સોશિયલ : સુપ્રીમનો ચુકાદો, 'દેશમાં તમામને મળ્યો પ્રેમ કરવાનો અધિકાર'

ગે Image copyright Getty Images

દેશની સર્વોચ્ચ અદાલતે સમલૈંગિકતા અંગે આજે ચુકાદો આપ્યો છે.

જેમાં પરસ્પર સંમતિથી બે પુખ્ત વ્યક્તિ વચ્ચે બાંધવામાં આવતા સમલૈંગિક સંબંધને હવે ભારતમાં ગુનો ગણવામાં નહીં આવે.

પાંચ જજની ખંડપીઠે સર્વાનુમતે સમલૈંગિક સેક્સને કાયદેસરની માન્યતા આપી દીધી છે.

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે LGBT સમુદાયને પણ સમાજના અન્ય લોકોની જેમ સમાન અધિકારો છે.

કોર્ટે કહ્યું કે સામાજિક બહિષ્કાર એક સ્પષ્ટ વાસ્તવિકતા છે. જ્યારે સમાજની દરેક વ્યક્તિ સ્વતંત્રપણે તેમના વ્યક્તિત્વ (પ્રકૃતિ)ની અભિવ્યક્તિ કરી શકે ત્યારે આપણી જાતને આપણે એક આઝાદ સમાજ કરી શકીશું.


સોશિયલ મીડિયા પર શું લખી રહ્યા છે લોકો?

અભિનેત્રી પ્રીતિ ઝિંટાએ કહ્યું, "જો તમારા પાસે દિલ છે તો તમે જેમને ઇચ્છો તેમને પ્રેમ કરો. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ખૂબ જ ખુશ છું."

અભિનેત્રી કોંકણા સેન શર્માએ ટ્વીટ કર્યું, "આપણે જીતી ગયા, અભિનંદન સુપ્રીમ કોર્ટ, આવો ચુકાદો સંભાળાવવા બદલ."

પત્રકાર બરખા દત્તે લખ્યું, "બે દાયકા પહેલાંનો એ દિવસ મને આજે પણ યાદ છે. જ્યારે કલમ 377ને ખતમ કરવા માટે મેં પિટિશન સાઇન કરી હતી. આજે ઇતિહાસ બની રહ્યો છે. અભિનંદન."

ફિલ્મ દિગ્દર્શક અને પ્રોડ્યુસર કરન જોહરે ટ્વીટ કરીને કહ્યું કે આ એક ઐતિહાસિક ચુકાદો છે. મને ખૂબ ગર્વ છે. આ ચુકાદો સમાન અધિકારો અને માનવતા માટે ખૂબ મહત્ત્વનો છે.

પત્રકાર, કવિ અને પેઇન્ટર પ્રિતિશ નંદીએ ટ્વીટ કરીને કહ્યું કે ફ્રેડી મર્ક્યુરીના જન્મદિવસે જ આ ચુકાદો આપવામાં આવ્યો છે. જે આ ગ્રેટ સિંગરને ખરી શ્રદ્ધાંજલિ છે.

કોંગ્રેસ નેતા શશી થરૂરે ટ્વીટ કર્યું, "એ જાણીને ખુશી થઈ કે સુપ્રીમ કોર્ટે સમલૈંગિકતાને ગુનાની શ્રેણીમાંથી બહાર કરી દીધી છે. આ ચુકાદો મારા વિચારોને સાચા ઠેરવે છે. આ એ ભાજપના સાંસદોને જવાબ છે જેઓ આ મુદ્દાને લઈને લોકસભામાં મારા નિર્ણયનો વિરોધ કરતા હતા."

કવિ કુમાર વિશ્વાસ અને જિગ્નેશ મેવાણીએ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદોનું સ્વાગત કર્યું હતું.

કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પરથી સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતાં ટ્વીટ કરાયું, "આશા છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદો સમાજમાં વધારે સમાનતા લાવશે."


અમદાવાદના LGBT સમાજના લોકો શું કહે છે?

Image copyright Getty Images

આ વિષય પર અમે અમદાવાદથી LGBT સમુદાયના લોકો સાથે ફેસબુક લાઇવ કર્યું હતું.

જેમાં દીપ સોનીએ જણાવ્યું કે 2009 પછી અમારા સમુદાયમાં આત્મહત્યા વધી, ઘરમાંથી કાઢી મૂકયાની ઘટનાઓ વધી હતી. હવે આવી ઘટનાઓ નહીં બને.

હવે લોકો સમજશે અને અમે સમાનતા માગી શકીશું. હવે આઝાદ દેશના આઝાદ નાગરિક બન્યા છીએ.

હવે ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર મળશે. જીવનપાત્ર શોધવામાં અને કોની સાથે રહેવું તે નિર્ણય લેવાની આઝાદી મળશે.

શાલિનીએ કહ્યું, "હવે નવા સામાજિક સંઘર્ષની શરૂઆત થશે. પોલીસની હેરાનગતીમાંથી રાહત મળશે."

"જાતિવાદ, પિતૃસત્તાક સમાજમાં અમારી ઓળખનો અધિકાર મળ્યો છે. અમારી એક જ ઓળખ નથી હોતી."

"મહિલા, દલિત એ પ્રકારે અલગ અલગ ઓળખ બને છે. આથી સમાજમાં અમારા મુદ્દા અન્ય સાથે પણ સંકળાયેલા છે."

સિદ્ધાર્થે કહ્યું, "લાંબા સંઘર્ષ બાદ વિજય છે. કાનૂની રીતે ચુકાદો આવી ગયો પણ પરિવાર હજુ પણ સ્વીકાર કરશે કે કેમ તે જોવું રહ્યું. પણ શરૂઆત જરૂર થઈ છે."

રાહુલ કે જેઓ એક અરજીકર્તા પણ હતા તેમણે કહ્યું, "ઐતિહાસિક દિવસ છે. એક હદે જે જોઈતું હતું તે મળ્યું. સામાજિક સ્વીકૃતિ જોઈએ."

"સામાજિક જાગૃતતા પણ જોઈએ. ફાયદો થશે. પહેલાં ડર રહેતો. હવે ભેદભાવ થશે તો પોલીસ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરશે. કાનૂન અમારી સાથે નથી એવું નહીં લાગે."

લક્ષ્મી હેમંતે કહ્યું કે તપસ્યા ફળી છે. હવે અભિવ્યક્તિ કરવાની અભિપ્રાય આપવાનો અધિકાર મળશે. સત્યનો વિજય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો