સંજીવ ભટ્ટ : બરતરફ આઈપીએસ ઓફિસરની 1998ના કેસમાં અટકાયત

સંજીવ ભટ્ટ
ઇમેજ કૅપ્શન,

સંજીવ ભટ્ટ

ગુજરાત કેડરના બરતરફ કરાયેલા આપીએસ ઓફિસર સંજીવ ભટ્ટની અટકાયત કરવામાં આવી છે.

સંજીવ ભટ્ટની 1998ના એક કેસમાં વહેલી સવારે તેમના ઘરેથી અટકાયત કરવામાં આવી છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતા ભટ્ટે કહ્યું કે વહેલી સવારે પોલીસ તેમના ઘરે આવી હતી અને સંજીવ ભટ્ટની અટકાયત કરી હતી.

ક્રાઇમ બ્રાંચના ડીઆઈજી આશિષ ભાટીયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે હાલ સંજીવ ભટ્ટની અટકાયત કરવામાં આવી છે. જે બાદ તેમની ધરપકડ કરવામાં આવશે.

તેમણે કહ્યું, "સંજીવ ભટ્ટની સાથે અન્ય 6 લોકોની પણ પોલીસે અટકાયત કરી છે. જેઓ આ કેસમાં સંજીવ ભટ્ટ સાથે હતા."

શું છે આ કેસ જેમાં થઈ અટકાયત?

સંજીવ ભટ્ટ પર આરોપ છે કે 1998ના નાર્કોટિક્સ કેસમાં તેમણે એક રાજસ્થાનના પાલીના એક વકીલને ખોટી રીતે ફસાવ્યા હતા.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ 1996માં બનાસકાઠાં પોલીસે રાજસ્થાનના પાલીના વકીલ સમરસિંહ રાજપુરોહિતની ધરપકડ કરી હતી.

પોલીસે દર્શાવ્યું કે પાલનપુરની એક હોટલમાં તેઓ જ્યાં રહ્યા હતા ત્યાંથી તેમની પાસેથી 1 કિલો જેટલો નશીલો પદાર્થ મળી આવ્યો હતો.

એક દિવસ બાદ જ્યારે ઓળખ પરેડ કરાવવામાં આવી ત્યારે હોટલ માલિક રાજપુરોહિતને ઓળખી શક્યા ન હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

જે બાદ પોલીસે તેમને છોડી મૂકવા માટે રિપોર્ટ દાખલ કર્યો હતો. જે સ્પેશિયલ કોર્ટે એક અઠવાડિયા બાદ સ્વીકારી લીધો હતો.

તે સમયે સંજીવ ભટ્ટ બનાસકાંઠાના એસપી હતા. આ ઘટનાના પાંચ મહિના બાદ રાજપુરોહિતે સંજીવ ભટ્ટ, તે સમયના સિટિંગ હાઈકોર્ટના જજ અને અન્ય પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ કરી હતી.

આશિષ ભાટીયાએ કહ્યું, "આ મામલે સીઆઈડીએ એક એસઆઈટી (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશ ટીમ)ની પણ રચના કરી છે."

"તેમની પૂછપરછ બાદ કદાચ તેમની ધરપકડ પણ કરવામાં આવશે."

કોણ છે સંજીવ રાજેન્દ્ર ભટ્ટ?

આઈઆઈટી મુંબઈથી પોસ્ટ ગ્રૅજ્યુએટ સંજીવ ભટ્ટ વર્ષ 1998માં ભારતીય પોલીસ સેવામાં આવ્યા અને તેમને ગુજરાત કેડર મળી હતી.

જે બાદ તેમણે અનેક રાજ્યના અનેક જિલ્લામાં પોતાની ફરજ બજાવી હતી.

તેઓ ડિસેમ્બર 1999થી સપ્ટેમ્બર 2002 સુધી રાજ્યની જાસૂસી એજન્સીમાં તેઓ નાયબ કમિશનર તરીકે કાર્યરત હતા.

ગુજરાતની આંતરિક સુરક્ષાને લગતા તમામ મામલા તેમના હસ્તક હતા.

જેમાં સીમા સુરક્ષા દળ અને દરિયાકાંઠાની સુરક્ષા સિવાય વીઆઈપીની સુરક્ષા પણ સામેલ હતી.

આ દાયરામાં મુખ્ય મંત્રીની સુરક્ષા પણ તેમના હસ્તક આવતી હતી.

સંજીવ ભટ્ટ નોડલ ઓફિસર પણ હતા, જેમાં કેટલીક કેન્દ્રીય એજન્સીઓ અને સેના સાથે પણ તેમને માહિતી આદાન-પ્રદાન કરવાની હતી.

જ્યારે વર્ષ 2002માં ગુજરાતમાં રમખાણો થયાં ત્યારે સંજીવ ભટ્ટ આ પદ પર જ હતા.

2011માં તેઓ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે 2001માં તે સમયના તત્કાલિન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સામે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું.

તેમાં તેમણે નરેન્દ્ર મોદી પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે 2002ના રમખાણો માટે રચવામાં આવેલી એસઆઈટી પર તેમને ભરોસો નથી.

તેમણે વડા પ્રધાન મોદી અને તે સમયે ગુજરાતના મુખ્ય મંત્રી પર રમખાણોમાં તેમના કથિત રોલને લઈને આક્ષેપો કર્યા હતા.

જોકે, આ આક્ષેપોને નરેન્દ્ર મોદી તરફથી નકારવામાં આવ્યા હતા.

આ સમગ્ર મામલા બાદ વર્ષ 2011માં તેમને નોકરીમાંથી નિલંબિત કરવામાં આવ્યા હતા.

ગુજરાત રાજ્યના અધિકારીઓએ ભટ્ટ પર આરોપ લગાવતા કહ્યું હતું કે તેઓ મોદી પર ખોટા આરોપો લગાવી રહ્યા છે.

જે બાદ ઑગસ્ટ 2015માં તેમને નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો