BBC TOP NEWS: 50 વર્ષ સુધી ભાજપને કોઈ હરાવી નહીં શકે- અમિત શાહ

અમિત શાહ અને મોદી

રવિવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું હતું કે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ ફરી શાસનમાં આવશે અને 50 વર્ષ સુધી ભાજપ જ રાજ કરશે.

'હિંદુસ્તાન ટાઇમ્સ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે રવિવારે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 2019ની ચૂંટણીમાં જીત થશે જ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કારણે ભાજપ 2019ની ચૂંટણી જીતી જશે અને પછી આગામી 50 વર્ષ સુધી કોઈ પક્ષ ભાજપને હરાવી નહીં શકે."

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી બન્યા ત્યારબાદ ભાજપને કોઈ હરાવી શક્યું નથી.

રામ મંદિર બનીને રહેશે, સુપ્રીમ કોર્ટ અમારી જ છે - ભાજપના મંત્રી

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

'ધ હિંદુ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ઉત્તર પ્રદેશની ભાજપ સરકારના કેબિનેટ મંત્રીએ કૅમેરા સમક્ષ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે અયોધ્યામાં રામમંદિર બનીને રહેશે, 'સુપ્રીમ કોર્ટ અમારી જ છે'.

શનિવારે પત્રકારો સાથેની વાતચીતમાં મુકુટ બિહારી વર્માએ રામ મંદિર અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કાઇસરગંજ મતવિસ્તારના આ ધારાસભ્યે કહ્યું કે રામ મંદિર બંધાય એ માટે અમે પ્રયત્નશીલ છીએ.

તેમણે ઉમેર્યું, "મામલો સુપ્રીમ કોર્ટમાં છે. સુપ્રીમ કોર્ટ પણ તો અમારી જ છે, ન્યાયપાલિકા પણ અમારી જ છે. ધારાસભા અમારી છે અને મંદિર પણ અમારું જ છે."

અહેવાલ પ્રમાણે 'અમારી' શબ્દ અંગે સ્પષ્ટતા કરવાનું પણ તેમણે ટાળ્યું હતું.

આજે વિપક્ષોનું ભારત બંધનું એલાન

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

પેટ્રોલ-ડીઝલની વધી રહેલી કિંમત, ડૉલર સામે કથડી રહેલો રૂપિયો સહિતના વિવિધ મુદ્દે કોંગ્રેસે સોમવારે ભારત બંધનું એલાન આપ્યું છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે કોંગ્રેસે આપેલા બંધના એલાનને 20 રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે.

પેટ્રોલ તથા ડીઝલના વધી રહેલા ભાવના કારણે તેને જીએસટી અંતર્ગત લઈ આવવાની માગ કરાઈ રહી છે.

કોંગ્રેસ નેતા અજય માકને રવિવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી સતત વધારી રહી છે. જે ઉઘાડી લૂંટ છે.

ગેસના સિલિન્ડરના વધી રહેલા ભાવ અને ડૉલર સામે રૂપિયાની કથડતી સ્થિતિ અંગે પણ વિરોધ નોંધાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના કેટલાક શહેરોમાં બંધના એલાનના પગલે ખાનગી શાળાના સંચાલકોએ શાળામાં રજાની જાહેરાત કરી દીધી હતી.

રાજીવ ગાંધીની હત્યાના કેસમાં ગુનેગારોને છોડી મૂકો - તામિલનાડુ સરકાર

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે રાજીવ ગાંધીની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 7 ગુનેગારોને મુક્ત કરવા માટે તામિલનાડુ સરકારે ઠરાવ પસાર કરીને રાજ્યપાલને ભલામણ કરી છે.

સાત પૈકી એક ગુનેગાર દ્વારા આ અંગે અરજી કરવામાં આવી હતી.

આર્ટિકલ 161 અંતર્ગત આવેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે આ અરજી અંગે નિર્ણય લેવાની રાજ્યની સત્તાને છૂટ છે.

આ અંગે તામિલનાડુના મંત્રી ડી જયકુમારે કહ્યું, "સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયનો રાજ્યપાલ અમલ કરશે એવી અમને આશા છે."

બિટકોઇન પ્રકરણમાં નલિન કોટડીયાની ધરપકડ

'ગુજરાત સમાચાર'ની અમદાવાદ આવૃત્તિમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે બિટકોઇન પ્રકરણમાં પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની મહારાષ્ટ્રના ધુલિયાથી ધરપકડ કરાઈ છે.

અમરેલી બેઠક પરના ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા વિરુદ્ધ કરોડોના બિટ કોઈન પ્રકરણમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અહેવાલ પ્રમાણે પૂર્વ ધારાસભ્ય ધરપકડથી બચવા માટે છ મહિનાથી ભૂગર્ભમાં ઊતરી ગયા હતા.

હવે ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોટડિયાના રિમાન્ડ મેળવીને બિટકોઇન પ્રકરણ અંગે વધું તપાસ હાથ ધરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો