BBC TOP NEWS : હું યુવાનોનાં લગ્ન માટે યુવતીઓનું અપહરણ કરી શકું : ભાજપના ધારાસભ્ય

ઇમેજ સ્રોત, RAM KADAM@FACEBOOK
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય રામ કદમે એક નિવેદનમાં તેમના મતક્ષેત્રના યુવાનોને કહ્યું હતું કે તેઓ તેમના લગ્નમાં મદદ કરવા યુવતીઓનું અપહરણ પણ કરી શકે છે.
તેમણે આપેલા નિવેદનને પગલે વિવાદ સર્જાયો છે. જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું હતું.
ઘાટકોપરથી ધારાસભ્ય રામ કદમના વાઇરલ થયેલા એક વીડિયોમાં તેઓ યુવાનો સાથે સંવાદ કરી રહ્યા છે.
અહેવાલ અનુસાર તેમાં કહેવાયું છે, "તમારે કોઈ પણ મુશ્કેલી હોય મને કહો મારો નંબર નોંધી લો."
વીડિયોમાં એક યુવાન તેમને કહે છે કે, "મેં યુવતીની પ્રપોઝ કર્યું પરંતુ તેણે ઇન્કાર કરી દીધો."
જેના જવાબમાં કદમ એવું કહેતા જોવા મળે છે કે, "હું તને મદદ કરીશ. તારા માતાપિતાને મારી પાસે લઈને આવજે."
"જો તેઓ પણ તેમને પંસદ કરે છે તો હું તે યુવતીનું અપહરણ કરીને તારી પાસે લાવી દઈશ."
તમે આ વાંચ્યું કે નહીં?
બાદમાં તેમણે તેમનો મોબાઇલ નંબર પણ જાહેર કર્યો અને હાજર યુવાઓને ભવિષ્યમાં મુશ્કેલી માટે મદદની ખાતરી આપી હતી.
જોકે, આ મામલે રામ કદમનું કહેવું છે કે, "મારી છબી ખરડવા માટે માત્ર ચોક્કસ વાતોને નિવેદનમાંથી અલગ તારવી લેવાઈ છે."
"મેં તે પહેલાં અને બાદમાં શું કહ્યું તે કોઈએ બતાવ્યું જ નથી."
વધુમાં રામ કદમે ટ્વીટ કરીને આ મામલે માફી પણ માંગી લીધી છે.
તેમણે ટ્વીટમાં લખ્યું કે, "મારો ઇરાદો કોઈની ભાવનાઓને ઠેંસ પહોંચાડવાનો નહોતો. જો આવું થયું હોય તો હું ખેદ વ્યક્ત કરું છું."
તેમણે બાદમાં એવી સ્પષ્ટા પણ આપી કે તેઓ યુવાનોને હંમેશાં તેમના માતાપિતાની આજ્ઞાનું પાલન કરવાની જ સલાહ આપતા હોય છે.
પારણાં કરી લેવા હાર્દિકને સરકારની અપીલ
ઇમેજ સ્રોત, Hardik Patel@Facebook
'ગુજરાત સમાચાર'ના અહેવાલ અનુસાર ગુજરાત સરકારના મંત્રી સૌરભ પટેલે અનામતની માંગણી સાથે આમરણ ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને પારણાં કરી લેવા અપીલ કરી છે.
મંગળવારે પાટીદાર સમાજના અગ્રણીઓ અને હોદ્દોદારો તથા સરકાર વચ્ચે મંત્રણા થઈ હતી. પરંતુ તેમાં કોઈ સમાધાન થયું નથી.
ઊર્જા મંત્રી સૌરભ પટેલને ટાંકીને અહેવાલમાં કહેવાયું છે કે સૌરભ પટેલે હાર્દિકને પારણાં કરાવી લેવા માટે પાટીદાર સમાજના આગેવાનોને અપીલ કરી છે.
સચિવાલય ખાતે મળેલી બેઠકમાં મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ હાજર હતા.
જેમાં સમાજના અગ્રણીઓ હાર્દિકને તબીબી સારવાર લઈને પારણાં કરી લે તેની સમજાવટ માટે ચર્ચા થઈ હતી.
દરમિયાન, ભાજપના નેતા શત્રુઘ્ન સિંહા અને ભૂતપૂર્વ નાણાંમંત્રી યશવંત સિંહા અને ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતાએ હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી.
સંયુક્ત પત્રકાર પરિષદમાં આ નેતાઓએ કહ્યું, "અમે પણ ખેડૂતો માટે લડાઈ લડીએ છીએ. અમે આ લડાઈને રાષ્ટ્રીય સ્તર સુધી લઈ જઈશું."
"સરકારે આ લોકો સાથે મંત્રણા કરવી જોઈએ. ખેડૂતોના દેવા માફીની માંગણી વાજબી છે."
કોલકાતામાં ફ્લાયઓવર ધરાશાયી, 1નું મોત 21 ઘાયલ
ઇમેજ સ્રોત, Reuters
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના માજેરહાટ ફ્લાયઓવર પડી જવાના કારણે એકનુ મોત થયુ છે, જ્યારે પણ કેટલાક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે.
ફ્લાયઓવરના કાટમાળમાં ઘણાં વાહનો ફસાયાં છે. અત્યારસુધીમાં 3 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. જેમની હાલત ગંભીર છે.
દુર્ઘટના બાદ એનડીઆરએફ દ્વારા બચાવકાર્ય માટે 3 ટીમો મોકલવામાં આવી છે.
કોલકાતામાં છેલ્લા છ વર્ષમાં પુલ તૂટી પડવાની આ ત્રીજી ઘટના બની છે.
SC-ST કાયદાના વિરોધમાં મધ્ય પ્રદેશ-રાજસ્થાનમાં વિરોધ પ્રદર્શન
ઇમેજ સ્રોત, Reuters
પ્રતીકાત્મક તસવીર
'એનડીટીવી'ના અહેવાલ અનુસાર એસસી-એસટી એક્ટના દુરુપયોગની ફરિયાદોને પગલે સુપ્રીમ કોર્ટેના ચુકાદાથી વિપરિત કેન્દ્ર સરકારના કાનૂન સામે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં સવર્ણોએ વિરોધ કર્યો છે.
અહેવાલ અનુસાર સુપ્રીમ કોર્ટે એસસી-એસટી એક્ટનો દુરુપયોગ થઈ રહ્યો હોવાના પોતાના અવલોકન સાથે કાયદામાં અનેક ફેરફારો કર્યા હતા અને કેટલીક જોગવાઇઓ કરી હતી.
જોકે, કેન્દ્રની મોદી સરકારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ફેરવી નાખવા અને કાયદાને અગાઉ હતો તે મુજબ મૂળ સ્વરૂપે લાગુ કરી દીધો છે.
જેને પગલે હવે સવર્ણોમાં ભારે રોશ જોવા મળી રહ્યો છે.
મધ્ય પ્રદેશમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે અને આવતીકાલે એટલે કે 6 સપ્ટેમ્બરે સવર્ણો દ્વારા ભારત બંધનું એલાન કરતા તણાવની સ્થિતિ સર્જાઈ છે.
સમગ્ર ઘટનાને પગલે બન્ને રાજ્યોમાં પૂરતો બંદોબસ્ત ખડકી દેવાયો છે.
અમદાવાદમાં ચાર માળનું મકાન ધરાશાયી થતાં, એકનું મોત
'દિવ્યભાસ્કર'ના અહેવાલ અનુસાર અમદાવાદના દરિયાપુરમાં સલાટવાડા પાસે સોમવારે મધરાતે ચાર માળનું એક મકાન તૂટી પડયું હતું.
દુર્ઘટનામાં એક પરિવારના ચાર લોકો કાટમાળ નીચે દટાયા હતા. જેમાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત થયું હતું.
આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોચી હતી.
ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવીને ચારેયને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડયા હતા.
અત્રે નોંધવું કે, તાજેતરમાં જ અમદાવાદના ઓઢવમાં સરકારી ગરીબ આવાસ યોજના હેઠળ બંધાયેલા ચાર માળના બે બ્લોક ધરાશયી થયા હતા.
તેમાં પણ પાંચ લોકો દટાયા હતા જેમાં એક યુવકનું મોત થયું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો