BBC TOP NEWS : બૅન્કિંગ કૌભાંડો વિશે સરકારને આગોતરી જાણ કરી હતી - રાજન

રઘુરામ રાજન Image copyright Getty Images
ફોટો લાઈન રઘુરામ રાજન

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઈ)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને સંસદની એક સમિતિને સુપરત કરેલી નોંધમાં કહ્યું હતું કે, તેમણે છેતરપિંડીના ચર્ચાસ્પદ કેસોની યાદી સરકારને સોંપી હતી. પરંતુ આ મામલે શું કાર્યવાહી કરવામાં આવી તેની તેમને કોઈ જાણ નથી.

તેમણે આ નોંધમાં સમિતિને જણાવ્યું કે, વડા પ્રધાન કચેરીને તેમણે છેતરપિંડીના ચર્ચાસ્પદ કેસોની યાદી સોંપી હતી. તેમણે

કચેરીને કાર્યવાહી મામલે સહકાર માટે કહ્યું હતું અને તેમાંથી એક કે બે કેસમાં કેસ દાખલ કરવા પણ જણાવ્યું હતું.

સંસદ સભ્ય મુરલી મનોહર જોશીના વડપણ હેઠળની સમિતિને રઘુરામ રાજને આ નોંધ સુપરત કરી છે.

સમિતિને તેમણે એવું પણ કહ્યું કે, બૅન્કિંગ સિસ્ટમ એક પણ કૌભાંડી સામે કેસ દાખલ કરવામાં નિષ્ફળ ગઈ છે.


સોહરાબુદ્દીન કેસ : ડી. જી. વણઝારા આરોપમુક્ત

Image copyright Getty Images

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટર કેસમાં બોમ્બે હાઈકોર્ટે ગુજરાતના પૂર્વ એટીએસ ચીફ ડી. જી. વણઝારા સહિત અન્ય પોલીસકર્મીઓને આરોપમુક્ત કર્યા છે.

ગુજરાત અને રાજસ્થાનના પોલીસકર્મીઓ સામે આ મામલે કેસ ચાલી રહ્યો હતો. જેમાં તેમને આરોપમુક્ત કરવામાં આવ્યા છે.

ગુજરાતની ટ્રાયલ કોર્ટે અગાઉ આ પોલીસકર્મીઓને કેસમાં આરોપમુક્ત કર્યા હતા તેની સામે પિટિશન થઈ હતી..

જેમાં કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. સોહરાબુદ્દીનના ભાઈએ પણ એક પિટિશન દાખલ કરી હતી.

વર્ષ 2005માં સોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર થયું હતું. ગુજરાત પોલીસના દાવા અનુસાર તેમના ઉગ્રવાદી સંગઠનો સાથે સંબંધો હતા.


છારા નગર કેસ : JCP-DCPને કોર્ટ સમક્ષ હાજર થવા કોર્ટનું ફરમાન

Image copyright BBC/PAVAN JAISWAL

'ગુજરાત સમાચાર'માં પ્રકાશિત સમાચાર અનુસાર 26 જુલાઈની મોડી રાત્રે પોલીસ અને સ્થાનિકો વચ્ચે થયેલા ઘર્ષણના કેસમાં પોલીસ અધિકારીઓને કોર્ટમાં હાજર થવાની સૂચના આપવામાં આવી છે.

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એન. એસ. સિદ્દિકીએ અમદાવાદના જોઇન્ટ કમિશનર ઑફ પોલીસ અશોક યાદવ, ડેપ્યુટી પોલીસ કમિશનર શ્વેતા શ્રીમાળી, સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. એન. વિરાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. કે. મોરી, મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે. જી. ધિલોન અને સબ-ઇન્સ્પેક્ટર વિરુદ્ધ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટે સમન્સ જારી કરીને 11મી ઑક્ટોબરે કોર્ટ સમક્ષ હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે.

અહેવાલમાં કોર્ટે નોંધ્યું છે કે, ઉપરોક્ટ પોલીસ અધિકારીઓએ પોતાની ફરજના ભાગરૂપે કાર્યવાહી કરી હોય એવું જણાઈ રહ્યું નથી.

વળી એવી પણ નોંધ લીધી કે તેમની સામે કાર્યવાહી કરવા માટે પૂરતા પુરાવા છે.


'હું સત્તામાં આવ્યા બાદ એક પણ લિંચિંગ નથી થઈ'

Image copyright Getty Images

'ટાઇમ્સ નાઉ'ના અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેઓ રાજ્યમાં આવ્યા બાદ લિંચિંગની એક પણ ઘટના બની નથી.

તેમણે કહ્યું, "ઉત્તર પ્રદેશમાં લિચિંગનો એક પણ કેસ નથી બન્યો. દાદરીમાં અખલાકના લિચિંગનો કેસ ઘણા સમય પહેલાં બન્યો હતો."

"એ સમયની સરકારે એવું વાતાવરણ સર્જ્યું હતું. હાપુરમાં લિંચિંગની ઘટના આંતરિક વિખવાદના લીધે બની હતી."

"એ ઘટના બન્યા બાદ અમે તરત જ નિયમિત કાર્યવાહી હાથ ધરી હતી."

તેમણે વધુમાં કહ્યું કે રાજ્યમાં ગેરકાનૂની કતલખાના બંધ કરી દેવાયા હોવાથી લિચિંગ નહીં થઈ શકે.


તેલંગણા : બસ દુર્ઘટનામાં 57નાં મોત

'ફર્સ્ટપોસ્ટ'ના અહેવાલ અનુસાર તેલંગણાના જગતિયાલ જિલ્લામાં એક બસ પહાડ પરથી નીચે પડી જતા 57 લોકોનાં મોત થયા હતા. જ્યારે 30 લોકો ઘાયલ થયા હતા. અહેવાલ અનુસાર બસમાં તેની ક્ષમતા કરતા વધુ મુસાફરો સવાર હતા.

50 મુસાફરની ક્ષમતાવાળી બસમાં 90 મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા. હૈદરાબાદથી 200 કિમી દૂર શનિવારાપેટ ગામની પાસે આ દુર્ઘટના થઈ હતી. સ્પિડ બ્રેકર પાસે ડ્રાઇવરે કાબૂ ગુમાવી દેતા બસ નીચે પડી ગઈ હતી.

અકસ્માતનું ચોક્કસ કારણ શું છે તેની હાલ તપાસ ચાલી રહી છે.


હૈદરાબાદ : નિઝામના ટિફિનમાં ચોર દરરોજ ભોજન લેતો હતો

Image copyright twitter@hydcitypolice

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર હૈદરાબાદમાં નિઝામના મ્યુઝિયમમાં થયેલી ચોરીનો કેસ પોલીસે ઉકેલી નાખ્યો છે. આ ચોરીમાં નિઝામનું ટિફિન અને ચાનો કપ ચોરાઈ ગયો હતો.

અહેવાલ અનુસાર હીરાજડિત આ ટિફિનમાં ચોરે પોતે જમવાનું શરૂ કરી દીધુ હતું.

બે ચોર આ વસ્તુ ચોરીને મુંબઈ જતા રહ્યા હતા અને એક હોટલમાં રોકાયા હતા.

સોનાનું ટિફિન ચાર કિલોનું હતું જેમાં કિંમતી હીરા પણ લાગેલા છે. ચોરવામાં આવેલી રકાબી, ચમચી સહિતની વસ્તુઓ બરામદ કરી લેવાઈ છે.

પોલીસ અધિકારીને ટાંકીને અહેવાલમાં કહેવાયું છે કે, કદાચ નિઝામે પોતે આ ટિફિનનો ઉપયોગ નહીં કર્યો હોય, પરંતુ ચોર તેમાં ખાવાનું ખાતો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો