ભાજપ સરકારની ટીકા કરનાર યુવતીને મળ્યા જામીન

સોફિયા

ઇમેજ સ્રોત, facebook

ઇમેજ કૅપ્શન,

સોફિયા કે જેમની ધરપકડ કરવામાં આવી છે

ભાજપ સરકારની વિરુદ્ધ નારા લગાવવાના આરોપસર તામિલનાડુના તુતિકોરિન જિલ્લામાં એક યુવતીની ધરપકડ કરવામાં આવી હતી, બાદમાં તેમને જામીન મળ્યાં હતાં.

સોફિયા નામની યુવતીએ તામિલનાડુ ભાજપના અધ્યક્ષ તામિઝિસાઈ સુંદરરાજનની સામે નારા લગાવ્યા હતા. આ ઘટના ચેન્નઈ ઍરપૉર્ટ પર બની હતી.

સોમવારે સવારે સોફિયા તેમના માતાપિતા સાથે ચેન્નઈથી તુતિકોરિન જવા માટે નીકળી હતી.

તામિલનાડુ ભાજપના અધ્યક્ષ પણ આ જ ફ્લાઇટમાં પ્રવાસ કરી રહ્યા હતા. સોફિયા તામિઝિસાઈથી થોડી પાછળ એક સીટમાં બેઠી હતી.

આ પ્રવાસ દરમિયાન સોફિયા તેમના માતા સાથે કેન્દ્ર સરકારની નકારાત્મક બાબતો વિશે ચર્ચા કરી રહી હતી.

પ્લેન લૅન્ડ થયા બાદ જ્યારે ઍરપૉર્ટ પર જઈ રહ્યા હતા ત્યારે તેણીએ નારા લગાવ્યા કે ફાસીવાદી ભાજપને હટાવો.

...અને વાત ધરપકડ સુધી પહોંચી

ઇમેજ સ્રોત, facebook

તામિઝિસાઈ અને તેમના સમર્થકોએ સોફિયા દ્વારા લગાવાયેલા નારાની નિંદા કરી હતી.

જેના જવાબમાં સોફિયાએ કહ્યું કે આ મારી અભિવ્યક્તિની સ્વતંત્રતા છે.

સોફિયાના વકીલ આતિસયાકુમારે બીબીસી તામિલ સાથે વાત કરતાં કહ્યું કે ભાજપના અધ્યક્ષે સોફિયાને માફી માગવાનું કહ્યું હતું અને સોફિયા માફી માગવાની ના પાડી દીધી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

જેના કારણે તામિઝિસાઈએ આ યુવતી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી. જે બાદ પોલીસે સોફિયાની ધરપકડ કરી હતી.

તેમને તામિલનાડુના પુડુક્કોટ્ટાઈ જિલ્લાના પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યાં અને ત્યાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

પૂછપરછ દરમિયાન સોફિયાએ કહ્યું, "તામિઝિસાઈ અને તેમના સમર્થકોએ તેમના વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો."

સોફિયાને જેલમાં મોકલાઈ

પોલીસે હવે આ મામલે આઈપીસીની કલમ 270, તામિલનાડુ ક્રિમિનલ ઍક્ટની કલમ 75-1-C અને 505ની અંતર્ગત કેસ નોંધ્યો હતો.

જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી ત્યારે જજે આ કેસમાં કલમ 505ના સમાવેશને સ્વીકાર્યો ન હતો.

જે બાદ સોફિયાને મહિલાઓની જેલમાં મોકલી દેવામાં આવી હતી.

જે બાદ સોફિયાએ પેટમાં દુખાવાની ફરિયાદ કરતા તેને તુતિકોરિનની સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

ત્યારબાદ તેમને જામીન મળ્યા હતા. જ્યારે તુતિકોરિન ઍરપૉર્ટની બહાર પત્રકારો સાથે વાત કરતા તામિઝિસાઈએ કહ્યું, "મને શંકા છે કે આ યુવતી પાછળ કોઈ સંસ્થા છે."

સોફિયાની ધરપકડની ટીકા

ડીએમકેના અધ્યક્ષ એમકે સ્ટાલિને આ ઘટનાની ટીકા કરી હતી અને તેમણે કહ્યું કે યુવતીને તાત્કાલિક છોડી દેવી જોઈએ.

તેમણે ટ્વીટ કર્યું કે જો તમે આવું કહેનારી દરેક વ્યક્તિની ધરપકડ કરવા જશો તો તમે કેટલા લાખ લોકોની ધરપકડ કરશો?

22 વર્ષીય સોફિયા કેનેડાની મોન્ટરિયલ યુનિવર્સિટીમાં ફિઝિક્સમાં સંશોધન કરી રહ્યાં છે. તેણીએ ભારતની કેટલીક વેબસાઇટ્સ પર લેખો પણ લખ્યા છે.

હાલ સોફિયા અને તામિલનાડુના ભાજપના અધ્યક્ષ વચ્ચેની ચર્ચા સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો