BBC TOP NEWS - મધ્યપ્રદેશ : ભોપાલ યુનિવર્સિટી આપશે 'આદર્શ વહુ'નું સર્ટિફિકેટ

મહિલા Image copyright Getty Images

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ભોપાલમાં આવેલી બર્કતુલ્લાહ યુનિવર્સિટી 'આદર્શ વહુ' નામનો કોર્સ શરૂ કરવા જઈ રહી છે.

યુનિવર્સિટીનું માનવું છે કે, મહિલા સશક્તિકરણ મામલે આ એક પ્રગતિદાયક પગલું છે.

આગામી શૈક્ષણિક સત્રથી ત્રણ મહિનાનો કોર્સ શરૂ કરવામાં આવશે.

યુનિવર્સિટીનાં ઉપ-કુલપતિ પ્રો. ડી. સી. ગુપ્તાને ટાંકીને અહેવાલમાં કહેવાયું છે કે યુવતીઓ લગ્ન બાદ નવા માહોલમાં અનુકૂલન સાધી શકે એ માટે આ કોર્સ નક્કી કરાયો છે.

તેમણે કહ્યું, "યુનિવર્સિટીની સમાજ પ્રત્યે પણ કેટલીક જવાબદારી હોય છે. અમે માત્ર શૈક્ષમિણ બાબતો સુધી જ સિમિત થવા નથી માંગતા. પરિવારને એક રાખી શકે એવી વહુ તૈયાર કરવાનો અમારો હેતુ છે."

આ કોર્સ યુનિવર્સિટીના સાઇકોલૉજી, સોશિયોલૉજી અને વુમન્સ સ્ટડી વિભાગમાં પાયલોટ પ્રોજેક્ટના આધારે ચલાવવામાં આવશે. પહેલી બેચમાં 30 સ્ટુડન્ટને કોર્સમાં દાખલ કરવામાં આવશે.


ડૉલસ સામે નબળા પડી રહેલા રૂપિયાને મજબૂત કરવા સરકારની કોશિશ

Image copyright Getty Images

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર ડૉલર સામે નબળા પડી રહેલા રૂપિયાના ઘટતા મૂલ્યને અંકુશમાં લેવા માટે સરકારે પાંચ સૂત્રનો કાર્યક્રમ તૈયાર કર્યો છે.

નાણાં મંત્રી અરુણ જેટલી અને રિઝર્વ બૅન્કના અધિકારીઓની વડા પ્રધાન મોદી સાથે કલાકો સુધી ચાલેલી બેઠક બાદ આ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

ચાલુ ખાતકીય ખાધ ઘટાડીને રૂપિયાના મૂલ્યને અટકાવવાની કોશિશ થઈ રહી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કાર્યક્રમ અંતર્ગત વિદેશથી કરજ લેવાના નિયમોમાં છૂટ અને બિન-જરૂરી આયાત પર નિયંત્રણ સહિતાનાં પગલાં જાહેર કરાયા છે.

અત્રે નોંધવું કે જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધી ડૉલર સામે રૂપિયાનું મૂલ્ય 13 ટકા ઘટ્યું છે. 12 સપ્ટેમ્બરના રોજ ડૉલર સામે રૂપિયાનો ભાવ 72.91 હતો.


હરિયાણામાં 19 વર્ષની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ

Image copyright Getty Images

'ફ્રી પ્રેસ જર્નલ'ના અહેવાલ અનુસાર હરિયાણામાં 19 વર્ષની યુવતી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે.

આ મામલે કનીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હરિયાણાના રેવાડી જિલ્લામાં આ ઘટના બની છે.

પીડિત યુવતીએ બોર્ડની પરીક્ષામાં રાજ્ય સ્તરે ટૉપ કર્યું હતું અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તેમનું સન્માન પણ થયું હતું.

સમગ્ર ઘટનાને પગલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરે આરોપીઓને સજા કરવાની ખાત્રી આપી છે.

અહેવાલ અનુસાર યુવતી કોચિંગ ક્લાસ જઈ રહી હતી ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં કારમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

એફઆઈઆરમાં ત્રણ ઇસમોનાં નામ આરોપી તરીકે દાખલ કરાયા છે. પીડિતાની ફરિયાદ છે કે નશીલો પદાર્થ ખવડાવીને સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.


હ્યુમન ડેવલપમૅન્ટ ઇન્ડેક્સ : 189 દેશોમાં ભારતનો 130મો ક્રમ

Image copyright Getty Images

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા નવા 'હ્યુમન ડેવલપમૅન્ટ ઇન્ડેક્સ'માં ભારત 130મા ક્રમે છે.

અહેવાલ અનુસાર ભારતમાં લાખો લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે, તેમ છતાં દેશમાં અસામનાતનું વ્યાપક પ્રમાણ હોવાનું તારણ આપવામાં આવ્યું છે.

આ વર્ષે ભારતનો ઇન્ડેક્સ 0.64 છે, જે ગત વર્ષે 0.636 રહ્યો હતો. ભારતને માનવ વિકાસ બાબતે મધ્યમ સ્તરની કૅટેગરીમાં મૂકવામાં આવ્યું છે.

જોકે, ગત વર્ષ કરતાં એક ક્રમનો સુધારો જોવા મળ્યો છે. વર્ષ 1990થી વર્ષ 2017 દરમિયાન ભારતનો 'હ્યુમન ડેવલપમૅન્ટ ઇન્ડેક્સ' 0.427થી વધીને 0.640 થયો છે. એટલે કે લગભગ 40થી 50 ટકા વધ્યો છે.


ઈસરો જાસૂસી કેસ - વૈજ્ઞાનિક નારાયણને 50 લાખનું વળતર ચૂકવવા સુપ્રીમનો આદેશ

Image copyright Getty Images

'ધ હિંદુ'ના અહેવાલ અનુસાર ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક નાંબી નારાયણને સુપ્રીમ કોર્ટે જાસૂસી કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે.

નાંબીને ભોગવવી પડેલી માનસિક યાતના બદલ 50 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ કોર્ટે આદેશ આપ્યો છે.

વળી કેસની તપાસમાં કચાશ રાખવા બદલ કેરળ પોલીસ સામે તપાસના નિર્દેશ પણ આપ્યા છે.

વળતર ચૂકવવા માટે કોર્ટે આઠ સપ્તાહની મુદ્દત આપી છે.

અત્રે નોંધવું કે વર્ષ 1914માં નાંબી નારાયણ પર જાસૂસીનો કેસ દાખલ કરાયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો