કલમ 377 : સમલૈંગિકતા વિશે વિવિધ ધર્મ અને ઇતિહાસ શું કહે છે

  • પુષ્પેશ પંત
  • બીબીસી ગુજરાતી માટે
પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 377 વિશે પુનર્વિચારની અરજી બાબતે સુનાવણી શરૂ કરી છે ત્યારથી ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મમાં સમલૈંગિકતા વિશે ફરી ગરમાગરમ ચર્ચા થવા લાગી છે.

દિલ્હી હાઈકોર્ટે થોડા વર્ષ પહેલાં એક તર્કસંગત ચુકાદામાં આ પુરાણા સાંસ્થાનિક કાયદાને ગેરબંધારણીય ગણાવીને રદ્દ કર્યો હતો.

આ કાયદો બંધારણથી મળેલા સમાનતાના મૂળભૂત અધિકારનું હનન સ્પષ્ટ રીતે કરે છે.

વિટંબણા એ છે કે એ ચુકાદા સામે કેન્દ્ર સરકારે અપીલ દાખલ કરી નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મના સ્વયંભૂ સંરક્ષકોએ સુપ્રીમ કોર્ટના દરવાજે ટકોરા માર્યા છે.

વિચિત્ર વાત એ છે કે કાયદો બદલવાનો અધિકાર સંસદ તથા વિધાનસભાઓને છે અને આ જરીપુરાણા કાયદાને બદલવા માટે તેણે જ પહેલ કરવી પડશે એવો તર્ક આપીને બે ન્યાયમૂર્તિઓની ખંડપીઠે ઉચ્ચ ન્યાયાલયના ચુકાદાને રદ્દ કર્યો હતો.

આપને આ પણ વાંચવું ગમશે

આ તર્ક યોગ્ય નથી કારણ કે કોઈ જૂના કે નવા કાયદાનો અમલ બંધારણીય રીતે ચાલુ રાખવાનો કે તેને રદ્દ કરવાનો એકાધિકાર સર્વોચ્ચ અદાલતને જ છે.

સમલૈંગિકતા વિશેની ચર્ચા પાખંડ અને બેવડા માપદંડને કારણે હંમેશાં પાટા પરથી ઊતરતી રહી છે. આ વખતે પણ એ જોખમ દેખાઈ રહ્યું છે.

સૌથી મોટો કુતર્ક એ છે કે તમામ ધર્મો સમલૈંગિક સંબંધને અપ્રાકૃતિક વ્યભિચાર કે પાપ ગણે છે.

ભવ્ય ભૂતકાળમાં ડોકિયું

ઇમેજ સ્રોત, Getty Images

ખ્રિસ્તી મિશનરીઓ અને કટ્ટરપંથી મુસ્લિમ મૌલવીએ આ દેશમાં પગ મૂક્યો એ પહેલાં સુધી હિંદુઓ પોતાના યૌનાચાર અને કામભાવનાની અભિવ્યક્તિ બાબતે કુંઠિત ન હતા.

મહાદેવ શિવનું એક સ્વરૂપ અર્ધનારીશ્વરનું છે, જેને આજની શબ્દાવલીમાં એન્ડ્રોજીનસ સેક્સ્યુઅલિટીની સહજ સ્વીકૃતિ કહી જ શકાય.

પૌરાણિક આખ્યાનોમાં વિષ્ણુ દ્વારા મોહિની રૂપ ધારણ કરીને શિવને રીઝવવાનું કોઈ પણ ભક્તને અપ્રાકૃતિક અનાચાર લાગતું ન હતું.

મહાભારતમાં અર્જુનની મર્દાનગી બૃહનલ્લા બનવાથી કલંકિત થતી નથી. શિખંડીનું લિંગ પરિવર્તન સેક્સ રિઅસાઈન્મેન્ટનું સંભવતઃ પહેલું ઉદાહરણ છે.

ગુપ્ત કાળમાં સર્જવામાં આવેલા વાસ્ત્યાયનના કામસૂત્રમાં લવરમૂછિયા આકર્ષક નોકરો, માલિશ કરતા હજામો સાથે શારીરિક સંબંધ બાંધતા પુરુષોના વખાણ વિગતવાર કરવામાં આવ્યાં છે અને આ સંભોગની રીતો પણ નોંધાયેલી છે.

સ્ત્રૈણ ગુણોવાળી વ્યક્તિઓને પાપી કે અપરાધી જાહેર કરવામાં આવી નથી. સ્ત્રીઓ વચ્ચેની રતિક્રીડાનું પણ સહજ વર્ણન છે.

ખજૂરાહોનાં મંદિર હોય કે ઓડિશાનાં. એ મંદિરોની દિવાલો પર જે મૂર્તિઓ બનાવવામાં આવી છે તેમાં પણ આ ખુલ્લી વિચારધારા જોવા મળે છે.

મધ્યકાળમાં સખી ભાવવાળી પરંપરાને સમલૈંગિકતાનું ઉદારીકરણ જ માની શકાય.

આ બધાનો સાર એ છે કે સમલૈંગિકતા માત્ર અબ્રાહમી ધર્મો-યહૂદી, ખ્રિસ્તી તથા ઇસ્લામમાં જ વર્જિત રહી છે.

અન્ય દેશોમાં શું છે સ્થિતિ?

તેના પહેલાં પશ્ચિમમાં યૂનાન તથા રોમના વયસ્કો તથા કિશોરોના અંતરંગ શારીરિક સંબંધ સમાજમાં સ્વીકૃત હતા.

મજાની વાત એ છે કે જે ખરાબ વ્યભિચારી લતને અંગ્રેજો 'ગ્રીક લવ' કહેતા રહ્યા હતા તેને ફ્રાંસના લોકો 'વાઇસ આંગ્લેસ' (અંગ્રેજોનું કલંક) કહે છે.

પ્રખ્યાત સાહિત્યકાર ઑસ્કર વાઇલ્ડથી માંડીને ક્રિસ્ટોફર ઇશરવુડ સુધીના વિલાયતી અભિજાત્ય વર્ગના લોકો 'બેડ, બ્રેકફાસ્ટ એન્ડ બોય'ની શોધમાં મોરક્કોથી માંડીને મલાયા સુધી ફરતા રહ્યા છે.

ફિલસૂફીને નવી દિશા આપી ચૂકેલા મિશેલ કૂકોએ તેમની સમલૈંગિકતાને ક્યારેય છુપાવી ન હતી. એલન ટ્યૂરિંગ જેવા પ્રતિભાશાળી ગણિતજ્ઞ, વિજ્ઞાની તથા કોડ બ્રેકરે પાખંડ અને બેવડા માપદંડને કારણે ત્રાસ અપાયા બાદ કમનસીબે આત્મહત્યા કરવી પડી હતી.

આ બધાના સંદર્ભમાં 1960ના દાયકામાં જ વુલ્ફેંડન કમીશનના અહેવાલ પછી બ્રિટને સમલૈંગિકતા સંબંધી વિક્ટોરિયન કાયદાને રદ્દ કર્યો હતો, પણ ગુલામ ભારતે આઝાદી પછી પણ, ગોરા સત્તાધીશોએ પહેરાવેલી બેડીઓમાં જકડાયેલા રહેવાનો નિર્ણય કર્યો હતો.

સમલૈંગિકોની ધરપકડ શા માટે?

ઇમેજ સ્રોત, Getty Images

નિજતા અને એકાંત મૂળભૂત અધિકાર છે એવો ચુકાદો સુપ્રીમ કોર્ટ આપી ચૂકી છે ત્યારે પોલીસ સમલૈંગિકોના આચરણ પર નજર રાખીને તેમની ધરપકડ કઈ રીતે કરી શકે એ સમજવું અશક્ય છે.

પશ્ચિમમાં જેને થર્ડ સેક્સ કહેવામાં આવે છે તેવી ઘણી વ્યક્તિઓ ભારતમાં આ કાયદાને કારણે ત્રાસ ભોગવતી તથા તિરસ્કૃત થતી રહે છે અને વેશ્યાવૃતિને ભરણપોષણનો આધાર બનાવવા મજબૂર છે.

કલમક્રમાંક 377ના સંકજામાંથી મુક્તિ મળવાથી તેમને માનવીય ગરિમા સાથે જીવન જીવવાની તક નિશ્ચિત રીતે મળશે.

એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે ખ્રિસ્તી અમેરિકાનાં અનેક રાજ્યોએ સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાંથી કાઢી નાખી છે અને સમલૈંગિકોનાં લગ્નને ઘણા પ્રાંતોએ કાયદાકીય સ્વીકૃતિ આપી છે.

ખુદ પોપ કહી ચૂક્યા છે કે સમલૈંગિકો પણ એ ઈશ્વરનાં જ સંતાન છે, જેની આપણે પૂજા કરીએ છીએ. તેથી તેમની સાથે ભેદભાવ કરવો જોઈએ નહીં.

કમનસીબી એ છે કે ચર્ચમાં કિશોરો તથા કાચી વયના છોકરાઓના યૌન શોષણના મામલાનો તાજેતરમાં જ પર્દાફાશ થયો છે.

વેટિકનના અધિકારીઓ તેને છુપાવવાના પ્રયાસ કરતા હોય ત્યારે સમલૈંગિકતાના મુદ્દે નિખાલસ અભિપ્રાય વ્યક્ત કરવાથી પોપ અને કાર્ડિનલ દૂર રહે છે.

એ યાદ રાખવું જરૂરી છે કે વયસ્કો વચ્ચે સહમતી પર આધારિત સમલૈંગિક આચરણ અને કિશોરો, બાળકોના જાતીય શોષણમાં મોટો ફરક છે. આ કુતર્ક 377નો અમલ ચાલુ રાખવા માટે ન આપી શકાય.

માનસિક વિકૃતિ નથી સમલૈંગિકતા

ઇમેજ સ્રોત, Getty Images

એકવીસમી સદીના પહેલા ચરણમાં થયેલી એક વૈજ્ઞાનિક શોધ નિશંક પૂરવાર કરી ચૂકી છે કે સમલૈંગિકતા રોગ કે માનસિક વિકૃતિ નથી. તેને અપ્રાકૃતિક પણ કહી ન શકાય.

જેઓ સમલૈંગિક સંબંધના ઇચ્છુક હોય તેમને તેમની ઇચ્છા અનુસાર, જીવન પસાર કરવાના મૂળભૂત અધિકારથી વંચિત રાખી ન શકાય.

મુશ્કેલી એ છે કે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ મૂર્ખતા છે કે મોરનાં સંતાનો તેનાં આંસુમાંથી જન્મતાં હોય છે એવું માનતી વિભૂતિઓનો આપણી ન્યાયપાલિકા અને પ્રધાનમંડળમાં અભાવ નથી.

વિજ્ઞાનના આલોકમાં તર્કસંગત નિર્ણયની આશા તેમની પાસેથી રાખવી વ્યર્થ છે.

પોતાના ધાર્મિક વિશ્વાસ(અંધવિશ્વાસ)થી આગળ વિચારીને કાયદાઓની સામાજિક ઉપયોગિતા અનુસાર બંધારણીયતા નક્કી કરી શકાય છે.

આશાનું કિરણ

ઇમેજ સ્રોત, Getty Images

આ વખતે આશાનું કિરણ એ છે કે પાંચ ન્યાયમૂર્તિઓની સંતુલિત બંધારણીય ખંડપીઠ વિચારણા કરી રહી છે.

ખુદને ધર્મનિરપેક્ષ કહેતું ભારત કોઈ પણ ધર્મની માન્યતા અનુસાર કાયદા બનાવી કે તેનો અમલ કરાવી શકે નહીં.

આ મુદ્દો માત્ર સમલૈંગિકોના અધિકારો પૂરતો સીમિત નથી. કાયદાના રાજ અને કાયદા માટે બધા સમાન એવા મૂળભૂત અધિકાર સાથે જોડાયેલો છે.

સમલૈંગિક લોકો ભારતના નાગરિક નથી કે તેમને કાયદા પાસેથી મૂળભૂત સલામતી મળે?

મોટાભાગના લોકો કદાચ એ ડરથી ચૂપ છે કે તેઓ કલમક્રમાંક 377ને રદ્દ કરવાની વાતને ટેકો આપશે તો લોકો તેમને સમલૈંગિક ગણવા લાગશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો