હાર્દિકે પટેલે વસિયત જાહેર કરી ; જાણો કેમ બનાવવી જોઈએ વસિયત

  • નીતિન શ્રીવાસ્તવ
  • બીબીસી સંવાદદાતા
હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, @HARDIKPATEL_

ગુજરાતમાં છેલ્લાં થોડાક દિવસોથી ભૂખ હળતાળ પર બેઠેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે પોતાની વસિયતનામું કે વીલ જાહેર કર્યું છે. શું હોય છે વસિયત અને એને કેમ અવગણી ના શકાય?

શું તમારા બેંક ખાતામાં થોડાઘણાં પૈસા જમા છે? શું તમારા નામ પર કોઈ ઘર, દુકાન કે જમીનનો ટુકડો છે? શું તમારી પાસે સોનાનાં ઘરેણાં, હીરા-મોતી કે કોઈ મૂલ્યવાન વસ્તુઓ છે?

સરળ શબ્દોમાં કહીએ તો જો તમારી પાસે કોઈ ચલ કે અચલ સંપત્તિ છે તો આ લેખ તમારા માટે છે કારણ કે તમારા જીવતે જીવ એ નક્કી થઈ જવું જોઈએ કે મૃત્યુ બાદ તમારી ચીજ વસ્તુઓનું શું થવું જોઈએ.

અને એટલા માટે તમારું વસિયતનામું હોવું ખૂબ જરૂરી છે. તો શું હોય છે આ વસિયત અને તમે તેને કેવી રીતે બનાવી શકો છો કે બદલી શકો છો?

શું છે આ વસિયતનામું?

ઇમેજ સ્રોત, Alamy

વસિયત કે વીલ એક એવો કાનૂની દસ્તાવેજ છે જેમાં એને બનાવનાર વ્યક્તિ એ નક્કી કરે છે કે તેનાં મરણ બાદ તેની સંપત્તિનું શું થશે.

આ દસ્તાવેજને તૈયાર કરનાર વ્યક્તિ પોતાના જીવતે જીવ પોતાની વસિયત ગમે ત્યારે રદ કરી શકે છે કે એમાં ફેરફાર કરી શકે છે.

વસિયતની કાયદાકીય માન્યતા નક્કી કરવા માટે એ જરૂરી છે કે એનું અમલીકરણ યોગ્ય રીતે કરવામાં આવ્યું હોય.

તમે આ વાંચ્યું કે નહીં?

અગ્રણી વકીલ ગૌરવ કુમારનાં જણાવ્યાં અનુસાર, ''આનો સૌથી મોટો હેતુ છે કુટુંબમાં ઝઘડા ના થાય. અને બીજી ખાસ વાત કે વસિયત માણસનાં મૃત્યુ બાદ જ અમલી બની શકે છે.''

સાથે સાથે જો કોઈ માણસ પોતાની સંપત્તિ પોતાનાં કુદરતી વારસદારો સિવાય અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાને આપવા માગે છે તો પણ વસિયત એ ઉત્તમ રીત છે.

જો તમને બાપદાદાની મિલકતમાં કોઈ પણ શરત વગર હિસ્સો મળ્યો હોય તો વસિયત દ્વારા તમે તેને કોઈને પણ આપી શકો છો.

કોણ કેવી રીતે બનાવી શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images

એવો દરેક માણસ કે જે માનસિક રીતે સ્વસ્થ છે, તે સભાન અવસ્થામાં વસિયત બનાવી શકે છે.

કાયદો એવા લોકોને પણ વસિયત બનાવવાની છૂટ આપે છે કે જેઓ જોઈ-સાંભળી શકતા નથી, પણ પોતાના નિર્ણયને સંપૂર્ણ રીતે સમજી શકે છે.

કાયદો એવી વ્યક્તિની વસિયત પર સવાલ ઊઠાવી શકે છે કે જેની વસિયત જ્યારે તૈયાર કરવામાં આવી હોય ત્યારે તે/તેણી માનસિક રીતે બીમાર હોય.

વસિયત કોઈ સાદા કાગળ પર પણ બનાવી શકાય છે અને કોઈ સ્ટૅમ્પ પેપર પર પણ.

જોકે વસિયત બનાવનારની સહી કે નિશાન, એ કાગળ પર હોવું અનિવાર્ય છે.

ઇમેજ સ્રોત, Getty Images

જો વસિયતકર્તા આમ કરવામાં સક્ષમ નથી તો તે પોતાની હાજરીમાં બીજી કોઈ વ્યક્તિને આના અમલીકરણ (એક્ઝીક્યૂશન)નો અધિકાર આપી શકે છે.

વસિયત બનાવનારની સહી થયા બાદ આ વસિયતને બે અથવા બે કરતાં વધારે સાક્ષીઓ દ્વારા પ્રમાણિત કરાવવી જરૂરી છે.

વસિયતના સાક્ષી બનવા માટે 18 વર્ષ કરતાં વધારે ઉંમર હોવી અનિવાર્ય છે.

સુપ્રીમ કોર્ટનાં વકીલ રેખા અગ્રવાલનાં જણાવ્યા અનુસાર, '' જો કોઈ વ્યક્તિ તમારી વસિયતની બહારની છે, એટલે કે જો તેનું નામ વસિયતમાં નથી તો આ એક ઉમદા અને મજબૂત પરિસ્થિતિ છે જેનાથી પાછળથી કોઈ મતભેદ ઊભા થતા નથી.''

વસિયતનામું બનાવ્યા પછી શું?

વસિયત બનાવ્યા બાદ જો તમે તેને તમારી પાસે સુરક્ષિત રાખી શકો છો અથવા એને કોઈ પણ રજિસ્ટ્રાર પાસે જમા પણ કરાવી શકો છો.

પોતાની વસિયત બનાવ્યા બાદ થોડા સમય પછી જો તમે એમાં કશું ઉમેરવા કે ઘટાડવા માંગો છો તો તે ખૂબ સરળતાથી કરી શકાય છે.

તમારે તમારી હાલની વસિયત રદ કરી દેવી પડશે અને એક નવી વસિયતનામું કે વીલ તૈયાર કરાવડાવવું પડશે.

વસિયતનામું બનાવતી વખતે શું ન કરવું?

ઇમેજ સ્રોત, Getty Images

સૌથી જરૂરી વાત તો એ છે કે તમારી વસિયત હોય તેવી સ્થિતિમાં તમારું મૃત્યુ થઈ જાય છે તો ત્યાર બાદ ઊભી થતી સમસ્યાઓથી બચી શકાય છે.

ઉદાહરણ તરીકે હાલમાં ઑનલાઈન બૅન્કિંગથી થતા ટ્રેડિંગ પર ભાર મૂકવામાં આવે છે અને ઘણા કિસ્સાઓમાં તમારા પરિવાર પાસે તમામ નાના-મોટા પાસવર્ડ અને અકાઉન્ટ નંબર કે રકમ નથી હોતાં.

સંપત્તિનાં હિસાબે પણ જોઈએ તો દરેક વસ્તુ જો વસિયત પર લખવામાં આવે અને એની ફોટોકૉપી ઉપલબ્ધ હોય તો પાછળથી કાગળ વગેરે શોધવાની મુસીબતથી બચી શકાય છે.

વકીલોના કહેવા મુજબ વસીયત બનાવતી વખતે એનું ધ્યાન રાખવાની ખાસ જરૂર છે કે તમામ તથ્યો સાચાં હોય.

એટલે કે જો તમે વસિયતમાં ઉલ્લેખ કરાયેલાં નામોની જોડણી, સરનામું અને જન્મ સ્થાન કે જન્મ તારીખમાં ભૂલ કરી દીધી તો પાછળથી વસીયત સામે કોર્ટમાં પડકાર ફેંકી શકાય છે.

અને છેલ્લે તમારી વસીયતને એના વારસદારો સુધી પહોંચાડનારા લોકો તમારા ભરોસાપાત્ર હોવા જોઈએ અને તમારા જીવતે જીવ એમને તમારી પસંદ કે નાપસંદ અંગે જાણકારી હોવી જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો