ગુજરાત : બોડેલીમાં સગીરા સાથે દુષ્કર્મ, સખી સાથે કર્યો સુસાઇડનો પ્રયાસ

મહિલા

ઇમેજ સ્રોત, Thinkstock

ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં સત્તર વર્ષીય કિશોરી સાથે કથિત દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. દુષ્કર્મ બાદ પીડિતા અને તેની સખી બન્નેએ આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. હાલ બન્ને વડોદરાની હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ મામલે છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરવામાં આવી છે. પોલીસ અનુસાર બે આરોપીની આ અંગે ધરપકડ કરવામાં આવી છે.

હાલ પોલીસ દુષ્કર્મ કેસમાં વધુ તપાસ કરી રહી છે અને આરોપીઓને મૅજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવશે.

પીડિતાની ફરિયાદ

આ મામલે બોડેલી પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઈઆર અનુસાર, પીડિતા તેમની સખી સાથે સ્કૂલે જઈ રહ્યાં હતાં, ત્યારે મોટરસાઇકલ પર આવેલા બે શખ્સો તેમને મંદિરે દર્શન કરવા લઈ જવાના બહાને એક જંગલ વિસ્તારમાં લઈ ગયાં હતાં.

ફરિયાદમાં પીડિતાને ટાંકીને કહેવાયું છે કે, "મંદિર જવાના રસ્તામાં મને તથા અન્ય એક યુવકને રસ્તામાં ઉતારી દેવાયા હતા. મારી સખીને બીજો શખ્સ અન્ય સ્થળે લઈ ગયો હતો."

"અડધે રસ્તે ઉતાર્યા બાદ યુવકે મનેમારી નાખવાની ધમકી આપી જંગલમાં લઈ જઈ બળજબરીથી દુષ્કર્મ કર્યું."

"બાદમાં મારી સખી અને અન્ય એક શખ્સ આવ્યાં અને મને અને યુવકને ફરીથી એક મંદિરે લઈ જઈને ઉતારી દીધાં."

"સમગ્ર બનાવના આઘાતને પગલે મેં અને મારી સખીએ આત્મહત્યાની કોશિશ કરી હતી"

તમે આ વાંચ્યું કે નહીં?

આ મામલે તપાસ કરી રહેલા બોડેલીના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વી. આર. ભીલે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું :

"31 ઑગસ્ટના રોજનો બનાવ છે. આ મામલે કલમ 376, 506 (2) અને 114 તથા પ્રિવેન્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (પોક્સો) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે."

તપાસ અધિકારીએ વધુમાં જણાવ્યું, "ફરિયાદ અનુસાર બન્ને કિશોરીઓ 30 તારીખે સવારે 10 વાગ્યાની આસપાસ સ્કૂલે જઈ રહી હતી."

"ત્યારે બે શખ્સ તેમને રસ્તામાં મળ્યા અને પીડિતાને એક શખ્સ અજાણી જગ્યાએ લઈ ગયો હતો. અહીં તેની સાથે કથિત દુષ્કર્મ થયું હતું."

"પીડિતાએ કથિત દુષ્કર્મ બાદ પોતાની મિત્ર સાથે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો."

"હાલ બન્ને કિશોરી વડોદરાની એક હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે."

અધિકારીએ વધુમાં જણાવ્યું કે,"એક કિશોરીની ઉંમર 14 વર્ષ અને બીજી કિશોરીની ઉંમર 16 વર્ષ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો