BBC TOP NEWS - હાર્દિક પટેલનું સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ

હાર્દિક પટેલ Image copyright Getty Images

'સંદેશ'ના અહેવાલ અનુસાર પાટીદાર નેતા હાર્દિક પટેલે સરકારને મંત્રણા માટે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.

અહેવાલ અનુસાર, છેલ્લા 13 દિવસથી આમરણ ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે ચીમકી આપી છે કે જો સરકાર વાટાઘાટો નહીં કરે તો તેઓ જળત્યાગ કરશે.

વળી, પાટીદાર અનામત આંદોલન સમિતિએ પણ ચીમકી આપી છે કે જો હાર્દિક પટેલને કંઈ પણ થશે તો સરકાર જવાબદાર રહેશે.

આજથી 'પાસ'ના કાર્યકરો ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય પક્ષના ધારાસભ્યો અને સાંસદોને ફોન કરી પાટીદાર અનામત અને ખેડૂતોના દેવામાફીને મુદ્દે જવાબ માંગશે.


સમલૈંગિકતા અપરાધ ગણાય કે નહીં? આજે સુપ્રીમનો ચુકાદો

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર સમલૈંગિકતાને અપરાધ ઠેરવતી IPC ની કલમ 377ની બંધારણીય માન્યતાને પડકારતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપે એવી શક્યતા છે.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રાના નેતૃત્વ હેઠળની પાંચ જજોની બંધારણીય પીઠે સમલૈંગિકના અધિકાર માટે લડતા કાર્યકર્તાઓ સહિતના તમામ પક્ષકારોની દલીલ સાંભળ્યા પછી 17 જુલાઈના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

આ મામલે જવાબ આપવા માટે પ્રારંભમાં કેસને મુલતવી રાખવાની અરજી કરનાર કેન્દ્ર સરકારે ત્યાર બાદ બે પુખ્ત લોકોની સમંતી સાથેના સમલૈંગિક સબંધોને અપરાધ ગણવાનાં તમામ પાસાંની જોગવાઈની કાયદેસરતાના મુદ્દે નિર્ણય લેવાનું કોર્ટ પર છોડયું હતું.


કાશ્મીરનું અલગ બંધારણ કદાચ એક નૈતિક ભૂલ હતી :ડોભાલ

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

'ઇકોનોમિક ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે એક નિવેદનમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરનું અલગ બંધારણ કદાચ એક નૈતિક ભૂલ હતી.

તેમણે કહ્યું કે જો આવું ન થયું હોત તો ભારતના સાર્વભૌમત્વ સાથે સમજૂતી ન થઈ હોત.

ડોભાલે કહ્યું, "અલગ બંધારણ ન હોત, તો સાર્વભૌમત્વ નબળું ન પડ્યું હોત કદાચ ભારત છોડતી વખતે બ્રિટિશ સરકાર નહોતી ઇચ્છતી કે ભારત એક મજબૂત સાર્વભૌમ રાષ્ટ્ર રહે."

જોકે, તેમના આ નિવેદનને પગલે વિવાદ સર્જાયો છે.

બીજી તરફ 'અમર ઉજાલા'ના અહેવાલ અનુસાર જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તીએ ધમકી આપી છે કે, જો અનુચ્છેદ 35-એ અને કલમ 370 હટાવવામાં આવશે તો ભારત સાથે કાશ્મીરના સંબંધોનો અંત આવી જશે.

તેમણે કહ્યું કે રાજ્યને વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 370 કાશ્મીરની અલગ ઓળખ છે.

તેમણે ઉમેર્યું, "રાજ્યની આ ઓળખ ટકાવી રાખવા અમે કોઈ પણ હદે જવા માટે તૈયાર છીએ."


સુરતમાં ડૉક્ટર સામે બળાત્કારની ફરિયાદ

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

'દિવ્યભાસ્કર'ના અહેવાલ અનુસાર સુરતમાં એક તબીબ સામે પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

પીડિતા અને તેમના પતિ સંતાન પ્રાપ્તીની સારવાર માટે આ તબીબ પાસે ગયાં હતાં

ફરિયાદ અનુસાર તબીબે કથિતરૂપે મહિલાને કન્સલ્ટીંગ રૂમમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.

જેથી બાદમાં મહિલાએ ફરિયાદ દાખલ કરાવી હતી.

હાલ તબીબની ધરપકડ માટે પોલીસ શોધખોળ કરી રહી છે.


તમિલનાડુ : ગુટખા કૌભાંડમાં CBIના દરોડા

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર તમિલનાડુમાં ગુટખા કૌભાંડમાં આરોગ્ય પ્રધાન અને ડીજીપીના નિવાસસ્થાન સહિત 40 સ્થળોએ સીબીઆઈએ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટીગેશને) દરોડા પાડ્યા હતા.

વર્ષ 2017માં 250 કરોડની કરચોરી બદલ આઈટી વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં આ કૌભાંડ બહાર આવ્યું હતું.

ડીએમકેના નેતા દ્વારા આ મામલે એક અરજી કરવામાં આવી હતી. જેને પગલે તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ