હાર્દિકના ઉપવાસ : અનામત આંદોલન કે પાટીદારોના પ્રભાવની વ્યૂહરચના?

હાર્દિક પટેલ
ઇમેજ કૅપ્શન,

હાર્દિક પટેલને મળવા આવેલા શત્રુઘ્ન સિંહા અને યશવંત સિંહા.

હાર્દિકના આમરણ ઉપવાસના 11માં દિવસે પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓના આગેવાનોએ ગુજરાત સરકારના મંત્રીઓ સૌરભ પટેલ તથા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે મુલાકાત કરી હતી.

વિચરતી અને વિમુક્ત જાતિના સંગઠન 'ડીએનટી અધિકાર મંચ' તથા આમ આદમી પાર્ટીએ પણ હાર્દિકને ટેકો જાહેર કર્યો છે.

આ પહેલાં હાર્દિકની મુલાકાત લેવા માટે પટના સાહિબ બેઠક પરથી સાંસદ શત્રુઘ્ન સિન્હા અને પૂર્વ નાણાં મંત્રી યશવંત સિન્હા ઉપવાસના સ્થળે પહોંચ્યા હતા.

શત્રુઘ્ન સિંહાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું, 'આ આંદોલન કોંગ્રેસ નહીં, પણ બધા પક્ષ પ્રેરિત છે.'

તમે આ વાંચ્યું કે નહીં?

પૂર્વ નાણાં મંત્રી યશવંત સિંહાએ કહ્યું, "હાર્દિકના ઉપવાસનો દેશમાં પ્રભાવ પડ્યો છે. અમે હાર્દિકને સૂચનો આપ્યાં છે, દેશભરમાં સાથે મળીને આ લડત લડીશું."

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના બાલકૃષ્ણ સ્વામી અને શાસ્ત્રી સ્વામી પણ હાર્દિકની મુલાકાત લેવા પહોંચ્યા હતા.

હાર્દિક પટેલના આમરણ ઉપવાસ પર ડૉ. વિદ્યુત જોશીનું વિશ્લેષણ

આ લખાય છે ત્યારે હાર્દિકના આમરણ ઉપવાસનો 11મો દિવસ છે.

અત્યારસુધી ભગતસિંહમાં શ્રદ્ધા ધરાવતા હાર્દિક પટેલે હવે જાહેર કર્યું છે કે પોતે ગાંધીજીની અહિંસક પદ્ધતિને અનુસરશે.

તમે જો હિંસા કરો તો સરકારને કાયદાનો અમલ કરવો સહેલો પડે પરંતુ કોઈ અહિંસક પદ્ધતિથી ઉપવાસ કરે તો સરકાર શું કરી શકે?

સાત આઠ દિવસ સુધી કોઈ તંગદિલી નહોતી જણાઈ. પરંતુ ત્રણ દિવસ પહેલાં હાર્દિકે પાણી પીવાની ના પાડી (પછીથી લોકોના આગ્રહે પાણી પીવાનું કબુલ્યું) તથા પોતાના સમર્થકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો એટલે સરકારી ડૉક્ટર પાસે તબિયત ચકાસવાની ના પાડી દીધી છે.

તો બીજી બાજુ 11 દિવસે શરીરમાં ન નિવારી શકાય તેવું નુકસાન થવાનો ભય ઊભો થતાં સરકારે હાર્દિકના ઘર બહાર આઈસીયૂ વેન ખડી કરી દીધી છે.

લોકોનાં ટોળે ટોળાં હાર્દિકના ઘરની આસપાસ જમા થવા લાગ્યાં છે. દેશ-વિદેશથી વીઆઈપીઓ હાર્દિકને જોવા માટે આવી રહ્યા છે.

સરકારે અત્યાર સુધી કોઈ પ્રતિભાવ નથી આપ્યો ત્યારે હાર્દિકે પોતાને કંઈક થઈ જાય તેવી દહેશતથી પોતાનું વીલ જાહેર કરી દીધું છે.

સરકાર અને હાર્દિક બંને પક્ષોના જીવ અધ્ધર છે. બે એક દીવસોમાં જો કોઈ નિવેડો નહીં આવે તો ગુજરાતના રાજકારણમાં એક બહુ મોટી કટોકટી ઊભી થાય તેવું બને.

એક બાજુ હાર્દિકની આ અહિંસક પદ્ધતિ સામે કયો ઉપાય અજમાવવો તે જાણે સમજ ન પડતી હોય તેમ સરકારી ખેમો ચૂપ છે.

તો બીજી બાજુ હાર્દિકના કૅમ્પમાં હાર્દિકની તબિયત વિશે ચિંતાની લાગણી જન્મી છે.

પહેલો સવાલ સરકાર કોઈ પ્રતિભાવ કેમ નથી આપતી તેનો છે. તે માટે જરા જ્ઞાતિ રાજકારણમાં જવું પડે.

ગુજરાતમાં વસતીના 12% ધરાવતી પાટીદાર જ્ઞાતિ સ્વાતંત્ર્ય સંગ્રામથી પ્રભાવી જ્ઞાતિ છે અને ગ્રામ્ય રાજકારણ પર તેનું આધિપત્ય છે.

આથી શરૂમાં બ્રાહ્મણ વાણિયાનું વર્ચસ્વ રહ્યું પરંતુ 1975થી તે ખતમ થતાં ગુજરાતના રાજકારણમાં ચાર પાટીદાર રાજકારણીઓ સાત વખત મુખ્ય મંત્રી બન્યા.

જ્યારે વર્ષ 1985ની આજુબાજુ કોંગ્રેસમાં ખામ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ) સિદ્ધાંત આવ્યો ત્યારે કોંગ્રેસથી અલગ પડેલા ચીમનભાઈ પટેલના પક્ષ તરફ પાટીદારોએ વફાદારી દાખવી.

જોકે, હવા પારખનાર પાટીદારોએ ફરી વર્ષ 1990ની આસપાસ પોતાની વફાદારી ભાજપ તરફ દાખવવાનું શરૂ કર્યું.

હવે તેઓ કેશુભાઈ થકી ગુજરાતના રાજકારણમાં પ્રભાવ ઉપસાવી શક્યા.

દરેક રાજકીય, આર્થિક અને શૈક્ષણિક સંસ્થાઓ પર પાટીદારો આધિપત્ય ધરાવતા થયા.

આ દરમિયાન તેમણે આરક્ષણ વિરોધી આંદોલનો પણ કર્યાં, જે માધવસિંહ સોલંકીની સરકારે નિષ્ફળ બનાવ્યાં.

2001માં પાટીદાર કેશુભાઈના સ્થાને મુખ્ય મંત્રી પદેથી ઓબીસી વર્ગના નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી તરીકેનો પદભાર સોંપાયો તે માત્ર વ્યક્તિગત ફેરબદલો ન હતો.

તે 12% પાટીદારોનું વર્ચસ્વ ઘટાડીને 49% વસતી ધરાવતા ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસીસ)ને સત્તાકારણમાં દાખલ કરવાની વ્યૂહરચના હતી.

જો પાટીદારો ભાજપમાં વર્ચસ્વ ધરાવે તો ઓબીસી કોંગ્રેસમાં સ્વાભાવિક રીતે જ જાય.

મોદી મજબૂત હતા એટલે પાટીદારો ખાસ વિરોધ ન કરી શક્યા પરંતુ મોદી જતા પોતાનું વર્ચસ્વ પુનઃસ્થાપિત કરવાની ચાલ શરૂ થઈ.

જો અનામત મિટાવી ન શકાય તો પોતે અનામત મેળવવી એવો વ્યૂહ ઘડાયો.

હવે બંધારણ મુજબ પાટીદારોને અન્ય પછાતોની અનામત આપી શકાય તેમ નથી તેથી પાટીદારો આર્થિક ધોરણે અનામત માગી રહયા છે.

આપણું બંધારણ તકોની અસમાનતાની વાત કરે છે.

જન્મગત અસમાનતા નાબૂદ થાય તે કરવાનું છે, આમ કરતા પ્રાપ્તિની અસમાનતા ઊભી થાય તો બંધારણને વાંધો નથી.

એટલે કે વિકાસ માટે દોડવાની રેખા પર બધા સાથે હોવા જોઈએ પછી દરેક પોતપોતાની ક્ષમતા મુજબ જુદું જુદું પ્રાપ્ત કરે તેની સામે બંધારણને કોઈ વાંધો નથી.

એટલે કે આપણું બંધારણ આર્થિક સમાનતાને વરેલું નથી. તે આર્થિક સ્વાતંત્ર્યને વરેલું છે.

અહીં આદિવાસી (એસટી) અને દલિતો (એસસી)ની અનામતની વાત નથી.

પાટીદારો પોતાને ઓબીસીની યાદીમાં સમાવવા માટે આગ્રહ કરી રહયા છે.

દેશમાં આ તકોના પછાતપણાને સામાજિક શૈક્ષણિક પછાતપણુ કહ્યું છે અને તેના 14 માનાંકો નક્કી કરવામાં આવ્યા છે.

અલબત્ત, કેટલાક જૂથોને ખોટી રીતે લાભ મળ્યો હશે પરંતુ પાટીદારો તો કોઈ માનાંક મુજબ અન્ય પછાત વર્ગો માટેની અનામતમાં ન આવી શકે.

જો આમ હોય તો પાટીદારો આર્થિક માનાંકો મુજબ અનામત માંગે છે.

હવે જો આમ જ હોય તો તે અનામતનો જ વિરોધ થયો ગણાય? કારણ કે આર્થિક પછાતપણું એ અનામતનો આધાર ન બની શકે.

હવે જે પાટીદારો અને અન્ય સવર્ણ જ્ઞાતિના લોકો ગામડામાં રહી ગયા અને પછાત વ્યવસાયો (બિન સિંચિત ખેતી, ગોરપદું, હાટડી)માં રોકાયેલ હોય તેમની તકોની અસમાનતા વધી જાય છે.

અનામતની સફળતાના પગલે જ પછાતોમાં ભદ્ર વર્ગ સર્જાયો છે જેની ઇર્ષ્યા પાછળ રહી ગયેલા સવર્ણોને થાય છે.

આંખે દેખાતું ઝેર અહીં છે કે કાલે મરાઠી પછાત હતા તે અત્યારે મારાથી આગળ નીકળી ગયા છે.

આનંદીબહેન જ્યારે મુખ્ય મંત્રી હતાં ત્યારે તેમને વચગાળાના માર્ગ રૂપે પછાત સવર્ણો માટેના આયોગની રચના કરી હતી. જે આજે પણ ચાલુ છે.

જોકે, પાટીદારોએ ઓબીસી સ્ટેટસની માગ ચાલુ રાખી જેને કાનૂની રીતે સ્વીકારી શકાય તેમ નથી.

બંધારણનું સમગ્ર માળખું સુધારવું પડે. વળી જો માત્ર આર્થિક સમાનતાની જ વાત હોય તો તો રાજ્ય આર્થિક સમાનતા ઘટાડવાના કાર્યક્રમો આપી શકે.

તેને માટે અનામતની જરૂર નથી. પરંતુ તેની માગ નથી થઈ રહી.

આમ હોવાથી સરકાર કેચ-22ની અથવા તો 'શૈલાભીરાજ તનયા ન યયૌ ન તસ્થૌ'ની પરિસ્થિતિમાં મુકાઈ ગઈ છે.

જો સરકાર સ્પષ્ટ ના પાડી દે તો પાટીદારો કોંગ્રેસ તરફ ચાલ્યા જાય અને જો હા પડે તો કાનૂની રીતે શક્ય ન બને. આથી સરકાર મૌન છે.

આ પરિસ્થિતિમાં બંને પક્ષો પાસે શું વિકલ્પો છે? હાર્દિક ખેમો જાણે છે કે અનામત મેળવવી સહેલી નથી.

તેથી તેમણે અનામતની માગ સાથે ખેડૂતોના દેવા નાબૂદીનું લક્ષ્ય જોડી દીધું છે.

આમ કરવાથી પાટીદારો ઉપરાંત અન્ય જ્ઞાતિના લોકોનો સહકાર પણ મળી રહે તે ગણતરી હોઈ શકે.

ઉપવાસનું સ્પષ્ટ પરિણામ ન આવ્યું હોવા છતાં હાર્દિકનો નબળો પડતો જતો જનાધાર મજબૂત બન્યો છે.

માત્ર ગુજરાતમાંથી જ નહીં, અન્ય રાજ્યોમાંથી પણ ભાજપ વિરોધી ખેમાના નેતાઓ હાર્દિકની તબિયત જોવાના બહાને અહીં આવી રહયા છે.

કોઈ આંદોલનનું પરિણામ બિલકુલ ન આવી શકે તેવું તો ન બને.

જો ઉપવાસ નિષ્ફળ જાય તો પણ વધેલા જનાધારથી હાર્દિક ફરીથી રાજકીય ક્ષિતિજ પર ઊભરી શકે છે.

અત્યારે તો એમ લાગી રહ્યું છે કે હાર્દિક ભાજપને હરાવવા પ્રયાસ કરશે પરંતુ હજી સુધી ઘણા પાટીદારો ભાજપના વફાદાર છે એટલે તે કોંગ્રેસમાં નહીં ભળે.

તો સામે પક્ષે સરકાર પણ સાવચેતીથી હરકતમાં આવેલી જણાય છે.

સર્વ પ્રથમ પાટીદારોની ધાર્મિક સંસ્થા ઉમિયા માતા સંસ્થાના ટ્રસ્ટીઓ હાર્દિકને મળવા આવ્યા છે.તેમને કહ્યું છે કે તેઓ મધ્યસ્થી બનાવ તૈયાર છે.

તો એક ઓબીસી મંત્રીએ (પાટીદાર મંત્રી નહીં) હાર્દિકના ઉપવાસથી સરકારને ચિંતા છે તેવું નિવેદન આપ્યું છે.

હવે ઉમિયામાતા કે આવી અન્ય સંસ્થાના ટ્રસ્ટીઓ સીધી રીતે આંદોલનના ટેકેદારો નથી.

એટલે આવા લોકો મધ્યસ્થી કરે તો સરકારનો પક્ષ પણ યોગ્ય રીતે મુકાઈ શકે. સરકાર શું કરી શકે?

હાર્દિકની બે માંગણીઓ છે, 1. ખેડૂતોનાં દેવાની નાબૂદી અને 2. પાટીદારોને ઓબીસી સ્ટેટસ.

જ્યારે વાટાઘાટો થશે ત્યારે સરકાર સ્પષ્ટ પ્રતિબદ્ધતા નહીં બતાવે પરંતુ અનામત માટે કમિશન બનાવીશું અને કમિશન નક્કી કરશે કે પાટીદારોને અનામત આપી શકાય કે નહીં.

તો ખેડૂતોનાં દેવા નાબૂદીની વાતને સહાનુભૂતિથી જોઈશું તેમ કહેશે અને કેસ બાય કેસ જઈશું તેમ પણ કહે.

આટલા દિવસો સરકારે રાહ જોઈ તેનું કારણ એ હોઈ શકે કે હાર્દિકના ખેમામાં ઉપવાસ જેમ આગળ વધતા જાય તેમ તંગદિલી વધતી જાય અને તેમ થાય તો તેમની વાટાઘાટોમાં તેમનું સ્ટેટસ એટલું નબળું બને.

ભાજપ જાણે અત્યારે નુકસાનમાં હોય તેવું લાગે છે. પરંતુ પાટીદારો ભાજપમાં પોતાનો લાભ અત્યારે વધુ જુએ છે એટલે પાટીદારો સાગમટે ભાજપ વિરોધી બને તેવું નહીં બને.

એક વાત સ્પષ્ટ રીતે સમજી લેવી પડે. આ માત્ર અનામતનું સ્ટેટસ મેળવવાનું આંદોલન નથી.

આ એક પ્રભાવી જૂથનું આધિપત્ય ટકાવી રાખવાની વ્યૂહરચના છે. આમ અત્યારે કોંગ્રેસને અને અન્ય વિરોધ પક્ષોને ફાયદો લાગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો