ભારતની રફાલ ખરીદીથી શું ચીન અને પાકિસ્તાન ડરી જશે?

રફાલ

ફ્રાંસ પાસેથી 36 રફાલ યુદ્ધ વિમાન ખરીદવાનો કરાર ઘણો વિવાદમાં સપડાયો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઉપર મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ આ સોદામાં ગોટાળાનો આરોપ મૂકી રહી છે.

આ કરારને અટકાવવા માટે મનોહર લાલ શર્મા નામના એક વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

સુપ્રીમ કોર્ટે આ અરજીને સ્વીકારી લીધી છે અને મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળી બેન્ચ આવતા અઠવાડિયે તેની સુનાવણી કરશે.

આ બેન્ચમાં જસ્ટીસ દીપક મિશ્રા સિવાય જસ્ટિસ ખાનવિલકર અને જસ્ટિસ ડિવાઈ ચન્દ્રચૂડ હશે.

આ તમામ વિવાદો વચ્ચે ભારતીય વાયુ સેનાના ઉપપ્રમુખ એસ બી દેવે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું છે કે, રફાલ એક ઉત્તમ યુદ્ધ વિમાન છે અને તેની ક્ષમતા અભૂતપૂર્વ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

એસ બી દેવે એમ પણ કહ્યું કે જે આ સોદાની આલોચના કરી રહ્યા છે, તેઓએ નિયમો અને કરારની આખી પ્રક્રિયાને જાણવી જોઈએ.

તેમણે કહ્યું, "આ એક શ્રેષ્ઠ યુદ્ધ વિમાન છે. આની ક્ષમતા જબરજસ્ત છે અને અમે લોકો આની રાહ જોઈ રહ્યા છીએ."

રફાલ શું કરી શકશે?

શું રફાલ ખરેખર શ્રેષ્ઠ યુદ્ધ વિમાન છે? શું તેના આવવાથી ભારતીય સેનાની તાકાત વધી જશે? શું ચીન અને પાકિસ્તાન સાથે યુદ્ધની પરીસ્થિતિમાં રફાલ કારગર સાબિત થશે?

ધ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ ઍનાલિસિસ (IDSA)માં ફાઇટર જેટના એક વિશ્લેષકનું કહેવું છે, "કોઈ પણ યુદ્ધ વિમાન કેટલું શક્તિશાળી છે એ તેની સેન્સર ક્ષમતા અને હથિયાર ઉપર નિર્ભર કરે છે."

"એટલે કે કોઈ ફાઇટર પ્લેન કેટલાં અંતરથી જોઈ શકે છે અને કેટલે દૂર સુધી મારી શકે છે."

"ચોક્કસપણે આ બાબતે રફાલ ખૂબ જ આધુનિક યુદ્ધ વિમાન છે. ભારતે આ અગાઉ 1997-98માં રશિયા પાસેથી સુખોઈ ખરીદ્યું હતું. સુખોઈ પછી રફાલ ખરીદાઈ રહ્યું છે. 20-21 વર્ષ પછી આ સોદો થઈ રહ્યો છે તો સ્વાભાવિક છે કે આટલાં વર્ષોમાં ટેકનૉલૉજી બદલાઈ છે."

તેઓ કહે છે, "કોઈ ફાઈટર પ્લેન કેટલી ઊંચાઈ સુધી જાય છે એ તેના એન્જિનની તાકાત ઉપર આધાર રાખે છે. સામાન્યરીતે ફાઇટર પ્લેન 40થી 50 હજાર ફૂટની ઊંચાઈ સુધી જાય જ છે, પરંતુ આપણે ઊંચાઈથી કોઈ યુદ્ધ વિમાનની તાકાતનો અંદાજ બાંધી શકીએ નહીં."

"ફાઇટર પ્લેનની તાકાત માપવાની કસોટી હથિયાર અને સેન્સરની ક્ષમતા જ છે."

એશિયા ટાઇમ્સમાં રક્ષા અને વિદેશ નીતિના વિશ્લેષક ઇમૈનુએલ સ્કીમિયાએ નેશનલ ઇન્ટરેસ્ટમાં લખ્યું છે, "પરમાણુ હથિયારોથી લૈસ રફાલ હવાથી હવામાં 150 કિલોમીટર સુધી મિસાઇલ તાકી શકે છે અને હવાથી જમીન સુધી આની મારક ક્ષમતા 300 કિલોમીટર છે."

"કેટલાક ભારતીય સુપરવાઇઝર્સનું માનવું છે કે રફાલની ક્ષમતા પાકિસ્તાનની એફ-૧૬થી વધુ છે."

શું ભારત આના દમ ઉપર જંગ જીતી શકશે?

શું ભારત પાકિસ્તાન સામે આ યુદ્ધ વિમાન દ્વારા યુદ્ધ જીતી શકે છે? IDSA સાથે જોડાયેલા એક નિષ્ણાંતનું કહેવું છે, "પાકિસ્તાન પાસે જે ફાઇટર પ્લેન છે એ કોઈનાથી અજાણ્યાં નથી. તેમની પાસે J-17, F-16 અને મિરાજ છે."

"ચોક્કસપણે રફાલની જેમ આમની ટેકનૉલૉજી ઍડ્વાન્સ નથી, પરંતુ આપણે એ સમજવું જોઈએ કે જો ભારત પાસે 36 રફાલ છે તો એ 36ની જગ્યાએ જ યુદ્ધ કરી શકે છે."

"જો પાકિસ્તાનની પાસે આનાથી વધુ ફાઇટર પ્લેન હશે તો તેઓ વધુ જગ્યાઓએથી યુદ્ધ કરશે. એટલે કે સંખ્યાનું મહત્ત્વ છે."

પૂર્વ રક્ષામંત્રી અને વર્તમાનમાં ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર પણ રફાલ કરારને આગળ ધપાવવામાં સામેલ રહ્યા છે.

પર્રિકરે આ જ વર્ષે જુલાઈમાં કહ્યું હતું કે રફાલના આવવાથી ભારત, પાકિસ્તાનની હવાઈ ક્ષમતા ઉપર ભારે પડશે.

પર્રિકરે આ જ વર્ષે 12 જુલાઈએ ગોવા કળા અને સાહિત્ય ઉત્સવમાં કહ્યું હતું, "આનું નિશાન અચૂક હશે. રફાલ ઉપર નીચે, આજુ-બાજુ એટલેકે દરેક તરફ નજર રાખવામાં સક્ષમ છે."

"એટલેકે આની વિઝીબીલીટી 360 ડિગ્રી હશે. પાઇલટે માત્ર વિરોધી ઉપર જ નજર રાખવાની છે અને બટન દબાવી દેવાનું છે. બાકી કામ કૉમ્પ્યુટર કરી લેશે. આમાં પાઇલટ માટે એક હેલમેટ પણ હશે."

પાકિસ્તાન હજુ પણ આપણાથી આગળ?

પર્રિકરે કહ્યું હતું, "1999ના કારગિલ યુદ્ધમાં ભારતીય વાયુ સેના પાકિસ્તાન ઉપર હાવી રહી હતી કેમકે ભારતની મિસાઇલોની પહોંચ SU-30 અને મીગ-20ની સાથે 30 કિલોમીટર સુધી હતી. બીજી તરફ પાકિસ્તાનની પહોંચ માત્ર 20 કિલોમીટર સુધી જ હતી."

"એટલે આપણે આગળ રહ્યાં. જો કે, 1999થી 2014 દરમ્યાન પાકિસ્તાને પોતાની ક્ષમતાને વધારીને 100 કિલોમીટર સુધી કરી લીધી છે જયારે ભારત આ દરમ્યાન પોતાની પહોંચ 60 કિલોમીટર સુધી જ વધારી શક્યું. એટલેકે આપણે હજું જોખમમાં છીએ."

"પાકિસ્તાની યુદ્ધ વિમાન આપણી ઉપર હુમલા કરશે તો આપણે વળતો પ્રહાર નહીં કરી શકીએ. રફાલ આવ્યા પછી આપણી પહોંચ 150 કિલોમીટર સુધીની થઇ જશે."

રક્ષા વિશ્લેષક રાહુલ બેદીનું કહેવું છે કે રફાલથી ભારતીય વાયુ સેનાની તાકાત વધશે, પરંતુ આની સંખ્યા ઘણી ઓછી છે. બેદીનું માનવું છે કે 36 રફાલ અંબાલા અને પશ્ચિમ બંગાળના હાસીમારા સ્ક્વૉડ્રનમાં જ ખપી જશે.

બે જ સ્ક્વાડ્રનમાં ખપી જશે રફાલ

ઇમેજ કૅપ્શન,

ફ્રાન્સના રક્ષા મંત્રી સાથે તત્કાલીન મુખ્યમંત્રી મનોહર પર્રિકર

તેઓ કહે છે, "બે સ્ક્વૉડ્રન પૂરતી નથી. ભારતીય વાયુ સેનાને 42 સ્ક્વૉડ્રન ફાળવેલી છે અને અત્યારે 32 જ છે. જેટલી સ્કવૉડ્રન છે એ હિસાબે તો યુદ્ધ વિમાન છે જ નહીં."

"આપણે ગુણવત્તા તો જોઈએ જ, પરંતુ સાથે સંખ્યા પણ જોઈએ. જો તમે ચીન અથવા પાકિસ્તાનનો મુકાબલો કરી રહ્યાં છો તો તમારે યુદ્ધ વિમાનોની સંખ્યા પણ જોઈએ."

તેઓ કહે છે, "ચીન પાસે જે ફાઇટર પ્લેન છે તે આપણાથી ઘણાં વધુ છે. રફાલ ખૂબ ઍડ્વાન્સ છે, પરંતુ ચીનની પાસે એવાં ફાઇટર પ્લેન પહેલેથી જ છે. પાકિસ્તાનની પાસે F-16 છે અને તે પણ ખૂબ અદ્યતન છે."

"રફાલ સાડા ચાર જનરેશન ફાઇટર પ્લેન છે અને સૌથી અદ્યતન પાંચ જનરેશન છે."

રાહુલ બેદી કહે છે, "રફાલ આપણને તૈયાર બનાવેલું મળ્યું છે. આમાં ટેકનૉલૉજી ટ્રાન્સફર નથી. રશિયા સાથે જે સોદો થતો હતો એમાં એ ટેકનૉલૉજી પણ આપતું હતું."

"આપણે આ જ આધારે 272 સુખોઈ વિમાન બનાવી રહ્યા છીએ અને લગભગ તે ફાઇનલ થવામાં જ છે. આપણી કાબેલિયત ટેકનૉલૉજીનું ટેપિંગ કરવામાં સાવ નહિવત્ છે."

ઘણા રક્ષા વિશ્લેષકોનું કહેવું છે કે ભારતની સેનાના આધુનિકીકરણની રફતાર ઘણી ધીમી છે.

સમાચાર એજન્સી એએફપીને આપેલી મુલાકાતમાં રક્ષા વિશ્લેષક ગુલશન લુથરાએ કહ્યું હતું, "અમારાં યુદ્ધ વિમાન 1970અને 1980ના દશકના છે. 25-30 વર્ષ પછી પહેલીવાર ટેકનૉલૉજીના સ્તરે લાંબી છલાંગ છે. આપણે રફાલની જરૂર હતી."

પચ્ચીસ સ્ક્વૉડ્રન જ બચશે

અત્યારે ભારતના તમામ 32 સ્ક્વૉડ્રનમાં 18-18 ફાઇટર પ્લેન છે. વાયુ સેનાને ભીતિ છે કે જો ઍરક્રાફ્ટની સંખ્યા વધારવામાં નહીં આવે તો સ્ક્વૉડ્રનની સંખ્યા 2022 સુધીમાં ઓછી થઈને 25 જેટલી જ બચશે અને એ ભારતની સુરક્ષા મુદ્દે જોખમી હશે.

ભારતના વર્તમાન આર્મી પ્રમુખ જનરલ બીપીન રાવતે ઘણીવાર 'ટૂ ફ્રંટ વૉર' એટલેકે એક સાથે બે દેશોનાં આક્રમણની વાત કહી છે.

જનરલ રાવતની આ ટિપ્પણીને ભારત વિરુદ્ધ પાકિસ્તાન અને ચીનની સાંઠગાંઠ તરીકે જોવામાં આવી છે.

એટલેકે પાકિસ્તાન જો ભારત સાથે યુદ્ધ છેડી દે તો ચીન પણ તેનો સાથ આપી શકે છે. આવામાં શું ભારત બંનેને પહોંચી શકશે?

ગુલશન લુથરાએ પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "પાકિસ્તાનને તો આપણે હેન્ડલ કરી શકીએ છીએ પરંતુ આપણી પાસે ચીનનો કોઈ ઈલાજ નથી. જો ચીન અને પાકિસ્તાન બંને સાથે આવી જાય તો આપણે ફસાઈ જઈશું એ નક્કી જ છે."

ભારત અને ચીન 1962માં એક યુદ્ધ કરી ચૂક્યા છે. ભારતને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. હજુ પણ બંને દેશોની વચ્ચે સીમાનું સ્થાયી ધોરણે નિર્ધારણ થઈ શક્યું નથી.

ડરનો વેપાર

રફાલનો ઉપયોગ સીરિયા અને ઇરાકમાં થઈ ચૂક્યો છે. આની કિંમતને મુદ્દે પણ ટીકા થઈ રહી છે.

ભૂતપૂર્વ રક્ષા મંત્રી મનોહર પર્રિકરે પણ કિંમત મુદ્દે કહ્યું હતું કે ભારત વધુ યુદ્ધ વિમાનો ખરીદવા માટે સક્ષમ નથી.

તેમણે કહ્યું હતું , "હું પોતે પણ ઇચ્છું છું કે બીએમડબલ્યૂ અને મર્સિડીઝ રાખું પણ મારી પાસે નથી, કેમ કે તેનો ખર્ચ મને પોસાય એમ નથી."

ઘણાં રક્ષા વિશ્લેષકોનું એમ પણ કહેવું છે કે ભારત નાનાં અને હલકાં યુદ્ધ વિમાનોને સંપૂર્ણપણે ખતમ કરીને રફાલ જેવાં ફાઇટર પ્લેન લાવવામાં સક્ષમ નથી.

રાહુલ બેદી પણ કિંમત મુદ્દે કહે છે કે આ ડરનો વેપાર છે, જે અટકતો નજરે નથી પડી રહ્યો.

તેઓ કહે છે, "ભારતે અબજો ડૉલર ખર્ચીને રફાલ ખરીદ્યા છે. શક્ય છે કે આનો ઉપયોગ ક્યારેય ના થાય અને લાંબા સમયમાં આની ટેકનૉલૉજી જૂની થઈ જાય અને ફરી ભારતને બીજા ફાઇટર પ્લેન ખરીદવા પડે."

"આ ડરનો વેપાર છે જે દુનિયાના શક્તિશાળી દેશોને ફાવે છે. ભારત એમની માટે બજાર છે અને આ બજાર યુદ્ધની આશંકા ઉપર જ ચાલે છે. આના વેપારીઓ આશંકાને વધારીને જ રાખે છે અને ગ્રાહક ડરેલો રહે છે."

જો કે, રાહુલ બેદી કહે છે કે ડરના આ વેપારમાંથી ભારત માટે નીકળવું બહુ જ મુશ્કેલ છે કેમકે, એના પાડોશી ચીન અને પાકિસ્તાન છે. શું રફાલ થી ચીન અને પાકિસ્તાનને ડર લાગશે?

રાહુલ બેદી કહે છે, "ચીનને તો ક્યારેય નહીં. પાકિસ્તાન વિશે પણ હું સંપૂર્ણપણે 'હા' નથી કહી શકતો. જો 72 રફાલ હોત, તો પાકિસ્તાનને ડરવું પડત, પરંતુ 36માં ડરવા જેવી કોઈ વાત નથી."

બેદીના અનુસાર, 2020 સુધીમાં પાકિસ્તાનના પણ 190 ફાઇટર પ્લેન નકામાં થઈ જશે. જો પાકિસ્તાન ઇચ્છતું હોય કે તે 350થી 400ની સંખ્યા જાળવી રાખે તો તેને પણ ફાઇટર પ્લેનનો સોદો કરવો પડશે.

કેટલાક અવલોકનકારોનું કહેવું છે કે ભારત સાથે બરાબરી કરવા માટે પણ પાકિસ્તાન પગલાં લઈ શકે છે.

અમેરિકી સેનેટે પાકિસ્તાનની સાથે આઠ F-16 ફાઇટર પ્લેનનો સોદો અટકાવી દીધો હતો. અમેરિકાએ આને અટકાવવા પાછળ તર્ક રજૂ કર્યો હતો કે પાકિસ્તાન આતંકવાદની વિરુદ્ધ લડાઈમાં ભરોસાપાત્ર નથી.

પાકિસ્તાનની અત્યારની આર્થિક હાલત સારી નથી કે તે રફાલ જેવો સોદો કરે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો