દૃષ્ટિકોણ : શું પોતાના જ એજન્ડામાં ગૂંચવાઈ ગયો છે મોદી-શાહનો ભાજપ

નરેન્દ્ર મોદી Image copyright EPA

ભારતમાં જન્મેલા પાકિસ્તાની લેખક તથા વ્યંગકાર મુશ્તાક અહમદ યૂસુફીએ ક્યાંક લખ્યું છે, "સરકાર સિવાય કોઈને પોતાની વર્તમાન સ્થિતિ કે પ્રગતિથી સંતોષ નથી થતો." આ વાતને વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરતાં વધુ સારી રીતે કદાચ જ કોઈ બીજું સમજી શકે.

આમ તો કોઈપણ ચૂંટણી સરળ ન હોય, પરંતુ વાયદાઓ આપીને સત્તા પર આવવું પ્રમાણમાં સરળ હોય છે. આ વાત હવે મોદી તથા ભાજપને સમજાવા લાગી હશે.

'સૌને સાથે લઈને સૌનો વિકાસ' કરવાનો પ્રયાસ કરવાની વાત ઠીક છે, પરંતુ શું દરેકને ખુશ કરવા શક્ય છે? કારણ કે એક વર્ગને ખુશ કરવાની કવાયતમાં અનિચ્છાએ પણ બીજા વર્ગને નારાજ કરવો પડે છે.

અનુસૂચિત જાતિ/જનજાતિના કાયદા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટવાનો સરકારનો નિર્ણય પણ આવો જ સાબિત થઈ રહ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ સ્થિતિને નિરૂપવા માટે ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારમાં કહેવાય છે, 'દીકરાની માનતા માંગવા ગઈ અને પતિ જ મરી ગયો.' હવે ભાજપ સાથે આવું જ થશે, તેની આગાહી કરવી મુશ્કેલ છે.


સવર્ણોની નારાજગીની અસર પડશે ?

Image copyright EPA

આ મુદ્દે સવર્ણોમાં ખાસ્સી એવી નારાજગી હોવાનું કહેવાય છે. આ વર્ગ ભાજપનો મુખ્ય મતદાતા છે. આ વર્ગ માત્ર ભાજપ જ નહીં, અન્ય તમામ રાજકીય દળોથી પણ નારાજ છે.

આ વાત ભાજપને માટે આશાના કિરણ સમાન છે, કારણ કે નારાજગી છતાંય આ વર્ગે અન્ય કોઈ રાજકીય પક્ષ તરફ ઢળવાના અણસાર નથી આપ્યા.

બીજી વાત એ પણ છે કે આ વર્ગ જેટલી નારાજગી દેખાડશે, એટલું જ ભાજપ માટે દલિતોને સમજાવવાનું સરળ હશે કે પાર્ટીએ તમારા માટે 'સવર્ણોની નારાજગી' વહોરી લીધી છે.

જોકે આ વ્યૂહરચના બેધારી તલવાર જેવી છે.


પેટ્રોલ-ડીઝલના ભાવ

Image copyright BBC\ SAMIRATMAJ MISHRA

પેટ્રોલ તથા ડીઝલના આકાશ આંબતા ભાવ ચૂંટણી સમયે ભાજપ માટે માથાના દુખાવા સમાન બને તેમ છે.

આ બાબતે કેન્દ્રની મોદી સરકારે રાજકીય લાભ લેવાના બદલે આર્થિક રીતે વ્યવહારુ વલણ અપનાવ્યું છે.

કેન્દ્ર સરકારે ન તો સબસિડી આપવાની જાહેરાત કરી છે અને ન તો કેન્દ્રીય કરોમાં ઘટાડો કરવાના કોઈ નિર્દેશ આપ્યા છે.

નવેમ્બર તથા ડિસેમ્બર મહિનામાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તિસગઢ, તેલંગાણા તથા મિઝોરમ વિધાનસભાની ચૂંટણી યોજાશે.

ત્યારબાદ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ જશે. સ્વાભાવિક છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીની જેમ 'છેક છેલ્લી ઓવર'માં મેચ જીતવાની ગણતરી ધરાવતા હોય.

આપણે બધાય જાણીએ છીએ કે આવી સ્થિતિમાં સફળ થવાની કે નિષ્ફળ જવાની શક્યતા સરખી હોય છે. આવા સમયે કોઈ નેતા કે બૅટ્સમૅનની ક્ષમતા કરતાં તેના આત્મવિશ્વાસની ભૂમિકા વધુ હોય છે.


ગઠબંધનમાં થયા અનેક બદલાવ

Image copyright Getty Images

ગત લોકસભા ચૂંટણી સમયે એનડીએનું જે સ્વરૂપ હતું, તે હવે બદલાઈ ગયું છે. આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડૂ તથા બિહારમાં જીતન રામ માંઝી ગઠબંધન છોડી ચૂક્યા છે. તો ઉપેન્દ્ર કુશવાહાનો એક પગ અંદર તથા એક પગ બહાર છે.

શિવસેના છેલ્લા ચાર વર્ષથી 'તારી સાથે પ્રીત, તારી સાથે નારાજગી'ની રમત રમી રહી હતી, પરંતુ હવે તે પણ આગળ વધી ગઈ હોય તેમ જણાય છે.

જો ઉદ્ધવ ઠાકરે ગઠબંધનના મુખ્ય મંત્રી બને તેની જેટલી શક્યતા છે, એટલી જ શક્યતા ભાજપ અને શિવસેના મળીને ચૂંટણી લડે તેની છે.

બિહારમાં નીતિશ કુમાર એ વાતનો નિર્ણય નથી કરી શકતા કે તેઓ ખુદને પટણા સુધી મર્યાદિત રાખે કે દિલ્હી તરફ કૂચ કરે. આ તસવીરનો બીજો આયામ પણ છે.

કોંગ્રેસ અને ચંદ્રબાબુ નાયડૂના દુશ્મન એવાં ભાજપ તથા તેલંગણા રાષ્ટ્ર સમિતિ એકબીજાને મૈત્રી સંદેશ મોકલી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભાજપ વિરુદ્ધના પ્રસ્તાવિત ફેડરલ ફ્રન્ટના વરરાજા તરીકે જોવામાં આવતા હતા.

ઓડિશામાં ભાજપે સ્વીકારી લીધું છે કે નવીન પટનાયકને આ ચૂંટણીમાં નહીં હરાવી શકાય.

બીજી બાજુ, નવીન પટનાયકે પણ સ્વીકારી લીધું છેકે નરેન્દ્ર મોદી સાથે મુખ્ય મંત્રીના દિવસો દરમિયાનની મૈત્રી જાળવી રાખવામાં કોઈ વાંધો નથી.

તામિલનાડુનું રાજકારણ અગાઉ કદાચિત્ જ આટલું ગૂંચવાયું હશે. પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે ત્યાંની સત્તારૂઢ પાર્ટી કેન્દ્રની સત્તારૂઢ પાર્ટી સાથે તાલમેલ જાળવી રાખે છે.

જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી ચાલતી ગાડીએ એનડીએની ટ્રેનમાં બેઠાં અને ગંતવ્ય આવે તે પહેલાં ઊતરી પણ ગયાં અથવા તો ઉતારી દેવાયાં.

રોજગારનો મુદ્દો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર માટે સૌથી વધુ કપરો છે. વિપક્ષ વારંવાર આ મુદ્દે જ વાર કરી રહ્યો છે. ભ્રષ્ટાચારના મુદ્દે દેશભરમાંથી કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયાં.

હવે તે રફાલ યુદ્ધ વિમાન મુદ્દે ભ્રષ્ટાચારનો મુદ્દો ચગાવવા માટે પ્રયાસરત છે, પરંતુ કેટલી સફળ થશે તે કહેવું મુશ્કેલ છે.

વિપક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વ પ્રત્યે ઉદાસીનતા દાખવી રહ્યો છે.


સૌથી મોટો પ્રશ્ન

Image copyright Getty Images

લોકસભાની ચૂંટણીની દૃષ્ટિએ સૌથી મોટો સવાલ એ છે કે શું વિપક્ષ એક થશે? જો થાય તો તેનો નેતા કોણ હશે?

હવે રાજકારણમાં એવો યુગ નથી રહ્યો કે જનતાને કહી શકાય કે 'પછી નેતા ચૂંટીશું'.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી માને છે કે જો ઉત્તર પ્રદેશમાં ભાજપને હરાવી દેવામાં આવે તો કેન્દ્રમાં મોદી સરકારને અટકાવી શકાય તેમ છે.

સવાલ એ છે કે શું માયાવતી તેના માટે તૈયાર છે? શરૂઆતમાં માયાવતીએ ઉત્સાહ દાખવ્યો હતો, પરંતુ હવે તેઓ ઉત્સુક નથી જણાતાં.

ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીના પ્રથમ દિવસે અમિત શાહે કહ્યું હતું કે જો વિપક્ષ એક થઈ જાય તો પણ પાર્ટીએ ચિંતા કરવાની જરૂર નથી અને મહેનત કરવાની છે. જો ભાજપ સામે સમસ્યાઓ છે તો સિદ્ધિઓ પણ છે.

ઉજ્જ્વલા, જનધન, વીમા યોજના, શૌચાલય, પ્રધાનમંત્રી આવાસ યોજના, સૌભાગ્ય. પાક વીમા યોજના, ટેકાના ભાવોમાં વધારો તથા અન્ય કેન્દ્રીય યોજનાઓ એ મોદી સરકારની સિદ્ધિઓ છે.

કાર્યકારિણીની બેઠકમાં આ યોજનાઓનાં લાભાર્થીઓને ભાજપની નજીક લાવવાનો પ્રયાસ થશે.

તમામ મુખ્ય મંત્રીઓ તથા નાયબ મુખ્ય પ્રધાનોને કહેવામાં આવ્યું છેકે તેમના પ્રદેશના લાભાર્થીઓની યાદી સાથે લાવવી.

આ યાદીને બૂથવાર વિભાજિત કરીને કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવશે. આ સિવાય ભાજપ પાસે મોદીના સ્વરૂપમાં 'હુકમનો એક્કો' છે.

વાયદા મુજબ કામ ન કરી શકવા છતાંય તેમની લોકપ્રિયતા ખાસ ઘટી નથી. એ સિવાય નેતૃત્વવિહિન તથા વિભાજીત વિપક્ષ એ ભાજપ માટે લાભકારક નીવડી શકે તેમ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ