હાર્દિક પટેલ - ભાજપ માટે માથાનો દુખાવો કે ગુજરાતના રાજકારણનો નવો નાયક?

પાટીદાર નેતા હાર્દિક પટેલ Image copyright Getty Images
ફોટો લાઈન પાટીદાર નેતા હાર્દિક પટેલ

ચોવીસ વર્ષના હાર્દિક પટેલ ઑગસ્ટ-2015ની વીસનગરમાંની તેમની સૌપ્રથમ રેલીથી માંડીને અત્યારે 2018માં અમદાવાદના ગ્રીનવૂડ્ઝ બંગલોઝમાં ચાલતા તેમના ઉપવાસ સુધીમાં એક મજબૂત રાજકીય નેતા તરીકે ઊભર્યા છે.

ગ્રૅજ્યુએટ હાર્દિક પટેલે 2015થી 2018 સુધીમાં તેમની લોકપ્રિયતામાં ઉતાર-ચઢાવ, ટોચના નેતાઓના આકર્ષણ, વિધાનસભાની ચૂંટણીમાં પ્રભાવશાળી કામગીરી, જેલ, તડીપારી એ બધું જોયું છે.

હાર્દિક પટેલ તેમની ત્રણ વર્ષની ટૂંકી રાજકીય કારકિર્દીમાં નવ મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા હતા. તડીપારીના આદેશને લીધે છ મહિના રાજસ્થાનમાં રહ્યા હતા. તેમની સામે રાજ્યભરમાં 56 એફઆઈઆર નોંધાઈ છે.

હાર્દિક પટેલના ટેકેદારો માને છે કે આનંદીબહેન પટેલને ગુજરાતનાં મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું અપાવવામાં હાર્દિક પટેલે મોટો ભાગ ભજવ્યો હતો.

પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના સ્થાપક અને સંયોજક હાર્દિક પટેલને વીસનગરમાં 2015માં યોજાયેલી રેલીથી લોકપ્રિયતા મળવી શરૂ થઈ હતી.

એક સામાન્ય યુવાન સાથે એ રેલી બાદ લોકો સેલ્ફી ક્લિક કરતા થઈ ગયા હતા.

શું તમે આ વાંચ્યું?

હાર્દિક પટેલના નજીકના સાથી મનોજ પનારાએ બીબીસી ગુજરાતીને કહ્યું હતું, "સારું જીવન જીવવા ઇચ્છતા, પણ યોગ્ય તકથી વંચિત રહેલા, ભણેલા પાટીદાર યુવાનોનો અવાજ હાર્દિક પટેલ શરૂઆતથી જ બન્યા હતા."

ઉત્તર ગુજરાતમાં સફળ જાહેર સભાઓએ હાર્દિકને અમદાવાદ આવવા પ્રેર્યા હતા અને તેમણે 2015ની 25 ઑગસ્ટે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં અનામતની માગણી સાથે જાહેર રેલી યોજી હતી. એ પછી હાર્દિકનું નામ દેશભરમાં જાણીતું થઈ ગયું હતું.

પનારાએ કહ્યું, "એ રેલીમાં હાર્દિકને સાંભળવા માટે સમગ્ર ગુજરાતના પાટીદારો મોટી સંખ્યામાં આવ્યા હતા."

અલબત, એ કાર્યક્રમ પછી ગુજરાતભરના પાટીદારો રસ્તા પર ઊતરી પડ્યા હતા અને પાટીદારોની વસતી ન હોય તેવા વિસ્તારોમાં થયેલાં તોફાનમાં 14 લોકો મૃત્યુ પામ્યા હતા.

આ પછી રાજ્ય સરકારે કાયદા અનુસાર કાર્યવાહી કરી હતી અને હાર્દિક પટેલને રાજદ્રોહના આરોપસર સુરતના લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.


લોકપ્રિયતા વધી કે ઘટી?

Image copyright HARDIKPATEL/FB

હાર્દિક પટેલ જેવી લોકપ્રિયતા જૂજ લોકોને મળી હોવાનું રાજકીય નિષ્ણાતો માને છે ત્યારે હાર્દિક પટેલના ટીકાકારો માને છે કે હાર્દિક પટેલની લોકપ્રિયતામાં 2017 પછી જોરદાર ઘટાડો થયો છે.

વિજાપુરના એક શિક્ષક વિષ્ણુ પટેલે બીબીસી ગુજરાતીને કહ્યું, "હાર્દિક પટેલની અપરિપક્વતાને કારણે 2015માં તોફાન થયાં હતાં. એ પછી મેં પાસના આંદોલનમાં ભાગ લેવાનું બંધ કર્યું હતું."

11 દિવસના ઉપવાસ પછી પણ હાર્દિકે જુસ્સો જાળવી રાખ્યો હોવાથી વિષ્ણુ પટેલ તેમના આંદોલનમાં ફરી જોડાયા છે. તેમણે કહ્યું હતું, "હું તેમનું સમર્થન કરવા આવ્યો છું. તેમની લડત અહિંસક અને સમાજ માટે જરૂરી છે."

આ વખતે ઉપવાસના શરૂઆતના દિવસોમાં હાર્દિક પટેલે તેમના ફેસબુક અકાઉન્ટથી લાઈવ કરીને તેમને સહકાર-સમર્થન આપવાની અપીલ લોકોને કરી હતી, જે તેમની લોકપ્રિયતા ઘટ્યાનું દર્શાવતી હતી.

આ બાબતે વાત કરતા અમદાવાદના બાપુનગરના રહેવાસી નરેશ પટેલે સવાલ કર્યો હતો, "હાર્દિકની લોકપ્રિયતા ઘટી ન હોય તો આ રીતે લોકોનું સમર્થન માગવાની જરૂર શું હતી?"

હાર્દિક પટેલની લોકપ્રિયતામાં કથિત ઘટાડા વિશે વાત કરતાં મનોજ પનારાએ કહ્યું હતું, "તેમાં કોઈ ઘટાડો થયો નથી. એ દિવસે ને દિવસે વધી રહી છે."

જોકે, હાર્દિકના જૂના સાથીઓ અને એક સમયના તેમના ગાઢ મિત્રો મનોજ પનારાની આ વાત સાથે સહમત નથી.

હાર્દિકના એક જૂના સાથી અતુલ પટેલે કહ્યું હતું, "જમીન સાથે જોડાયેલા લોકોને હાર્દિક પોતાની સાથે ન રાખી શક્યા એ તેમની મોટી ભૂલ હતી. એ કારણે જ તેમની લોકપ્રિયતા ઘટી હતી."

એ જ રીતે સરદાર પટેલ ગ્રૂપના પ્રમુખ લાલજી પટેલે કહ્યું, "હાર્દિક એકલા હાથે નિર્ણય લેતા હોવાથી અમારા રસ્તા અલગ થયા હતા."

જોકે, અતુલ પટેલ અને લાલજી પટેલ બન્નેએ હાર્દિકને ફરી સમર્થન આપવાની વાત તાજેતરમાં કરી હતી અને લાલજી પટેલ તો હાર્દિકને મળવા તેમના નિવાસસ્થાને પણ ગયા હતા.


"કડવા-લેઉવા નહીં, અમે માત્ર પટેલ"

Image copyright HARDIKPATEL/FB

પાટીદાર આંદોલને કડવા અને લેઉવા પટેલના અલગ-અલગ નેતૃત્વને જોયું છે. બન્ને પાટીદારો અલગ-અલગ કુળદેવીને પૂજે છે.

કડવા પાટીદારનાં કુળદેવી ઉમિયા માતા છે, જ્યારે લેઉવા પટેલનાં કુળદેવી ખોડિયાર માતા છે.

આ વખતના આંદોલનમાં 'જય ઉમા-ખોડલ'નો નારો ગાજ્યો હતો. આ સંબંધે મનોજ પનારાએ કહ્યું હતું, "‘જય ઉમા-ખોડલ’ના નારાનો અર્થ એ છે કે કડવા અને લેઉવા બન્ને એક જ છે અને હવે એક થઈને લડશે, જે 2015માં થયું ન હતું."

તેમના જણાવ્યા મુજબ, પાટીદાર સમાજના લોકોને એકતા માટે આપેલી પ્રેરણા હાર્દિક પટેલની મુખ્ય સિદ્ધિ છે.


હાર્દિક પટેલનું રાજકીય મહત્ત્વ કેટલું?

Image copyright Getty Images

હાર્દિક પટેલ ગુજરાતના રાજકારણમાં ફરીવાર ગરમાટો લાવ્યા છે.

તેમણે અવારનવાર જણાવ્યું છે કે તેઓ રાજકીય નેતા નથી, પણ સમાજસેવક છે.

જોકે, હાર્દિક પટેલ રાજકારણથી દૂર રહી શકતા નથી એ પણ હકીકત છે.

હાર્દિક પટેલે ઉપવાસ પહેલાં બીબીસી ગુજરાતી સાથેના ફેસબૂક લાઇવમાં જણાવ્યું હતું કે તેઓ રાજકારણમાં આવવા ઇચ્છતા નથી, પણ મહારાષ્ટ્રમાં બાળાસાહેબ ઠાકરેની માફક સરકારને રિમોટ કન્ટ્રોલથી ચલાવવા ઇચ્છે છે.

બીબીસી ગુજરાતીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં હાર્દિકે કહ્યું હતું, "હું રાજકારણમાં ક્યારેય જોડાવા ઇચ્છતો નથી, પરંતુ એક કિંગમેકરની ભૂમિકા ભજવવા ઇચ્છું છું."

જોકે, હાર્દિક પટેલની રાજકીય મહત્ત્વાકાંક્ષા વિશે રાજકીય વિશ્લેષક અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના નિવૃત્ત પ્રોફેસર ઘનશ્યામ શાહ માને છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે હાર્દિક પટેલ માથાનો દુખાવો બની ગયા છે.

પ્રો. શાહે કહ્યું હતું, "હાલના ઉપવાસે હાર્દિક પટેલને તેની ખોવાયેલી લોકપ્રિયતા ફરી મેળવી આપી છે. હાલમાં તેમને કંઈ થશે તો તેનું પરિણામ ભયંકર આવી શકે છે."

પ્રો. શાહ માને છે કે હાર્દિકના ઉપવાસ બાબતે કોઈ શંકા ન કરી શકાય, પણ કોંગ્રેસ હાર્દિકના ઉપવાસનો ગેરફાયદો લેવાના પ્રયાસ કરી રહ્યો છે.


શું છે પાટીદારોનું અનામત આંદોલન?

Image copyright Getty Images

ગુજરાતમાં પટેલ સમાજ આગળ પડતો છે. ગુજરાતમાં વિધાનસભાની આશરે 39 બેઠકોના પરિણામ પર પટેલ મતદારો પ્રભાવ પાડી શકે છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાર પાટીદારો મુખ્ય પ્રધાન બની ચૂક્યા છે.

આ પાટીદારો માટે હાર્દિક પટેલ અનામતની માગણી કરી રહ્યા છે. અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોની અનામતની ટકાવારીમાં ઘટાડો ન થાય એ રીતે અનામતની માગણી તેઓ કરી રહ્યા છે.

હાર્દિક પટેલના અનામત આંદોલનને કારણે જ ગુજરાતમાં કોંગ્રેસને નવજીવન મળ્યું છે.


આરોપો અને ટીકા

Image copyright Getty Images

હાર્દિક પટેલે અનામત આંદોલન શરૂ કર્યું પછી ભાજપે તેમના પર અનેક આક્ષેપો કર્યા છે.

ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "હાર્દિકની માગણી ગેરવાજબી છે. ગુજરાત સરકારે સવર્ણ સમાજ માટે અનેક યોજનાઓ શરૂ કરી છે અને તેનો ફાયદો લોકો સુધી પહોંચી રહ્યો છે."

પંડ્યાના જણાવ્યા મુજબ, કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકારે પણ ખેડૂતો માટે સંખ્યાબંધ યોજનાઓ શરૂ કરી છે.

હાર્દિક પટેલના ભૂતપૂર્વ સાથી અને હાલ ભાજપના નેતા વરુણ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે હાર્દિક પર પૈસા લઈને આંદોલન ચલાવવાના આક્ષેપ અગાઉ થયા હતા.

જોકે, બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યું હતું, "મારા પર આવા અનેક પાયાવિહોણા આક્ષેપો થયા છે. હું ગરીબ લોકોની સેવા કરવા નીકળ્યો છું અને મને આવા આક્ષેપોની કોઈ પરવા નથી."

મનોજ પનારાએ કહ્યું હતું, "આ આક્ષેપો પાયા વગરના અને માત્ર હાર્દિકને બદનામ કરવાના હેતુસર ઊપજાવી કાઢેલા છે."


હાર્દિકની માગણીઓ

Image copyright Getty Images

ખેડૂતોનાં દેવાંની માફીની માગણી પણ હાર્દિક પટેલના આંદોલનમાં મહત્ત્વનો ભાગ ભજવી રહી છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે જણાવ્યું, “ખેડૂતોની વાત એ પાટીદારોની વાત જ છે, કારણ કે મોટાભાગના ખેડૂતો પાટીદાર સમાજમાંથી જ આવે છે. તેથી અનામતની સાથે દેવાંમાફીની પણ માગણી કરવામાં આવી છે.”

દેવાંમાફીની માગણીને કારણે પણ હાર્દિકને ખોવાયેલી લોકપ્રિયતા પાછી મળી રહી હોવાનું તેમના સમર્થકો માને છે.

આ બે માગણી ઉપરાંત અલ્પેશ કથિરિયાને જામીન પર મુક્ત કરવાની માગણી પણ હાર્દિકે કરી છે.


હાર્દિકની યાત્રાઃ વીસનગરથી અમદાવાદ

Image copyright Reuters

જુલાઈ, 2015 - સરદાર પટેલ ગ્રૂપના સભ્ય હાર્દિક પટેલે વીરમગામ, વીસનગર, માણસા અને મહેસાણા જેવા ઉત્તર ગુજરાતનાં અનેક ગામોમાં વિવિધ કાર્યક્રમો યોજવાની શરૂઆત કરી.

ગસ્ટ, 2015 - અમદાવાદના GMDC મેદાનમાં 25 ઑગસ્ટે વિશાળ ક્રાંતિ રેલીનું આયોજન કરીને સમાજના લોકોને આકર્ષ્યા.

હાર્દિક તમામ પાટીદારોના નેતા બન્યા અને પાટીદાર આંદોલનનો ચહેરો બન્યા. એ રેલીમાં હિંદીમાં ભાષણ કરીને દેશભરના લોકો સુધી પહોંચ્યા. સભા બાદ પ્રથમ વખત હાર્દિક પટેલને અટકાયતમાં લેવાયા.

સપ્ટેમ્બર, 2015 - પાટીદાર આંદોલનને પ્રસરતું રોકવા ગુજરાત સરકારે અમદાવાદ તથા સુરતમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે ગુજરાતના અધિકારીઓ તથા પ્રધાનો સાથે અનામત સંબંધે હાર્દિક પટેલની મુલાકાત લીધી.

એ મુલાકાતના કેટલાક દિવસ પછી ગુજરાત સરકારે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાની જાહેરાત કરી. આ યોજના હેઠળ સવર્ણ સમુદાયના લોકોને સ્કૉલરશિપ તથા સબસિડી આપવામાં આવે છે.

જોકે, આ યોજના બાદ પણ હાર્દિક પટેલે તેમની લડત ચાલુ રાખી.

ઓક્ટોબર, 2015 - ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમો વચ્ચેની વન-ડે મેચનો વિરોધ કરવા બદલ હાર્દિક પટેલની ધરપકડ. એ પછી રાજદ્રોહના આરોપસર ધરપકડ.

એપ્રિલ, 2016 - ગુજરાત સરકારે સવર્ણ સમાજના લોકો માટે 10 ટકા ઈબીસી ક્વોટાની જાહેરાત કરી.

જુલાઈ, 2016 - રાજ્ય બહાર જવાની શરતે હાર્દિક પટેલની જામીન પર મુક્તિ. હાર્દિક પટેલ ઉદયપુર જતા રહ્યા અને ત્યાં છ મહિના રહ્યા.

વરુણ પટેલ અને રેશ્મા પટેલ જેવાં નજીકના મિત્રો હાર્દિકથી અલગ થઈ ગયા.

ગસ્ટ, 2016 - ગુજરાત હાઈકોર્ટે 10 ટકા ઈબીસી ક્વોટાના અમલ સામે સ્ટે આપ્યો. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે રાજીનામું આપ્યું.

સપ્ટેમ્બર,2016 - સુપ્રીમ કોર્ટે પણ ઈબીસી અનામત પર સ્ટે આપ્યો.

ભાજપના પ્રમુખ અમિત શાહની સુરતમાં યોજાયેલી એક રેલીમાં પાટીદાર યુવાનોએ વિક્ષેપ સર્જ્યો. નવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ભાવનગરના કાર્યક્રમમાં પણ વિક્ષેપ સર્જ્યો.

જાન્યુઆરી, 2017 - તડીપારી પછી ગુજરાત પરત આવેલા હાર્દિક પટેલનું હિંમતનગરમાં યોજાયેલા એક મોટા કાર્યક્રમમાં સ્વાગત. હિંમતનગરમાં સંમેલનને સંબોધન કર્યું. દલિત નેતા જિગ્નેશ મેવાણીનો ટેકો મળ્યો.

ઓક્ટોબર, 2017 - કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ હાર્દિક પટેલને પક્ષમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. હાર્દિક પટેલે તેનો અસ્વીકાર કર્યો.

નવેમ્બર, 2017 - કથિત સીડીને કારણે મીડિયામાં હાર્દિક પટેલની ટીકા.

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરીને હાર્દિક પટેલે કોંગ્રેસને સીધો ફાયદો કરાવ્યો.

ડિસેમ્બર, 2017 - ભાજપને સૌરાષ્ટ્રમાં પાટીદાર મતદારોની બહુમતીવાળા વિસ્તારોમાં 14 બેઠકોનું નુકસાન.

ગસ્ટ, 2019 - હાર્દિક પટેલે અમદાવાદમાં તેમના ઘરે ઉપવાસ શરૂ કર્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ