એ ગુજરાતી લેડી બૉડી બિલ્ડર જેણે બિકીની પહેરવાની વાત છુપાવી હતી

બિનલ રાણા

વડોદરાની બિનલ રાણા 2016થી વુમન્સ ફિઝીક્સની સ્પર્ધાઓમાં ભાગ લે છે. એ સ્પર્ધાઓમાં બિકીની પહેરવી પડે છે જે તેના પરિવારને મંજૂર નહોતું.

કોઈ યુવતી આવીને કહે કે મારે બૉડી બિલ્ડીંગના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી છે તો લોકોને અચરજ થાય એવો માહોલ હજી પણ પ્રવર્તે છે.

મહિલાઓ ફિગર બનાવવા માટે જિમમાં જઈને કેટલીક હળવી કસરતો કરે એનો ટ્રૅન્ડ છે, પણ કોઈ યુવતી જિમમાં જઈને વજનદાર ડંબેલ્સ ઊંચકે કે કસાયેલાં બાવડાં બનાવે એવું દૃશ્ય દોહ્યલું છે.

જોકે, વડોદરાની બિનલ રાણા એવી ઍથ્લીટ છે જે જિમમાં કસરત કરે છે ત્યારે કેટલાક યુવકો પણ તેને જોઈને દંગ રહી જાય છે.

કસરત પ્રત્યેની બિનલની લગન જોઈને યુવકોને પણ પાનો ચઢે છે એવું બિનલ રાણાના કોચ સંદીપ ચૌહાણ કહે છે.


બિકીની...ના બાબા ના!

બિનલ રાણા બૉડી બિલ્ડર છે. વુમન્સ ફિઝીક્સમાં ઍથ્લીટ છે, તેમજ ફિઝિયૉથૅરપિસ્ટ છે.

બિનલ રાણા ઇન્ડિયન બૉડી બિલ્ડર્સ ફેડરેશનનાં ઍથ્લીટ છે.

તેમણે અમદાવાદ, મુંબઈ, ગોવા, પૂણે વગેરે શહેરોમાં યોજાયેલી બૉડી બિલ્ડીંગની સ્પર્ધામાં ભાગ લીધો છે.

વુમન્સ ફિઝીક્સમાં તેમને જ્યારે મંચ પર બૉડી બિલ્ડર તરીકે રજૂ થવાનું હોય ત્યારે બિકીની પહેરવી પડે છે.

બિનલે બિકીની પહેરવા માટે લાંબા સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

બિનલે જણાવ્યું હતું, "હું બિકીની પહેરું તે મારા માતાપિતાને પસંદ નથી. એવી કેટલીય સ્પર્ધા હશે જેમાં ભાગ લેતી વખતે મેં ઘરે જણાવ્યું ન હોય અથવા ફક્ત એટલું જ કહ્યું હોય કે ફિટનેસ કૉમ્પિટીશનમાં રમવા જાઉં છું."

"હું કૉમ્પિટીશન્સના ફોટો સોશિયલ મીડિયા પર મૂકતી હોઉં છું. મારાં માતાપિતા સોશિયલ મીડિયા પર નથી."

"જોકે, એકદિવસ તેમને આડકતરી રીતે ખબર પડી ગઈ કે હું કૉમ્પિટીશનમાં બિકીની પહેરું છું."

બિનલ વધુમાં જણાવે છે, "મમ્મી સુધી એવી વાત પહોંચી કે તમારી દીકરી તો ઘણી આગળ નીકળી ગઈ છે. તમે આટલી બધી છૂટ આપી રાખી છે."

"આના લીધે મારા મમ્મીને ખૂબ ખોટું લાગ્યું હતું. તેમને થયું હતું કે મારી દીકરી આ બધું શું કરી રહી છે!"

આ ખબર પડ્યા પછી બિનલના ઘરે શું થયું એ વિશે વાત કરતાં તેઓ કહે છે, "હું બૉડી બિલ્ડીંગની સ્પર્ધામાં બિકીની પહેરું છું એ વાત ખબર પડ્યા પછી ઘરમાં ખટરાગ શરૂ થયો."

"તેમણે મને કહ્યું હતું કે તું ફિઝિયૉથૅરપિસ્ટ છે તું આવું બધું ના કર. ફિઝિયૉથૅરપિસ્ટને આ બધું ના શોભે."

"મારું ફક્ત એટલું જ કહેવું હતું કે આ કોઈ શરમની વાત નથી."

બિનલ કહે છે, "બૉડી બિલ્ડીંગ એક સ્પોર્ટ્સ છે, એમાં મારે બિકીની પહેરવી પડે. ઘરમાં ખટરાગ થયા પછી દોઢ વર્ષ હું મારા ઘરથી અલગ રહી હતી."

"હું એકલી રહેતી હતી ત્યારે મને ઘરની ખૂબ યાદ આવતી હતી. એ દરમિયાન માતાપિતાએ તો મને પાછી બોલાવી હતી."

"જોકે, હું મારા બૉડી બિલ્ડીંગના લક્ષ્યને વળગેલી હતી. તેથી હું ઘરે ગઈ જ નહોતી. હવે મારાં માતાપિતા સાથે સારા સંબંધ છે."

બિનલ ઉમેરે છે, "મને મારા પૅરન્ટ્સે જ મજબૂત બનાવી છે, તેથી હું આ ક્ષેત્રમાં આગળ વધી શકી છું."


બૉડી બિલ્ડીંગના ક્ષેત્રમાં ઓછી યુવતીઓનું કારણ બિકીની

બિનલે કહ્યું હતું કે "હું જે સ્પર્ધાઓમાં ભાગ લઉં છું, એમાં કૉસ્ચ્યુમ તરીકે બિકીની પહેરવાની હોય છે."

"એને લીધે ઘણી યુવતી ખચકાટ અનુભવે છે, તેથી પણ આ ક્ષેત્રમાં આવતા યુવતીઓ ખચકાય છે."

બિનલ ઉમેરે છે, "લોકોએ એ સમજવાની જરૂર છે કે જેમ સ્વિમરને જેમ સ્વિમિંગ કૉસ્ચ્યુમ પહેરવા પડે છે, એ રીતે બૉડી બિલ્ડિંગ પણ એવું સ્પોર્ટ્સ છે કે જેમાં સ્પોર્ટ્સ બિકીની પહેરવી પડે છે. અમે તેને જ અનુસરીએ કરીએ છીએ."

બિનલે જણાવ્યું હતું, "બૉડી બિલ્ડિંગના ક્ષેત્રમાં મહિલાઓ ધીમેધીમે આગળ આવી રહી છે. હું માનું છું કે દરેક મહિલાએ બૉડી બિલ્ડિંગમાં રસ દાખવવો જોઈએ."

"બૉડી બિલ્ડિંગનો અર્થ એવો નથી કે તમારી પાસે પુરુષો જેવા અત્યંત કસાયેલા મસલ્સ હોય."

"પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ વ્યાપક માત્રામાં હોય છે. મહિલા ખૂબ કસરત કરે તો પણ પુરુષો જેવી કસાયેલા સ્નાયુવાળી બૉડી બનાવી શકતી નથી."

"બૉડી બિલ્ડિંગનો ફાયદો એ છે કે તેનાથી સ્નાયુ મજબૂત બને છે અને ઘરડાપણું ઝટ આવતું નથી."

બિનલ રોજ એક કલાક જિમમાં જઈને કસરત કરે છે. તે માને છે કે એક કલાકની કસરત પર્યાપ્ત છે.

તેણે કહ્યું, "સામાન્ય રીતે લોકો જિમમાં વજન વધારવા કે ઘટાડવા માટે જાય છે."

"હું બૉડી બિલ્ડિંગ માટે જ જિમમાં જાઉં છું અને રોજ એક કલાક કસરત કરું છું."

બિનલ રાણાનું એક સપનું છે. તે બૉડી બિલ્ડિંગમાં ભારત તરફથી આંતરરાષ્ટ્રીય સ્તરે રમવા ઇચ્છે છે.

સંદીપ ચૌહાણ બિનલના કોચ છે. તેમણે કહ્યું, "પાંચેક વર્ષ પહેલાં હું અને બિનલ મળ્યાં હતાં. એ વખતે તે યોગ કરતી હતી. તેનું શરીર ફ્લેક્સિબલ હતું."

"ધીરેધીરે કસરત શરૂ કરી ત્યારે ખબર પડી કે આ છોકરીમાં એક લેવલથી બીજા લેવલ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. વર્કઆઉટ્સ વધતા ગયા તેમતેમ બિનલનો વિકાસ થતો ગયો."

ઍથ્લીટ તરીકે તેમની શારીરિક ક્ષમતા જોઈને તેમણે વુમન ફિઝીક્સમાં રમવા માટે ઝંપલાવ્યું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ