ભગવતીકુમાર : 'અસૂર્યલોક'ના સર્જકનો સૂરજ આથમ્યો

  • રજનીકુમાર પંડ્યા
  • બીબીસી ગુજરાતી માટે
ભગવતીકુમાર

ઇમેજ સ્રોત, DHARMESH JOSHI

મિત્ર ભગવતીકુમાર શર્માના અવસાનના સમાચાર જાણવા મળ્યા ત્યારે આઘાત તો નહીં, પણ આંચકો લાગ્યો.

આઘાત તો ઘણા સમય પહેલાં ધ્રૂજારી આપતો થઈ ગયો હતો કે જ્યારે એમની અંતિમ અવસ્થાની કહેવાય તેવી તબિયતના સમાચાર મળતા રહેતા હતા.

આ ઋજુ હૃદય જ નહીં, પણ ઋજુ સ્વાસ્થ્ય ધરાવતો મિત્ર એ વખતે જ જીવનના અંત તરફ ધસી રહ્યો હોય તેવું વરતાઈ આવ્યું હતું.

એ પણ એક ઊંડા અચરજની વાત ગણાય કે આવી નબળી તબિયત, નાજુક દેહયષ્ટિ અને એકદમ ઝાંખી પડી ગયેલી અને છેવટના ભાગે તો સાવ બૂઝાઈ ગયેલા નેત્રજ્યોતિ સાથે ભગવતીકુમારે આટલી વિપુલ માત્રામાં સર્જન કર્યું અને તે પણ ઉચ્ચ કક્ષાનું.

એમની કલમમાંથી ક્યારેય એમની કક્ષાને ના છાજે તેવું લખાણ સર્યું નહીં, પછી તે એના પૂરા ભયસ્થાન ધરાવતું ફિલ્મવિષયક લખાણ હોય કે જેમાં જરા પણ ઊતરતું ન ચાલે તેવું કાવ્યસર્જન હોય, અને પ્રલંબ પટ ધરાવતો નવલકથાનો પટ હોય.

તમે આ વાંચ્યું કે નહીં?

બીજી અચરજની વાત એ પણ રહી કે તેમની ભાષા સંસ્કૃત ભાષાનો પૂરો સંસ્પર્શ ધરાવતી હતી.

ઇમેજ સ્રોત, DHARMESH JOSHI

તત્સમ શબ્દો પણ એમાં પાર વગરના, એટલું જ નહીં, પણ મોટા ભાગની રચનાઓની ભીતરનું વાતાવરણ પણ સંસ્કારસભર.

પાત્રો પણ એજ થરમાં વિચરતા હોય તેવાં. (અપવાદરૂપ બે-ત્રણ વાર્તાઓ છે, જેમાં ભગવતીકુમારે સુરતી અપશબ્દોનો પણ કોઈ પાત્રના મોંએ પ્રયોગ થતો બતાવ્યો છે.)

આ બધા છતાં એમણે મેળવેલી લોકપ્રિયતા માત્ર સામાન્ય વાચકવર્ગની જ નહીં, પણ ઉચ્ચ કક્ષાના, ઉન્નતભ્રૂ વાચકવર્ગની પણ!

ઇમેજ સ્રોત, Dharmesh Joshi

મને લાગે છે કે આ પ્રતાપ એમના એ સર્જનોની ભીતર અનુભવાતી કોઈ શાશ્વતતાનો હતો. મારી દૃષ્ટિએ નવલકથાઓ કરતાં વધુ તેઓ ટૂંકી વાર્તામાં ખીલ્યા હતા, પણ વિવેચકો મોટે ભાગે નોંધ તો તેમની નવલકથાઓની જ લે છે.

પણ વાસ્તવમાં ટૂંકી વાર્તાઓમાં તેમની મહારત પૂરબહારમાં ખીલી ઉઠતી હતી.

વાર્તાલેખનની તેમની શરૂઆત કદાચ વહેલી થઈ હશે, પણ મેં તેમની વાર્તાઓ 1957થી 1960ના ગાળામાં 'નવચેતન'ના પાને તંત્રી ચાંપશી ઉદ્દેશીની પ્રશંસાત્મક નોંધો સાથે પ્રગટ થયેલી જોઈ છે.

ઇમેજ સ્રોત, Anil Pandya

મારી વાર્તાઓ પણ એમાં જ પ્રગટ થતી- અને સાથોસાથ અમારી વાર્તાઓ 'ચાંદની'ના પાને પણ સાથે આવતી. આને પરિણામે અમારી દોસ્તીનાં મંડાણ થયાં. તે આજીવન ટકી.

લેખનના ક્ષેત્રે હું જ્યારે મારા અંગત સંજોગોને કારણે નિષ્ક્રીય થઈ ગયો હતો તે ગાળે, 1976-77ની સાલમાં પણ તેઓ દર વર્ષે 'ગુજરાતમિત્ર'ના દીપોત્સવી અંક માટે મારી પાસે વાર્તા મગાવતા.

હું મારી અસમર્થતા વ્યક્ત કરતો તો તેમણે ટપાલ અને છેવટે ટેલિગ્રામનો મારો ચલાવીને મારી પાસેથી વાર્તા મેળવી અને તે મારી બહુ યશ અપાવનારી વાર્તા 'ચંદ્રદાહ'. હું માનું છું કે ભગવતીકુમારનું આ 'ચાબુકત્વ' દબાણ ના હોત તો મેં આ વાર્તા લખી ના હોત.

તેમનું જરા ઉવેખાતું પાસું છે હિન્‍દી ફિલ્મો વિષે તેમની અદ્‍ભુત સમજનું. જૂના હિન્‍દી ફિલ્મસંગીતના તો ભગવતીકુમાર એટલા બધા ઝીણવટભર્યા તત્ત્વજ્ઞ હતા કે હું અચંબો પામી જતો.

વીડિયોમાં કોઈ ચોક્કસ ગીતનું દૃશ્યાંકન જોઈને એ એની ચિત્રાંકનની બારીકાઈઓ પણ અનન્ય રીતે ચીંધી બતાવતા. 'શ્રી420'ના ગીત 'રમય્યા વસ્તાવય્યા'માં એક સ્થળે તેમણે મને કરાવેલું ખૂબીદર્શન આજે પણ હું મારા મિત્રોને ભગવતીકુમારના હવાલા સાથે કહી બતાવું છું.

ઇમેજ સ્રોત, Sanjay Vaidya

જૂના જમાનાના ભુલાયેલા સંગીતકાર માસ્ટર વસંતનો પત્તો મેળવવાની મારી તાલાવેલી શમવાની જ્યારે કોઈ જ શક્યતા મને ના જણાઈ ત્યારે સુરતથી ભગવતીકુમાર મારી મદદે આવ્યા.

તેમણે પોતાના તમામ સૂત્રો કામે લગાડીને મને એમનો પત્તો મેળવી આપ્યો અને ઇન્‍ટરવ્યૂ તેમજ ફોટોગ્રાફરની જોગવાઈ પણ કરી આપી.

તેમના એ યોગદાનથી માસ્ટર વસંત જેવા વયોવૃદ્ધ અને અપાહિજ, નિ:સંતાન ગાયકના જીવનમાં શો પલટો આવ્યો તેની વાતમાં મારી સંડોવણી હોવાથી તે અહીં લખવાનું યોગ્ય નથી, પરંતુ એના પાયામાં મિત્ર ભગવતીકુમારનું બહુ મોટું સેતુકર્મ હતું એ અકાટ્ય તથ્ય છે.

સપ્ટેમ્બર, 2004માં આફ્રિકામાં પૂ. મોરારીબાપુની કથા વખતે દસ-બાર દિવસ ભગવતીકુમાર-જ્યોતિબહેન સાથે અમને દંપતીને સતત સહવાસ અને પ્રવાસની સુવર્ણ તક મળી હતી.

એ દિવસોમાં બહુ અંગત કહેવાય તેવી ઘણી ઘણી વાતો અમારી વચ્ચે થઈ હતી. એ વખતે કોઈ ત્રીજી વ્યક્તિ વિષે ફરિયાદના સ્વરમાં હું કશું બોલ્યો હોઈશ, પણ તેમણે તેનો પ્રતિવાદ નહીં કરીને મારી વાતને સમર્થન આપ્યું-પણ કશું વિપરીત બોલીને નહીં.

એમના જીવનનો અંત, (વિશેષ તો પત્ની જ્યોતિબહેનના અવસાનના તેમને લાગેલા આઘાત પછી) બહુ નજીક હતો એમ સૌ જાણતા હતા. પણ વિદાય તો કોઈ પણ ઘડીએ આખરે વિદાય જ હોય છે. એક જબરો ખટકો છોડીને જ એ જાય છે.

એ ખટકા સાથે મિત્ર ભગવતીકુમારને અલવિદા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો