ગેની કહાણી : એ દિવસે મારા શરીરમાં ભયની કંપારી છૂટી ગઈ

  • શૈલી ભટ્ટ
  • બીબીસી ગુજરાતી માટે લંડનથી
સમલૈંગિક

ઇમેજ સ્રોત, Getty Images

છઠ્ઠી સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે સમલૈંગિક સંબધોને માન્યતા આપતો ઐતિહાસિક ચુકાદો આપ્યો કે કાયદાની દૃષ્ટિએ LGBT (લેસ્બિયન, ગે, બાયસેક્સયુઅલ તથા ટ્રાન્સજેન્ડર) સમુદાય પણ મૂળભૂત અધિકારો ધરાવે છે.

છતાં ઘણા સમલૈંગિકો માટે તેમની સ્વતંત્રતાની સફર હજી ઘણી લાંબી છે. અહીં એવા જ એક 'ગે' પુરુષની વાત છે જેના મનમાં હજી ભય છે કે આ સમાજ અને તેનો પરિવાર તેની હકીકતનો સ્વીકાર નહીં કરે.

તેણે પોતાની ઓળખની પૂર્ણ ગુપ્તતા જાળવવાની શરતે બીબીસી ગુજરાતી સાથે પોતાની વાત રજૂ કરી છે.

"હું 13 વર્ષનો હતો, જ્યારે મને અહેસાસ થયો કે મારામાં કંઈક અલગ છે. શાળામાં મિત્રો જેની ચર્ચા કરતાં હતાં તેનાથી તદ્દન અલગ પ્રકારના પોર્ન વીડિયો અને પુસ્તકો હું જોતો અને વાંચતો હતો. મારો પરિવાર ઘણો ધાર્મિક છે."

"ત્યાં ગે હોવું અસ્વીકાર્ય છે. હું પણ તેને એક એવી મુશ્કેલીની રીતે જોતો હતો, જે સમય સાથે ઉકેલાઈ જશે. હું પશ્ચિમ ભારતના એક નાના શહેરમાંથી હું આવું છું, જ્યાં મને ક્યારેય કોઈ મારા જેવું મળ્યું નહીં."

'જ્યારે મને આઝાદીનો અનુભવ થયો'

ઇમેજ સ્રોત, Getty Images

"કોલેજ કરવા માટે હું બીજા શહેરમાં ગયો. જ્યાં મને આઝાદીનો અનુભવ થયો. કોલેજમાં મારા એક સિનિયર હતા."

"ગે સમુદાયના અધિકારો અંગે તે જાહેરમાં તેમના વિચારો વ્યક્ત કરતાં. એક દિવસ હિંમત કરીને તેમને પત્ર લખ્યો અને મળવા કહ્યું."

"હવે તેમને મારી હકીકતની ખબર હતી. તેમણે મને ગે ડેટિંગ ઍપ્સ વિશે જણાવ્યું અને લોકોને મળવા માટે પ્રોત્સાહન આપ્યું."

"મેં ડેટિંગ શરૂ કર્યું અને શારીરિક સંબંધો પણ બાંધ્યા. મારા માટે તે સમય પોતાના અસ્તિવની સ્વીકૃતિનો હતો. હોસ્ટેલમાં એક પુરુષ સાથે મેં બે વાર શરીરસુખ માણ્યું."

"એક દિવસ હું અને મારા અમુક મિત્રો કૉલેજની નજીક જમવા ગયા હતાં. અમે પાછા ફરી રહ્યા હતાં, ત્યારે મેં તેમને કહ્યું કે, મારે કંઈક કહેવું છે."

તમે આ વાંચ્યું કે નહીં?

"આ કહેતાં પહેલાં મેં વિચાર્યું નહોતું કે કઈ રીતે કહીશ. હું તે ક્ષણ સુધી ચોક્કસ નહોતો કે, મારે કહેવું કે નહીં." "

"તે લોકોના ચહેરા પર હવે ચિંતા દેખાતી હતી. મારાથી બોલાતું નહોતું. એકે પૂછ્યું 'શું વાત છે? બીજાએ કહ્યું 'તું વિચાર નહીં બોલ.."

"મેં કહ્યું, હું ગે છું. એક મિત્રને ખૂબ આશ્ચર્ય થયું. બીજી એક મિત્ર આવીને મને ભેટી પડી. અને પછી મજાકમાં કહ્યું કે અમને લાગતું હતું."

"બધાએ મને કહ્યું કે ગે હોવામાં કંઈ ખોટું નથી. આ ક્ષણ મારા માટે ખૂબ મહત્ત્વની હતી. મને યાદ છે અમે લોકો એક પાર્કમાં બેઠા અને એક કલાક સુધી વાતો કરી. તેમના માટે પણ આ એક મોટી વાત હતી."

બધાને ખબર પડી જવાનો ડર

"અત્યાર સુધી કોઈએ તેમની સામે આવી જાહેરાત કરી નહોતી. તેમણે મને પૂછ્યું કે શું મારા માતા-પિતા કે ભાઈ-બહેનોને આ વિશે ખબર છે?"

"મેં તેમની પાસે શપથ લેવડાવ્યા કે, આ વાત તે કોઈને નહીં કહે. તેમણે ક્યારેય મારો વિશ્વાસ ન તોડ્યો."

"પણ છતાં મને ગે પ્રાઇડ પરેડમાં ભાગ લેતા ડર લાગતો હતો. આવી પરેડ ટીવી પર પણ બ્રૉડકાસ્ટ થતી હતી."

"જે માહોલમાંથી હું આવું છું તે જોતા મારા માટે આવી પરેડમાં ભાગ લેવાનું સહજ નહોતું."

"મને એમ લાગતું કે આ પરેડમાં ભાગ લેવાથી બધાને ખબર પડી જશે કે હું ગે છું."

ઇમેજ સ્રોત, Getty Images

"આ પરેડ્સમાં ન જવાનું એક કારણ એ પણ છે કે તેનાથી કોઈ નક્કર બદલાવ આવતાં મેં નથી જોયા."

"હોમોફોબિયા હજી પણ છે. અમારી જ કૉલેજમાં એક સિનિયર હતો જે ઘણા બધા પાર્ટનર્સ સાથે સંબંધ બાંધવા માટે કુખ્યાત હતો."

"હું એક વાર મારા ક્લાસમૅટ્સ સાથે ચાલતો હતો અને એક જણાએ આ સિનિયરની વાત કરી."

"તેણે કહ્યું, 'તમને ખબર છે એ ગે છે..' અને બધા ખડખડાટ હસી પડ્યા. મેં તેમને શાંતિથી પૂછ્યું, 'એમાં ખોટું શું છે', પણ મારા માટે આ એક સિગ્નલ હતું કે આવા લોકોને મારે મારી હકીકત નથી કહેવી."

હોમોફોબિક વર્તનનો સામનો

ઇમેજ સ્રોત, Getty Images

"કૉલેજનો અભ્યાસ પૂર્ણ થયો અને પછી મેં નોકરી શરૂ કરી. મારા એક પુરુષ સહકર્મચારી દેખાવમાં થોડા 'ઇફેમિનિટ' (મહિલા જેવા લક્ષણો ધરાવતો પુરુષ) હતાં."

"બીજા કર્મચારીઓ હંમેશા તેમના બોલવા-ચાલવા અંગે મજાક કરતાં હતાં. હું આ બધું દરરોજ જોતો-સાંભળતો. મેં અનુભવેલુ આ સૌથી ખરાબ હોમોફોબિક વર્તન હતું."

"તે મારી સાથે નહોતું થતું. મારી સાથે આવું બની શકે તે ધારણા વધારે મજબૂત બની ગઈ. મારી પોતાની ટીમમાં લોકોને મેં વાતો કરતાં સાંભળ્યા છે કે, જેઓ ફેશન ઇન્ડસ્ટ્રીમાં હોય તેઓ ગે હોય છે."

"દરેક ગે હંમેશાં અને ઘણા બધા શારીરિક સંબંધો બાંધવામાં રસ ધરાવતો હોય છે. હું આ બધું સાંભળતો હતો અને તેઓ મારી હકીકતથી અજાણ હતાં."

"ઘણા સ્ટ્રેઇટ લોકો ગ્રાઇન્ડર (ગે ડેટિંગ ઍપ) પર ખોટી પ્રોફાઇલ બનાવતાં હોય છે, જેથી તેઓ તમારા વિશે જાણીને તમને બ્લેકમેઇલ કરી શકે."

"એક દિવસ ઓફિસ પછી હું ગ્રાઇન્ડર ચેક કરતો હતો. હું સામાન્ય રીતે ઍપ વાપરવામાં સાવધ રહું છું, જેથી કરીને લોકોને ખબર ન પડે."

"એકલો હોઉં ત્યારે જ ઍપ ખોલું છું. એક ફોટા વગરની પ્રોફાઇલ પરથી મને મેસેજ આવ્યો. તેણે મને મળવામાં રસ બતાવ્યો."

"સામાન્ય રીતે ગે લોકો આવી ઍપ્સ પર ખોટા નામ અને ખોટા ફોટા સાથે પ્રોફાઇલ બનાવતાં હોય છે."

"એવું જ કંઇક ધારીને મેં એને મૅસેજ કર્યો. મેં મારા ફોટા એની સાથે શેર કર્યા. મારા બે-ત્રણ વાર કહેવા છતાં પણ તેણે પોતાની એક પણ તસવીર મારી સાથે શેર કરી નહીં."

'મારા શરીરમાં ભયનો થડકારો પસાર થઈ ગયો'

"કારણ આપતાં તેણે કહ્યું કે સાવધાની માટે તે ફોટા શેર નહીં કરે અને પ્રત્યક્ષ મુલાકાત માટે તેણે કહ્યું."

"મેં વિચાર્યું એમાં વાંધો શું છે અને મુલાકાતની જગ્યા વિશે પૂછ્યું, પણ પછી મને તરત જ કંઈક અજુગતું લાગ્યું અને તેને મૅસેજ કર્યો કે હું નહીં મળી શકું."

"તેણે જવાબમાં મને મારું નામ અને હું જ્યાં કામ કરતો હતો તે કંપનીનું નામ કહ્યું. મારા શરીરમાં ભયનો થડકારો પસાર થઇ ગયો. શું તે પોલીસ હશે કે કોઈ સહકર્મી જે મારા વિષે જાણી ગઈ હોય."

"ભૂતકાળમાં જેની સાથે સંબંધ રહ્યો હોય, તેવા પાર્ટનરે ઍપ પર આવું મારી સાથે પહેલાં પણ કર્યું હતું."

ઇમેજ સ્રોત, Getty Images

"જોકે, થોડીક મજાક બાદ તેઓ પોતાની ઓળખાણ આપી દેતા, પણ આ અનુભવ ખરેખર ભયાનક હતો. કંઈ વધારે ખરાબ બન્યું નહીં, પણ તેની પાસે મારી તસવીરો હતી."

"તેને મારા કામ વિષે ખબર હતી તે વ્યક્તિ મને બ્લેકમેઇલ કરી શકી હોત."

"હું હાલ મારા પરિવારથી ઘણો દૂર રહુ છું. પણ સમયાંતરે ઘરે જઉં છું. મારા માતા-પિતાની ઉંમર થઈ રહી છે. હું તેમની સાથે વધારે સમય પસાર કરવા ઇચ્છું છું."

"આ ઇચ્છાની સામે હું મારી આઝાદી જતી કરવા નથી માંગતો. એક કિસ્સા પછી તેમને મારી હકીકત ન જણાવવાની લાગણી વધારે દૃઢ થઈ."

"હું રજા લઇને ઘરે ગયો હતો. બહુ જ અસામાન્ય રીતે મારી બહેને મારો ફોન જોયો અને મૅસેજિસ વાંચ્યા. તેને કદાચ શંકા ગઈ કે એ મૅસેજિસ મેં એક છોકરાને મોકલ્યા હતા."

તેણે કોઈને વિસ્તારથી કંઈ ન કહ્યું, પણ મારી માતાને ચેતવણી આપતાં કહ્યું કે- આ છોકરો હાથમાંથી જતો રહેશે."

માતા-પિતાની શાખ ખરડાવાનો ડર

"મારી માતાને કંઈ ગતાગમ ન પડી. તેણે બહેનને ઠપકો આપ્યો કે તમે બંને નહીં જેવી બાબતમાં ઝઘડો નહીં કરો. તે પછી મારી બહેને આ વાતનો ઉલ્લેખ ફરી ક્યારેય કર્યો નહીં."

"મેં એક વાર સોશિયલ મીડિયા પર હોમસેક્સ્યુઆલિટી અંગે એક આર્ટિકલ શેર કર્યો હતો. મારા અમુક સગાંએ મારી પોસ્ટ જોઈ અને મારા માતા-પિતાને ફોન કરીને કહ્યું કે મારે આવી પોસ્ટ શેર ન કરવી જોઈએ."

"કેમ કે, આપણો પરિવાર આવી બાબતોને પ્રોત્સાહન આપતો નથી. જો હું આ બાબતે મારા માતા-પિતાને વાત કરીશ તો મને ખાતરી છે કે મારા પિતા મને તરછોડી દેશે અને મારી સાથે કોઈ પણ સંબંધ નહીં રાખે."

"જેમણે જ્ઞાતિ બહાર લગ્ન કર્યા છે તેમની સાથે આવું જ થયું છે. સમાજમાં મારા માતા-પિતાની શાખ પણ ખરડાશે."

ઇમેજ સ્રોત, Getty Images

"જો તેમને ખબર પડશે કે હું ગે છું તો તેઓ મને કાઉન્સેલિંગ કે મનોચિકિત્સક પાસે લઇ જશે જેથી હું 'સાજો' થઈ જાઉં."

"આ ચુકાદા પછી હું મારા ભવિષ્ય વિશે ગંભીરપણે વિચારી રહ્યો છું. આ ચુકાદાથી ઘણા લોકોના જીવનમાં બદલાવ આવશે, પણ હું ધારું છું કે મારા જીવનમાં કોઈ દેખીતો ફેર પડવાનો નથી."

"ખાસ કરીને મારા પરિવારના સંદર્ભે. જો હું ક્યારેય પણ તેમને મારી હકીકત જણાવીશ તો મને ટેકો આપનારું એ કુટુંબમાંથી કોઈ નહીં હોય અને મારે હંમેશા લગ્નના દબાણનો પ્રતિકાર કરવો પડશે."

"હું થોડો સમય બીજા કોઈ દેશમાં જઈને રહેવા માંગુ છું, વધારે ભણવા માટે. જેથી અનુભવી શકાય કે તમે જે છો તે ઓળખ સાથે સન્માનથી જીવવું એટલે શું."

"પણ આ એક પ્લાન માત્ર છે. મને એક વિચારથી સતત પ્રોત્સાહન મળે છે કે - મારી જેવા બીજા ઘણા લોકો છે જે મારાથી ઓછા નસીબદાર છે, જે મારાથી ઓછું ભણેલા છે અને જે આર્થિક રીતે સ્વતંત્ર નથી જેથી તેમની પાસે એટલા પસંદગીના વિકલ્પો નથી જેટલા મારી પાસે છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો