શું તમને પણ ક્યારેય ટીચર સાથે પ્રેમ થયો હતો?
- દિવ્યા આર્ય
- બીબીસી સંવાદદાતા

ઇમેજ સ્રોત, EPA
લાલ ચટ્ટાક રંગની શિફોનની સાડી, સ્લીવલેસ બ્લાઉઝ, તેનું ગળું આગળ અને પાછળથી ઊંડું. હવામાં ઊડતા અને ઉઘાડા ખભા પર ઢળતા ખુલ્લા વાળ.
મેં આંખો બંધ કરી, દિમાગના ઘોડા દોડાવ્યા અને મારી સ્કૂલનાં દરેક વયનાં ટીચર્સને યાદ કર્યાં.
જોકે, એ પૈકીનાં એકેય ટીચર 2004માં રિલીઝ થયેલી ફિલ્મ 'મેં હું ના'ની લાલ સાડીવાળી ટીચર ચાંદનીના ઉપરોક્ત સ્વરૂપમાં ફીટ થયાં ન હતાં.
કોટનની સાડી, સેફટી પીન વડે વ્યવસ્થિત રાખેલો પાલવ અને માથા પરના બાંધેલા વાળવાળા ટીચરથી આગળ જવાનું સાહસ મારી કલ્પના કરી શકતી ન હતી.
હું પુરુષ હોત તો કલ્પનાની ઉડાન કંઈ અલગ હોત કે કદાચ ન હોત.
ફિલ્મમાં પુરુષ ટીચર સેક્સી કેમ નહીં?
ઇમેજ સ્રોત, Getty Images
સ્કૂલ-કૉલેજમાં પુરુષ ટીચર પણ હોય છે પરંતુ બોલીવૂડે તેમના પાત્રોને આટલાં સેક્સી ક્યારેય દેખાડ્યાં નથી.
'મેં હૂં ના'ના ત્રણ વર્ષ બાદ પ્રદર્શિત થયેલી 'તારે ઝમીન પર' ફિલ્મના નિકુમ્બ સર સ્માર્ટ હતા પણ સેક્સી નહીં.
તેમના શર્ટના ઉપરનાં બટન ખુલ્લાં પણ ન હતાં કે તેમણે અધખુલ્લી આંખે કોઈ ટીચર કે સ્ટુડન્ટને નિહાળ્યાં ન હતાં પણ કેવા અદભૂત ટીચર હતા તેઓ.
તેમના માટે મનમાં દરેક પ્રકારની લાગણી થઈ હતી.
એવું લાગ્યું હતું કે તેમના ખોળામાં માથું રાખી દો તો ચિંતા દૂર થઈ જશે.
તેઓ ગળે વળગાડી લેશે તો મનની પીડા ઓછી થઈ જશે અને તેમની સાથે દોસ્તી થઈ જશે તો તેમને દિલની બધી વાતો કહી દઈશ.
શરમ નહીં આવે, કારણ કે તેઓ મારી નાદાનીને પણ સમજશે અને મારી કાચી સમજને પણ.
ટીચર સાથે પ્રેમની કલ્પના
ઇમેજ સ્રોત, AFP
ટીચર સાથેના પ્રેમની કલ્પના સ્વાભાવિક હોય છે. સ્કૂલના સ્ટુડન્ટ્સની વય વધવાની સાથે એ કલ્પના વધારે રંગીન બને તે એકદમ સહજ હોય છે.
પાછલા દાયકામાં હિન્દી ફિલ્મોનાં સ્ત્રી પાત્રોના દેહ પર રહેતી ઝીણી નજરથી અલગ, વાસ્તવિક જીવનમાં આ કલ્પના વસ્ત્રો, ઉઘાડો દેહ કે શૃંગારની મોહતાજ નથી હોતી.
પુખ્ત થતા મનની બેચેની હોય. માતા-પિતા સાથે મોકળાશથી વાત નહીં કરી શકવાના કારણે મોટી વયના દોસ્તની જરૂર હોય કે તેમના જેવા જ સ્માર્ટ બનવાની ઇચ્છા હોય.
કારણો ઘણાં હોય છે, જે અભ્યાસ ઉપરાંત સ્ટુડન્ટના મનમાં ટીચર માટે ઉથલપાથલ સર્જતાં હોય છે.
આકર્ષક ટીચરની સ્ટુડન્ટ પર અસર
ઇમેજ સ્રોત, Getty Images
પ્રતિકાત્મક તસવીર
અમેરિકાની નેવાડા યુનિવર્સિટીમાં 131 સ્ટુડન્ટને આવરી લેતા એક રિસર્ચમાં ગયા વર્ષે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે ટીચર્સ આકર્ષક હોય તો તેની સ્કૂલના સ્ટુડન્ટ્સ પર કેવી અસર થાય છે.
રિસર્ચમાં જાણવા મળ્યું હતું કે વધારે આકર્ષક ટીચર્સે ભણાવેલા પાઠ સ્ટુડન્ટ્સને વધારે સારી રીતે યાદ રહ્યા હતા પણ એ આકર્ષણને 'સેક્સ્યૂઅલ' ગણવામાં આવ્યું ન હતું.
રિસર્ચર્સના જણાવ્યા મુજબ, સ્ટુડન્ટ્સ પાઠને વધારે સારી રીતે સમજી શક્યા, કારણ કે ટીચર 'આકર્ષક' હોવાને કારણે સ્ટુડન્ટ્સને તેમનામાં વધારે દિલચસ્પી હતી અને તેમની વાત પર વધારે ધ્યાન આપતા હતા.
ટીચર પ્રત્યેનું આકર્ષણ સ્વાભાવિક છે. માત્ર તેની પરિભાષા અને પરિઘ અલગ હોઈ શકે છે.
સ્ટુડન્ટ્સની જિંદગી મોટાભાગે દોસ્તો સાથે થતી વાતચીત અને જોક્સમાં જ હોય છે. ક્યારેક તેનાથી વધારે હોય તો ફૅન્ટસી કે કલ્પનાનું રૂપ ધારણ કરી શકે છે.
તેનાથી આગળ હદ પાર ન થાય એ જ સારું. ઘણા દેશોમાં તો એ ગેરકાયદે છે.
ગેરવર્તન બદલ સજા
ઇમેજ સ્રોત, AFP
બ્રિટનમાં કોઈ ટીચર કે સગીર બાળકની જવાબદારી સોંપવામાં આવી હોય તેવી કોઈ પણ વ્યક્તિ, તેમની સાથેના બાળક સાથે જાતીય સંબંધ બાંધવાનો પ્રયાસ કરે તો તેને સાત વર્ષના કારાવાસની સજા થઈ શકે છે.
18 વર્ષથી નાની વયનાં બાળકો જાતીય સંબંધ માટે સહમતી આપી શકતાં નથી એવું માનવામાં આવે છે.
ભારતમાં પણ સગીર વયના બાળક સાથે કોઈપણ પ્રકારનો જાતીય સંબંધ બાંધવા બદલ પોક્સો એક્ટ - 2012 હેઠળ કમસેકમ સાત વર્ષના કારાવાસની સજા થઈ શકે છે.
કાયદામાં મહત્તમ આજીવન કારાવાસની સજાની જોગવાઈ છે.
કૉલેજમાં ટીચર પ્રત્યેનું આકર્ષણ
ઇમેજ સ્રોત, Getty Images
પ્રતિકાત્મક તસવીર
આકર્ષણનો આ મુદ્દો સ્કૂલની ચાર દિવાલ પૂરતો સીમિત નથી. કૉલેજમાં તેની સંભાવના વધી જતી હોય છે.
કૉલેજમાં આવતા સુધીમાં સ્ટુડન્ટ્સ પુખ્ત વયના થઈ ચૂક્યા હોય છે અને સાધારણ, સહજ લાગતું આ આકર્ષણ સહમતીથી બંધાયેલા એક સમજદારીભર્યા સંબંધનું સ્વરૂપ લઈ શકે છે.
તમામ પ્રકારના સંબંધ અને પસંદગી બાબતે ઉદારમતવાદી થતી વિચારધારાની વચ્ચે સ્ટુડન્ટ તથા ટીચર વચ્ચેના સંબંધ વિશે દુનિયા આજે પણ ગભરાયેલી છે.
અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીએ અન્ડરગ્રૅજ્યુએટ સ્ટુડન્ટ અને ટીચર વચ્ચે રોમૅન્ટિક કે જાતીય સંબંધ પર 2015માં સંપૂર્ણપણે પ્રતિબંધ લાદ્યો હતો.
હાર્વર્ડ યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે તેમના નિયમ અનુસાર, "ભણાવતા અને માર્ક્સ તથા ગ્રેડ આપતા કોઈ પણ ટીચરને તેમના સ્ટુડન્ટ્સ સાથે પ્રેમસંબંધ બાંધવાની પરવાનગી નથી."
આવો નિર્ણય અમેરિકાની અનેક અન્ય યુનિવર્સિટીઓએ પણ કર્યો છે.
અમેરિકન ઍસોસિયેશન ઑફ યુનિવર્સિટી પ્રોફેસર્સ આવા પ્રતિબંધની તરફેણ નથી કરતું પણ એવું જરૂર કહે છે કે આવા સંબંધમાં શોષણ થવાની સંભાવના વધી જાય છે.
ભારતમાં ટીચર માટે ગાઢ લાગણી
ઇમેજ સ્રોત, Getty Images
ભારતની યુનિવર્સિટીઓમાં આવો કોઈ પ્રતિબંધ કે નિયમ નથી પરંતુ તેનો અર્થ એવો હરગીઝ નથી કે તેને કોઈ પણ પ્રકારે સ્વીકૃતિ મળેલી છે.
પુખ્ત વયના થતા સ્ટુડન્ટ્સની તેમના ટીચર્સ પ્રત્યેની લાગણીની કલ્પના તથા હકીકતની સફર જટિલ જરૂર હોય છે પણ હલકી કે છીછરી નથી હોતી.
હિન્દી ફિલ્મોમાં દેખાડવામાં આવતાં મહિલા ટીચરથી અલગ છે આપણાં ટીચર્સ અને તેમના માટે મનમાં સર્જાતી લાગણી આંખોમાંથી ટપકતી ચાહત કરતાં ઘણી ગાઢ હોય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો