મીડિયા નરેન્દ્ર મોદીની વધારે ટીકા કરે છે કે વાહવાહી?

  • શિવ વિશ્વનાથન
  • સમાજશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે
મોદી

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંદર્ભમાં મીડિયાનું મૂલ્યાંકન કરતી વખતે શરૂઆત એ વાતથી જ કરવી પડે કે નરેન્દ્ર મોદી મીડિયાનું સર્જન છે.

માત્ર આરએસએસ એકલા હાથે નરેન્દ્ર મોદીનું સર્જન કરી શક્યું ના હોત.

સંઘે જે ચિત્ર ઉપસાવ્યું હોત તે બહુ પ્રાદેશિક હોત અને સમયકાળમાં મર્યાદિત હોત.

એ તો સપનાં પારખનારા અને કથાનક ઘડનારા મીડિયાએ, મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને જોયું કે કોંગ્રેસ ખાલીખમ થઈ ગઈ છે અને વિકલ્પ નરેન્દ્ર મોદીમાં મળી શકે તેમ છે.

મીડિયાએ એક માણસની આઉટલાઇન બનાવી, જે પહેલ કરનારો, પૌરુષેય, નિર્ણાયક, ક્ષમતાવાન અને નિષ્ઠુર હોય અને પછી ઇમ્પ્રેશનિસ્ટ પેઇન્ટિંની જેમ જેમ એક એક લસરકા દ્વારા ચિત્ર બનાવતું રહ્યું.

બે દાયકા પહેલાં મોદી માત્ર અફવા હતા, તેમાંથી ગોસીપમાં દૃશ્યમાન થવા લાગ્યા.

આલેખનો દ્વારા તેમની એક ઇમેજ બનતી ગઈ અને આપણા યુગના એક આદર્શ રાજપુરુષમાં તેમને પરિવર્તિત કરી દેવાયા.

'મીડિયાની મહાન શોધ એટલે મોદી'

ઇમેજ સ્રોત, Getty Images

નરેન્દ્ર મોદી એટલે મીડિયાની મહાન શોધમાંના એક.

એવો સવાલ કે નરેન્દ્ર મોદી સાથે મીડિયાના સંબંધો કેવા છે, તેને જુદી રીતે પૂછવો પડે.

સવાલ એ છે કે તેઓ વડા પ્રધાન બન્યા તે પછી મીડિયા હવે પોતાના દ્વારા જ સર્જાયેલા આ વ્યક્તિત્ત્વને કેવી રીતે જોઈ રહ્યું છે.

તેનો જવાબ ચિંતા ઉપજાવે તેઓ છે. લોકોની અપેક્ષા હોય છે કે મીડિયા ટીકાત્મક અને વાસ્તવિક બને અને કમ સે કમ તટસ્થ છે તેવું લાગે.

તમે આ વાંચ્યું કે નહીં?

દુઃખની વાત છે કે મીડિયા જ નરેન્દ્ર મોદીનું સૌથી મોટું ફેન બની ગયું છે. મીડિયાએ આત્મનિરીક્ષણ કરવાનું જ છોડી દીધું છે.

જ્યાં મીડિયાએ લોકો સુધી સત્ય પહોંચાડવાનું હતું અને ટીકાકારની ભૂમિકા નિભાવવાની હતી ત્યાં મોદીના કટ્ટર રાષ્ટ્રવાદની ધૂનમાં વ્યક્તિ પૂજા કરવા લાગ્યું છે.

કોઈ અખબાર ઉપાડીને જુએ ત્યારે નરેન્દ્ર મોદીની જાહેરખબરો અને નરેન્દ્ર મોદી વિશેના સમાચારો જાણે એકબીજામાં ભળી થઈ જતા હોય તેમ લાગે છે.

મીડિયા સામે જ ઊભા થયા સવાલો

ઇમેજ સ્રોત, EPA

કોઈ ત્યારે એમ પણ વિચારતું થઈ જાય કે મોદી ભારતના કિમ ઇલ સુંગ બની ગયા છે, એવા એકમેવ નેતા, જેમની સામે કોઈ સવાલો પૂછવામાં આવતા નથી.

પ્રારંભમાં મીડિયાએ નરેન્દ્ર મોદીને એક નવા પ્રકારની વ્યક્તિ, એક આઉટસાઇડર તરીકે બતાવવાનું શરૂ કર્યું ત્યારે થોડી સહાનુભૂતિ હોઈ શકે.

એક ચાવાળાનો દીકરો જે લુટિયન્સ દિલ્હીના કિલ્લામાં પગપેસારો કરી રહ્યો હોય.

જોકે, પછી પરીકથા સાથેના પ્રેમને, આ અહોભાવને અકબંધ રાખવા ખાતર કથાનક લંબાવા લાગ્યું.

વિરોધાભાસ લાગે તે રીતે મીડિયા હવે તેમને બંને રીતે દેખાડવા લાગ્યું હતું.

એક નવી વ્યક્તિ તરીકે (અને તેથી આવકાર્ય) અને સાથે જ એવી વ્યક્તિ જે અનિવાર્ય હોય.

એવું લાગે છે કે જાણે 2019ની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. આવા માહોલથી અમિત શાહ રાજી થશે ખરા, પણ તેના કારણે શંકા જાગતી હોય ત્યાં તપાસ કરવાની અને આશંકા હોય ત્યાં સ્પષ્ટતા કરવાનો મીડિયાના ધર્મનું પાલન થઈ રહ્યું નથી.

તે એવી રીતે વર્તી રહ્યું છે કે વર્તમાન ભારતમાં એક માત્ર ઘટના એટલે મોદી.

સમાચારની આ અતિશયોક્તિ ભરી વ્યાખ્યાને કારણે જ મીડિયા સામે સવાલો થાય છે અને તેના વિશ્લેષણ પર શંકાઓ.

આ દલીલને વિસ્તૃત રીતે સમજવા માટે બે કે ત્રણ કિસ્સા જોઈએ.

પહેલો કિસ્સો તો અનિવાર્યપણે નોટબંધીથી જ શરૂ થવાનો.

નોટબંધીને સમજવા મીડિયા નિષ્ફળ

ઇમેજ સ્રોત, Getty Images

નોટબંધી ભારતમાં ઉજવાઈ રહેલો કોઈ તહેવાર હોય એમ મીડિયાએ તેને વધાવી લીધી હતી.

શરૂઆતમાં કદાચ મધ્યમ વર્ગે ભ્રષ્ટાચાર સામેની લડાઈ તરીકે તેને આવકાર આપ્યો હશે.

બાદમાં લોકોને ખ્યાલ આવી ગયો કે આ તો બિનસંગઠિત ક્ષેત્ર, કારીગર વર્ગ અને નાના વેપારધંધા પરનું આક્રમણ છે.

આ બધાને પોતાના રોજિંદા કામકાજ માટે મૂડી તરીકે રોકડની જ જરૂર પડે. મીડિયા આ વર્ગ તરફ નજર કરવા જ માગતું નહતું.

તેના બદલે બિલ ગેટ્સ અને તેમના જેવા લોકોના ક્વોટ્સ ટાંકતું રહ્યું હતું. લોકોને પડી રહેલી મુશ્કેલીની તપાસ નહોતી થઈ.

નોટબંધી નામના આ તહેવારને કારણે કેટલું વ્યાપક નુકસાન થયું હતું તેને કોઈ સ્થાન જ મળ્યું નહીં.

બીજું, ટૂંકા ગાળામાં મીડિયા કદાચ તેને સમજવામાં નિષ્ફળ ગયું હશે, પણ લાંબા ગાળે નોટબંધીનું ઉચિત મૂલ્યાંકન કરી શક્યું હોત.

નબળું વિશ્લેષણ, અતિસરળ અહેવાલોની બરોબરી કરવા લાગ્યું હતું.

મીડિયા હજૂરિયા બનવાનું પસંદ કર્યું

ઇમેજ સ્રોત, Getty Images

વિદેશ નીતિની જ વાત લો. એબે, પુટીન કે ટ્રમ્પની બાજુમાં નરેન્દ્ર મોદી ઊભા રહે ત્યારે શોભે છે તે વાત કોઈ સ્વીકારી શકે છે.

આ સરખેસરખા મહાનુભાવોની મીડિયા વાહવાહીમાં આ નેતાઓના નૈતિક ખાલીપાની વાત ખોવાઈ જાય છે.

યમન, સીરિયા અને રોહિંગ્યાની હાલત વિશે મોદી મૌન રહ્યા છે. એશિયા વિશેના તેમના વિચારો ઍબ્સોલ્યૂટ છે.

આમ છતાં ઇઝરાયલ સાથે તેમની મિત્રતા ચગાવવામાં આવે છે, પણ ઇઝરાયલ વિશેની નીતિ વિશે સવાલો ઊભા કરાતા નથી.

શસ્ત્રસોદામાં ઇઝરાયલને સાથી તરીકે આવકાર મળે છે.

ભારત સંરક્ષણની બાબતમાં જેટલી વધુ વાત કરે એટલી વધુ વાહવાહ મીડિયા અને મિડલક્લાસ કરે છે.

આમ છતાં સંરક્ષણની બાબતમાં વાસ્તવિકતા જોઈએ તો મોદીએ ચીન અંગે ભાગ્યે જ કશું કર્યું છે, સિવાય કે તિબેટને વિમાસણમાં મૂક્યું હોય.

પાકિસ્તાનની બાબતમાં પણ ભાગ્યે જ કશું હાંસલ થઈ શક્યું છે.

અહીં પણ મીડિયાએ વિદેશી નીતિને ગોસીપ તરીકે લીધી છે. મોદીનું વાસ્તવદર્શી મૂલ્યાંકન ઓછું થયું છે.

ઉત્સવના રંગે રંગાયેલા મીડિયા પાસે વિદેશ નીતિમાં રહેલી શંકાઓ કે વિરોધાભાસ વિશે કહેવા જેવું કશું નથી.

પાકિસ્તાન અને ચીન પર મેળવેલા કાલ્પનિક વિજયનો જયજયકાર થાય છે, પણ મોદીની કલ્પનાઓમાં કલાત્મકતા કે કાયમીપણું દેખાતું નથી.

મીડિયા જ્યાં વાસ્તવદર્શી ભૂમિકા ભજવી શકે તેમ હતું, ત્યાં જી હજૂરિયા બનવાનું પસંદ કર્યું અને તે રીતે પ્રજાનું અહિત કર્યું છે.

હાસ્યાસ્પદ અને ભયાવહ માહોલ

ઇમેજ સ્રોત, Getty Images

મીડિયાનું સૌથી શરમજનક પાસું, ટોળાની હિંસા (મોબ લિન્ચિંગ) વિશેના મોદીના અભિગમ વિશેનું છે.

તેમના પ્રતિસાદને મોળો પાડી દેવાનું. આ મુદ્દે પસ્તાળ ના પાડવામાં આવી તે ચિંતાજનક છે.

કોંગ્રેસ પાસેથી સતત જવાબ માગનારી વ્યક્તિ તરીકે મોદીનું મૌન, તેમનો ટૂંકો પ્રતિસાદ ભાગ્યે જ કોઈ ટીકા જન્માવી શક્યું છે.

મોદીની સિદ્ધિઓની અતિપ્રસિદ્ધિ અને તેમની ટીકાના મુદ્દે મૌન વચ્ચે ઝુલતા મીડિયાને જોઈને કોઈ પણ વિચારમાં પડી જાય કે જાહેરખબર ક્યાં પૂરી થાય છે અને મોદીનું તટસ્થ મૂલ્યાંકન ક્યાંથી શરૂ થાય છે.

હકીકતમાં મીડિયા આસામનો ઉલ્લેખ ભાગ્યે જ કરે છે. 40 લાખ લોકોની અટકાયત કરવાથી શું થઈ શકે તેની ભાગ્યે જ ચર્ચા થાય છે.

નાગરિકોની નોંધપોથી કોઈ મહાન ભારતીય શાસ્ત્ર હોય તેવી રીતે વર્તન થઈ રહ્યું છે.

સમગ્ર રીતે જે માહોલ બની રહ્યો છે તે હાસ્યાસ્પદ અને ભયાવહ બંને લાગે છે, જેમાં નજાકત માટે કે વિરોધ માટે ભાગ્યે જ કોઈ મોકળાશ હોય.

બહુમતીવાદના ઢોલ પીટવાના બદલે મીડિયા પોતાની અસલી ભૂમિકામાં આવી જાય એમ કોઈ પણ ઇચ્છશે.

કટોકટી વખતે મીડિયાએ જુદા જ પ્રકારની ભૂમિકા ભજવી હતી.

કોઈ પણ આશા રાખશે કે 2019 પહેલાં મીડિયા ટીકાત્મક અને નિર્ભિક પત્રકારત્વ તરફ પાછું વળે. લોકશાહી અને ભિન્નમતની પરંપરાનું તે એટલું ઋણી છે જ.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો