જ્યારે એક પિતાને જાણ થઈ કે તેમનો પુત્ર સમલૈંગિક છે

ગે Image copyright Getty Images

મને આજે પણ એ દિવસ યાદ છે. મારો દીકરો હર્ષુ આઈઆઈટી મુંબઈમાં એન્જીનિયરીંગમાં ભણે છે. તે એ વખતે એમ. ટેકના ચોથા વર્ષમાં હતો અને મુંબઈની એક હૉસ્ટેલમાં રહેતો હતો.

રજાઓમાં તે હંમેશાં એક કે બે દિવસ માટે ઘેર આવતો હતો.

એક દિવસ એણે મને અને સુલૂને (હર્ષુની માતા) બોલાવ્યાં અને કહ્યું કે તે અમને એક ખૂબ અગત્યની વાત કહેવા માંગે છે.

એના ચહેરા પરની ગંભીરતા મને આજે પણ બરાબર યાદ છે. મને લાગ્યું કે મારા દીકરાની કોઈ ગર્લફ્રેન્ડ હશે જેના વિશે તે અમને કંઈક કહેવા માંગતો હશે.

મારા મનમાં એ જ ડાયલૉગ ચાલી રહ્યો હતો -''યે શાદી નહીં હો શકતી.''

તમે આ વાંચ્યું કે નહીં?

હર્ષુએ બોલવાની શરૂઆત કરી. તે થોડાક દિવસ પહેલાં એક કૅમ્પમાં ગયો હતો. આ કૅમ્પનો હેતુ સમાજ,દેશ અને સામાન્ય જીવન અંગે સમજણ ઊભી કરવાનો હતો.

આ જ કૅમ્પસમાં એક સત્ર એવું પણ હતું જેમાં યુવાનોને તેમની સેક્સ્યુઆલિટી એટલે કે યૌન ઇચ્છા અંગે જણાવવામાં આવ્યું હતું.

હર્ષુએ અમને એ સત્ર વિશે કહેવાની શરૂઆત કરી.


અમે વિચાર્યું કે આ મજાક છે

Image copyright Getty Images

હું એ છોકરી વિશે જાણવા ઉત્સુક હતો કે જેને મારો દીકરો પ્રેમ કરવા માંડ્યો હતો. જોકે, એની કહાણીનો તો કોઈ અંત નજરે ચઢતો જ નહોતો.

એ સત્રના અંતમાં આયોજકોએ યુવાનોને જણાવ્યું કે શું કોઈ પોતાના વિશે કોઈ ખાસ વાત અહીં કહેવા માંગે છે.

ત્યારે હર્ષુએ હાથ ઉપર કર્યો અને કહ્યું કે તે કશું કહેવા આતુર છે.

હર્ષુએ કહ્યું, ''મારી યૌન ઇચ્છાઓને લઈને મને એક મૂંઝવણ છે. હું હેટ્રોસેક્સ્યૂઅલ નથી. મને લાગે છે કે હું હોમોસેક્સ્યૂઅલ(સમલૈંગિક) છું.''

હર્ષુની વાત સાંભળી હું અચંબામાં મૂકાઈ ગયો. મને ખબર નહોતી પડતી કે હું શું બોલું. એક પળ માટે તો મને લાગ્યું કે હર્ષુ અમારી સાથે મજાક કરી રહ્યો હશે.

મેં તેને પૂછ્યું, "શું તને ખબર છે કે તું શું બોલે છે?'' એણે સંપૂર્ણ આત્મવિશ્વાસથી પોતાનું માથું હલાવતા કહ્યું, 'હાં.'

સૂલુએ એને કેટલાક સવાલો કર્યા. જોકે, મને એ સવાલો તો યાદ નથી. પણ એટલું જરૂર યાદ છે કે હર્ષુની વાતો સાંભળ્યા બાદ મારા મગજમાં અગણિત વિચારો ફરી રહ્યા હતા.

હોમોસેક્સ્યૂઆલિટી અંગે મને થોડીક જાણકારી હતી. આ બધી વાતો મને સાહિત્ય, સિનેમા અને કેટલાક મેગેઝીન દ્વારા જ જાણવા મળી હતી.

મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે આ બાબત કોઈ વખતે મારા ઘરમાં જ મારી સામે આવશે.

મને ખબર છે કે એ વખતે અમારી ચર્ચા ક્યાં અટકી હતી. મેં કહ્યું હતું, ''સારું. આપણે બધાએ આ અંગે થોડું વધારે વિચારવું જોઈએ. હવે વધારે સવાલ-જવાબની જરૂર નથી.''

એના બે દિવસ બાદ હર્ષુ મુંબઈ પાછો ફરી ગયો. અમે પણ અમારા કામમાં વ્યસ્ત થઈ ગયાં.

સુલૂની પોતાની ફેક્ટરી છે, તે એક મિકેનિકલ એન્જીનિયર છે અને હું તો નિવૃત થઈ ચૂક્યો હતો પણ હું મારી પીએચડી પર કામ કરી રહ્યો હતો.


જ્યારે લોકોને ખબર પડશે ત્યારે શું થશે?

Image copyright Getty Images

અમે લોકો અમારા કામમાં વ્યસ્ત થઈ ગયાં હતાં પણ રહી રહીને મગજમાં કોઈક ખૂણામાં એ વિચાર ડોકિયું કરી જતો હતો.

તો બધી વાતોનો શું અર્થ છે? હવે અમારે શું કરવું જોઈએ? શું હર્ષુની માનસિક હાલત સારી નથી? જો તેના હૉસ્ટેલના મિત્રોને ખબર પડશે તો શું થશે?

એવા કેટલાય વિચારો મારા મગજમાં વમળની જેમ ઘુમરાતા હતા.

જોકે, જ્યારે હર્ષુએ આ વાત કીધી તે દિવસે ખબર નહીં કેમ પણ ના તો મેં ગુસ્સો કર્યો હતો એની પર કે ના તો સુલૂએ.

મેં અને સુલૂએ આ અંગે વાત સુધ્ધાં કરી નહીં.

સુલૂએ મને કહ્યું હતું, ''આ બધી હર્ષુના મગજની નકામી વાતો છે. થોડા દિવસમાં એ બધું જ ભૂલી જશે.''

જોકે, હું સુલૂની વાત સાથે બિલકુલ સંમત નહોતો.

મને વાતનો અણસાર મળી ચૂક્યો હતો કે અમારે એવા સંજોગોનો સામનો કરવાનો હતો કે જેને માટે અમે બિલકુલ તૈયાર નહોતાં.

સુલૂ બહારથી તો એકદમ શાંત જણાતી હતી. પણ મને ખબર છે કે એના મગજમાં મારી જેમ જ ઉથલ પાથલ મચેલી હતી.


એ સવાલોની શોધ

Image copyright Getty Images

દિવસ પસાર થવા માંડ્યા અને પછી મહિનાઓ. હર્ષુએ પોતાનો અભ્યાસ પૂરો કરી લીધો હતો. તે મિકેનિકલ એન્જીનિયરીંગમાં એમ.ટેક થઈ ચૂક્યો હતો.

તે વિદેશ જવા માંગતો નહોતો. એને ફેલોશિપ મળી ગઈ હતી અને તે ફેલોશિપના કામે ચંદ્રપુર જવાનો હતો.

જોકે, આ દરમ્યાન અમે હોમોસેક્સ્યૂઆલિટી વિશે ઘણું બધું જાણવા સમજવાનો પ્રયાસ કર્યો. આપણા દેશ અને બીજા દેશોમાં ઘણાં એવાં સંગઠનો છે જે આ મુદ્દે કામ કરી રહ્યાં છે.

એમની વેબસાઈટ છે. આ જ રીતે ઇન્ટરનેટ પર જાણકારી મેળવવાના ભાગરૂપે અમને બિંદુમાધવ ખિરે અંગે જાણવા મળ્યું.

તેઓ 'સમ-પથિક સમલૈંગિક' લોકો સાથે જોડાયેલા અલગ અલગ મુદ્દા પર કામ કરે છે. મેં ખિરેજી સાથે ફોન પર વાત કરી.

મને લાગ્યું કે તેઓ કેટલા વ્યસ્ત છે. પોતાના આવા વ્યસ્ત કાર્યક્રમમાંથી પણ તેમણે મને મળવા માટે સમય આપ્યો.

એમને મળ્યા બાદ મને કેટલી શાંતિ થઈ તેનું હું શબ્દોમાં વર્ણન કરી શકું તેમ નથી. તેમની વાતોમાં એક બાજુ જ્યાં સ્પષ્ટતા દેખાતી હતી તો બીજી બાજુ લાગણી.

ખબર નહીં હર્ષુ એમને મળવામાં કેમ સંકોચ અનુભવી રહ્યો હતો. એ જ કારણ છે કે હું જ પહેલાં તેમને મળવા માટે એકલો ગયો.

એ મુલાકાત બાદ અમે ઘણી વખત મળ્યા. બિંદુમાધવ ખિરે સાથે થયેલી આ મુલાકાતોએ સમલૈંગિકતા વિશે મારો દૃષ્ટિકોણ બદલી નાંખ્યો હતો.

એ સાથે અમે હર્ષુને પણ સમજવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. અમે અખબાર અને મેગેઝીનો દ્વારા વધુને વધુ સમલૈંગિકતા વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

અમને સમજાઈ રહ્યું હતું કે સમલૈંગિકતા એક સામાન્ય વસ્તુ છે. એને સારા-નરસા કે સાચા-ખોટાનાં ત્રાજવામાં તોળવું ભૂલભરેલું છે.

આ કોઈ બીમારી નથી કે ના તો કોઈ માનસિક સમસ્યા. અમે હર્ષુને કોઈ ડૉક્ટર પાસે ના લઈ ગયાં.

હું અને હર્ષુ બન્ને મુક્ત વિચાર ધરાવીએ છીએ. એટલે સમલૈંગિકતા માટે અમે કોઈ ધાર્મિક વિધી વિધાનના ચક્કરમાં અમે પડ્યાં જ નહીં.

અમે ક્યારેય એવું નથી વિચાર્યું કે આ અમારા કોઈ પાપનું ફળ છે. જોકે, હર્ષુનાં ભવિષ્ય અંગે અમને ચિંતા જરૂર હતી.

મને લાગતુ હતું કે જો કોઈ પોતાની જાતને સમલૈંગિક ગણાવે છે તો એણે એક વખત આ અંગે વૈજ્ઞાનિક પ્રમાણ મેળવી લેવું જોઈએ.

મેં આ વિશે હર્ષુને વાત કરી. પણ એણે મારી સામે ઠપકાની નજરે જોયું અને કહ્યું, ''પપ્પા કોઈ બીજું આપણા વિશે કેવી રીતે પ્રમાણ આપી શકે? શું તમારે કોઈને પૂછવું પડ્યું હતું કે તમે હેટ્રોસેક્સ્યૂઅલ છો?''

આ સવાલોનો મારી પાસે કોઈ જવાબ નહોતો.


હર્ષુનાં લગ્ન

Image copyright Getty Images

મારી સામે વારંવાર જે પ્રશ્ન ઊભો થતો હતો તે માત્ર વૈજ્ઞાનિક દૃષ્ટિએ જ નહીં પણ સામાજિકતા અને નૈતિકતા અંગેનો પણ હતો.

હર્ષુનાં લગ્નની ઉંમર થઈ રહી હતી. લોકોની નજરમાં તે લગ્ન માટે એક સારો મુરતિયો હતો. મારી ઉંમરનાં લોકોનાં બાળકોનાં લગ્ન થઈ રહ્યાં હતાં.

મોટો ભાગે હર્ષુનાં લગ્નનો સવાલ અમારી સામે આવી ઊભો રહેતો.

લોકો પૂછતાં, ''શું હર્ષુ લગ્ન વિશે નથી વિચારતો?''

અમે હસીને કહેતા આ વાત તમે એને જ પૂછી લો કારણ કે નિર્ણય તો એને જ લેવાનો છે.

લોકો જ્યારે હર્ષુને પૂછતા તો તે જવાબ આપતો, ''આટલી બધી ઉતાવળ કરવાની શી જરૂર છે? હું આનંદમાં જીવી રહ્યો છું, શું તમારાથી મારી ખુશી સહન નથી થતી?''

જોકે, એ વાત હું સ્વીકારું છું કે હર્ષુનાં લગ્નની ચિંતા મને ખાઈ જતી. મેં સ્વીકાર કરી લીધો હતો કે હર્ષુનાં લગ્નની શરણાઈ હું ક્યારેય સાંભળી નહીં શકું.

લગ્ન માટેની કહેવત આપણે સૌ જાણીએ જ છીએ, ''લગ્ન એવો લાડુ છે કે જે ખાય છે એ પણ પસ્તાય અને ના ખાય એ પણ પસ્તાય છે.''

એટલે હર્ષુનાં લગ્નની વાત આપણે અહીં જ પડતી મૂકીએ છીએ.

સુપ્રીમ કોર્ટના હાલના નિર્ણયએ સંભાવનાઓના ઘણા દરવાજા ખુલ્લા કરી દીધા છે.

હર્ષુ માટે શું સારું છે તેનો નિર્ણય એણે જાતે જ કરવાનો છે. એક પિતા હોવાને કારણે હું તેને ખુશ જોવા માંગું છું.

મારી વાત પૂરી કરતાં પહેલાં હું એક વાત કહેવા માંગીશ, એ વિચારધારા એકદમ ઘાતક છે કે જો એક હોમોસેક્સ્યૂઅલ વ્યક્તિ એક હેટ્રોસેક્સ્યૂઅલ વ્યક્તિ સાથે લગ્ન કરી લે તો આ વાત પર અહીંયા પૂર્ણવિરામ મૂકાઈ જશે.

પણ એ સ્થિતિ બન્ને માટે અત્યંત ખરાબ પુરવાર થશે. આનાં ઘણાં ઉદાહરણો છે. અમે સદ્ભાગ્યે અમારા દીકરા સાથે આવું નથી કર્યું.


અનુભવ વહેંચવા જરૂરી

Image copyright Getty Images

હું બીજી એક વાત કહેવા માંગીશ. એક બીજા સાથે અનુભવની આપ-લે ફાયદાકારક બની રહે છે. આ ગાળામાં મને આવા જ માતાપિતા સાથે વાતચીત કરવાની તક સાંપડી.

હર્ષે એક ગે મિત્રનાં માતાપિતા આ વાતને સ્વીકારવા તૈયાર નહોતાં ત્યારે એમની મુલાકાત અમારી સાથે કરાવી.

અમારી વચ્ચે વાતચીત થઈ અને દોસ્તની માતાએ અમને કહ્યું, ''તમારી સાથે વાત કરી અમને હળવાશ અનુભવી રહ્યાં છીએ.''

બિંદુમાધવ ખિરેને કારણે અમને એક સમલૈંગિક છોકરી અને એની માતાને મળવાની તક મળી.

હું એ જણાવવા માંગીશ કે આ મુલાકાતે મને એક અલગ જ દૃષ્ટિકોણ આપ્યો.

પુસ્તકમાં વાંચેલી વાતોની સરખામણીમાં નજરે નિહાળેલી બાબતની તમારા પર વધારે અસર પડતી હોય છે.

બિંદુમાધવ ખિરે અને એમની સંસ્થા 'સમ-પથિક' એ મુશ્કેલ પરિસ્થિતિમાંથી અમારા જેવાં માતાપિતા અને સમલૈંગિક પુરુષ અને મહિલાઓને બહાર કાઢવામાં ઘણી મદદ કરી છે.

અમે બન્નેએ પણ 'સમ-પથિક' દ્વારા આયોજીત થતા ગે પ્રાઇડ વૉક અને અનુભવની વહેંચણી અંગેના કાર્યક્રમમાં ભાગ લેવાની શરૂઆત કરી દીધી.

એક વખત બિંદુમાધવ ખિરેએ મને સલાહ આપી હતી કે મારે એક કાર્યક્રમ આયોજીત કરી સમલૈંગિકતાને સમજવાના ગાળા દરમિયાન થયેલા પોતાના અનુભવને લોકોમાં વહેંચવા જોઈએ.

એમની એ સલાહ ધ્યાનમાં રાખીને મેં એક કલાકનો કાર્યક્રમ આયોજીત કર્યો 'મનોગત' એટલે મારા વિચાર. એમની સલાહ પર મેં મારા અનુભવોને કાગળ પર ઊતાર્યા અને બિંદુમાધવ ખિરેએ મારા પુસ્તક 'મનાચિતે ગુંતી'(મનની મૂંઝવણ)નું સંપાદન કર્યું.

મિત્રો હું એક સમલૈંગિક છોકરાનો પિતા છું. મને આમ કહેવામાં કોઈ શરમ નથી આવતી કે દુ:ખ પણ નથી થતું.

સાથે સાથે મને આમ કહેવામાં કોઈ ગર્વનો અનુભવ કરવાની પણ ઇચ્છા નથી.

આ વાત હું એટલી જ સહજતાથી કહી શકું છું જેટલી સહજતાથી હું એમ કહી શકું કે 'તેની પાસે ચશ્મા' છે.

મારો દીકરો ઘણો સારો છે. મને અને એની માતાને ખૂબ પ્રેમ કરે છે. એનું સમલૈંગિક હોવું એ અમારા પ્રેમમાં કોઈ અડચણરુપ નથી.

મેં અને અમારા પરિવારે હર્ષુનાં સમલૈંગિક હોવાની વાત સહજતાથી સ્વીકારી લીધી છે.

મારાં માતાપિતા (જે અત્યારે ઘણા ઘરડા) થઈ ચૂક્યાં છે, મારાં ભાઈ-બહેન, એમના બાળકો અને મારા મિત્રોએ અમને ઘણું પીઠબળ પૂરું પાડ્યું.

સુપ્રીમ કોર્ટે હવે ધારા 377 અંગે નિર્ણય આપ્યો છે. અમારા પરિવારનાં બધા લોકો આનાથી ખૂબ ખુશ છે. અમે અમાર દીકરા માટે જ નહીં પણ બીજા છોકરા-છોકરીઓ માટે પણ ઘણાં ખુશ છીએ.

શેક્સપીયર જણાવે છે, 'આપણી દર્શનશાસ્ત્રની કલ્પના મુજબ હોરાશિયો, સ્વર્ગ અને ધરતી પર બીજી પણ ઘણી સારી વસ્તુઓ છે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ