દૃષ્ટિકોણ: શું મીડિયા મોદીનું મહિમામંડન કરી રહ્યું છે?

નરેન્દ્ર મોદી Image copyright Getty Images

અતિ સામાન્યીકરણ અને પસંદ કે નાપસંદની વચ્ચે મોટાભાગે બારીક અને વિષમરેખીય વાસ્તવકિતાઓ છૂપાઈ જાય છે, જે સામે હોવા છતાંય દેખાતી નથી.

કમનસીબે, મારા પ્રિય લેખક, ચિંતક શિવ વિશ્વનાથનના લેખ માટે પણ આવું જ થયું છે. (એ લેખ વાંચવા અહીં ક્લિક કરો)

મોદી અને મીડિયા વિષય પર વિશ્વનાથનના એકરેખીય અને સપાટ મુલ્યાંકનની સૌથી મોટી નબળાઈ એ છે કે તેઓ સમગ્ર ભારતીય મીડિયાને એક જેવું અને એકીકૃત કરીને જુએ છે.

તેના વિશાળ વૈવિધ્યનો આભાસ તેમની દૃષ્ટિમાં ક્યાંય દેખાતો નથી.

તેઓ ભારતીય મીડિયાને એવી ચીજ માનીને જુએ છે, જેના તમામ અંગો સમાન પ્રકારનું પ્રકાશન કરી રહ્યાં છે કે એક જ પ્રકારનું તથ્ય પ્રસ્તુત કરી રહ્યાં છે.

માત્ર દિલ્હીમાં જ રહીને અને માત્ર દિલ્હીના જ અખબાર અને ચેનલ વાંચવા-જોવાથી મોટાભાગના લોકોમાં આ પ્રકારની સંકૂચિત દૃષ્ટિ આવી જતી હોય છે.

પરંતુ શું ખરેખર સમગ્ર મીડિયા કોઈપણ જાતના અપવાદ વગર માત્ર એક સમાન રીતે મોદીનું મહિમામંડન કરી રહ્યું છે?


મીડિયામાં મોદી

Image copyright Getty Images

અંગ્રેજીના સૌથી પ્રતિષ્ઠિત તથા મોટા અખબારોને જુઓ, ટાઇમ્સ ઑફ ઇંડિયાને બાદ કરતા હિંદુસ્તાન ટાઇમ્સ, ઇંડિયન એક્સપ્રેસ, ધ હિંદુ, ધ ટેલિગ્રાફ યોગ્ય વિષય પર ઉગ્ર ટીકા કરે છે.

ટેલિગ્રાફ અને એક્સપ્રેસ ઘણીવખત અત્યંત કડક વલણ અપનાવે છે. ટેલિગ્રાફ તો ટીકાથી આગળ વધીને વિરોધનાં પત્રકારત્વના અતિવાદ સુધી પહોંચી જાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

હિંદીમાં (દૈનિક) જાગરણને બાદ કરતા અમર ઉજાલા, દૈનિક હિંદુસ્તાન, રાજસ્થાન પત્રિકા, પ્રભાત ખબર, (દૈનિક) ભાસ્કર, મહદંશે સંતુલિત રહે છે અને મોદીનું મહિમામંડન નથી કરતા. રાજસ્થાન પત્રિકા તો છડેચોક મોદી-ભાજપ-વસુંધરાની ટીકા કરે છે.

એ ખરું કે હિંદી તથા અંગ્રેજીની અમુક ચેનલો નિર્લજ્જતાની હદ સુધી મોદીભક્તિ તથા વિપક્ષના વિરોધમાં લાગેલી છે, પરંતુ બંને ભાષાઓમાં તટસ્થ અને આલોચક ચેનલો પણ છે.


પ્રાદેશિક મીડિયાની સ્થિતિ

Image copyright Getty Images

છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ઑનલાઇન મીડિયા તથા વિચારમંચોએ તેમની આગવી ઓળખ અને ધાક ઊભી કરી છે. જે મહદંશે મોદી-ભાજપ વિરોધી સ્વરોની જ છે, તેમાં પણ અંગ્રેજીમાં સવિશેષ.

તેનો પ્રતિકાર કરવાના ઇરાદે અનેક રાષ્ટ્રવાદી મંચ પણ ઊભા થયા છે, પરંતુ તેઓ અપેક્ષિત પ્રભાવ તથા પ્રસાર ઊભા નથી કરી શક્યા.

મૌલિક્તા, વેધકતા, નીડરતા, વિવિધતા તથા બૌદ્ધિકતાની દૃષ્ટિએ ઑનલાઇન મંચ ઘણી વખત પ્રિન્ટ મીડિયા કરતાં ચડિયાતા જણાય છે.

જોકે, આ બધું મુખ્યત્વે રાજધાની દિલ્હી કે અન્ય મુખ્ય શહેરોમાંથી પ્રસારિત હિંદી કે અંગ્રેજી મીડિયાની જ વાત છે.

જોકે, વ્યાપક ભારતીય મીડિયા તો દરેક રાજ્યમાં છે અને ડઝનબંધ ભાષાઓમાં પ્રકાશિત થાય છે. આપણી દૃષ્ટિ દિલ્હી કેન્દ્રિત હોવાને કારણે તેમની ઉપર ધ્યાન પણ નથી જતું. પ્રાદેશિક અખબારો કે ચેનલોની સંપાદકીય ભૂમિકા અને વલણ પ્રાદેશિક સરકાર વિરુદ્ધ ન જતાં, તેમની સાથે મળીને ચાલવાનું રહે છે.

દરેક જગ્યાએ અપવાદ હોય છે, એમ અહીં પણ છે. જ્યાં સુધી પોતપોતાના પ્રદેશની વાત ન આવે, ત્યાં સુધી કેન્દ્ર સરકાર, કેન્દ્રની સત્તારૂઢ પાર્ટી આમના પ્રત્યે દુર્લક્ષ સેવે છે.

એ પણ સત્ય છે કે આજે લગભગ 20થી વધુ રાજ્યોમાં ભાજપ-એનડીએની સરકાર છે, એટલે ત્યાંનું મીડિયા વાસ્તવિક્તાને પ્રતિબિંબિત કરે છે. કેન્દ્ર અને રાજ્યમાં એક જ પાર્ટીનું શાસન હોવાથી ત્યાં મુખ્ય મંત્રી-મોદી-ભાજપ-એનડીએના સમીકરણની અસર અનિવાર્યપણે ઊભી થાય છે.

આ પ્રકારની સ્થિતિ એ કોઈપણ લોકશાહી માટે આદર્શ નથી, પરંતુ લાંબા સમયથી ભારતીય મીડિયાનું ચરિત્ર તથા વાસ્તવિક્તા પણ આ જ છે.

પોતાના સમયમાં કોંગ્રેસે તેનો લાભ લીધો અને હવે ભાજપ તેનો લાભ લે છે.


જ્યાં ભાજપ સરકાર નથી

Image copyright DIPTENDU DUTTA

પરંતુ તેનો એવો મતલબ નથી કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના ઉગ્ર વલણ, તેલંગાણામાં કેસીઆર, આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડૂ, તામિલનાડુ, કર્ણાટક, કેરળ, પંજાબ વગેરેમાં મીડિયા મોદીની ગોદીમાં બેઠું છે. આ રાજ્યોના મોટાભાગના મીડિયાગૃહો પર મૂકી શકાય તેમ નથી.

તેમનું વલણ ત્યાંની સત્તારૂઢ પાર્ટીના મુખ્ય મંત્રીના વલણ મુજબ રહે છે. જ્યારે બિહારમાં નીતિશ ભાજપ વિરોધી ગઠબંધનની સરકાર ચલાવી રહ્યા હતા, ત્યારે તેમની ઉપર મીડિયાની ઉપર સખત નિયંત્રણ લાદવાના આરોપ લાગ્યા હતા. આજે એ જ નિયંત્રણ અને દબાણ એનડીએની તરફેણમાં છે.

બંગાળનાં મીડિયામાં અમુક અપવાદને બાદ કરતા આવી જ સ્થિતિ છે. પરંતુ આ વિશાળ પ્રાદેશિક મીડિયાના પ્રાદેશિક વલણ તથા ભૂમિકા વિશે આપણને પૂરતી જાણ નથી હોતી, એટલે આપણા વિચાર તથા વિશ્લેષણમાં આ વિશાળ વૈવિધ્ય જોવા નથી મળતું.

એ ખરું કે દસ વર્ષની મનમોહનસિંઘની સરકાર દરમિયાન મીડિયાના બહોળા વર્ગે ડૉ. મનમોહનસિંઘ કે કોંગ્રેસની ભક્તિ આટલા વ્યાપક સ્તરે નહોતી કરી, જેટલા સ્તરે આજે મોદીની ભક્તિ થઈ રહી છે.

એ પણ યાદ રાખવું ઘટે કે દસ વર્ષ દરમિયાન રાહુલ ગાંધીને દેશના તથા કોંગ્રેસના વિચક્ષણ રાજકીય નાયક અને ઉદ્ધારક તરીકે સ્થાપિત કરવાના પ્રયાસ મીડિયાએ કર્યા હતા.

અત્રે એ પણ યાદ રાખવું ઘટે કે એવા પણ દિવસો હતા કે જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે હત્યારા, કોમવાદી, કહેવા તથા ઠેરવવાનું અભિયાન દેશભરના મુખ્ય મીડિયા ગૃહો દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.

શું કોઈ મુખ્ય મંત્રી કે ભારતીય રાજનેતાએ મોદી જેટલો લાંબો અને જબરદસ્ત ટીકાનો મારો સહન કરવો પડ્યો છે? ના.


કઈ રીતે મોદીના સમર્થનમાં આવ્યું મીડિયા

Image copyright Getty Images

છાપ ખરડવાનું જેટલું અભૂતપૂર્વ અભિયાન હતું, એટલું જ અભૂતપૂર્વ જનસમર્થન પણ હતું. આ આંધીએ મોદીને વડા પ્રધાન બનાવી દીધા. આથી 'મોદીનું સર્જન મીડિયાએ કર્યું' એમ કહેવું મજાક છે.

પ્રચાર અભિયાન દરમિયાન મોદીને અભૂતપૂર્વ અને ઐતિહાસિક જનસમર્થન મળ્યું તથા તેમની સ્વીકાર્યતાની અભૂતપૂર્વ લહેરનો અહેસાસ થતા મીડિયાનો બહોળો વર્ગ મોદીના સમર્થનમાં આવ્યો હતો.

એ લહેર મોદી-શાહની વ્યૂહરચના, ચૂંટણી તૈયારી, વિશાળ સંશાધનો, ટેકનૉલૉજીના અભૂતપૂર્વ ઉપયોગ તથા સૌથી વધુ મોદીની ઊર્જાવાન, મૌલિક વકૃત્વકળા તથા સપનાં દેખાડવાની કળાને કારણે પેદા થઈ હતી. એ ગાડીમાં મીડિયા પાછળથી સવાર થયું હતું.

શિવ કહે છે કે બે દાયકા અગાઉ મોદી પૂર્ણતઃ એક અફવા હતા. સત્ય એ છે કે બે દાયકા અગાઉ તેઓ ભાજપના કાર્યકર્તા હતા અને બાદમાં મહાસચિવ બન્યા હતા.

ગુજરાતમાં તેમનું પુનરાગમન અને મુખ્ય મંત્રી બનવું એ કોઈ વ્યૂહાત્મક ગોઠવણ ન હતી. ભાજપ તથા ગુજરાતની અંદર એ સમયે એવી સ્થિતિ ઊભી થઈ હતી કે આ બધું શક્ય બન્યું હતું.

તેઓ અફવા નહીં, પરંતુ માત્ર ક્યારેક-ક્યારેક મીડિયામાં ચમકનારા ભાજપના નેતા હતા.

Image copyright Getty Images

મુખ્ય મંત્રી બન્યા બાદ ગોધરા અને ગુજરાતના હુલ્લડો દરમિયાન મોદીની છાપ મીડિયાએ એક આઇકન કે આદર્શ તરીકેની નહીં, પરંતુ એથી તદ્દન વિપરીત એક ખલનાયકની ઘડી હતી.

અભૂતપૂર્વ રીતે નકારાત્મક મીડિયા છાપ સામે લડીને, તેને હરાવીને મોદી સત્તાના શિખર સુધી પહોંચ્યા છે. મોદીએ મીડિયા દ્વારા શોધાયેલા કે નીર્મિત ન હતા, ત્યારે મીડિયાના માર્યા હતા.

આજે ચાર વર્ષ બાદ અમુક દૃષ્ટિએ સ્થિતિ વિપરીત પડતી જણાય છે. શિવને હજુ પણ માત્ર એ જ બધું દેખાય રહ્યું છે.

અગાઉ કહ્યું તેમ, આજે ખરેખર તથાકથિત રાષ્ટ્રીય મીડિયાનો એક પ્રભાવશાળી વર્ગ મોદી-મહિમામાં સામેલ છે, પણ સંપૂર્ણ મીડિયા નહીં.

એક વર્ગ અનાલોચક થઈ ગયો છે, પરંતુ એમ કહેવું કે સમગ્ર મીડિયા આવું થઈ ગયું છે, તે વૈચારિક અતિવાદિતા તથા અધૂરી વાત છે.

Image copyright Getty Images

શિવની કેટલીક ફરિયાદો વાજબી પણ છે. નોટબંધી અંગે અમુકને બાદ કરતા મીડિયાએ તથ્યો રજૂ નથી કર્યા.

પરંતુ એ સમયે લગભગ આખો દેશ, વિશેષ કરીને મધ્યમ વર્ગ તથા ખુદ મોદી અને તેમની સરકાર નોટબંધીની સકારાત્મકતાના સપનાંઓથી અભિભૂત હતા.

એ એક ગંભીર ભૂલ હતી, ખોટી ગણતરી હતી, પરંતુ બધાયને દેખાય રહ્યું હતું કે મોદીએ રાજકીય રીતે મોટું જોખમી પગલું લીધું હતું.

એ પગલું નિષ્ફળ રહ્યું પરંતુ તેનાથી મોદી ક્રાંતિકારી અને દેશહિતમાં કડક તથા અલોકપ્રિય પગલાં લેવાની ક્ષમતા ધરાવનારા નેતા તરીકે પ્રસ્થાપિત થયા.

Image copyright Getty Images

વિદેશ નીતિ અંગે શિવની એક ટિપ્પણી ઉલ્લેખનીય છે, જે આશ્ચર્ય પમાડે છે. મોદીની શિંજો એબે, પુતિન, ટ્રમ્પની સાથે મૈત્રીપૂર્ણ તસવીરો પડાવવા તથા આ લોકોને મોહી લેવાના આરોપ મૂકતી વેળાએ શિવ કહે છે - મીડિયાઆ ચાર દેશોનું નૈતિક ખોખલાપણું દેખાડવાનું ચૂકી જાય છે.

શું શિવ જેવા ગંભીર અને વિરષ્ઠ ચિંતક એ બાબત નથી જાણતા કે અસલ રાજનેતા માટે આ બધું રાજકીય ઔપચારિકતાથી વિશેષ કાંઈ ન હોય અને દેશહિત જ સર્વોપરી હોય છે.

વિદેશી બાબતોમાં દેશહિત જ સર્વોપરી હોય છે. આ દેશહિત માત્ર નૈતિક જ નહીં, આર્થિક, સૈન્ય કે વ્યૂહાત્મક પણ હોય છે.

મીડિયાની ટીકા કરતી વેળાએ શિવે જે એક વાત નથી કહી, તે હું કહેવા માગુ છું. એ બાબત દુખદ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રેસ કૉન્ફરન્સ નથી કરતા. ચાર વર્ષમાં એક પણ નથી કરી. જે ખોટું છે.

લોકશાહી ઢબે ચૂંટાયેલા દરેક વડા પ્રધાન તથા રાષ્ટ્રપતિની જેમ તેમણે પણ કરવી જોઈએ, પરંતુ જો ભારતીય મીડિયા ખરેખર મોદીભક્ત હોત તો શું મોદી આમ કરતા ખચકાતા હોત?

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે. તેમાં સામેલ તથ્યો તથા વિચાર બીબીસીના નથી તથા બીબીસી તેની કોઈ જવાબદારી નથી લેતું.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ