અટલ-આંબેડકર પર છે અમિત શાહની 2019ની ગણતરી
- નીતિન શ્રીવાસ્તવ
- બીબીસી સંવાદદાતા

"આપણાં લોકલાડીલા વડા પ્રધાન અટલજીના ઘૂંટણનું ઓપરેશન તા. 10મી ઑક્ટોબરે થશે અને અમે તેમના સ્વસ્થ જીવનની કામના કરીએ છીએ. પાર્ટીએ દલિત તથા પછાત વર્ગના લોકોના ઉત્થાન માટે 10 સૂત્રીય એક્શન પ્લાન બનાવ્યો છે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ, કેરળ, આસામ તથા તામિલનાડુની વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવાનું છે."
2000ની સાલમાં નાગપુર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાજપના તત્કાલીન અધ્યક્ષ બંગારૂ લક્ષ્મણે આ વાતનું આહ્વાન કર્યું હતું.
2003માં રાયપુર ખાતે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ હતી, જેમાં અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી તથા જસવંતસિંહ સમક્ષ ભાજપના તત્કાલીન અધ્યક્ષ વેંકૈયા નાયડૂએ ગર્જના કરી હતી.
નાયડૂએ કહ્યું હતું, "ભાજપમાં એકતા છે અને ભાજપમાં સ્પષ્ટતા છે. લોકો ભાજપ તથા સાથી પક્ષોને વધુ એક મોટી તક આપવા ચાહે છે."
તમે આ વાંચ્યું કે નહીં?
2004માં લોકસભાની ચૂંટણીઓ યોજાઈ, જેમાં ભાજપના નેતૃત્વમાં સત્તાધીશ નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ (એનડીએ)નો કારમો પરાજય થયો અને ભાજપે ગાદી છોડવી પડી.

ગઈકાલે અને આજે

14 વર્ષ ફાસ્ટ ફોરવર્ડ બાદ નજર કરીએ શનિવાર (આઠમી સપ્ટેમ્બર)ના દિવસે નવી દિલ્હીમાં યોજાયેલી ભાજપની વધુ એક રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પર.
"આપણી પાસે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી છે." ભાજપના અધ્યક્ષ અમિત શાહે રાષ્ટ્રિય કાર્યકારિણીમાં આ વાતનો હુંકાર કર્યો.
સ્વાભાવિક રીતે તેમનો ઇશારો આગામી લોકસભા ચૂંટણી તથા તે પૂર્વે યોજાનારી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, સહિત પાંચ વિધાનસભા ચૂંટણીઓ તરફ હતો.
દિલ્હીમાં એક વિખ્યાત ફાઇવ-સ્ટાર હોટલની પાસે આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર આવેલું છે, જેનું ઉદ્ઘાટન ગત વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.
આજે આંબેડકર સેન્ટર ભાજપના ભગવા રંગના બેનરોથી સજાવેલું છે અને દરેક તરફ દિવંગત નેતા અટલ બિહારી વાજપેયીની તસવીર જોવા મળી રહી છે.
અંદર હોલમાં વાજપેયીની કવિતાઓ ઉપરાંત પરવેઝ મુશર્રફ સાથે થયેલી મુલાકાત, સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં તેમનું ભાષણ તથા ડઝનબંધ રેલીઓને સંબોધનની તસવીરો મૂકવામાં આવી છે.
અંદરથી લઈને બહાર રસ્તા સુધી લગભગ દરેક બેનર પર સૌથી મોટી તસવીર નરેન્દ્ર મોદીની છે. તેની પાસે ભાજપના અધ્યક્ષ અમિત શાહની તસવીર છે.
રાજનાથસિંહ, અરૂણ જેટલી, સુષમા સ્વરાજ તથા નીતિન ગડકરી જેવા નેતાઓની તસવીર પણ બેનર પર છે, પરંતુ તે ઉપરોક્ત બંને નેતાઓની સરખામણીએ અડધાં કદની છે.
થોડીક મહેનત કર્યાં બાદ એક બેનર પર લાલકૃષ્ણ અડવાણી તથા મુરલી મનોહર જોશીની તસવીરો એક બેનર પર જોવા મળી. એ તસવીર પર માત્ર આ બે 'માર્ગદર્શક' હતા અને બીજું કોઈ નહીં.

દલિતો પર ફોકસ

ઇમેજ સ્રોત, Getty Images
શનિવારે સવારે અમિત શાહ ત્યાં પહોંચ્યા એટલે ડૉ. ભીમરાવ આંબેડકરની તસવીરને ફૂલ ચડાવીને પ્રણામ કર્યાં.
ગત તમામ વર્ષો દરમિયાન પાર્ટીની આ પ્રકારની બેઠક જો દિલ્હીમાં યોજાઈ હોય તો તેનું આયોજન સ્થળ તાલ કટોરા સ્ટેડિયમ, નહેરુ સ્ટેડિયમ કે એનડીએમસી સેન્ટર રહેતું.
ભીમરાવ આંબેડકરના નામ સાથે જોડાયેલાં આ ભવન ખાતે બેઠકનું આયોજન એ સંજોગ માત્ર નથી.
ગુજરાતમાં દલિતો પર હિંસક હુમલાથી લઈને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી માયાવતી પર એક વરિષ્ઠ નેતાએ કરેલી અભદ્ર ટિપ્પણી તથા માફી સુધી.
ગત બે વર્ષ દરમિયાન મહારાષ્ટ્રથી લઈને ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં દલિત સમુદાયે વિશાળ વિરોધ પ્રદર્શન કર્યાં છે.
આ દરમિયાન ભાજપ સરકારે એસસી-એસટી ઍટ્રોસિટી પ્રિવેન્શન ઍક્ટને મૂળ સ્વરૂપે લાવવા માટે કાયદો ઘડવાની જાહેરાત કરી છે.
1989માં ઘડાયેલો આ કાયદો સ્પેશિયલ ઍક્ટ છે. ભારતીય દંડ સંહિતામાં અનેક કલમો હેઠળ જોગવાઈ કરવામાં આવી હોવા છતાંય એસસી-એસટી વિરુદ્ધ જાતિ આધારિત હિંસા ઓછી થઈ ન હતી. આથી ઉપરોક્ત કાયદો ઘડવામાં આવ્યો હતો.
જેમાં તત્કાળ એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરવી, તત્કાળ ધરપકડ તથા આગોતરા જામીન ન મળા જેવી કડક જોગવાઈઓ છે.
સુપ્રીમ કોર્ટે એક ચુકાદા દ્વારા ઉપરોક્ત ત્રણેય જોગવાઈઓને નિરસ્ત કરી દીધી હતી. સરકાર નવો કાયદો લાવીને ઍટ્રોસિટી સંદર્ભના કાયદાને મૂળ સ્વરૂપે ફરી બહાલ કરવા માગે છે.
સ્વાભાવિક રીતે આ રીતે સરકાર દલિત તથા પછાત વર્ગના વોટ અંકે કરવા ધારે છે.

નંબર ગેમ શરૂ

ઇમેજ સ્રોત, Getty Images
આગામી પાંચ વિધાનસભા ચૂંટણીઓમાંથી રાજસ્થાન, છત્તિસગઢ તથા મધ્ય પ્રદેશમાં ભાજપ સત્તા પર છે.
સ્વાભાવિક છે કે જો ભાજપે તેની બેઠકો જાળવી રાખવી હોય તો કર્ણાટક ઉપરાંત આ ત્રણ રાજ્યના ચૂંટણી પરિણામો તેના માટે મહત્ત્વપૂર્ણ હશે.
રાષ્ટ્રીય કાર્યકારિણીના પ્રથમ દિવસે ભાજપના અધ્યક્ષ અમિત શાહે તમાં પ્રદેશાધ્યક્ષો તથા રાષ્ટ્રીય પદાધિકારીઓને 'સંગઠન પર વિશેષ ધ્યાન' આપવાની સૂચના આપી છે.
શાહે તેમનો મનપસંદ નારો 'બૂથ જીત્યો તે ચૂંટણી જીત્યો' ઉચ્ચાર્યો હતો. સાથે જ ચેતવણી આપી હતી કે દરેક વોટિંગ બૂથ પર ધ્યાન આપવું રહ્યું.
અમિત શાહે આજની બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટે ટાર્ગેટ નક્કી કર્યા હતા, જેમ કે પશ્ચિમ બંગાળમાં 42માંથી 22 બેઠકો જીતવી. ગત ચૂંટણી દરમિયાન અહીં ભાજપને બે બેઠક મળી હતી.
હંમેશાની જેમ જ આ વખતે પણ રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠક પર એ વાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે કે સત્તાધારી મોદી સરકારની 'લાભકારક યોજનાઓ'ની માહિતી કેવી રીતે મતદાતાઓ સુધી પહોંચાડવી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે બેઠક સમાપ્તિ પૂર્વે સંબોધન કરશે.
આ બધાયની વચ્ચે એક મોટા અપડેટ છે કે પાર્ટીના અધ્યક્ષ અમિત શાહનો કાર્યકાળ આગામી લોકસભા ચૂંટણી સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેઓ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વિજય બાદથી જ પાર્ટીની કમાન સંભાળી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો