કાશ્મીર સામૂહિક બળાત્કાર : 'હું મારી બાળકીના મૃતદેહને વળગી પડ્યો'

  • માજિદ જહાંગીર
  • જમ્મુ-કાશ્મીરથી, બીબીસી ગુજરાતી માટે
રમકડાં

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

નવ વર્ષની નિર્દોષ ઇંશા(બદલેલું નામ)નો ભાઈ રિઝવાન પોતાનાં ઘરની બહાર રાખેલી રાખ પર મૂકેલાં રમકડાં સાથે એકલો એકલો રમી રહ્યો છે.

આ બે રમકડાંને તે ક્યારેક આગળ ખેંચે છે તો ક્યારેક પાછળ લઈ જાય છે.

એના હાથ રાખથી મેલા થઈ ગયા છે છતાં પણ આ વાતથી અજાણ તે ચૂપચાપ રાખમાં રમકડાની ગાડીથી રમ્યા કરે છે.

હું રિઝવાનના ફોટો પાડવા માંડ્યો ત્યારે એની સાથે રમતી એક બાળકી મારી પાસે આવી ગઈ.

રિઝવાને મને કહેવા લાગ્યો, ''આ મારી બહેન નથી. મારી બહેન તો ઇંશા હતી. આ તો બીજા કોઈની બહેન છે.''

મેં રિઝવાનને મેં પૂછયું, "શું ઇંશા તારી સાથે અહીં રમતી હતી?"

આ સવાલ સાંભળતા જ તે બેબાકળો બની ગયો અને કહ્યું, ''હાં એ મારી સાથે રમતી હતી પણ અત્યારે તે અહીંયા નથી. મને એની ખૂબ યાદ આવે છે.''

ભારત પ્રશાસિત કાશ્મીરના બારામુલા જિલ્લાના બોનિયાર વિસ્તારના લડી ગામમાં ગયા સોમવારે એ વખતે સનસનાટી ફેલાઈ ગઈ જ્યારે નવ વર્ષની ઇંશાનો મૃતદેહ તેના જ ઘરથી એક કિલોમીટર દૂર જંગલમાંથી મળી આવ્યો.

બોનિયાર શ્રીનગરથી એંસી કિલોમીટર દૂર છે.

સોમવારે પોલીસે દાવો કર્યો હતો કે ઇંશા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરી દેવાઈ.

જોકે, પાછળથી પોલીસ તપાસને કારણે સામે આવેલી વિગતોથી તેનાથી પણ ક્રુર હતી.

પોલીસનું કહેવું છે કે બાળકીની સાવકી માતાએ પોતાનાં 14 વર્ષનાં દીકરા અને બીજા ત્રણ લોકોની સાથે મળીને આ બાળકીનો બળાત્કાર કરાવડાવ્યો હતો અને એ સમયે તે ત્યાં જ હાજર હતી.

'ક્યાં ક્યાં નથી શોધી અમે અમારી દીકરીને'

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

મંગળવારે બાળકીના પિતા અને માતાને લોકો આશ્વાસન આપી રહ્યા હતા.

પોતાના એકમાળના મકાનમાં પોતાની બીજી પત્ની ખુશ્બુ સાથે બેઠેલા પીડિતાના પિતા મુશ્તાક અહમદ ગનાઈ એકદમ આઘાતમાં બેઠેલા જણાતા હતા. ગામમાં મુશ્તાકની એક દુકાન છે.

જે દિવસે ઇંશા ગુમ થઈ એ દિવસને યાદ કરતા મુશ્તાક જણાવે છે, ''તે 23 ઑગસ્ટ 2018 નો દિવસ હતો. ઈદનો બીજો દિવસ. હું બપોરે જમ્યો અને બાળકોને નજીકના બગીચામાં ફરવા લઈ જવાની

તમે આ વાંચ્યું કે નહીં?

તૈયારી કરી રહ્યો હતો. બધાં બાળકો ભેગા થઈ ગયાં પણ ઇંશા હાજર નહોતી.''

''મેં આ વિસ્તારમાં અનેક જગ્યાએ ઇંશાને શોધી પણ તે ક્યાંય મળી નહીં. પછી હું એ જ પાર્કમાં ગયો જ્યાં બાળકોને લઈ જવાનો હતો. ત્યાં પણ તે ના મળી.

"ત્યારબાદ હું ગભરાઈ ગયો અને દવાખાનામાં પહોંચી ગયો. ત્યાં બે વ્યક્તિ મળી, મેં મારી દીકરીની તસવીર બતાવી. મોડી રાતે હું ઘેર પહોંચ્યો. પછી એક વખત હું એને શોધવા માટે ખેતરોમાં ગયો,જંગલમાં ગયો પણ તે મળી નહીં.''

મુશ્તાક અહમદ જણાવે છે, ''આગલા દિવસે સવારે હું બારામુલાની હૉસ્પિટલમાં ગયો અને ત્યાં તપાસ કરી કે અહીંયા ઇંશા નામની બાળકીને દાખલ તો નથી કરવામાં આવી?"

"એમણે રજિસ્ટરમાં શોધ્યા બાદ કહ્યું, હાં અહીંયા નવ વર્ષની બાળકીને લાવવામાં આવી છે. એમણે મને સીસીટીવી ફુટેજ દેખાડ્યાં અને ઓળખવા કહ્યું. મેં ફુટેજ જોઈ લીધાં પણ તેમાં તે જોવા ના મળી."

"પછી હું પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ત્યાં ઇંશાના ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો. ત્યારબાદ પોલીસ અધિકારીએ ઇંશાને શોધવા સિપાઈને મોકલી આપ્યા. બધે શોધવા છતાં તેની કોઈ ભાળ ના મળી. હું લાચાર હતો.''

મુશ્તાક અહમદ જણાવે છે, ''ત્યારબાદ સેનાના મેજર આવ્યા. તેઓ પોતાની સાથે કૂતરા પણ લાવ્યા હતા. એમણે પણ ઇંશાની શોધ કરી. પણ કૂતરા રસ્તાની ઉપર જ શોધતા હતા આગળ જતા નહોતા.''

''જ્યારે કૂતરા પણ શોધી ના શક્યા તો પછી હું પીર બાબા પાસે ગયો અને ત્યારબાદ પણ હું ઇંશાને શોધતો રહ્યો.''

અગિયારમાં દિવસે લાશ મળી, શોધ પૂરી થઈ

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

મુશ્તાક અહમદ જણાવે છે, ''આ રીતે શોધ કરતાં કરતાં અગિયારમો દિવસ આવી ગયો. હું સવારનો નાસ્તો કરી ઘેર જ બેઠો હતો."

"હું વિચારી રહ્યો હતો કે ઇંશાને હવે ક્યાં શોધું. એટલામાં મુઝફ્ફર અહમદ નામનો એક છોકરો મારી પાસે આવ્યો. એણે મને કહ્યું, મુશ્તાક કાકા તમારી દીકરીનો મૃતદેહ તો જંગલમાં છે.''

''મારું મન ગભરાઈ ગયું. દોડતો દોડતો હું જંગલમાં ગયો તો દીકરીનો મૃતદેહ જોઈ, ઇંશાના મૃતશરીરને વળગી પડ્યો.''

''એના પેટમાં બિલકુલ માંસ નહોતું. ખબર નહીં એના શરીર પર એસીડ નાખવામાં આવ્યું હતું કે બીજું કંઈ."

"આંખો પણ નહોતી. મોઢા પર પણ માંસ નહોતું. કદાચ જીવડાઓએ માંસ ખાધું હતું.''

ત્યારબાદ પોલીસ આવી અને લાશની તપાસ માટે બારામૂલા લઈ ગઈ અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી.''

કોઈ શંકા ઊભી ના થઈ

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

મુશ્તાક અહમદ જણાવે છે કે એમની જે પત્ની ફહમીદાની પોલીસે ધરપકડ કરી છે તે પણ ઇંશાને ઘણા દિવસો સુધી અમારી સાથે શોધતી હતી.

તેઓ જણાવે છે, ''જે દિવસે ઇંશા ગુમ થઈ તે દિવસે ફહમીદા બકરીઓ ચરાવવા જંગલમાં ગઈ હતી."

"ફહમીદા સાથે અન્ય ત્રણ મહિલાઓ પણ હતી. તેઓ જણાવે છે કે ફહમીદા આખો દિવસ એમની સાથે જ હતી. જે દીકરાની ધરપકડ કરાઈ છે તે પણ ઇંશાને અમારી સાથે જ શોધતો હતો.''

તમને કોઈ શંકા ઊભી ના થઈ કે તમારી પત્ની અને દીકરાએ જ આ કામ કર્યું હશે?

તો જવાબમાં મુશ્તાક અહમદે કહ્યું, ''મારું મગજ એવું વિચારી જ શકતું નહોતું કે મારી પત્ની અને દીકરાએ જ આ કામ કર્યું હોય.''

''જો મારી પત્નીને આ કામ કરવું જ હતું તો તે ક્યારની જ કરી દેતી. હું તો વિચારું છું કે તેણે આવું નહીં કર્યું હોય. હું કહી શકું તેમ નથી કે તેણે આ ગુનો કર્યો છે કે નહીં.''

મુશ્તાક જણાવે છે કે ઇંશાના ગુનેગારોને આકરી સજા મળવી જોઈએ.

મુશ્તાક અહમદનો પરિવાર

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR/BBC

મુશ્તાક અહમદને બે પત્નીઓ છે. પહેલી પત્ની ફહમીદા સ્થાનિક નાગરિક છે. બીજી પત્ની ઝારખંડની છે.

પહેલી પત્ની સાથે મુશ્તાકનાં લગ્ન 2003માં થયાં હતાં. એનાં ત્રણ બાળકો છે. એમની બીજી પત્નીનાં પણ ત્રણ બાળકો છે.

મુશ્તાકનું કહેવું છે કે એમના ઘરમાં ઇંશાના ગુમ થયા પહેલાં સુધી શાંતિનું વાતાવરણ હતું.

બીજી પત્ની ખુશ્બૂ જણાવે છે, ''જ્યારે મુશ્તાક અહમદ શ્રીનગરથી મને પોતાના ઘેર લાવ્યા હતા તો શરૂઆતમાં તો ફહમીદા સાથે રોજ લડાઈ થતી હતી."

પહેલાં તો અમે એકબીજા સાથે લડતાં પણ અમારા સસરાના મોત બાદ અમે સાથે રહેવા માંડ્યાં હતાં. હું રોજ રસોઈ બનાવતી અને તે પીરસતી હતી.''

આ મુદ્દે એમનું કહેવું છે, ''મને કોઈના પર ભરોસો નથી. આવું બની પણ શકે છે કે તેમણે આવું કર્યું હોય.

"જો તેમણે આવું કર્યું હોય તો એમને આકરી સજા મળવી જોઈએ. બસ ગુનેગારો મળવા જોઈએ. અમને ન્યાય જોઈએ છે.''

"હું અગિયાર દિવસ સુધી ઊંઘી શકી નથી. સવાર પડતી કે દીકરીને શોધવા નીકળી જતી. વિચારતી કે સાપ તો કરડી નહીં ગયો હોય. એ પણ વિચાર આવતા કે કોઈ જગ્યાએ એને ઊંધ આવી ગઈ નહીં હોય ને.''

તે જણાવે છે, એક મહિલાએ જંગલમાં એમનાં ચપ્પલ જોયાં હતાં. એણે જ ઇંશાનાં ચપ્પલ ઓળખ્યાં હતાં. પછી એક છોકરાને અમારા ઘરે સંદેશો આપવા મોકલ્યો. અમે ત્યાં ગયા અને મૃતદેહ મળ્યો.

તે કહે છે, "મૃતદેહ ખરાબ હાલતમાં હતો. એના દાંત પણ તૂટી ગયા હતા. પાયજામો ઊતારી ફેંકી દેવાયો હતો જે મૃતદેહ પાસે જ પડ્યો હતો.''

પોલીસે મંગળવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે પીડિતા સાથે ગેંગરેપ કરી તેની હત્યા કરી દેવામાં આવી હતી.

પોલીસે અત્યાર સુધી તેની સાવકી માતા અને બીજા પાંચ લોકોની ધરપકડ કરી છે.

પોલીસની તપાસ

જમ્મૂ-કાશ્મીર ડીજીપી શેષપાલ વૈદે આ મુદ્દાને કઠુઆ કરતાં પણ વધુ ગંભીર ગણાવ્યો છે.

જિલ્લા બારામુલાના એસએસપી ઇમ્તિયાઝ હુસેને જણાવ્યું, ''24 ઑગસ્ટ 2018ના રોજ બોનિયાર પોલીસ સ્ટેશનમાં મુશ્તાક અહમદ નામના વ્યક્તિએ 23 તારીખથી પોતાની બાળકી ખોવાઈ ગઈ

હોવાની ફરિયાદ નોંધાવી હતી. અમે ખૂબ શોધ કરી પણ ભાળ ના મળી."

"પછી બે તારીખે જાણવા મળ્યું કે જંગલમાં એક છોકરીનો મૃતદેહ મળ્યો છે. મૃતદેહ ખરાબ હાલતમાં હતો.

"બાળકીના કેટલાક અંગો પર તેજાબ ફેંકવામાં આવ્યો હતો. તપાસમાં ખબર પડી કે બાળકીની બે માતાઓ છે. તેના પિતાએ બે લગ્ન કર્યાં છે.

"તપાસમાં બાળકી સાથે સામૂહિક બળાત્કારની વાત સામે આવી છે. ઘટનાસ્થળની મુલાકાત લેતા જાણવા મળ્યું છે કે આમાં બાળકીની સાવકી માતા, એમનો દીકરો અને બીજી ત્રણ વ્યક્તિ સંડોવાયેલી છે."

એસએસપીએ જણાવ્યું, ''બાળકી પર પહેલાં બળાત્કાર કરાયો પછી કુહાડી વડે હત્યા કરવામાં આવી. બાદમાં તેનું ગળું દબાવી દેવામાં આવ્યું.

"ચપ્પુથી એની આંખો કાઢી લેવામાં આવી. પછી એના ગુપ્તાંગો પર એસીડ નાખવામાં આવ્યું."

"ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું કે તેજાબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાળકીના સાવકા ભાઈ દ્વારા રેપ કરવાની વાત સામે આવી છે."

પોલીસના જણાવ્યા મુજબ બાળકીની સાવકી માતા એ વાતથી નારાજ હતી કે તેનો પતિ તેની બીજી પત્નીની દીકરીને વધારે લાડ લડાવતો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો