દૃષ્ટિકોણઃ ભાજપી કાર્યકરોનું મનોબળ ઝંખવાયું છે ત્યારે કેટલું ચાલશે મોદી કાર્ડ?

  • રાધિકા રામાશેષન
  • વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
પ્રતિકાત્મક તસ્વીર

ઇમેજ સ્રોત, Getty Images

રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીના આંબેડકર સ્ટેડિયમમાં ભારતીય જનતા પક્ષ(ભાજપ)ની રાષ્ટ્રીય કારોબારીની બે દિવસની બેઠક શનિ અને રવિવારે યોજાઈ હતી. પાંચ રાજ્યોની વિધાનસભાની આગામી ચૂંટણીનો એજન્ડા નક્કી કરવા આ બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠક પર સતત નજર રાખી રહેલા બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ, દલિતોના મુદ્દાઓ, બંધારણીય મામલાઓ અને સવર્ણોના વધતા વિરોધ જેવી બાબતો 2019ની ચૂંટણી નજીક આવવા સુધી મથાળાઓમાં ચમકતા રહેશે તેની આશા ભાજપને ન હતી.

વરિષ્ઠ પત્રકાર રાધિકા રામાશેષન બીબીસી હિંદી રેડિયોના 'ઇન્ડિયા બોલ' કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યાં હતાં. તેમણે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક વિશે વિગતવાર વાત કરી હતી. તેમનો દૃષ્ટિકોણ વાંચોઃ

મોંઘવારી હોય, પેટ્રોલના વધતા ભાવની વાત હોય, રૂપિયાની ઘટતા મૂલ્યની વાત હોય કે દલિતો પરના અત્યાચારની વાત હોય. આવા જે મુદ્દાઓની ચર્ચા બહાર થઈ રહી છે એ તમામથી ભાજપના કાર્યકર્તાથી માંડીને ટોચના નેતાઓ બરાબર વાકેફ છે.

શું તમે આ વાંચ્યું?

પેટ્રોલના ભાવ જે રીતે વધ્યા છે તેનાથી કાર્યકરોમાં એક પ્રકારનો આક્રોશ છે.

મોકળાશથી ચર્ચા બંધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

નવી દિલ્હીમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં અરુણ જેટલી, અમિત શાહ, નરેન્દ્ર મોદી અને લાલકૃષ્ણ અડવાણી

ઉત્તર પ્રદેશના દેવરિયાના સંસદસભ્ય કલરાજ મિશ્ર જેવી મહત્ત્વની વ્યક્તિએ એ કારણસર જ ટ્વીટ કરવું પડ્યું હતું કે આપણે સવર્ણો તથા સમાજના અગ્ર વર્ગના લોકોનું પણ ધ્યાન રાખવું જોઈએ. એકતરફી નીતિ ન બનાવવી જોઈએ.

તેથી જે મુદ્દાઓની ચર્ચા દેશમાં ચાલી રહી છે, તેની ચર્ચા ભાજપમાં જરૂર થાય છે, પણ રાષ્ટ્રીય કારોબારી જેવા મંચો પર તેની મોકળાશથી ચર્ચા હવે બંધ થઈ ગઈ છે.

દેશમાં એક જમાનામાં રાષ્ટ્રીય મુદ્દાઓની મોકળાશથી ચર્ચા થતી હતી. આકરી ટીકા થતી હતી અને એ ટીકા પત્રકારો સુધી પણ પહોંચી જતી હતી, પણ આવી બેઠકોમાં આજકાલ તો સાંભળવામાં સારી લાગે તેવી બાબતોની વાતો જ થઈ રહી છે.

ભાજપના પ્રમુખ અમિત શાહનું એક જ લક્ષ્ય છે અને એ છે કાર્યકરોનું મનોબળ મજબૂત બનાવી રાખવાનું.

જેથી ભાજપ ગત ચૂંટણીમાં જેટલી બેઠકો જીતીને સત્તા પર આવ્યો હતો તેનાથી વધુ બેઠકો આ વખતે જીતી શકે.

સરકાર સામેની નારાજગીનાં કારણો

ઇમેજ સ્રોત, Reuters

ડૉલરની સામે રૂપિયાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. તેની સૌથી માઠી અસર વિદ્યાર્થીઓ પર થશે.

નરેન્દ્ર મોદી 2014 પહેલાં તેમના દરેક ભાષણમાં રૂપિયાના ઘટતા મૂલ્યની વાત વારંવાર કરતા હતા અને તેની અસર પણ થઈ હતી.

એ કારણે જ દેશના યુવાનો, વિદ્યાર્થીઓ અને બેરોજગારોએ નરેન્દ્ર મોદીના નામે ભાજપને મત આપ્યા હતા.

એ બધાના મનમાં એવી આશા હતી કે અચ્છે દિન કદાચ આવવાના છે. હવે પરિસ્થિતિ એ છે કે અચ્છે દિનનો નારો જ ભાજપને શૂળ બનીને ભોંકાઈ રહ્યો છે.

ઉત્તર પ્રદેશ અને અન્ય જગાઓ પર એ નારાને મજાક બનાવવામાં આવી રહ્યો છે.

એ ઉપરાંત ખેડૂતો પણ મોદી સરકારથી નારાજ છે. ખેડૂતોને એવું લાગે છે કે તેમને પાકના ટેકાના લઘુત્તમ ભાવ મળતા નથી.

જોકે, આ મુદ્દે આપણે સરકારને દોષી ઠેરવી શકીએ નહીં. સરકારે તો ટેકાના લઘુત્તમ ભાવ (એમએસપી) વધાર્યા છે. મોટો સવાલ એ છે કે તે મૂલ્યનો લાભ ખેડૂતો સુધી પહોંચે છે કે નહીં?

નરેન્દ્ર મોદીનો જાદુ ફરી ચાલશે?

ઇમેજ સ્રોત, Getty Images

વિધાનસભાઓની આગામી ચૂંટણીની વાત કરીએ તો ભાજપના વ્યૂહરચનાકારો તો એમ જ કહે છે કે અમારી પાસે મોદી કાર્ડ છે અને આખરે એ જ કામ આવશે.

કર્ણાટક જેવા રાજ્યમાં પણ મોદીનો ચહેરો ઉપયોગી સાબિત થયો હતો. અલબત, ત્યાં ભાજપ પૂર્ણપણે સફળ થયો ન હતો અને તેને બહુમતી મળી ન હતી.

હું કર્ણાટકમાં ચૂંટણીનું રિપોર્ટિંગ કરતી હતી ત્યારે લાગ્યું હતું કે નરેન્દ્ર મોદીની જાહેર સભાઓએ ભાજપતરફી વાતાવરણ સર્જવાનું કામ કર્યું છે.

તેથી એટલું તો સ્પષ્ટ જ છે કે વિધાનસભાઓની આગામી ચૂંટણીમાં પણ ભાજપ તો મોદી કાર્ડ સાથે જ આગળ વધશે.

હવે જોવાનું એ રહે છે કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવાં રાજ્યો, જ્યાં ભાજપ 15 વર્ષથી સત્તા પર છે ત્યાં સત્તાવિરોધી લહેરને નરેન્દ્ર મોદી રોકી શકે છે કે કેમ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ભાજપને જીતાડી આપવામાં નરેન્દ્ર મોદી સફળ તો રહ્યા હતા, પરંતુ તેમને અપેક્ષા અનુસારની જીત અપાવી શક્યા ન હતા.

રાજસ્થાનમાં સત્તાવિરોધી લહેર પ્રબળ છે ત્યારે તેને મોદી ફૅક્ટર દૂર કરી શકશે? એ પણ એવા સમયે જ્યારે રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજે પોતે એક મોટાં નેતા છે?

નરેન્દ્ર મોદી અને આરએસએસ

ઇમેજ સ્રોત, Getty Images

આપણે 2003-04ના અટલ બિહારી વાજપેયીના સમયકાળમાં ડોકિયું કરીએ. એ વખતે ભાજપ સત્તા પર હતો અને ચૂંટણીની તૈયારી કરી રહ્યો હતો.

એ વખતે ભાજપ ઘણો મજબૂત લાગતો હતો અને તેનો આત્મવિશ્વાસ પણ જોરદાર હતો. ભાજપ પાસે પ્રમોદ મહાજન જેવા ચતુર રાજકીય વ્યૂહરચનાકાર પણ હતા.

એ સમયે મેં ઉત્તર પ્રદેશમાં ખૂબ રિપોર્ટિંગ કર્યું હતું. મને એવું લાગ્યું હતું કે સ્થાનિક કાર્યકરોનું મનોબળ ઘણું નીચું હતું અને તેઓ માનતા હતા કે તેમનો ભાજપ હારી જશે.

એ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે (આરએસએસ) ભાજપને પૂરતો સહકાર આપ્યો ન હતો, કારણ કે આરએસએસ અને અટલ બિહારી વાજપેયી વચ્ચે ગંભીર મતભેદ હતા.

હાલના સમયમાં પણ સ્થાનિક કાર્યકરો નિરાશ તથા હતાશ જોવા મળી રહ્યા છે. ફરક એટલો છે કે આરએસએસ હજુ સુધી નરેન્દ્ર મોદીથી ઉબાઈ ગયો નથી.

ભાજપે 2014માં મોટો જનાદેશ મેળવ્યો હતો. તેનાથી પક્ષ આગળ જશે કે પાછળ એ બાબતે અત્યારે કંઈ કહેવું વહેલું ગણાશે. તેનો અંદાજ પણ લગાવી શકાય નહીં.

અત્યારે તો એવું માનવું પડશે કે મોદીના ચહેરાનો કરિશ્મા હજુ ફિક્કો પડ્યો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો