BBC TOP NEWS : શું કેન્દ્ર સરકાર સમલૈંગિક લગ્નોનો વિરોધ કરશે?

સજાતીય યુગલ

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર LGBTIQ સમુદાય સંબંધિત સેક્શન 377ની કલમ મામલે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ હવે આ સમુદાયના લોકો લગ્ન માટેના સમાન નાગરિક અધિકારની લડાઈ લડવાના મૂડમાં છે.

તેઓ સમલૈંગિક લગ્ન, સંપત્તિનો વારસો અને વીમા સંબંધિત અધિકાર માટે કાનૂની લડાઈ લડવાના છે.

પરંતુ કેન્દ્ર સરકાર સમલૈંગિક લગ્નનો વિરોધ કરે એવી શક્યતા છે.

કલમ 377ના ચુકાદા બાદ એક પિટિશનકર્તાએ કહ્યું, "જો હવે LGBTIQને મૂળભૂત સમાન અધિકારો મળેલ છે, તો લગ્ન, સંપત્તિમાં ભાગ, મેડિકલ અને જીવન સુરક્ષા વીમા સહિતના અધિકારો પણ મળવા જોઈએ.”

“જે લોકો કહે છે અમને આ અધિકાર ન મળી શકે તે બાબતથી હું આશ્ચર્યચકિત છું."

એક સરકારી અધિકારીને ટાંકીને અહેવાલમાં કહેવાયું છે કે,"સમલૈંગિકતાને અપરાધ નહીં ગણવાનો ચુકાદો યોગ્ય છે, પરંતુ સમલૈંગિક લગ્નની કોઈ પણ પ્રકારની માંગણીનો સરકાર વિરોધ કરી શકે છે."

મોદી સરકાર તમામ મોરચે નિષ્ફળ - મનમોહન સિંહ

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે એક નિવેદનમાં કહ્યું કે મોદી સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે.

તેમણે કહ્યું કે. આર્થિક, કૃષિ, પાડોશી દેશો સાથેના સંબંધો મામલેની નીતિ તમામ મામલે સરકાર નિષ્ફળ ગઈ છે. વળી લોકો વિકાસના કામોના દાવાથી નારાજ પણ છે.

કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલના પુસ્તકના વિમોચનના પ્રસંગે તેમણે આ નિવેદન આપ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે કહ્યું કે. કપિલ સિબ્બલનું પુસ્તક મોદી સરકારના ચાર વર્ષના કાર્યકાળનું વ્યાપક વિશ્લેષણ છે.

બે કરોડ લોકોને નોકરી આપવાના મોદી સરકારના વચનના સંદર્ભમાં તેમણે કહ્યું કે રોજગારીનો દર છેલ્લા ચાર વર્ષમાં ઘણો નીચો આવી ગયો છે.

હિંદુત્વની વિચારધારા સાથે લોકોને જોડવા ટેકનૉલૉજી ઉપયોગી - મોદી

'ઝી ન્યૂઝ'ના અહેવાલ અનુસાર વડા પ્રધાન મોદીએ કહ્યું કે, હિંદુ દર્શનના વિભિન્ન પાસાઓ વિશ્વની કેટલીક સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે ઉપયોગી નીવડી શકે છે.

વળી તેમણે હિંદુત્વની વિચારધારામાં વધુ લોકોને જોડવા માટે ટેકનૉલૉજીનો ઉપયોગ કરવાનું પણ આહ્વાન કર્યું.

શિકાગો ખાતે વિશ્વ હિંદુ કોંગ્રેસ કાર્યક્રમમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું,"પ્રાચીન મહાકાવ્ય અને શાસ્ત્રોને ડિજિટલ સ્વરૂપમાં લાવવાથી યુવા પેઢી તેની સાથે સારી રીતે જોડાઈ શકશે."

આ સત્રમાં 60થી વધુ દેશોના 2500 પ્રતિનિધિ અને હિંદુ નેતા સામેલ હતા.

UIDAI સોશિયલ મીડિયા પર નજર રાખવા માંગે છે?

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર આધારકાર્ડ આધારિત સોશિયલ મીડિયા હબ બનાવવાના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટે ઍટર્ની જનરલની મદદ માંગી છે.

સુપ્રીમ કોર્ટમાં યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયાના પ્રસ્તાવ સામે થયેલી પિટિશનમાં કહેવાયું છે કે યુઆઈડીએઆઈ સોશિયલ મીડિયાનું મોનિટરિંગ કરવા માંગે છે.

યુઆઈડીએઆઈ દ્વારા ટ્વિટર, ફેસબુક, યૂટ્યુબ, ગૂગલ પ્લસ સહિતના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર આધારકાર્ડ સંબંધિત ગતિવિધિઓની નીગરાની માટે એક ખાનગી એજન્સીની સર્વિસ લેવાના કથિત પ્રસ્તાવ વિરુદ્ધ દાખલ પિટિશન મામલે સુપ્રીમ કોર્ટે ઍટર્ની જનરલ વેણુગોપાલની મદદ માંગી છે.

પશ્ચિમ બંગાળના ધારાસભ્ય મહુઆ મોઇત્રાએ આ પિટિશન કરી છે.

વર્લ્ડ જુનિયર શૂટિંગમાં ગુજરાતી ઈલાવેનિલને ગોલ્ડ મેડલ

'ગુજરાત સમાચાર'ના અહેવાલ અનુસાર દક્ષિણ કોરિયાના ચાંગવોનમાં ચાલી રહેલી વર્લ્ડ જુનિયર શૂટિંગ ચૅમ્પિયનશીપમાં અમદાવાદની ઈલાવેનિલ વાલારિવે મહિલાઓની 10 મીટરની ઍર રાઇફલની ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા છે.

વ્યક્તિગત ઇવેન્ટમાં તેઓ માત્ર 0.7 પોઇન્ટના અંતરથી ગોલ્ડ મેડલ ચૂકી ગયાં હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો