BBC TOP NEWS: પાસની ચીમકી એક હાર્દિક મરશે તો બીજા અનેક હાર્દિક પેદા થશે

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, FACEBOOK/Hardik Patel

'ગુજરાત સમાચાર'ના અહેવાલ મુજબ ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલે ફરીથી જળત્યાગ કર્યો છે.

પાટીદાર અનામત અને ખેડૂતોના દેવાંને લઈને હાર્દિક પટેલે શરૂ કરેલા ઉપવાસનો આજે 14મો દિવસ છે.

ઉપવાસના 13 દિવસ પૂર્ણ થયા બાદ પણ સરકારે હાર્દિક પટેલ સાથે મંત્રણા કરવા માટે તૈયારી દાખવી નથી.

જેથી હાર્દિકે જળત્યાગ કરતાં મામલો ફરી ગરમાયો છે.

બીજી તરફ પોલીસ હાર્દિકની છાવણી પર અડધી રાત્રે ત્રાટકે તેવી પણ અટકળો વહેતી થઈ છે.

ગઈકાલે મોડી સાંજે ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ કમિશનર સહિતના પોલીસ અધિકારીઓએ ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી.

જે બાદ અડધી રાત્રે આંદોલન સમેટાવી લેવા પ્રયત્નો કરાશે તેવી અટકળો વહેતી થઈ હતી.

ઉપરાંત પાસના નેતાઓએ પત્રકાર પરિષદ યોજીને ચીમકી આપી છે કે જો એક હાર્દિક મરશે તો ઘરે ઘરે હાર્દિક પેદા થશે.

ઉપરાંત તેમણે ખોડલધામના નરેશ પટેલ આ મામલે મધ્યસ્થી કરે તેવી માગણી પણ કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

line

રાહુલ ગાંધી સૌથી મોટા વિદૂષક : કેસીઆર

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, EPA

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ તેલગણાંના મુખ્ય મંત્રી કેસીઆરે ગઈકાલે તેલગાણાં વિધાનસભાને સમય પહેલાં જ ભંગ કરવાની ભલામણ કરી હતી.

વિધાનસભા ભંગ કરવાની ભલામણ કર્યા બાદ ટીઆરએસના પ્રમુખ કે ચંદ્રશેખર રાવે 105 બેઠકો માટે પોતાના ઉમેદવારોની ઘોષણા કરી દીધી હતી.

આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરતા રાહુલ ગાંધીને 'સૌથી મોટા વિદૂષક' કહ્યા હતા.

કેસીઆરે કોંગ્રેસની ટીકા કરતાં તેલંગણાનો સૌથી મોટો દુશ્મન ગણાવી અને ટીઆરએસ સરકાર સામે આધારહીન અને અર્થહીન આરોપો લગાવવા મામલે ટીકા કરી હતી.

કેસીઆરે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગળે મળવા ઉપરાંત આંખ મારવોનો ઉલ્લેખ કરીને કહ્યું કે રાહુલ ગાંધી દેશના સૌથી મોટા વિદૂષક છે.

line

જમ્મુ-કાશ્મીરના ડીજીપી એસ. પી. વૈદ્યને હટાવાયા

એસપી વૈદ્ય

ઇમેજ સ્રોત, Getty Images

એનડીટીવીના અહેવાલ મુજબ જમ્મુ-કાશ્મીરના પોલીસ વડા એસ. પી. વૈદ્યને બુધવારે મોડી રાત્રે તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

તેમની જગ્યાએ પોલીસ ડિરેક્ટર જનરલ(જેલ)ને વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.

એસ. પી. વૈદ્યને હવે ટ્રાન્સપોર્ટ કમિશનર બનાવવામાં આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરમાં પોલીસકર્મીઓનાં વધી રહેલાં અપહરણોને લઈને કેન્દ્ર સરકાર નારાજ હતી.

ઉપરાંત આ ઘટનાઓ સાથે કામ પાર પાડવાની પદ્ધતિથી પણ સરકાર નાખુશ હતી.

line

પેટ્રોલ-ડીઝલના ભાવ મામલે ભારત બંધનું એલાન

પ્રેટ્રોલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ કોંગ્રેસે પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવ મામલે આગામી 10 સપ્ટેમ્બરના રોજ ભારત બંધનું એલાન કર્યું છે.

કોંગ્રેસ એવો પણ દાવો કર્યો છે કે તેમના આ ભારત બંધને સમાજવાદી પાર્ટી, ડીએમકે અને એનસીપીનો પણ ટેકો છે.

જ્યારે બીજી તરફ ડાબેરી પક્ષોએ આ જ દિવસે અલગથી ભારત બંધનું એલાન કર્યું છે.

તૃણમુલ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે પરંતુ પશ્ચિમ બંગાળમાં બંધને સમર્થન નહીં કરે.

line

બ્રાઝીલમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર હુમલો

ઝઈર બોલસોનારો

ઇમેજ સ્રોત, Getty Images

નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ બ્રાઝીલમાં આગામી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પૂરજોશમાં પ્રચાર શરૂ થઈ ગયો છે.

એવામાં આ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં સૌથી આગળ ગણતા ઉમેદવાર ઝઈર બોલસોનારો પર ચાકુથી હુમલો થયો હતો.

આ હુમલામાં જમણેરી વિચારધારા ધરાવતા ઝઈર માંડ માંડ બચ્યા હતા.

તેમને હળવી ઈજા થઈ હતી. આ હુમલાની જાણકારી તેમના પુત્રએ આપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો