BBC Top News: રૂપિયા 2000, 200ની ક્ષતિગ્રસ્ત નોટ્સ બદલાવવા RBI એ નવા નિયમો જાહેર કર્યા

પ્રતીકાત્મક તસવીર

'ઇન્ડિયા ટુડે' વેબસાઈટના અહેવાલ અનુસાર જો તમારી પાસે રહેલી બે હજાર અને બસો રૂપિયાની નોટ્સ ક્ષતિગ્રસ્ત (ફાટી ગયેલી, બગડી ગયેલી,) હોય તો તેને બદલાવવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) એ નવા નિયમો જાહેર કર્યા છે.

હવે એવું શક્ય છે તમારી ફાટી ગયેલી રૂપિયા 2000 અને 200ના મૂલ્યની ચલણી નોટના બદલામાં તમને કંઈ પણ ન મળે.

RBIએ જાહેર કરેલી નવી માર્ગદર્શિકા અનુસાર જો તમારી પાસેની ચલણી નોટ થોડી ક્ષતિગ્રસ્ત હશે તો તમને તેના સંપૂર્ણ મૂલ્યનું વળતર આપીને તે બદલી આપવામાં આવશે.

જો એ ચલણી નોટને વધારે નુકસાન થયેલું હશે તો તેને બદલામાં ઓછા રૂપિયા પરત મળશે. એવું પણ બને કે જો એ નોટ ખૂબ જ વધારે નુકસાનીવાળી હશે તો તમને તેના બદલામાં કંઈ પણ ન મળે.

આ નિયમો જાહેર કરીને RBIએ રૂપિયા 2000 અને 200ના મૂલ્યની ચલણી નોટ્સને બદલવા માટેની અસ્પષ્ટતાને દૂર કરી દીધી છે.

સંપૂર્ણ વળતર માટે રૂપિયા 2000ની નોટ 88 ચો. સેમી. હોવી જરૂરી છે અને જો તે માત્ર 44 ચો. સેમી. હશે તો તેનું વળતર અડધું જ મળશે. 2000 રૂપિયાની નોટનું માપ 109.56 ચો. સેમી. છે.

જ્યારે 200 રૂપિયાની નોટ માટે પૂર્ણ વળતર માટેનું માપ 78 ચો. સેમી. અને અડધા વળતર માટેનું માપ 39 ચો. સેમી. છે.

વિમુદ્રીકરણ બાદ ચલણમાં મૂકાયેલી રૂપિયા 2000 અને 200ની ચલણી નોટ્સ બદલાવવાના કોઈ નિયમો નહોતા.

કારણ કે અગાઉના નિયમોમાં માત્ર રૂપિયા 5, 10, 50, 100, 500, 1000, 5000 અને 10,000 ના મૂલ્યની ચલણી નોટ્સને બદલાવવાના નિયમો જ હતા.

ભાજપ કાર્યાલયમાં દલિત નેતાના પ્રવેશ પર પાબંદી

'ગુજરાત સમાચાર'માં પ્રકાશિત સમાચાર અનુસાર ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના ખાનપુરના કાર્યાલયમાં ભાજપના જ દલિત નેતા ગિરીશ પરમારના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જોકે, પરમારે ભાજપના શહેર પ્રમુખ જગદીશ પંચાલના આદેશને માનવાનો ઇન્કાર કરીને કાર્યાલયમાં આવવાનું અને બેસવાનું ચાલુ રાખ્યું છે.

ગિરીશ પરમાર ભાજપમાં જોડાતા પહેલાં કોંગ્રેસ અને રાજપામાં હતા. શંકરસિંહ વાઘેલા જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સરકારમાં ગિરીશ પરમાર શ્રમમંત્રી પણ રહી ચૂક્યા છે. વર્ષ 2012ની વિધાન સભાની ચૂંટણી તેમણે ભાજપમાંથી દાણીલીમડા બેઠક પરથી લડી હતી અને તે ચૂંટણી હારી ગયા હતા.

તેમને ભાજપના કાર્યાલયમાંથી એવો સંદેશો મોકલવામાં આવ્યો હતો કે તેમણે કાર્યાલયમાં આવવું નહીં. તેમને ફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલે આ આદેશ આપ્યો છે.

ગિરીશ પરમારએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે તેમને ખાનપુરમાં બેસવા માટે ટેબલ અને ખુરશી આપ્યા હતા.

'કોસ્ટ ગાર્ડના મેદસ્વી સૈનિકોને સબસિડીવાળો દારૂ નહીં મળે'

ઇમેજ કૅપ્શન,

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ

'ઇન્ડિયન એક્સ્પ્રેસ' અખબારમાં પ્રકાશિત સમાચાર સંસ્થા પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા (પીટીઆઈ)ના અહેવાલ અનુસાર ભારતીય તટ રક્ષક દળ (ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ)ના ગુજરાતને આવરી લેતા ઉત્તર પશ્ચિમ ક્ષેત્રના કમાન્ડર રાકેશ પાલે આદેશ કર્યો છે કે મેદસ્વી અને નિર્ધારિત વજન કરતાં વધુ વજન ધરાવતા કોસ્ટ ગાર્ડના સૈનિકોને સબસિડીવાળો દારૂ નહીં આપવામાં આવે.

કમાન્ડરે જણાવ્યું છે કે, આ આદેશે તમામ રેન્કના સૈનિકો અને અધિકારીઓને લાગુ પડશે, જેમને મેડિકલ બૉર્ડ દ્વારા વજન ઊતારવાનું કહેવામાં આવ્યું છે.

તેમણે એમ પણ જણાવ્યું છે કે, મેદસ્વીપણા માટે જવાબદાર પરિબળોમાં આલ્કોહોલ એક મહત્ત્વનું પરિબળ ગણવામાં આવે છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે, વધુ વજન અને મેદસ્વીરપણાને કારણે ઘણા બધા સૈનિકો અને અધિકારીઓને દરિયામાં નથી મોકલી શકાતા.

અધિકારીઓ અને સૈનિકોને તેમનું વજન ઘટાડવા માટે વારંવાર સૂચના આપવા છતાં પણ કોઈ પરિણામ ન આવતાં આ આદેશ કરવામાં આવ્યો હોવાનું સમાચારમાં જણાવવામાં આવ્યું છે.

કેરળના ધારાસભ્યે દુષ્કર્મ પીડિત ખ્રિસ્તી સાધ્વીને વેશ્યા કહી

ઇમેજ કૅપ્શન,

કેરળના અપક્ષ ધારાસભ્ય પીસી જ્યોર્જ

‘ઝી ન્યૂઝ’ વેબસાઇટના અહેવાલ અનુસાર કેરળ વિધાનસભાના અપક્ષ ધારાસભ્ય પીસી જ્યોર્જે શનિવારે એક વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તેમણે જાલંધરના રોમન કેથલિક બિશપ ફ્રાન્કો મુલાક્કલ દ્વારા કથિત દુષ્કર્મનો ભોગ બનેલાં કેરળના નન (ખ્રિસ્તી સાધ્વી) પર વેશ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું હતું કે એ વિશે કોઈને શંકા નથી.

તેમણે એ નર્સની સામે આંગળી ચિંધતા કહ્યું હતું તેમણે 12 વખત એ કૃત્યની મજા માણી અને 13મી વખત તે દુષ્કર્મ હોવાનો આક્ષેપ કર્યો.

તેમણે કહ્યું, "એ વિશે કોઈને શંકા નથી કે એ નન એક વેશ્યા છે. 12 વખત તેમણે તેની મજા માણી અને 13મી વખત એ દુષ્કર્મ હતું? તેમની પર પ્રથમ વખત બળાત્કાર થયો ત્યારે નને કેમ ફરિયાદ નહોતી નોંધાવી?"

આ અગાઉ કોચિમાં ખ્રિસ્તી સાધ્વીઓએ હાઈ કોર્ટ જંક્શન બસ સ્ટેશન પાસે ધરણા કરીને એ બિશપની ધરપકડ કરવાની માગ કરી હતી.

ઓસાકા બન્યાં યૂએસ ઓપન ચેમ્પિયન

ઇમેજ કૅપ્શન,

નાઓમી ઓસાકા

છ વખત ચેમ્પિયન બનેલાં સેરેના વિલિયમ્સને હરાવીને જાપાનનાં 20 વર્ષનાં ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકાએ યૂએસ ઓપન ટૂર્નામેન્ટ જીતી લીધી છે. ફ્લશિંગ મીડોઝ પર ઓસાકાએ અમેરિકાનાં સેરેના વિલિયમ્સને 6-2, 6-4થી સીધા સેટમાં હરાવી દીધાં.

ઓસાકા સેરેના વિલિયમ્સને જ પોતાનો આદર્શ માને છે અને બન્ને વચ્ચે આ બીજો મુકાબલો હતો. અગાઉની મૅચ પણ ઓસાકા જ વિજયી બન્યાં હતાં.

નાઓમી ઓસાકા નવ વર્ષમાં યૂએસ ઓપનમાં પહોંચનારાં સૌથી યુવા મહિલા ટેનિસ ખેલાડી બન્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો