જ્યારે મુસલમાન છોકરી ઇસ્મત પર લાગ્યો કનૈયાને ચોરવાનો આરોપ

ગ્રાફિક

અમારા પાડોશમાં એક લાલાજી રહેતા હતા. એમની દીકરી સાથે મારે એકબીજાનું એંઠું ખાવા જેટલી દોસ્તી હતી. એક ઉંમર સુધી બાળકોને આભડછેટ રાખવાનું કહેવું યોગ્ય નહોતું મનાતું. સૂશી અમારા ત્યાં ખાઈ પણ લેતી હતી.

ફળ, દાલમોટ, બિસ્કિટમાં એવો કોઈ ખાસ છોછ નહોતો. પણ અમને ખબર હતી કે સૂશી ગોશ્ત નથી ખાતી એટલે તેને ફોસલાવી-પટાવીને કોઈપણ રીતે ગોશ્ત ખવડાવીને ખૂબ સંતોષ થતો.

જોકે તેને ખબર નહોતી પડતી, પણ ન જાણે અમારી કઈ ઇચ્છા પૂરી થતી હતી. સામાન્યપણે અમે આખો દિવસ એકબીજાના ઘરમાં ભરાયેલાં રહેતાં, પણ બકરી ઈદના દિવસે સૂશીને જાણે તેના ઘરમાં પૂરી દેવાતી હતી.

બકરાંને વાડામાં એક પડદો તૈયાર કરીને તેની પાછળ કાપવામાં આવતાં. ઘણાં દિવસો સુધી ગોશ્ત વહેંચાતું રહેતું. એ દિવસો દરમિયાન અમારા ઘરનો લાલાજી સાથેનો સંબંધ તૂટી જતો હતો.

લાલાજીને ત્યાં એક દિવસ ખૂબ જ ધૂમધામથી ઉત્સવ મનાવાઈ રહ્યો હતો. જન્માષ્ટમી હતી. એક તરફ કડાઈઓ ચૂલા પર ચડાવાઈ રહી હતી અને એક પછી એક પકવાનો બની રહ્યા હતા.

અમે બહાર ફકીરોની જેમ મીટ માંડીને તાકી રહ્યાં હતાં.

મીઠાઈઓની તરબતર કરી દેતી મહેક અમને પોતાની તરફ ખેંચી રહી હતી.

શું તમે આ વાંચ્યું?

સૂશી આવા પ્રસંગોએ ખૂબ ધાર્મિક બની જતી હતી. એમ તો અમે બન્ને એક જ જામફળને વારાફરતી બટકાં ભરીને ખાતાં હતાં, પણ બધાથી છુપાઈને.

"ભાગો અહીંયાથી," એમ કહીને આવતા-જતા લોકો મને ધુત્કારી મૂકતા. પણ હું ફરીથી આવી જતી. તેલમાં તળાતી પૂરીઓ ફૂલીને બહાર આવતી જોવાનો શોખ કયા બાળકને ન હોય.

"અંદર શું છે?" મેં સૂશીને પૂછ્યું. સામેનો રૂમ ફૂલ-પત્તાંથી સજાવેલો હતો. અંદરથી ઘંટડી વાગવાનો અવાજ આવતો હતો.

મનમાં એ જાણવાની તાલાવેલી જાગી હતી કે, હાય અલ્લા, અંદર કોણ છે!

"ત્યાં ભગવાન બિરાજ્યા છે." સૂશીએ ગર્વથી માથું ઊંચું કરીને કહ્યું.

Image copyright Rajkamal Prakashan
ફોટો લાઈન ઇસ્મત ચુગતાઈની આત્મકથાનું મુખપૃષ્ઠ

"ભગવાન!" મને અત્યંત હીનભાવ સતાવવા લાગ્યો. એમના ભગવાન શું મજાથી આવ-જા કરે છે. એક અમારા અલ્લા મિયાં છે, ખબર નહીં ક્યાં છુપાઈને બેઠા છે.

મને ન જાણે શું થયું, હું ખસીને ઓસરીમાં પહોંચી ગઈ. ઘરની કોઈ વ્યક્તિની નજર મારા પર ન પડી.

મારાં મોઢા પર તો મારો ધર્મ લખેલો નહોતો. એ તરફથી એક દેવીજી આરતીની થાળી લઈને સૌના કપાળે ચંદન-ચોખા ચોંટાડતાં ચોંટાડતાં આવ્યાં.

મારા કપાળે પણ તિલક લગાવીને આગળ નીકળી ગયાં. મેં તરત જ એ ટીલું હથેળીથી સાફ કરી નાખવાનું નક્કી કર્યું, પણ પછી મારી હલકાઈ આડે આવી ગઈ.

એમ કહેવાતું કે, જ્યાં તિલક લાગે એટલું માંસ નરકમાં જાય છે. હશે, મારી પાસે માંસની કમી નહોતી, થોડું ગોશ્ત નરકમાં જતું રહેશે તો મને ક્યાં તોટો પડી જવાનો હતો.

નોકરોની સોબતમાં ઘણી ચાલાકીઓ આવડી જાય છે. માથા પર સર્ટિફિકેટ લઈને, હું મોજથી એ રૂમમાં ઘૂસી ગઈ જ્યાં ભગવાન બિરાજમાન હતા.

બાળપણની આંખો કેવા સોનેરી સપનાંનું જાળું બનાવી લે છે. ઘી અને લોબાનની સુગંધથી ઓરડો મહેકી રહ્યો હતો. રૂમની વચ્ચે એક ચાંદીનું પારણું લટકી રહ્યું હતું. રેશમ અને ગોટાનાં ગાદીતકિયા પર સૂતેલું એક રૂપાળું બાળક તેમાં ઝૂલી રહ્યું હતું.

શું સુંદર અને બારીક કામ હતું! આંખો જાણે ઝગમગતા દીવા! એ જાણે જીદ કરી રહ્યું છે, મને ખોળામાં લઈ લો. મેં પણ વિવશ થઈને તેને હળવેથી ઉપાડીને છાતી સરસું ચાંપી લીધું.

એકદમ જાણ આભ ફાટી પડ્યું અને બાળક ચીસ પાડીને મારા ખોળામાંથી ઉછળીને પડી ગયું. સૂશીનાં નાનીમાનું મોં ફાટી ગયું. જાણ તેમને દર્દનો હુમલો આવી ગયો હોય, જાણે મેં રૂપાળાં બાળકને ચૂમીને તેના ગળામાં તીર ભોંકી દીધું હોય.

કાકીએ ઝપાટાથી મારો હાથ પકડ્યો, દોડતાં આવ્યાં અને મને દરવાજાની બહાર મરેલી ગરોળીની જેમ ફેંકી દીધી. પછી તરત જ મારા ઘરે ફરિયાદ પહોંચી ગઈ કે હું ચાંદીના ભગવાનની મૂર્તિ ચોરી રહી હતી. અમ્માએ માથું કૂટ્યું અને પછી મને પણ કૂટી.

એ તો કહો કે આપણા લાલાજી સાથેના ભાઈચારાના સંબંધો હતા, નહીંતર આનાથી પણ સામાન્ય ઘટનાઓ પર આજકાલ છાશવારે ખૂનામરકી થઈ જાય છે. મને સમજાવવામાં આવ્યું કે બુતપરસ્તી (મૂર્તિપૂજા) ગુનો છે.

મહંમદ ગઝનવી બુતશિન (મૂર્તિ તોડનારો) હતો. મને કંઈ જ સમજણ ન પડી. મારા દિલમાં એ વખતે પૂજાનો ભાવ પણ નહોતો જન્મ્યો. હું પૂજા નહોતી કરી રહી, એક બાળકને વહાલ કરી રહી હતી....

આ દરમિયાન ઘણાં વર્ષો વીતી ગયાં

...બીએ કર્યા બાદ મિલકતના મામલે ફરી એક વખત આગ્રા જવાનું થયું. ખબર પડી, બીજા દિવસે મારા બાળપણની સખી સૂશીનું લગ્ન છે. આખા ઘરને આમંત્રણ છે. મને આશ્ચર્ય થયું કે, લાલાજી જેવા સંકુચિત વિચાર ધરાવતા કટ્ટર માણસ સાથે મારા ભાઈનો સંબંધ કેવી રીતે જળવાયો છે.

હું પોતે તો તમામ બંધનો તોડીને એક એવા મુકામે પહોંચી ચૂકી હતી કે જ્યાં માત્ર માણસાઈ જ ખુદા હોય છે. મારી અને સૂશીનો શું મેળ! સૂશી ઢોંગી છે, જેની સાથે માતાપિતાએ છેડાછેડી બાંધી દેવાનો નિર્ણય કરી લીધો તેને જ ભગવાન બનાવવા તૈયાર થઈ ગઈ.

મને એ જન્માષ્ટમીવાળો દિવસ યાદ હતો, ત્યારબાદ આગ્રા છૂટી ગયું હતું અને અમે લોકો અલીગઢ જતા રહ્યાં હતાં. લાલાજીને જાણ થઈ તો ઝડપથી નાના દીકરા સુરેશને મોકલ્યો. મેં એને ટાળવા કહ્યું, "સાંજે આવીશ."

"દીદી કહે છે, બસ ઘડી, બે ઘડી માટે આવી જાઓ. પછી બધી વિધિ શરૂ થઈ જશે તો પછી વાત નહીં થઈ શકે." સુરેશ પાછળ પડી ગયો.

Image copyright Rajkamal prakashan

હું ગઈ તો સૂશી પીઠી ચોળીને એ જ ઓરડામાં બેઠી હતી, જ્યાં એક દિવસ ભગવાન કૃષ્ણનું પારણું શણગારવામાં આવ્યું હતું.

જ્યાંથી મને બેઆબરૂ કરીને કાઢી મૂકવામાં આવી હતી. મનમાં થયું કે આવી છું એવી જ પાછી જતી રહું, પણ મને જોઈને એ મારી તરફ ધસી આવી.

"કેમ છે ચુન્ની," એણે મારું લાડમાં પાડેલું નામ લઈને મને બોલાવી. બાળપણ સાથે જ એ નામ પણ હું ક્યાંક દૂર છોડી ચૂકી હતી. વિચિત્ર લાગ્યું, જ્યારે એ મને નહીં, કોઈ બીજાને મળી રહી હતી.

એણે હાથ પકડીને મને અંદર ખેંચી લીધી અને દરવાજો બંધ કરી દીધો. બહાર એના નાનીમા બડબડાટ કરી રહ્યા હતા -

"આવા સમયે અહીં દરેકનું આવવું એ ઠીક નથી."

એ મોડે સુધી ભરેલી આંખોથી મને જોતી રહી. મારાં ખોટાં સ્મિતથી એ છેતરાઈ નહીં. એણે શરારતથી પોતાનો મલકાટ દબાવીને એવી રીતે જોયું, જાણે કોઈ રિસાયેલાં બાળકને જુએ.

"હાય રામ, કેટલી તાડ જેવી લાંબી થઈ ગઈ." પછી એણે કબાટ ખોલ્યું અને મીઠાઈની થાળી કાઢી. હું લાડું હાથમાં લેવા લાગી અને નક્કી કર્યું કે, બહાર જઈને કચરામાં નાખી દઈશ.

જે અમારી સાથે આભડછેટ રાખે તેનું અડેલું હું શું કામ ખાઉં.

એણે મને રોકીને કહ્યું, "મોઢું ખોલ."

Image copyright Rajkama Prakashan

મેં મજબૂરીથી થોડો લાડું ખાઈ લીધો. બાકીનો બચેલો લાડું સૂશીએ પોતાના મોઢામાં નાખી લીધો. એટલે એ પણ નહોતી ભૂલી!

દીવાલ તૂટી પડી. અમે મોડે સુધી એકબીજા સાથે માથું ટેકવીને બાળપણની સોહામણી બેવકૂફીયોને યાદ કરીને હસતાં રહ્યાં.

જતી વખતે સૂશીએ પિત્તળની એક નાની ભાંખોડિયાં ભરતા ભગવાન કૃષ્ણની મૂર્તિ મારી હથેળીમાં મૂકી દીધી.

"લે ચુડેલ! હવે તો તારા દિલને શાંતિ મળી."

હું મુસલમાન છું, મૂર્તિપૂજા ગુનો છે. પણ દેવમાળા (પુરાણ) મારા વતનની ધરોહર છે. એમાં સદીની સંસ્કૃતિ અને ફિલસુફી સમાયેલી છે. આસ્થા અલગ છે અને વતનની સભ્યતા અલગ છે.

એમાં મારો બરાબર ભાગ છે, જેમ વતનની માટી, તડકા અને પાણીમાં મારો ભાગ છે. હું હોળી પર રંગોથી રમું, દિવાળી પર દીવા પ્રગટાવું તો શું મારી આસ્થાના પાયા હચમચી જશે? મારો વિશ્વાસ અને મારી અક્કલ એટલાં બોદાં છે, એટલાં અધૂરાં છે કે, ટુકડા-ટુકડા થઈ જશે?

અને મેં તો પૂજાની હદ પાર કરી લીધી.

જ્યારે દેશના કોઈ ભાગમાંથી હિંદુ-મુસ્લિમ રમખાણોના સમાચાર આવે છે, તો મારી કલમ ચિડાઈ જાય છે. અને સૂશીએ ખવડાવેલો લાડુ ગળામાં ઝેરી કાંટાંવાળો ગોળો બનીને ફાટવા લાગે છે.

ત્યારે હું કબાટમાં મૂકેલા બાલકૃષ્ણથી પૂછું છું, "શું તમે ખરેખર કોઈ મનમોજી શાયરનું સપનું છો? શું તમે મારી જન્મભૂમિ પર જન્મ નથી લીધો? માત્ર એક વહેમ, એક ઇચ્છાથી વધારે તમારી હકીકત નથી. કોઈ મજબૂર અને બંધનોમાં જકડાયેલી અબળાની કલ્પના છો કે તમને રચ્યા પછી તેણે જિંદગીનું ઝેર હસીને પી લીધું?"

પણ પિત્તળનો ભગવાન મારી મૂર્ખતા પર હસી પણ નથી શક્તો. રાજકારણની દુનિયામાં સૌથી નફાકારક ધંધો છે, દુનિયાનો ખુદા છે.

રાજકારણના મેદાનમાં ખાધેલી હારના ઘાટા ડાઘાં નિર્દોષોનાં લોહીથી ધોવાય છે. પોતાને બહેતર સાબિત કરવા માટે માણસોને કૂતરાંની જેમ લડાવવામાં આવે છે.

શું એક દિવસ પિત્તળનું આ કોચલું તોડીને ખુદા બહાર આવી જશે?

(ઇસ્મત ચુગ઼તાઈની આત્મકથા 'કાગઝી હૈ પૈરહન"નો એક સંપાદિત અંશ, ઉર્દૂનાં અઘરા શબ્દોને બદલે સહેલા ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાભાર - રાજકમલ પ્રકાશન)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ