સરકાર નિષ્ફળતા છુપાવવા બલિના બકરા બનાવી રહી છે : પી. બી. સાવંત

  • નિવૃત્ત ન્યાયાધિશ પી. બી. સાવંત
  • બીબીસી ગુજરાતી માટે
નિવૃત્ત ન્યાયાધિશ પી. બી. સાવંત
ઇમેજ કૅપ્શન,

નિવૃત્ત ન્યાયાધિશ પી. બી. સાવંત

મરાઠીમાં યલગારનો અર્થ 'દૃઢ સંકલ્પ' થાય છે. વર્તમાન ભાજપ સરકાર સત્તામાં આવ્યાના એક-દોઢ વર્ષ બાદ અમે પૂણેના શનિવાર વાડામાં એક સભાનું આયોજન કર્યું હતું. તેનો વિષય હતો 'સંવિધાન બચાવો, દેશ બચાવો'.

સભાના બે વર્ષ બાદ 31 ડિસેમ્બર-2017ના રોજ એ જ સ્થળે આ જ વિષય પર યલગાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

હું આ બન્ને સભાઓઓનો આયોજક રહી ચૂક્યો છું. આ વખતે કબીર કલા મંચ નામની એક અન્ય સંસ્થા પણ અમારી સાથે જોડાઈ હતી.

તેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. કારણ કે, કેટલીક અન્ય સંસ્થાઓના સમર્થકો પણ તેમાં સામેલ થવા માટે મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી અહીં આવ્યા હતા.

બીજા દિવસની સવારે સમર્થકોએ ભીમા કોરેગાંવમાં મરાઠા સેના પર મહારો એટલે કે દલિતોના વિજય મામલેની ઉજવણીમાં સામેલ થવાનું હતું.

વળી મોટી સંખ્યામાં સમર્થકો આવવાની બાબત પરિષદ માટે હકારાત્મક હતી.

ઇમેજ સ્રોત, PTI

ઇમેજ કૅપ્શન,

માનવઅધિકાર કાર્યકર્તા સુધા ભારદ્વાજ(ડાબે)ની પણ ધરપકડ કરવામાં આવી છે

ઉપરાંત આ જ સ્થળે 1 જાન્યુઆરી-2018ના રોજ મહારાષ્ટ્ર સ્કૂલ ઑફ ટેક્નૉલૉજી દ્વારા આયોજિત એક કાર્યક્રમ પણ હતો.

આ માટે તેમણે ખુરશીઓ અને અન્ય સામાનની વ્યવસ્થા પણ કરી લીધી હતી. તેમની આ વ્યવસ્થા અમારા માટે પણ ઉપયોગી નીવડી હતી.

આ વાત એટલા માટે કરવી જરૂરી છે કેમ કે પોલીસે પરિષદના આયોજન માટેના ભંડોળ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેની તપાસ પણ કરવામાં આવી હતી. આથી કહેવું જરૂરી છે.

રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી બંધારણ ઉલ્લંઘનના મામલા ઉઠી રહ્યા હોવાથી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

પરિષદનો હેતુ બંધારણ લાગુ કરવા પર ભાર મૂકવાનો હતો.

પરિષદમાં ઘણા વક્તા હાજર હતા. તમામે વર્તમાન સરકારની નિષ્ફળતાઓ મામલે અવાજ ઉઠાવ્યો હતો.

ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર બંધારણના પાલન માટે જવાબદાર હોવાની બાબત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

સભાના અંતે તમામે શપથ લીધા હતા કે, "જ્યાં સુધી ભાજપની સરકાર સત્તામાંથી હટી નથી જતી, ત્યાં સુધી તેઓ પ્રયત્નો ચાલુ રાખશે."

કબીર કલા મંચના કાર્યકર્તાઓના ઘરે દરોડા

ઇમેજ કૅપ્શન,

ભીમા કોરેગાંવ

પાંચ મહિના બાદ 6 જૂન-2018ના રોજ પોલીસે કબીર કલા મંચના કાર્યકર્તાઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા અને કેટલાક દસ્તાવેજો કબજે કરી લીધા હતા.

પોલીસને આ કાર્યકર્તાઓ નક્સલવાદી અથવા નક્સલવાદીઓ સાથે તેમના સંબંધો હોવાની શંકા હતી.

આ ઘટનાના બે સપ્તાહ બાદ સમગ્ર બાબતના કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ એક પત્રકાર પરિષદ કરી.

તેમાં તેમણે કહ્યું કે પોલીસને કાર્યકર્તાઓનો નક્સલીઓ સાથે સંબંધ હોવાના કોઈ પુરાવા નથી મળ્યા.

ત્યાર બાદ 28 ઑગસ્ટના રોજ સમગ્ર દેશમાંથી ધરપકડો કરવામાં આવી.

જોકે, સદભાગ્યપૂર્ણ વાત એ છે કે આ મામલે સુપ્રીમ કોર્ટે દરમિયાનગીરી કરી છે.

હાલની ધરપકડનું કારણ

ઇમેજ કૅપ્શન,

ભીમા કોરેગાંવ

પોલીસનો આરોપ છે કે નક્સલવાદી અને તેમની સાથે સહાનુભૂતિ રાખનારા લોકો યલગાર પરિષદમાં હાજર હતા.

જોકે, તેમને આ આરોપો પુરવાર કરવા માટે એક પણ પુરાવો નથી મળ્યો.

અમારે નક્સલવાદીઓ સાથે કોઈ જ સંબંધ નથી. પોલીસે ઑક્ટોબર-2015માં આયોજિત સભા વિશે આવો કોઈ આરોપ નથી લગાવ્યો.

આ સભાના આયોજનમાં પણ લગભગ યલગાર પરિષદના લોકો જ સામેલ હતા. તો આ વખતે આરોપ કેમ લગાવવામાં આવ્યા?

આ વખતે આરોપ લાગવાનું કારણ સ્પષ્ટ છે. પહેલું કારણ ચૂંટણીઓ આવી રહી છે અને સરકાર તમામ મોર્ચે પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે લોકોનું ધ્યાન ભટકાવવાની કોશિશ કરી રહી છે. આથી કેટલાક લોકોને બલિના બકરા બનાવવા માંગે છે.

તાજેતરમાં વિવિધ શહેરોમાં વિસ્ફોટના ઇરાદા સાથે બોમ્બ બનાવવા મામલે પોલીસ તપાસમાં હિંદુત્ત્વવાદી સંગઠન સનાતન સંસ્થાનું નામ બહાર આવ્યું છે તે બીજું કારણ છે.

આ હિંદુત્ત્વવાદી સંગઠનોને વર્તમાન ભાજપ સરકારનું રક્ષણ પ્રાપ્ત છે. તેમને આ વાતનો વિશ્વાસ હતો કે, તેમની સામે કોઈ કાર્યવાહી નહીં થાય.

તાજેતરમાં કરવામાં આવેલી ધરપકડ પણ આ મુદ્દા પરથી લોકોનું ધ્યાન હટાવવાની કોશિશ છે. તમામની ધરપકડ સંપૂર્ણ રીતે રાજકીય રીતે પ્રેરિત છે.

'ભાજપ બંધારણમાં ફેરફાર કરવા માંગે છે'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

ભાજપ અને વર્તમાન સરકાર બંધારણનો સ્વીકાર નથી કરતી અને તેમાં ફેરફાર કરવા માંગે છે.

તે લોકશાહી, ધર્મનિરપેક્ષતા અને સમાજવાદની વિરોધી છે અને ફાસીવાદની હિમાયતી છે.

આ લોકો એક એવું રાજ્ય ઇચ્છે છે, જે મનસ્મૃતિ પર આધારિત હોય. તદુપરાંત 16 ઑગસ્ટના રોજ કેટલાક હિંદુત્ત્વવાદી સંગઠનોએ બંધારણની નકલ પણ સળગાવી હતી.

તેમાં 'બંધારણ અને ડૉ. આંબેડકર મુર્દાબાદ' અને 'મનુસ્મૃતિ ઝિંદાબાદ'ના સૂત્રોચ્ચાર પણ થયા હતા.

ભાજપ એક રાજકીય પક્ષ નહીં પણ એક રાજકીય આફત છે.

તેઓ રાષ્ટ્રની ઓળખ બદલવા માંગે છે અને દેશને એવા સમયમાં લઈ જવા ઇચ્છે છે, જ્યારે મનુસ્મૃતિથી દેશ ચાલતો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો