બ્લૉગઃ હવે દલિતો પાસેથી તેમની આ ઓળખ પણ છીનવી લેવાશે?

  • રાજેશ જોશી
  • તંત્રી, બીબીસી હિંદી રેડિયો

અમેરિકન બ્લૉગર એરી બાઇન્સ જબરાં આખાબોલાં છે અને તેમના નિડર લેખન માટે જાણીતાં છે. વેબ ડૉટ નેટ નામની વેબસાઇટ પર તેમણે લખ્યું છેઃ મને આફ્રિકન-અમેરિકન કહેવાનું બંધ કરો-હું બ્લેક (અશ્વેત) છું.

ભારતીય વર્ણવ્યવસ્થામાં સૌથી નીચલા સ્તરે ઉભેલી, દબાયેલી-કચડાયેલી સ્ત્રીનો અવાજ તેમના લેખમાં મને સંભળાય છે.

દબાયેલી-કચડાયેલી સ્ત્રી તેની ઉપરના સ્તરે રહેતા કુલીન લોકોને ચીસો પાડીને કહે છે, "મને હરિજન અને શિડ્યૂલ કાસ્ટ કહેવાનું બંધ કરો. હું દલિત છું."

એરી બાઇન્સ કુલીન લોકોને આવી જ રીતે ટોણો મારવાના અંદાજમાં કહે છે, "દોસ્તો અને સખીઓ, સાંભળો..લોકો જેવી રીતે ઇચ્છશે તેવી રીતે પોતાની ઓળખ નક્કી કરશે."

"હું ખુદને એક અશ્વેત તરીકે ઓળખી શકું છું અને તમારા માટે આટલું પૂરતું હોવું જોઈએ."

ભારતના દલિતો ખુદને દલિત કહેવડાવવામાં ગર્વ અનુભવતા હોય તો ભારતના 'જ્ઞાતિવાદી કુલીનો' માટે એટલું પૂરતું હોવું જોઈએ.

દલિત ખુદને દલિત કહી રહ્યા હોય તો કોઈ કાયદો, કોઈ સરકારી હુકમનામું, કોઈ અધિકારીની ધમકી કામ કરવાની નથી.

ક્યારેક ભીમા કોરેગાંવમાં, ક્યારેક ખૈરલાંજીમાં તો ક્યારેક મિર્ચપુરમાં દલિતો જોરથી ગર્જના કરીને કહેશેઃ હું દલિત છું.

જ્ઞાતિ વ્યવસ્થાના ભારેખમ પૈડાં તળે કચડાતી વ્યક્તિ કહેશે કે તેને કચડવામાં આવી રહ્યો છે અને આ જ તેની ઓળખ છે ત્યારે તેની ઓળખને નવું નામ આપવાના પ્રયાસ થતા રહેશે.

તેનું કારણ એ છે કે આ એક શબ્દ છે, જે દલિતો પર સદીઓથી થતા અત્યાચાર અને ભેદભાવને તેની સંપૂર્ણ વિકૃતિને એક ઝટકા સાથે નગ્ન કરી નાખે છે.

ક્યાંથી આવ્યો દલિત શબ્દ?

સત્યનું આવું નગ્ન સ્વરૂપ મહાત્મા ગાંધીને પણ પસંદ ન હતું, તેથી તેમણે દલિત જ્ઞાતિઓ માટે 'હરિજન' શબ્દ આપ્યો હતો.

હરિજન શબ્દ દલિતો સાથે વર્ષોથી થઈ રહેલા અન્યાય, છૂતઅછૂત, હત્યા, બળાત્કાર અને આગચંપીને શાલીનતાના રેશમી કપડામાં ઢાંકી દે છે, જ્યારે દલિત શબ્દ તેને ભેદભાવ, ક્રૂરતા અને અન્યાયની સામાજિકતા તથા રાજકારણને સ્પષ્ટ રીતે ઉજાગર કરી દે છે.

દલિત શબ્દ સંસ્કૃતના 'દલન'માંથી આવ્યો છે. બીજને પથ્થરનાં બે પડ વચ્ચે દળીને દાળ બનાવવામાં આવે છે.

વર્ણાશ્રમ વ્યવસ્થામાં કથિત 'શ્રેષ્ઠ જ્ઞાતિઓ'ના પગ તળે કચડવામાં આવતી જ્ઞાતિઓને પહેલાં 'પદદલિત' અને પછી દલિત કહેવામાં આવી હતી.

જ્યારે-જ્યારે કોઈને દલિત કહેવામાં આવશે, ત્યારે-ત્યારે તેનું દલન કરનારાની ઓળખ જરૂર પૂછવામાં આવશે.

તેનાથી બચવા માટે કહેવામાં આવી રહ્યું છે કે દલિત જેવા શબ્દને બદલે અનુસૂચિત જાતિ જેવા શબ્દનો ઉપયોગ કરો, જેને સાંભળી-વાંચીને માનસપટમાં કોઈ તસ્વીર જ ઊભી ન થાય.

દલનની તસ્વીરો

ઇમેજ કૅપ્શન,

ભીમા કોરેગાંવમાં હિંસક ઘટનાઓ બની હતી

દલિત શબ્દ સાંભળતાંની સાથે જ તમારા માનસપટમાં એ ચાર યુવાનોની તસ્વીર ઊભરશે, જેમને ગુજરાતમાં ઉના પાસે ઉચ્ચ જ્ઞાતિના કથિત ગૌરક્ષકોએ મરેલી ગાયનું ચામડું ઉતારવાના ગુના બદલ એક વાહન સાથે બાંધીને જાહેર ચોકમાં લાઠીઓ વડે માર માર્યો હતો.

વીડિયોમાં દલિત યુવાનોનું દલન થતું દેખાય છે એટલે તેમની અસલી સામાજિક તથા રાજકીય ઓળખ દલિતની છે. કેન્દ્ર સરકારનું માહિતી-પ્રસારણ મંત્રાલય અને સામાજિક કલ્યાણ મંત્રાલય આપણને કહી રહ્યું છે તેમ, અનુસૂચિત જાતિ કે શિડ્યૂલ કાસ્ટની નહીં.

બ્રિટનના વિખ્યાત પત્રકાર અને યુદ્ધ સંવાદદાતા રોબર્ટ ફિસ્કે કહ્યું હતું, "સત્તાધીશો અને મીડિયા વચ્ચે કોઈ ઝઘડો નથી. ભાષાની મદદ વડે આપણે પણ એ બની ચૂક્યા છીએ."

રોબર્ટ ફિસ્ક ચેતવણી આપે છે કે સત્તાધીશો અને પત્રકારોની ભાષા લગભગ એકસમાન થતી જાય છે.

સરકાર અને સત્તાધીશો ઇચ્છે છે કે આપણે એ જ શબ્દોનો ઉપયોગ કરીએ જેનો ઉપયોગ સરકાર કરાવવા ઇચ્છે છે, ઈરાક પરના હુમલા વખતે પશ્ચિમી મીડિયામાં 'કોલેટરલ ડેમેજ' જેવા શબ્દોનો ઉપયોગ થતો હતો તેમ.

આ શબ્દ મીડિયામાં અમેરિકન સરકાર મારફત લાવવામાં આવ્યો હતો, જેથી લશ્કરી હુમલામાં સામાન્ય નાગરિકોનાં મૃત્યુની હકીકત પર ઢાંકપિછોડો કરી શકાય.

ભારતમાં આવા અનેક શબ્દ

ભારતીય મીડિયામાં પણ વિકૃતિઓને ઢાંકીને રાખતા અનેક શબ્દો રોજ સાંભળવા મળે છે. કોઈ મોટો બિઝનેસમૅન હજારો કરોડો રૂપિયાનું કરજ લઈને ચૂકવણી ન કરતો હોય તો બૅન્ક અધિકારીઓ તેને એનપીએ એટલે કે નૉન પર્ફૉર્મિંગ એસેટ્સ કહે છે.

તેનો અર્થ એવો થાય કે લોકોની મહેનતની કમાણીના કરોડો રૂપિયા ડૂબી ગયા છે?

તેથી કેન્દ્ર સરકાર ઇચ્છે છે કે દલિત શબ્દની જગ્યાએ અનુસૂચિત જાતિ શબ્દ લખવામાં આવે, જેથી ખૈરલાંજી, મિર્ચપુર, ઉના અને તેની પહેલાં કફલ્ટા જેવી દલિતોના પદ-દલનની કોઈ તસવીર ઊભરી ન આવે.

દલિત કાર્યકર કાંચા ઈલૈયાએ કહ્યું હતું, સમાજમાં હાંસિયા પર ફેંકી દેવામાં આવેલા લોકો માટે દલિત શબ્દનો ઉપયોગ ગૌતમ બુદ્ધે સૌથી પહેલાં કર્યો હતો.

કેટલાક લોકો 'અસ્પૃશ્ય સમાજ'ને દલિતોવાળી રાજકીય ઓળખ આપવાનું શ્રેય જ્યોતિરાવ ફુલે અને ડૉક્ટર ભીમરાવ આંબેડકરને આપે છે.

અમેરિકા અને યુરોપમાં આફ્રિકન મૂળના અશ્વેત લોકોએ લાંબા તથા લોહિયાળ સંઘર્ષ બાદ બ્લેક તરીકેની પોતાની ઓળખ માટે લડાઈ લડી અને વિજેતા બન્યા એવી જ રીતે દલિતોએ પણ વર્ષોની લડાઈ પછી દલિત તરીકે તેમની રાજકીય ઓળખ સ્થાપી છે.

હવે કાયદાનું પુસ્તક આગળ ધરીને કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે કે દલિતો પાસેથી તેમની ઓળખ છીનવી લેવામાં આવે.

સરકારી વિભાગોને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ દલિત શબ્દની જગ્યાએ વર્ણ વ્યવસ્થામાં છેક નીચલા સ્તરની વંચિત જ્ઞાતિઓ માટે અનુસૂચિત જાતિ શબ્દનો ઉપયોગ કરે.

સરકાર ઇચ્છે છે કે વંચિત જ્ઞાતિઓની નવી પેઢીના દિમાગમાંથી દલિત શબ્દને સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવે. તેથી તે મીડિયાને પણ દલિત શબ્દના ઉપયોગથી બચવાની 'સલાહ' આપી રહી છે.

દલિતોની રાજકીય ઓળખ બદલવા અને તેને એક રંગહીન, ગંધહીન સમૂહની ઓળખનું સ્વરૂપ આપવાનો આ પ્રયાસ એટલો ઝીણવટભરી રીતે કરવામાં આવી રહ્યો છે કે એ માટે તમે સરકારને સીધી જવાબદાર નહીં ઠેરવી શકો.

કોર્ટના આદેશનો હવાલો

ઇમેજ કૅપ્શન,

ભીમ આર્મીના સંયોજક ચંદ્રશેખર આઝાદ 'રાવણ'

માહિતી અને પ્રસારણ મંત્રાલયના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે બધું અદાલતના આદેશ અનુસાર કરવામાં આવી રહ્યું છે.

બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે આદેશ આપ્યો હતો કે કેન્દ્ર સરકારે દલિત શબ્દનો ઉપયોગ નહીં કરવાની સલાહ મીડિયાને આપવા બાબતે વિચારવું જોઈએ.

આ પહેલાં સામાજિક કલ્યાણ મંત્રાલયે આ વર્ષના માર્ચમાં પણ આવી ભલામણો બહાર પાડી હતી.

માત્ર કેન્દ્ર સરકાર જ નહીં, કેરળના અનુસૂચિત જાતિ-જનજાતિ પંચના આદેશ બાદ રાજ્ય સરકારના જનસંપર્ક વિભાગે પણ તમામ સરકારી દસ્તાવેજોમાં દલિતની જગ્યાએ અનુસૂચિત જાતિ શબ્દનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો.

તમામ દલિત બુદ્ધિજીવીઓએ ત્યારે પણ એ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

તેના ત્રણ મહિના પહેલાં એટલે કે જાન્યુઆરીમાં, પૂણે પાસેના ભીમા કોરેગાંવમાં 200 વર્ષ પહેલાં બ્રાહ્મણ પેશવાઓ પર દલિત સૈનિકોના વિજયની ઊજવણી કરવા એકઠા થયેલા દલિતો પર હુમલા કરવામાં આવ્યા હતા.

એ ટક્કર પછી મહારાષ્ટ્ર પોલીસે જણાવ્યું હતું કે ભીમા કોરેગાંવમાં માઓવાદીઓએ હિંસા ભડકાવી હતી. અલબત, સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ પી. બી. સાવંતનો 2017ની 31 ડિસેમ્બરે યોજાયેલી યલગાર પરિષદના આયોજકોમાં સમાવેશ થતો હતો.

તેના થોડાક મહિના પહેલાં 2016ના ડિસેમ્બરમાં ગુજરાતના ઉનામાં ચાર દલિત યુવાનોને જાહેરમાં માર મારવાની ઘટના બની હતી અને તેને કારણે દેશભરના દલિતોમાં ગુસ્સો હતો.

ગયા વર્ષે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભીમ આર્મીના સંયોજક ચંદ્રશેખર આઝાદ 'રાવણ'ની પોલીસે હુલ્લડ ભડકાવવાના આરોપસર ધરપકડ કરી હતી. તેઓ હજુ પણ જેલમાં છે.

આ બધું ત્યારે થયું હતું, જ્યારે કેન્દ્રના ગૃહ રાજ્યમંત્રી હંસરાજ ગંગારામ આહિરે લોકસભામાં માહિતી આપી હતી કે 2016માં દલિતો અને આદિવાસીઓ વિરુદ્ધના અત્યાચાર તથા દમનના 47 હજારથી વધુ મામલા નોંધાયા હતા. એ પૈકીના માત્ર 25.8 ટકા મામલાઓમાં જ ગુનેગારોને સજા થઈ શકી છે.

'હું દલિત છું'

મેરઠ યુનિવર્સિટીમાં રાજનીતિ શાસ્ત્રના પ્રોફેસર ડૉ. સતીશ પ્રકાશ દલિત રાજકારણ પર ઝીણવટભરી નજર રાખે છે. તેમણે જણાવ્યું હતું કે આક્રમકતા દલિત આંદોલનની સૌથી મહત્વની કડી છે.

ડૉ. સતીશ પ્રકાશે મને કહ્યું હતું, "દલિતો અન્યોની આક્રમકતાનો શિકાર આજીવન થતા રહે છે. તેથી તેઓ તેમના નેતાઓમાં એક ખાસ પ્રકારની આક્રમકતા પસંદ કરતા હોય છે. એ આક્રમકતા જ તેમની તાકાત છે."

દલિતોને આવી આક્રમકતા કેટલાક પ્રમાણમાં કાંશીરામ અને માયાવતીમાં જોવા મળી હતી.

એ આક્રમકતાએ તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે તેમનું દલન અને તેમના પર દમન કરતી જ્ઞાતિઓને પણ ચૂંટણીના રાજકારણમાં ઘૂંટણીયે પાડી શકાય છે.

તેથી માયાવતીએ, તેઓ જેમને હંમેશા 'મનુવાદી' કહેતાં હતાં એ ભારતીય જનતા પાર્ટી જેવા પક્ષ સાથે બેધડક હાથ મિલાવ્યા હતા.

બહુજન સમાજ આંદોલને હાંસિયા પરના આ સમાજને ખુદની દલિત ઓળખને ગર્વ સાથે સામે રાખવાનો આત્મવિશ્વાસ પણ આપ્યો છે.

ડૉ. સતીશ પ્રકાશ માને છે કે એક દલિત હોવાથી હું ખુદને દલિત તરીકે ઓળખાવવાનું પસંદ કરતો હોઉં તો તેમાં સરકારને વાંધો હોવો ન જોઈએ.

ડૉ. સતીશ પ્રકાશે કહ્યું હતું, "દલિતો પોતાની ઓળખની લડાઈ લડી રહ્યા છે. તેઓ ખુદને દલિત કહીને ગૌરવ અનુભવતા હોય તો સરકાર તેમને તેમની જૂની ઓળખ તરફ શા માટે લઈ જવા ઈચ્છે છે?"

ડૉ. સતીશ પ્રકાશે ભારતના દલિત આંદોલનની સરખામણી અમેરિકાના બ્લેક રાઈટ્સ આંદોલન સાથે કરી હતી.

એ સાથે તેમણે જણાવ્યું હતું કે જે રીતે અમેરિકાના અશ્વેત સમાજે તેમનાં તમામ દુઃખ માટે શ્વેત લોકોને કારણભૂત ગણ્યા હતા અને તેની સમાંતરે પોતાની સંસ્કૃતિ તથા બ્લેક આઈડેન્ટિટી પર ગર્વ કરવાનું શિખ્યું હતું તેમ દલિતો પણ તેમની જ્ઞાતિ પૂછવામાં આવે ત્યારે ગર્વથી કહી શકે છે કે હું દલિત છું.

આગામી દિવસોમાં દેશના અનેક હિસ્સાઓમાં દલિત આંદોલનના ભણકારા સાંભળવા મળશે અને દરેક વખતે એ સવાલ વારંવાર સામે આવશે કે સરકાર તેના વિભાગો ઉપરાંત મીડિયામાંથી પણ દલિત શબ્દને શા માટે હટાવવા ઈચ્છે છે?

આ સવાલનો જવાબ દલિત સમાજ સારી રીતે જાણે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો