BBC TOP NEW : રામદાસ આઠવલેનું નિવેદન, 'હું મિનિસ્ટર છું, પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી ફરક ન પડે'

રામદાસ આઠવલે Image copyright Getty Images
ફોટો લાઈન રામદાસ આઠવલે

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ શનિવારે એક નિવેદનમાં કહ્યું કે, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી તેમને ફરક નથી પડતો કેમ કે, તેઓ મિનિસ્ટર છે.

તેમને મળતા સરકારી લાભનો સંદર્ભ આપતા તેમણે કહ્યું. "પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી મને ચિંતા નથી કેમ કે હું મિનિસ્ટર છું."

એક પત્રકાર પરિષદમાં થોડા હળવા મિજાજમાં તેમણે કહ્યું,"જો હું મિનિસ્ટરની ખુરશી ગુમાવી દઈશ તો મને જરૂરથી ફરક પડશે."

તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આપને આ ભાવવધારાની અસર થાય છે?

તેમણે જવાબમાં કહ્યું કે તેમના કરતા અન્ય લોકોને વધુ અસર થાય છે.

મોદી સરકારમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી આઠવલેએ કહ્યું કે"ઇંધણના વધતા ભાવોથી લોકોને અસર થઈ રહી છે એ સમજી શકાય એવી બાબત છે."

"ભાવ નિયંત્રણમાં લેવા એ સરકારની ફરજ છે."


બેરોજગાર યુવાનો કરે છે બળાત્કાર : ભાજપના નેતા

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર મોદી સરકારના કેન્દ્રીય મંત્રીનાં પત્ની અને ભાજપના સંસદસભ્યએ એક નિવેદનમાં કહ્યું કે બેરોજગાર યુવાનો જ બળાત્કાર કરતા હોય છે.

હરિયાણામાં ભાજપનાં સંસદસભ્ય પ્રમેલતાએ કહ્યું કે "યુવાનો બેરોજગારીથી કંટાળીને હતાશ થતાં દુષ્કર્મ જેવા અપરાધ કરતા હોય છે."

તમે આ વાંચ્યું કે નહીં?

રેવાડી જિલ્લાંમાં યુવતી સાથે થયેલા દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે એવા સમયે ધારાસભ્યના આ નિવેદનને કારણે નવો વિવાદ સર્જાયો છે.

તેમણે કહ્યું આજે પણ મહિલાઓ પ્રત્યે લોકોનો દૃષ્ટિકોણ સારો નથી અને આ બાબત સમસ્યાનું મૂળ છે.

અત્રે નોંધવું કે પ્રેમલતા કેન્દ્રીય મંત્રી બિરેન્દ્ર સિંહનાં પત્ની છે.


ગુજરાતમાં મોબ લિંચિગ કરનારને ત્રણ વર્ષની જેલ થશે

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ગુજરાત સરકારે મોબ લિંચિગના અપરાધને ભારતીય દંડ સંહિતાની કલમ 153-એ હેઠળના ગુનામાં સામેલ કર્યો છે.

આઈપીસીની કલમ 153-એ હેઠળ મોબ લિંચિંગ કરનાર કે આ માટે ભીડને ઉશ્કેરનારને ત્રણ વર્ષની કેદની સજા થઈ શકશે.

શનિવારના રોજ ગુજરાત સરકારે આ જાહેરાત કરી હતી. સંબંધિત વિસ્તારો માટે પોલીસ કમિશનર અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફિસરને નોડલ ઓફિસર તરીકે નિમવામાં આવ્યા છે.

લિંચિગ પ્રકારની ઘટનાઓને અંકુશમાં લેવા માટે આ અધિકારીઓ જવાબદાર રહેશે.


પીતાં હો તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીવો : મનસુખ વસાવા

Image copyright Mansukh Vasava@facebook

'સંદેશ'ના અહેવાલ અનુસાર ભાજપના વધુ એક ભાજપી નેતાએ એક નિવેદન આપતા વિવાદ સર્જાયો છે.

ગત રોજ સ્વચ્થતા એજ સેવા હેઠળ ભરૂચમાં સ્વચ્છતાના કાર્યક્રમમાં સંસદસભ્ય મનસુખ વસાવા એક વિસ્તારમાં સફાઈ હેતુસર ગયા હતા.

સફાઈ દરમિયાન દેશી દારૂની ખાલી પોટલીઓ મળી આવતા તેમણે કંઈક કહ્યું કે વિવાદ સર્જાયો.

તેમણે કહ્યું કે "પીતાં હો તો ભલે પણ વ્યવસ્થિત જગ્યાએ પીવો."

સંસદસભ્યએ જાતે કોથળીઓ ઉઠાવીને કચરા પેટીમાં નાખી હતી અને તેમના નિવેદનનો વીડિયો પણ વાઇરલ થયો હતો.

અત્રે નોંધવું કે ગુજરાતમાં દારૂબંધી છે અને આ મામલે ગુજરાતે સરકારે એક નીતિ પણ બનાવેલી છે.


બંધારણમાં ધર્મને આધારે અનામતની મંજૂરી નથી : અમિત શાહ

Image copyright AMIT SHAH/TWITTER

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે એક નિવેદનમાં કહ્યું કે દેશનાં બંધારણમાં ધર્મના આધારે અનામતની મંજૂરી નથી.

તેલંગણામાં ચૂંટણીપ્રચારની શરૂઆત સાથે પત્રકાર પરિષદ યોજી હતી.

તેમણે કહ્યું,"કેસીઆરની તેલંગણા રાષ્ટ્ર સમિતિ એઆઈએમઆઈએમ અને ડાબેરીઓના એજન્ટની જેમ કરે છે.''

તેમણે એવું પણ ઉમેર્યું, ''રાજ્યના લઘુમતી વર્ગનાં લોકોને 12 ટકા અનામત આપવાની વાત તુષ્ટિકરણનું રાજકારણ છે. દેશનાં બંધારણમાં ધર્મના આધારે અનામત આપવાની અનુમતિ નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો