નરેન્દ્ર મોદીનાં દરેક ભાષણોમાં 2022નો ઉલ્લેખ કેમ હોય છે?

નરેન્દ્ર મોદી Image copyright Getty Images

2018 એ 2013 નથી અને 2019 એ 2014 થવાનું નથી. ઘણા લોકોને આવું લાગે છે અને કદાચ નરેન્દ્ર મોદીનો અભિપ્રાય પણ આવો જ હશે.

2014માં તે વખતે સત્તા પર રહેલી કોંગ્રેસ અને બીજા વિપક્ષોની સામે ભાજપ સ્પષ્ટપણે ફાયદામાં હતો પણ 2019ની વાત જુદી છે.

ભાજપ હવે સત્તાધારી પક્ષ છે અને તેણે આવતા વર્ષની ચૂંટણીમાં પોતાની કામગીરીનો હિસાબ આપવાનો છે.

તેની સાથે વિપક્ષ (ભાજપે 2013/14માં કર્યું હતું તે પ્રમાણે) ભાજપના દાવાઓના ફુગ્ગા ફોડવાનું કામ કરશે.

નરેન્દ્ર મોદી હોંશિયાર રાજનેતા છે એટલે તે આ વાત સારી રીતે જાણે છે.

તેથી 2019ની ચૂંટણીમાં પોતાના પક્ષને વિજય અપાવવા માટે તેઓ બહુપાંખીયો વ્યૂહ અપનાવી રહ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ચૂંટણી વખતે સત્તામાં રહેલા પક્ષની મૂલવણી તેની કામગીરીને આધારે થાય, જ્યારે વિપક્ષે તેની કામગીરીની ટીકા કરીને પોતે શું કરવા માગે છે તેનો વિકલ્પ આપવાનો હોય છે.

નવાઈ લાગે તેવું એ છે કે મોદી હવે આગળ પોતે શું કરવા માગે છે તેના વિકલ્પો દર્શાવી રહ્યા છે.

હવે શું કરવાનું છે તેની વાત એવી રીતે કરે છે જાણે 2022 સુધી પોતે સત્તામાં છે જ.

Image copyright Getty Images

નમૂના જુઓઃ 15 ઑગસ્ટ પ્રજાસત્તાક દિને વચન આપ્યું કે 2022 સુધીમાં ભારતીયોને અવકાશમાં મોકલવાના છે.

"ભારત આઝાદીની 75મી જયંતી ઊજવતું હશે, ત્યારે ભારત માતાનો દીકરો કે દીકરી હાથમાં તીરંગો લઈને ગગનયાનમાં સવાર થઈને અંતરીક્ષમાં જશે," એમ તેમણે લાલકિલ્લા પરથી ભાષણ આપતા કહ્યું હતું.

2004થી આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે પણ યૂપીએની સરકાર તેને પૂરો કરી શકી નહોતી.

નરેન્દ્ર મોદી હવે ચોક્કસ સમય જણાવીને એવો સંદેશ આપી રહ્યા છે કે પોતે આ ભવ્ય યોજના માટે ગંભીર છે.

આવી જ રીતે નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે 2022 સુધીમાં બધા જ ભારતીયોનું પોતાની માલિકીનું ઘર હશે.

ગુજરાતના વલસાડમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, "અત્યાર સુધી આપણે નેતાઓને બંગલા મળ્યાનું સાંભળતા હતા. હવે આપણે ગરીબોને આવાસ મળ્યા તેવું સાંભળતા થયા છીએ."

આવી જાહેરાતો વંચિત વર્ગના લોકોને ખુશ કરી શકે છે. મોદીએ 2022 સુધીમાં 24 કલાક વીજળી આપવાનું લક્ષ્યાંક પણ નક્કી કર્યું હતું પણ એવું લાગે છે કે કદાચ તેને 2019માં જ પૂરું કરી નાખવાની કોશિશ થશે.

2017માં ઉત્તર પ્રદેશમાં અને ઉત્તરાખંડમાં ભાજપને જીત મળી તે પછી વાતવાતમાં તેમણે 2022નું લક્ષ્યાંક નક્કી કરી નાખ્યું હતું.

બંને રાજ્યોમાં વિજય પછી નવી દિલ્હીમાં પક્ષના વડામથકે હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધન કરતાં ખુશખુશાલ અને આત્મવિશ્વાસથી છલકાતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું: "ચૂંટણીનાં આ પરિમાણોએ નવીન ભારતનો પાયો નાખ્યો છે."

તે પછી કાર્યકરોને 2022 સુધીમાં - પોતાની સરકારની મુદતથી ત્રણ વર્ષ આગળ સુધીમાં - નવીન ભારત ખડું કરવાના કામે લાગી જવા જણાવ્યું હતું.

Image copyright Getty Images

આ સપનું પૂરું કરવા આગામી પાંચ વર્ષ સુધી કામ કરવા માટેનું પ્રણ લેવા માટે કાર્યકરોને જણાવતાં તેમણે કહ્યું, "જો આપણે તેમાં સફળ થઈશું તો ભારતને મહાસત્તા બનતા કોઈ રોકી શકશે નહીં."

જુલાઈ 2017માં નીતિ આયોગની બધા જ મુખ્ય પ્રધાનો સાથેની બેઠકમાં નરેન્દ્ર મોદીએ આ જ વ્યૂહને આગળ ધપાવ્યો હતો.

તેમણે કહ્યું, "નવીન ભારત 2022 એ જનતાનો નિર્ધાર છે, જેમાં ભારતની આશા અને અપેક્ષા વ્યક્ત થાય છે. તેમને પૂરી કરવાની જવાબદારી સત્તામાં બેઠેલા લોકોની છે."

એક મહિના પછી જાહેર ક્ષેત્રની કંપનીઓના વડા સાથેની બેઠકમાં નરેન્દ્ર મોદીએ આ જ વાત દોહરાવી અને કહ્યું કે 'નવીન ભારત વિઝન 2022'ને સાકાર કરવા માટેનો રોડ મૅપ તમારે તૈયાર કરી લેવો જોઈએ.

"નરેન્દ્ર મોદી 2022નું લક્ષ્યાંક રાખીને ચાલે એના સામે કોઈને વાંધો ના હોઈ શકે, કેમ કે તે ભારતીય સ્વાતંત્ર્યની 75મી જયંતી હશે. જેની ભવ્ય ઉજવણી કરવી રહી.

પરંતુ નરેન્દ્ર મોદી 2022નું લક્ષ્યાંક નક્કી કરીને ચાલાકીપૂર્વક પોતાની મુદત આગળ વધારી રહ્યા છે.

Image copyright Getty Images

તેઓ મતદારોને આડકતરી રીતે એવું કહી રહ્યા છે કે મારી કામગીરીનું મૂલ્યાંકન 2019માં ના કરશો, 2022માં કરજો.

હૈદરાબાદમાં આઈટીમાં કામ કરતાં કાર્તિક સુબ્રમણિયમ કહે છે, ટૂંકમાં 2019માં મને જ મત આપો.

મુંબઈના એક કૉર્પોરેટ એક્ઝિક્યુટિવ રમેશ ચાવલા (નામ બદલ્યું છે) પણ કહે છે, "તેમણે અચ્છે દિનની વાત કરી હતી પણ ઘણા લોકોને લાગે છે કે સારા દિવસો ક્યાંય દેખાતા નથી. તેથી નરેન્દ્ર મોદીએ ચાલાકીપૂર્વક મુદતને લંબાવીને 2022 કરી નાખી છે."

"તેમની એક જ વાત છે કે મારી કામગીરી કેવી રહી તે 2022 પછી વિચારજો. મતબલ કે 2019ની ચૂંટણીમાં મને જીતાડીને પાંચ વર્ષ વધારે આપો."

જુદા જુદા કાર્યક્રમો માટે 2022ની ડેડલાઇન સેટ કરવાની નરેન્દ્ર મોદીની ચાલાકી તરફ ક્વૉરા (Quora)નું ધ્યાન પડ્યું છે.

આ સ્વતંત્ર પ્લેટફોર્મ પર યૂઝર્સ જુદા જુદા વિષયો પર ડિબેટ કરતા રહેતા હોય છે.

2022માં પરિણામો અપાશે તેવી મુદત નક્કી કરવાની બાબતમાં ક્વેરીનો જવાબ આપતા સ્વતંત્ર કન્સલ્ટન્ટ મિહિર જોષી લખે છે, "કશુંક નક્કર હાંસલ કરવા માટે વધુ એક મુદત સુધી તમારા સમર્થનની જરૂર પડશે એવું મતદારોને જણાવવાની આ બહુ લુચ્ચાઈભરી અને અસરકારક રીત છે."

Image copyright Getty Images

જોકે તેઓ એવું પણ કહે છે, "કશુંક સર્જન કરવા માટે ચોક્કસ સમયગાળો નક્કી કરીને તેની પાછળ સતત લાગી રહેવું પડે."

"તેથી 2022નું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું, તેમાં કોઈ નવાઈની વાત નથી."

અન્ય પ્રતિસાદ પોસ્ટ કરીને (પોતાનો વ્યવસાય ના જણાવનારા) નિરંજન નાણાવટીએ લખ્યું છે, "2022માં ભારત પ્રજાસત્તાકને 75 વર્ષ થશે. તેઓ તેની જોરદાર ઉજવણી કરીને તેને યાદગાર બનાવવા માગે છે."

એ ઉમેરવાની જરૂર નથી કે પરિણામો આપવાની મુદત 2022 સુધી લંબાવાની અને આવતી ચૂંટણીમાં ભાજપ જ અનિવાર્ય છે એવી વાતો કરવી એ એકમાત્ર વ્યૂહ નથી.

કેટલાક વ્યૂહ હાલ પ્રગટ થયા છે, જ્યારે 2019ના મધ્યમાં દેશમાં ચૂંટણીઓ આવશે ત્યાં સુધીમાં નરેન્દ્ર મોદીના અન્ય ઘણા વ્યૂહ પણ છતા થઈ ગયા હશે.

તેમાના કેટલાક વ્યૂહ, અમુક પ્રદેશો માટે વિશેષ નીતિઓ અને સમાજના ચોક્કસ વર્ગો માટે જુદા જુદા કાર્યક્રમો સહિતના વ્યૂહ આગામી મહિનાઓમાં એક પછી એક અમલમાં મૂકવામાં આવશે.

જોકે રસપ્રદ વાત એ છે કે ભાજપની વેબસાઇટમાં 'નવીન ભારત વિઝન 2022' વિશે કશો ઉલ્લેખ નથી.

તેમાં અત્યારે માત્ર 'વૉટ ફોર ઇન્ડિયા, વૉટ ફોર મોદી ફોર બેટર ટુમોરો' જેવા સૂત્રો અને 'બ્રાન્ડ ઇન્ડિયા' તથા 'રેઇનબૉ ઇન્ડિયા' જેવા કાર્યક્રમોની જ વિગતો અપાયેલી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ