રૂમ હતા."

'સ્ટૂડિયો યાદ કરતાં આંખો ભીની થઈ જાય છે'

આશા રાની રાજ કપૂરને યાદ કરતા કહે છે, "આર. કે. સ્ટુડિયોમાં મે રાજ કપૂર સાહેબ સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું. જ્યારે પણ તેઓ નવી ફિલ્મોનાં ગીત બનાવતા તો અમને ટ્રેલર અચૂક દર્શાવતા."

"રાજ સાહેબ તમામ જુનિયર આર્ટિસ્ટ અને પોતાના કર્મચારીઓને એકઠા કરીને સ્ટુડિયોના થિયેટરમાં લઈ જતા અને કહેતા કે જો મારા આ બાળકો ગીતને પાસ કરશે તો જ હું તેને ફિલ્મમાં રાખીશ."

"મારી ફિલ્મના નિર્ણયો બીજું કોઈ નહીં પરંતુ મારાં આ બાળકો કરશે"

ઇમેજ કૅપ્શન,

દિલીપ કુમાર ( ડાબે) દેવ આનંદ (વચ્ચે) અને રાજ કપુર

ભીની આંખે આશા રાની કહે છે, "આર. કે. સ્ટુડિયોની આન, બાન, શાનને યાદ કરું તો આજે આંખમાં આંસુ આવી જાય છે. આ સ્ટુડિયો જે ઊંચાઈએ હતો તેને શબ્દોમાં વર્ણવું મુશ્કેલ છે."

"રાજ સાહેબ પોતાના ઘરમાં જેટલો સમય વિતાવતા નહોતા તેનાથી વધારે સમય આર.કે.સ્ટુડિયોમાં રહેતા હતા."

"જેનું એક કારણ એ હતું કે તેઓ જાતે દરેક ચીજોની તપાસ કરતા પછી તે કપડાં હોય કે મેકઅપ કે સેટ."

દેવ આનંદ સાથે મિત્રતાના સાક્ષી

ઇમેજ કૅપ્શન,

રાજ કપુર અને દેવ આનંદ

આર.કે સ્ટુડિયો ફક્ત રાજ કપૂર માટે ખાસ નહતો પરંતુ અન્ય મોટા કલાકારોની યાદો પણ આ સ્ટુડિયો સાથે જોડાયેલી હતી.

આર. કે. સ્ટુડિયો અનેક ભવ્ય પાર્ટીઓનો સાક્ષી હતો.

દિવંગત અભિનેતા દેવ આનંદના મેનેજર રહી ચુકેલા મોહન ચુરીવાલ કહે છે, "રાજ સાહેબ અને દિલીપ સાહેબ બૉકસ ઓફિસમાં ભલે એક બીજાના પ્રતિદ્વંદી રહ્યા હોય પરંતુ તેમની વચ્ચે પરમ મિત્રતા હતી."

"મને આજે પણ યાદ છે કે રાજ સાહેબ પોતાનો મેકઅપ રૂમ કોઈની સાથે શેર નહોતા કરતા."

"જોકે, જ્યારે તેમને ખબર પડી કે દેવ સાહેબને મેકઅપ રૂમ જોઈએ છે ત્યારે તેઓ સામે ચાલીને દેવ સાહેબ પાસે ગયા અને તેમને પોતાના મેકઅપ રૂમનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો હતો."

"રાજ સાહેબ દરેક નવી ફિલ્મનું શૂટિંગ કરતા પહેલાં આર. કે. સ્ટુડિયોમાં ખૂબ જ મોટો હવન કરાવતા હતા. આર. કે.ની હોળી, અને ગણપતિ પૂજા તો આજે પણ યાદ કરવામાં આવે છે."

"રાજ સાહેબની વિદાય બાદ દેવ સાહેબે પોતાની અંતિમ ફિલ્મ ચાર્જશીટનું શૂટિંગ ત્યાં જ કર્યું હતું અને પોતાના અંતિમ દિવસોમાં દેવ સાહેબ આર. કે. સ્ટુડિયોમાં જતા અને થોડો સમય વિતાવીને પરત ઘરે આવી જતા હતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો