કેરળ : પૂર બાદ હવે 11 લોકોનો ભોગ લેનારા રેટ ફિવર શું છે?
- ઇમરાન કુરેશી
- બેંગલુરુથી, બીબીસી ગુજરાતી માટે

કેરળમાં પૂર બાદ હવે રેટ ફિવરની બીમારી
કેરળમાં આવેલા પૂર બાદ પાણીના સ્તરમાં તો ઘટાડો થયો છે પણ અહીંના લોકોની મુશ્કેલીઓમાં ઘટાડો થયો નથી.
અહીંયા છેલ્લા બે દિવસોમાં 'રેટ ફીવર' એટલે કે ઉંદરને કારણે ફેલાતી બીમારીને કારણે ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયાં છે.
રાજ્યના ઘણા ભાગોમાં આ રોગચાળો પૂરઝડપે ફેલાઈ રહ્યો છે. કેરળ સરકારે આ સંદર્ભે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. કારણ કે આ મોત 13માંથી 5 જિલ્લામાં જ થયાં છે અને આ જ પાંચ જિલ્લા પૂરથી વધારે અસરગ્રસ્ત છે.
તમે આ વાંચ્યું કે નહીં?
રાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપે લોકોને ડૉક્સીસાઇક્લિન ટૅબ્લેટ લેવા જણાવ્યું છે.
આરોગ્ય અધિકારીઓનું અનુમાન છે કે દવા ન લેનારા લોકોમાં તાવ અને માંસપેશિઓમાં દુખાવાની ફરિયાદ જોવા મળી રહી છે.

રોગચાળો ફેલાવાનો ભય

ઇમેજ સ્રોત, Getty Images
આ રોગ માણસ અને પ્રાણીઓ બંનેમાં થાય છે
કેરળ સરકારના સહાયક મુખ્ય સચિવ (સ્વાસ્થ્ય) રાજીવ સદાનંદને બીબીસીને જણાવ્યું, ''રાજ્યમાં હજુ રોગચાળો ફેલાવવાની પૂરે પૂરી શક્યતા છે. એટલે જ અમે લોકોને અગમચેતીના ભાગરૂપે ડૉક્સીસાઇક્લિન ટૅબ્લેટ લેવા કહ્યું છે.''
સદાનંદને જણાવ્યું કે એમને રવિવારે સાત અને સોમવારે ચાર મોત અંગે જાણકારી પ્રાપ્ત થઈ છે.
કેરળમાં જાન્યુઆરીથી માંડીને ત્રણ સપ્ટે-18 સુધી લેપ્ટોસ્પાયરોસિસ('રેટ ફીવર')ને કારણે 41 લોકોનાં મોત થયાં હોવાની પુષ્ટિ થઈ છે.
જે જિલ્લાઓમાં આની સૌથી વધુ અસર જોવા મળી તે છે - ત્રિશૂર, પલક્કડ, કોઝિકોડ, મલ્લપુરમ અને કન્નૂર.

શું છે રેટ ફીવર?

ઉંદરોને કારણે આ રોગ ફેલાય છે
નેશનલ ઇન્સ્ટીટયૂટ ઑફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાયન્સીઝમાં વાયરૉલોજીના પ્રોફેસર ડૉક્ટર વી રવિએ જણાવ્યું છે, ''લેપ્ટોસ્પાયરોસિસ એ બેક્ટરિયાં છે જે ઉંદરોમાં જોવા મળે છે."
"પૂર દરમિયાન ઉંદર પલળવાથી કે મરી જવાથી આ બેક્ટેરિયા માણસોમાં પહોંચી જાય છે."
આ એક એવો બેક્ટરિયાજન્ય રોગ છે જે માણસો અને પ્રાણીઓ બન્નેને થાય છે.
ડૉ. રવિનાં જણાવ્યા પ્રમાણે પૂરના પાણીના સંપર્કમાં આવનારા લોકોએ ડૉક્સીસાઇક્લિન ટૅબ્લેટ લેવી જોઈએ કારણ કે જીવાણુ દ્વારા ફેલાતા આ રોગચાળાનાં લક્ષણો માત્ર બે અઠવાડિયામાં જ માનવ શરીર પર જોવા મળે છે.
'રેટ ફીવર' નાં લક્ષણો
- તાવ આવવો
- ખૂબ થાક લાગવો
- માંસપેશીઓમાં દુખાવો
- માથામાં દુખાવો
- સાંધામાં દુખાવો
ઘણી વખત 'રેટ ફીવર' થી પીડિત વ્યક્તિના લિવર અને કિડની પર પણ આની અસર થાય છે.

રેટ ફિવરથી બચવા માટે શું કરવું?
ડૉ.રવિ જણાવે છે કે પૂરના પાણીના સંપર્કમાં આવેલા લોકોએ ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી ડૉક્સીસાઇક્લિન ગોળીઓ કે પેનેસિલિનનાં ઇન્જેક્શન લેવાં જોઈએ.
ન્યૂરો સર્જન અને કેરળ પ્લાનિંગ બોર્ડના સભ્ય ડૉક્ટર ઇકબાલના જણાવ્યા મુજબ કૉલેરા, ટાઇફોઈડ, ઝાડા, હેપેટાઇટિસ અને રેટ ફીવર જેવી બીમારી થવાની બીક રહે છે.
એમણે કહ્યું, ''લોકો હવે રાહત શિબિરોમાંથી ઘરે પરત ફરી રહ્યા છે અને ઘણા ઘરોમાંથી પૂરનું પાણી હજી સાફ થઈ શક્યું નથી. આવામાં બીમારી ફેલાવી એ સ્વાભાવિક છે.''
વળી કેરળની આરોગ્ય સેવા નિયામક ડૉક્ટર સરિતાએ જણાવ્યું છે કે રાજ્યના દરેક દવાખાનામાં ડૉક્સીસાઇક્લિન ગોળીઓ અને પેનેસિલિનનું ઇન્જેક્શન ઉપલ્બધ છે.
એમણે કહ્યું છે કે ખાનગી દવાખાનામાં પણ રેટ ફીવરથી પીડિત લોકોની તાત્કાલિક સારવાર કરવાના આદેશ આપવામા આવ્યા છે.
કેરળમાં પૂરને કારણે 350 કરતાં વધારે લોકોનાં મોત થયાં હતાં અને ઓછામાં ઓછા 10 લાખ લોકોને ઘરબાર છોડી રાહત શિબિરોમાં આશ્રય લેવો પડ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો